એવું શું છે કે જે એક યુવાનને એની ઉજ્જવળ આશાસ્પદ કારકિર્દીને ત્યજી દેવા અને આદિવાસીઓ વચ્ચે જીવવા ફરજ પાડે છે? શા માટે એક ઠરીઠામ થયેલો ગૃહસ્થી સાચા અર્થમાં આશ્રમી જીવન આરંભે છે? એવું શું છે કે જે એક ઉચ્ચ લાયકાત ધરાવતી વ્યક્તિને તેના હર્યાભર્યા જીવનને ચાર દિન કી ચાંદની માનવાને અને સાવ સાદું જીવન જીવવાને ફરજ પાડે છે? અહીં સ્પર્ધાના ગાંડા દોડ-પ્રવાહના સ્થાને અન્ય આવશ્યકતા અને અનિવાર્યતાઓ છે, અને એ હિસાબે કેટલાક મુઠ્ઠીભર લોકોએ એ પ્રવાહ-પવન સામે લાલબતી ધરીને વણ-ખેડાયેલા માર્ગે પગરણ માંડ્યાં છે.

અરવિંદ નામે એક યુવાન. આઈ.આઈ.ટી. કાનપુરનો એક વિદ્યાર્થી હોવાની સાથોસાથ જ તેણે વંચિત બાળકોને માટે એક ‘તક’ શાળા (OPPORTUNITY SCHOOL) ચલાવી. પરીક્ષામાં પ્રથમ વર્ગ લાવવાની તેને કોઈ ચિંતા નથી. સ્પર્ધાનું ગાંડપણ તેને સ્પર્શ્યું નથી. દરેક આઈ.આઈ.ટી. ખાતે મુઠ્ઠીભર બિન-પ્રણાલીગત પરિવર્તન-વાંછુ વિદ્યાર્થીઓ પરોપકારના પ્રજ્વલિત પ્રેરણ થકી ચીલો ચાતરતા રહે છે. અને એ રાહે, ડૉ. સદ્‌ગોપાલના ગ્રામ-વિકાસ અંગેના વ્યાખ્યાને ભાઈ અરવિંદને કોઈ વૈકલ્પિક જીવન-રીતિની શોધ કરવા પ્રેર્યો…નર્મદા-ખીણના આદિવાસીઓમાં કામ કરતા ‘કિશોર-ભારતી’ જૂથ સાથે તે જોડાયો અને ગ્રામ-શિક્ષણને અર્થ વૈજ્ઞાનિક મદદ-સાધનોનો આવિષ્કાર કર્યો – જેના થકી તેને એક ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયો. આદર્શના આ શિખર-તબક્કે જ તેણે અખબારમાં જીવન-સંગિની અંગે જાહેરાત આપી. અને સુનીતા નામની એક અધ્યાપિકા તેની સાથે જોડાઈ – એક નવી જીવન-રીતિ તથા મૂલ્યોની શોધમાં, મહારાષ્ટ્રની ધૂલે અને શાહદા જિલ્લાઓમાં આ અરવિંદની જેમ ઘણા યુવાન ગાંધીજી, વિનોબા તથા આમ્ટે કાર્યરત છે! આ બધે એક ધ્યેય-યાત્રા છે જેમાં વ્યક્તિ અને સમાજના હિત-સારપ સામસામે નથી, પરંતુ સાથ-સાથે છે.

સ્પર્ધા-દોડ થકી મહત્ત્વાકાંક્ષીઓ હાંફતા-હાંફતા જીવે છે. પરંતુ આવું ગાંડપણ શીદને? પૈસો? સફળતા? આવા સવાલ અમેરિકાની એક પ્રતિષ્ઠિત ઇજનેરી કૉલેજમાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસમાં જોતરાયેલ અનિકેતને મૂંઝવ્યો. અસાધારણ સફળતા સાથે આ અભ્યાસ પૂરો કર્યા બાદ બેંગલોરમાં બહુ રાષ્ટ્રિય પેઢીમાં નોકરીની ઉત્તમ તક હોવા છતાંય અનિકેત તેને છોડીને ફિલ્મના અભ્યાસમાં જોતરાયો, પૈસો એ સર્વસ્વ નથી. દરેકે પોતાની અંતરેચ્છાને સંતોષ મળે એ કાર્ય કરવું જોઈએ. કોઈએ, અમુક કારકિર્દી ખૂબ પૈસા રળી આપે તેવી છે એમ માત્રથી જ તેની પસંદગી ન કરવી જોઈએ. તો પછી તેણે અગાઉના એટલા ઉચ્ચ અભ્યાસ પાછળ પૈસા શા માટે વેડફ્યા? જ્યારે તમે ઉચ્ચ-મધ્યમ વર્ગમાં રહેતા હો છો ત્યારે એ વર્ગની સમગ્ર લાક્ષણિકતા તમને એક ચોક્કસ – નિયત દિશામાં જવાને ફરજ પાડે છે. તમે એ દબાણને વશ થાઓ છો, તમે લોકોને એ દ્વારા ખુશ કરો છો….અને પછી જ્યારે શરમ ફાટવાનો સમય આવે છે ત્યારે તમે ‘તમે’ બનો છો.

