એક ગામમાં એક ભરવાડ રહેતો હતો. તેના પુત્રનું નામ ગોપાલ હતું. તેની પાસે ઘણાં ઘેટાં હતાં. દરરોજ ગોપાલ ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં જતો. જ્યારે ઘેટાં-બકરાં લીલા ઘાસના મેદાનમાં ચરતાં હોય ત્યારે ગોપાલ નદી કિનારાના વૃક્ષ પર બેસીને વાંસળીના સૂર વહાવતો.

એક દિવસ તે વૃક્ષની ડાળીએ બેસીને વાંસળી વગાડતો હતો ત્યારે નદીકિનારે એક મરેલી સિંહણને તેણે જોઈ અને નજીકમાં તાજા જ જન્મેલા મજાના સિંહના બચ્ચાને પણ જોયું. તેને તરત જ ખ્યાલ ગયો કે, સિંહણે નદીના બીજા કિનારે જવા માટે ઠેકડો માર્યો હશે અને એ જ વખતે તેના ગર્ભમાં રહેલા આ બચ્ચાનો જન્મ થયો હશે અને સિંહણ તરત જ મરી ગઈ હોવી જોઈએ. આમ, આ બચ્ચું બિચારું માવિહોણું બની ગયું. બચ્ચું હતું સુંદર મજાનું! ગોપાલ તો તેને ઘેટાં-બકરાં સાથે ઘેર લઈ ગયો. તેને ઘેટાંનું દૂધ પાઈને ઉછેરવા લાગ્યો. તેને ઘાસ પણ ખવડાવતો અને બીજાં ઘેટાં સાથે જ વાડામાં પૂરી દેતો. આમ, સિંહનું બચ્ચું ઘેટાં વચ્ચે જ ઊછરવા લાગ્યું. તે ઘેટાં ભેગું જંગલમાં ચરવા જતું. ઘાસ ખાતું, ઘેટાંનું દૂધ પીતું અને બેં બેં કરતું. આમ, ઘેટું બનીને જ સિંહનું બચ્ચું મોટું થવા લાગ્યું.

એક દિવસ નદી કિનારે ચરતાં ઘેટાં પર એક સિંહ ત્રાટક્યો ગોપાલ કોઈ કામ માટે નદીને સામે કાંઠે ગયો હતો. સિંહગર્જના સાથે ઘેટાં તો બેં બેં કરતાં ચારે બાજુ નાસવા લાગ્યા. બેં બેં કરીને નાસતાં ભાગતાં ઘેટાંની પાછળ પાછળ પેલું સિંહનું બચ્ચું પણ બેં બેં કરતું ભાગવા માંડયું. આ જોઈને સિંહને નવાઈ લાગી. એક સિંહનું બચ્ચું આમ ઘેટાંની જેમ બેં બેં કરતું ડરીને ભાગે? એને આ સમજાતું નહોતું. તેણે પેલા સિંહના બચ્ચા પર તરાપ મારી પણ નાનું બચ્ચું જાણીને જ તે સિંહ સામે આશ્ચર્ય સાથે જોઈ રહ્યું. એટલે સિંહે કહ્યું, ‘તું મારા તરફ જો. તું બરાબર મારા જેવો જ સિંહ છો, ઘેટું નથી પરંતુ સિંહના શબ્દોમાં સિંહના આ બચ્ચાને વિશ્વાસ ન બેઠો. તેને ખાતરી જ હતી કે, તે ઘેટું જ છે. તેથી તેણે બેં બેં કરવાનું શરૂ કર્યું. પણ સિંહ તેને છોડે તેમ ન હતો. સિંહના બચ્ચાને મોઢામાં લઈને નદીકિનારે ગયો. પાણીમાં તેનું પ્રતિબિંબ દેખાડીને કહ્યું, ‘તું તારું મોઢું આ પાણીમાં જો. આપણે બંને એક છીએ એવું નથી લાગતું?’ સિંહના બચ્ચાએ ભયથી ધ્રૂજનાં ધ્રૂજતાં પાણીમાં બંનેનાં પ્રતિબિંબ જોયાં. તે એ જોઈને નવાઈમાં પડી ગયો કે બંને, એકસરખા જ દેખાતા હતા. પોતે પેલા ડાલામથા સિંહ જેવો જ હતો. અલબત્ત, તે નાનો હતો એટલું જ. તેણે સિંહ તરફ નવાઈની નજરે જોયું.

હવે સિંહે મોટી ગર્જના કરીને કહ્યું, ‘તુંય મારી જેમ જ ગર્જના-સિંહગર્જના કરી શકે છે.’ પહેલાં તો સિંહનું બચ્ચું બેં બે જ કરી શક્યું પણ ફરી વાર પ્રયાસ કર્યો અને તેનો પોતાનો અવાજ સિંહની ગર્જના સાથે મળી ગયો. તે પણ સિંહની જેમ ગરજી ઊઠયું. તેને એ સિંહગર્જના કરવામાં મજા આવી અને થોડા પ્રયાસો પછી પેલા ડાલામથા સિંહની સાથે જ ડણકવા લાગ્યું.

સિંહ તો આ સિંહબાળને પૂરેપૂરી ખાતરી કરાવવા માગતો હતો કે, તે સિંહ જ છે. તેથી તેણે નજીકમાં જ ચરતાં એક ઘેટાં પર તરાપ મારી અને મરેલાં ઘેટાંના માંસનો એક ટુકડે તેનાં મોંમાં નાખ્યો. પેલું બિચારું અત્યાર સુધી તો ઘેટાંની જેમ બેં-બેં કરતું ઘાસ જ ખાતું હતું. પણ આજે આ શિકારનું માંસ મીઠું લાગ્યું. તેણે આ માંસ ખાતાં ખાતાં પેલા સિંહથી પ્રેરાયા વિના એક ત્રાડ નાબી – સિંહગર્જના કરી. આખું જંગલ આ ગર્જનાથી ગાજી ઊઠયું. અંતે, આ સિંહના બચ્ચાને લઈને પેલો સિંહ જંગલમાં ચાલ્યો ગયો.

આપણે સૌ પેલા સિંહના બચ્ચાની જેમ આપણી મૂળ પ્રકૃતિને જ ભૂલી ગયા છીએ. આપણે બધાં પેલા દિવ્યાગ્નિના સ્ફૂલ્લિગ-અગ્રિકણ છીએ, અનંત શક્તિના ભાગીદાર છીએ, શાશ્વત શાંતિના ભાગીદાર છીએ. પણ આપણે આ સત્ય-જ્ઞાનથી અજાણ છીએ, જ્યારે કોઈ મહાન આત્મા આપણા મૂળ રૂપને ઓળખાવે છે ત્યારે આપણી નિર્બળતા ખરી પડે છે અને આપણે દિવ્ય-ચૈતન્ય સ્વરૂપ બની જઈએ છીએ. આપણે ઘેટાં ન જ બનીએ. આપણે દૈનંદિન વધુ ને વધુ બળવાન સિંહબાળ બનીએ – દિવ્ય માનવ બનીએ!

Total Views: 237

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.