ગુરુપૂર્ણિમા પ્રસંગે

બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. પશ્ચિમના દેશોમાં વેદાંતના પ્રચાર-પ્રસારના કાર્યમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી છે.- સં.

જેઓ આધ્યાત્મિક સાધનાના સંઘર્ષમાંથી પસાર થઈ ચૂક્યા છે તેઓ જાણે છે કે આપણે જ્યારે આપણા મન સાથે બાથંબાથ આવી જઈએ છીએ ત્યારે મન અકલ્પિત ગૂંચવણો ઊભી કરે છે; અકલ્પનીય આકારો ધારણ કરે છે. તેમાં અનેક વળ, ખાંચાખૂંચી અને વિકૃતિઓ હોય છે! આજના ગમા આવતીકાલના અણગમા બની જાય છે. અત્યાર સુધી આપણે જેને મુખ્ય વૃત્તિઓ ધારતા હતા તેઓ એકાએક આપણને છોડીને ચાલી જાય છે અને તેમનું સ્થાન તદ્દન અવનવી વૃત્તિઓ પચાવી પાડે છે. આવા સંયોગોમાં, માર્ગ બતાવવા કોઈ બાહ્ય સહાયતાની – ગુરુની આવશ્યકતા ઊભી થાય છે.

આધુનિક માનસ એટલું અસ્વાભાવિક રીતે અહંકારપૂર્ણ અને વ્યક્તિત્વવાદી છે કે તે એવું વિચારવા તરફ ઢળે છે કે ગુરુની આવશ્યકતા ભ્રામક છે. ‘શું આપણામાં જ સત્ય રહેલું નથી? શું ઈશ્વર સર્વત્ર નથી? શા માટે આપણને કોઈ મધ્યસ્થીની જરૂર પડવી જોઈએ? આ બધાં વિધાનો સુંદર લાગે છે પરંતુ તે બિલકુલ અર્થહીન છે. હા, ઈશ્વર સર્વત્ર છે, અને સત્ય આપણા અંતરમાં સમાયેલ છે. પરંતુ આ પણ એટલું જ સાચું છે કે ઈશ્વર સર્વવ્યાપક અને સર્વશક્તિમાન હોવા છતાં આપણે જન્મોજન્મ સાંસારિક કાદવમાં આળોટ્યા કરીએ છીએ અને આપણે સત્યના ખજાનાના માલિક હોવા છતાં સદા અજ્ઞાની રહીએ છીએ. એટલા માટે સર્વશ્રેષ્ઠ વાત તો એ છે કે આવો નિરર્થક બકવાસ છોડી દેવો જોઈએ અને ગંભીર મનવાળા વ્યવહારુ વ્યક્તિઓ તરીકે આગળ વધવું જોઈએ. કોઈક એક કે બીજી અગમ્ય રીતે ઈશ્વરે તેના સાંનિધ્યની પ્રાપ્તિ (પહોંચ) આપણે માટે અત્યંત મુશ્કેલ બનાવી દીધી છે. વારંવાર ઈશ્વરના પયંગબરોએ જાહેર કર્યું છે કે ભાગ્યે જ કોઈ માનવી ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે. અને તે પણ કેવા સંકટો અને સંતાપો પછી! અહીં કોઈ દલીલ ચાલતી નથી. આપણે વિનમ્રપણે કઠોર સત્યનું આ નિવેદન સ્વીકારી લેવું જોઈએ કે તેની ઈચ્છા છે કે તે પોતાના સ્વરૂપોનું જ્ઞાન એટલી સહેલાઈથી થવા દેતો નથી, એટલે આ પ્રયત્નમાં ગુરુની આવશ્યક્તા સર્વોપરી છે.

આપણે આપણી સાચી જાત (સાચા સ્વરૂપ) વિષે બહુ જ ઓછું જાણીએ છીએ. વળી, સત્ય વિષે તો એથીય ઓછું જાણીએ છીએ! તે બધું ગૂઢ છે. કોઈ પણ બાબતનું તલસ્પર્શી જ્ઞાન પામવું તો મુશ્કેલ જ છે! આખા જીવનકાળ દરમિયાન કરેલ અપાર જહેમત પછી જે થોડું જ્ઞાન આપણે મેળવીએ છીએ તે પણ કેટલીક વ્યક્તિઓની મદદ પછી! તેમની સહાય વિના, આપણી પ્રગતિ અશક્ય નહિ તો પણ ઘણી મંદ બની રહે. અને આમ છતાં પ્રાપ્ત કરવા યોગ્ય અનંત જ્ઞાનની સરખામણીમાં મહાનથી પણ મહાન એવા પંડિતનું જ્ઞાન, એક રજ માત્ર જેટલું જ છે.