આવું જ કાંઈક વિદ્યુતલતા અને વિવેક પંડિતનું છે. આ યુગલ તેમના યુવાકાળથી જ સમાજ-સેવાને વરેલું છે. રાષ્ટ્રિય સેવા દળના સભ્યો તરીકે ચૅમ્બર ખાતે વિદ્યુતલતા અને વિવેક ગોરેગાંવમાં શાળા ચલાવતા. ૧૯૭૯માં તેઓએ પરીને Community Aid & Sponsorship Programmes International સાથે કામ આરંભ્યું અને એ રીતે બાળ-શિક્ષણ માટે પ્રવૃત્ત થયાં. પરંતુ આગળ જતાં, શોષિત લોકોની સાથે અને તેમના માટે કામ કરવાની અદમ્ય ઇચ્છાથી તેઓએ ગ્રામ્ય વસાઈમાં ‘વિધાયક સંસદ’ની સ્થાપના કરીને ગ્રામ્ય પુનર્નિર્માણમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી. એ પછી દહીંસર ખાતે આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરીને આસપાસનાં બાર ગામડાંને સાંકળી લેતી બાલવાડી, ઘોડિયા-ઘર તેમજ રોજગાર-નિર્માણ જેવી મહત્ત્વની યોજનાઓ સાકાર કરી.

આ વિસ્તારના બંધુઆ મજૂરોના કલ્યાણ માટે ૧૯૮૨માં શ્રમજીવી સંગઠન સ્થાપીને કામદારો, ખેત-મજૂરો, યુવાનો તેમજ ગણોતિયાઓને જાગ્રત કર્યા. જમીન-માલિકો તરફથી તોફાની હુમલાઓ અને આક્ષેપોની વચ્ચે પણ તેઓએ એક હજાર જેટલા પછાત જાતિના લોકો -કે જેઓ વેઠપ્રથામાં ફસાયેલા હતા –તેમને મુક્ત કરવામાં મહત્ત્વની સફળતા પ્રાપ્ત કરી. પછી તો, વેઠિયાઓની ઓળખ અને મુક્તિ અંગેની તેમની તંત્ર-રીતિને માન્યતા પણ મળી. આ દંપતી કહે છે કે, ‘એ સાચું છે કે માનવીય અધિકારની રક્ષા કરતા કાયદાઓ આપણે ત્યાં છે, પરંતુ તે તો એક સમાજવાદી રાજ્ય તરીકેનો દેખાવ કરવા પૂરતી કાગળ-કથની જ છે.’

વેઠપ્રથામાંથી છોડાવેલ પછાત લોકોના પુનર્વસન માટે આ યુગલે ગ્રામીણ સહકારી મંડળીઓની રચના કરી છે જેમાં ડેરી પ્રૉજેક્ટ, ઇંટો પકવવી, ટ્રકના વ્યવસાયાર્થે સવલત ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉર-ગાંવ ખાતે આદિવાસી વિકાસ અંગે તેમણે સ્થાપેલ કૃષિપ્રયોગ કેન્દ્ર ગ્રામીણ લોકોની સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા વ્યાવસાયિક જાગૃતિ માટે કાર્યરત છે જે શહેરી તથા ગ્રામીણ સામાજિક કાર્યકરોનું એક મિલન-સ્થાન પણ બન્યું છે. આ કેન્દ્રમાં પોલીસ અને મહેસૂલ ખાતાની લોક-અધિકાર વિષયક કાનૂની જાણકારી આપીને, લોકોને સ્થાનીય સત્તાવાળાઓની ભ્રષ્ટાચાર અંગેની માહિતી એકત્ર કરીને F.I.R. પ્રથમ –દર્શનીય પુરાવા નોંધાવવાનું પણ શીખવાય છે. આમ, લોક-ભાગીદારી અને લોક-શિક્ષણના સમન્વય વડે સામાજિક પરિવર્તન માટે તેઓ સક્રિય છે.

તો, આ યુવાન લોકો પ્રતિક્રિયા અને પુનર્રચનાનો સમન્વય કરે છે. પોતાના તથા અન્યના માનવીય અસ્તિત્વના વિકાસને અવરોધતાં પરિબળો સામે પ્રતિક્રિયા કરતા આ લોકો છે, એક નવતર આરંભના ભાગરૂપે તેઓ છે, નવજાગૃતિની નવાજેશરૂપે તેઓ માણસને મહત્ત્વનો ગણે છે – તે પોતે જે પૈસો કમાય છે કે કમાઈ શકે તેમ છે એના કરતાં.

સંકલક અને અનુવાદક : પ્રૉ. તરુણ ૨. શાહ

The Sunday Times of India Review માંથી Arun Jethwani લિખિત ‘Off The Beaten Track’નો ભાવાનુવાદ

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.