ઈશ્વર-સાક્ષાત્કાર શું છે? આ અનંતને જાણવા કરતાં સહેજ પણ ઓછું નથી. તે જ્ઞાનની પરિપૂર્ણતા છે. વિચાર કરો કે, તો પછી, આધ્યાત્મિક સાધનાના માર્ગ ઉપર કોઈ સાચી પ્રગતિ આપણે કરી શકીએ તે પહેલાં કઈ સહાયની કેટલી જરૂર પડશે? આ માર્ગ અસંખ્ય વિઘ્નો – કંટકોથી આચ્છાદિત છે. તે સાંકડો માર્ગ છે, સીધો કે વિશાળ નથી. આપણે જો રસ્તો ભૂલ્યા તો આપણને કહેવાવાળું કોણ છે? ગુરુ સિવાય બીજું કોઈ નહીં.

અહીં બધી ઇતિશ્રી થતી નથી. માર્ગની કેવળ માહિતી, કેવળ દિશાનું સૂચન પૂરતાં નથી. તે માર્ગ ઉપર ડગ્યા અને થાક્યા વિના ચાલવાની શક્તિ પણ તમારામાં હોવી જોઈએ. તમારા મનમાં એક નવું બળ રેડાવું જોઈએ – એક શક્તિ અને એક એવી હિંમત કે જે તમારા આધ્યાત્મિક જીવનના તુમુલ સંગ્રામોમાંથી તમને પાર લઈ જાય. આપણે જાણીએ છીએ કે આપણામાં અનંત શક્તિ રહેલી છે. આપણે એ પણ જાણીએ છીએ કે ભૂતકાળમાં એ અનંત શક્તિ આપણને કંઈ ખપ લાગી નથી. કોઈક અગમ્ય કારણસર તે કોઈ જાદુઈ તાળા અને ચાવીમાં બંધ છે અને તેમાંથી બહાર આવતી નથી. ગુરુ શિષ્યમાં બળ સંચાર કરે છે અને જ્યારે માર્ગમાં મુશ્કેલીઓ આવે, આપણે માર્ગ ચૂકી જઈએ અથવા માયાજાળમાં અટવાઈ જઈએ ત્યારે તે કૃપા કરીને આપણા પગને સાચા માર્ગ ઉપર મૂકે છે અને આપણને બાંધતી માયાની ગાંઠોને છેદી નાંખે છે. બહાદુરમાં બહાદુર મર્દ હૃદય સુધ્ધાં આ જાતની મદદ સિવાય, મુશ્કેલીઓ સામે નાહિંમત બની જાય છે અને ધ્યેય સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે.

ઈશ્વર-સાક્ષાત્કાર કરનાર સૌ કોઈનો આવો અનુભવ હોય છે. એટલા માટે આધુનિક દૃષ્ટિકોણ આ બાબતમાં, ભૂલભરેલો છે. હકીકતમાં, તે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી તદ્દન અર્થ અને મર્મ વિરોધી છે. આધુનિક માનવી જોર શોરથી કહે છે: ‘શું હું મારી જાતને બીજાની સંપૂર્ણ ગુલામ બનાવું? શું તે માનવના ગૌરવ માટે લાંછનસ્પદ નથી?’ પરંતુ જે આમ બૂમરાણ કરે છે તે અજ્ઞાનનો સર્જક અને પોષક છે. આવા દૃષ્ટિકોણનો ત્યાગ કરીને જ આપણે આધ્યાત્મિક દૃષ્ટિકોણ પ્રાપ્ત કરી શકીએ. જો આપણે અજ્ઞાનગ્રસ્ત જાતને, સ્વને પકડી રાખીને બેસી રહીએ તો આપણે આધ્યાત્મિક શી રીતે બની શકીએ? શિષ્ય માટે આત્મસમર્પણની જે આવશ્યકતા છે તેને ગુલામી માનવી તે ભૂલ ભરેલું છે. તેમાં સ્વાતંત્ર્યનું મહાન તત્ત્વ રહેલું છે. કેમ કે તમે એક સામાન્ય ભૂલ ભરેલા માનવીને સમર્પણ કરતા નથી. ગુરુ આપણા જેવા સ્વાર્થી, ઈચ્છાઓથી બંધાયેલા અહ્મની જાળમાં સપડાયેલા અજ્ઞાની પામર માનવી નથી. તેનું વ્યક્તિત્વ આપણા જેવું સીમિત, સંકીર્ણ અને વિકૃત નથી. તે તો અવ્યક્ત સાથે લગભગ એકાકાર બની ગયેલું હોય છે, તેનું મન દિવ્ય પ્રકાશથી છલકાતું હોય છે. તેના વિચારો અને વ્યવહારો અલ્પ અહમ્ભાવમાંથી, ઈચ્છાઓની ક્રીડાભૂમિમાંથી નહિ, પરંતુ કોઈ દિવ્ય ઉત્પત્તિસ્થાનમાંથી ઉદ્ભવે છે. તેનું શરીર સુધ્ધાં રૂપાંતર પામેલું હોય છે. તે તો એક મૂર્તિમંત ઇષ્ટ આદર્શ જ હોય છે. તેની સેવા તે ઈશ્વરની – ઇષ્ટની જ સેવા કરવા બરાબર છે, તેનું શરણ ગ્રહણ કરવું એટલે તો સ્વયં ઈશ્વર સાથે પોતાની જાતનું સાયુજ્ય અનુભવવા બરાબર છે. ગુરુ દ્વારા આપણે સ્વયં ઈષ્ટદેવતા સંપર્કમાં આવીએ છીએ. ગુરુ અને ઈષ્ટદેવતા એક જ છે, ભિન્ન નહી. ગુરુશરણ અને ગુરુસેવા દ્વારા ભગવાનનાં રહસ્યો અને આધ્યાત્મિક જીવનની આંટીઘૂંટીઓનો પરિચય આપણને થાય છે. એટલા માટે શાસ્ત્રોએ ઈશ્વર-સાક્ષાત્કાર પામેલા માણસોને પ્રશ્નો કરીને અને તેમની સેવા કરીને ભગવત્સાક્ષાત્કાર કરવાની સલાહ આપી છે. તેમની સેવા કર્યા સિવાય તેમનો ઉપદેશ આપણા જીવનમાં ફલિત થશે નહિ.

અને અહીં એક ગહન સત્ય છે, બધી વાક્ (વાણી) એક સમાન નથી, શબ્દોની પરંપરા હોય છે. શબ્દો, સંયોગો અનુસાર, ભિન્ન અર્થો અને પરિણામો ધરાવતા હોય છે. સાક્ષાત્કાર પામેલા માનવીના શબ્દોમાં એક વિશિષ્ટ શક્તિ હોય છે. ઉપરથી તે શબ્દો સાદા અને સામાન્ય લાગે. બીજા કોઈ પણ માણસ કદાચ તે શબ્દો બોલી શકે, કદાચ આપણે પોતે પણ તે જાણતા હોઈએ, તેમ છતાં તેઓની વચ્ચે આકાશ પાતાળનું અંતર હોય છે.

સદ્ગુરુના મુખે એ શબ્દો સાંભળવાથી અદ્વિતીય લાભ થાય છે. આમ છતાં સદ્ગુરુના શબ્દો બધા જ માનવીઓ ઉપર એક સમાન અસર કરતા નથી. શ્રોતાની શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા અને આદર-ભાવ ઉપર ઘણો આધાર રાખે છે. આપણી શ્રદ્ધા વકતાના હૃદયમાં એક મહાન શક્તિને જાગૃત કરે છે. તેના શબ્દો વિશિષ્ટ દૈવી શક્તિથી પ્રભાવિત થાય છે અને તે શક્તિ આપણા જીવન ઉપર પ્રચંડ અસર કરે છે. આપણી પોતાની વૃત્તિ ઉપર ઘણો આધાર હોય છે. જો આપણે વ્યાકુળ ન હોઈએ તો સદ્ગુરુના શબ્દો પણ આપણા જીવનમાં સરખામણીમાં ફોગટ જવાના છે. એટલા માટે સેવાની જરૂર છે.

પરંતુ વાજબી રીતે એવો પ્રશ્ન કરી શકાય : ‘શું બધા જ ગુરુઓ આવું અલૌકિક ચારિત્ર્ય ધરાવતા હોય છે? સાચું છે કે તેવું નથી. એટલા માટે કોઈને ગુરુ કરતા પહેલાં તેનું નજીકથી નિરીક્ષણ કરવું જોઈએ. લાંબા સમય સુધી તેમની દિનચર્યા નિહાળવી, આપણા માટે અનિવાર્ય છે. જો તે આપણી બધી અપેક્ષાઓ પૂરી કરે તો પછી તેને શરણે જઈ શકાય, ત્યાં સુધી નહિ. એક વાર આપણા ગુરુ તરીકે તેને સ્વીકાર્યા પછી તેનામાં પાછળથી કોઈ ક્ષતિઓ આપણે જોઈએ તો તે પ્રતિ આપણે ધ્યાન દેવું જોઈએ નહિ. આપણે તેને સ્વયં ભગવાન તરીકે માનવા જોઈએ અને આપણી સંપૂર્ણ હૃદયની વફાદારી આપવી જોઈએ. અને ખરેખર દરેક માનવીમાં ઈશ્વર નથી શું? અને દૃઢ શ્રદ્ધા આગળ કોઈ બાબત અશક્ય છે?

ભાષાંતર : શ્રી યશસ્વીભાઈ ય. મહેતા

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત ‘Spiritual Practice’ માંથી સાભાર)

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.