શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમા અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્ર દીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ કરતા તેનું આલેખન કેટલાક બંગાળી ગ્રંથોમાં થયું છે. તેમાંના એક અમૂલ્ય ગ્રંથનું ભાષાંતર ‘સત્ પ્રસંગ’ નામે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત થયું છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. – સં.

ભગવાનને પૂરેપૂરું આત્મસમર્પણ કરવાથી માનવજીવનમાં પૂર્ણ આનંદ મળે છે. બધો ભાર તેના પર મૂકી દો. ભગવાને ગીતા દ્વારા કહ્યું છે કે, ‘સર્વ ધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ’ બે હજાર વર્ષ પહેલાં જિસસ ક્રાઈસ્ટે કહ્યું હતું કે, ‘અરે ઓ શ્રમનિષ્ઠ દુઃખભારથી દબાયેલ માનવીઓ! મારી પાસે આવો, હું તમને શાંતિ આપીશ.’ આ યુગમાં ઠાકુરે કહ્યું છે કે, ‘મને મુખત્યારનામું આપી દો.’ સંપૂર્ણ રીતે તેમના પર આધાર રાખો, એ જ થશે સાધના. તેમને ચરણે પોતાની જાતને ધરી દેવી એ જ સાધનાની છેક છેલ્લી વાત છે.

આપણે શોધી શોધીને હેરાન થઈએ છીએ – ક્યાં આનંદ મળશે, ક્યાં શાંતિ મળશે, પરંતુ ક્યાંય પત્તો લાગતો નથી. જેટલા ઘૂમીએ એટલા અસ્થિર થઈએ. આવો જે મહાન આશ્રય ભગવાન, તેમને છોડીને અન્યત્ર શાંતિ ખોળીએ છીએ તેથી તે મળતી નથી અને આપણે પાછું ફરવું પડે છે. આવું જ્ઞાન થવું એ પણ જરૂરી છે. સંસારમાં જે કંઈ છે તે આપણને ઉપદેશ આપે છે, સુખભોગમાંથી પણ આપણને શીખામણ મળે છે; દુ:ખમાંથીયે આપણે શીખીએ છીએ. આ સંસારમાં ભગવાનને છોડી આપણે કર્મ દ્વારા જ શાંતિ ચાહીએ છીએ. તેનું ફળ એ આવે છે કે આપણે હતાશ બનીએ છીએ. ઠાકુરની ‘પક્ષી અને સઢનો થાંભલો’વાળી વાત યાદ કરો. જ્યારે પાંખો થાકે ત્યારે જ પંખી થાંભલાનો આશરો લે છે. આ દુર્લભ માનવ જન્મ મેળવતાં આપણે કેટલું ભમવું પડતું હોય છે! સંસારમાં અનેકવાર આવજાથી કંટાળી જ્યારે આપણે તેનો આશરો લઈએ છીએ, ત્યારે જ ખરી શાંતિ મેળવીએ છીએ. જેઓ તેમના શરણાગત થાય, તેઓને જ શાંતિ મળે. એ આત્મસમર્પણમાં આપણને અડચણ કઈ? અડચણ આપણી કામના, વાસના, આસક્તિ. બહારની વસ્તુઓ પાછળ આપણે આટલી દોડાદોડ શા માટે કરીએ છીએ? શાંતિ અને આનંદ મેળવવાની આશાએ. પરંતુ તે આશા પાર પડતી નથી. માત્ર નિરર્થક પ્રયાસથી પાંખ દુઃખે છે – એ જ માત્ર ફાયદો! ખુબ ફરતાં ફરતાં થાકી ન જવાય ત્યાં સુધી તેમનો આશરો લેવાતો નથી. ‘પાંખ દુઃખે’ ત્યારે આપણને ભાન આવે છે, ત્યારે જ શાંતિનો સાચો રસ્તો લેવાય છે.

મુંડકોપનિષદમાં ‘બે પંખી’ની ઉપમા છે. બે પક્ષીઓએ એક જ વૃક્ષનો આશરો લીધો છે; એક બેઠું છે ઉપરની ડાળે, બીજુંછે નીચેની ડાળે. તે વૃક્ષ પર બે જાતનાં ફળ છે – કેટલાંક મીઠાં અને કેટલાંક ખાટાં. ઉ૫૨નું પક્ષી કોઈ ફળ ખાતું નથી, માત્ર દ્રષ્ટા; એ પરમાત્માની ઉપમાને સ્થાને. નીચેની ડાળે જે પક્ષી છે તે ફળ ખાય; કોઈ વાર ગળ્યું ફળ ખાય છે અને કોઈ વાર ખાટું, મિષ્ટ ફળ ખાતાં મજા પડે, પણ જ્યારે ખાટું ખાય – ત્યારે દુઃખ અનુભવે. દુઃખી થાય ત્યારે ઉપરના પક્ષી તરફ જુએ અને વિચારે – ‘તે કેવા આનંદથી ભરપૂર છે! આ બધાં એ ખાતું નથી, એટલે જ તે સદા આનંદમય છે! તે ખરેખર બુદ્ધિમાન છે.’ ધીમે ધીમે ઉપરનાં પક્ષી તરફ તેનું મન ખેંચાય છે. નીચલું પક્ષી જીવાત્માની ઉપમાને સ્થાને છે. આ સંસારવૃક્ષ પર પણ શુભ અને અશુભ બે જાતનાં બે કર્મો રહેલાં છે. પોતપોતાનાં કર્મો પ્રમાણે આપણે કદીક સુખ અને કદીક દુઃખ અનુભવીએ છીએ. શુભ કર્મોનો ફળભોગ કરીએ છીએ ત્યારે સુખ મળે છે. દુષ્કર્મનાં ફળભોગ કરતાં દુઃખ આવે ત્યારે મનમાં થાય છે કે કેમ આવું કામ મેં કર્યું? આ બધા અનુભવજ્ઞાન દ્વારા પરમાત્માની દિશામાં જઈએ છીએ – જે પરમાત્મા ફળભોગ કરતા નથી. સાચી શાંતિ તેમનામાં જ રહેલી છે. તેમનો આશ્રય જ લેવો જોઈએ.

બ્રાહ્મસમાજના પંડિત શિવનાથ શાસ્ત્રી ઠાકુર પાસે આવ્યા હતા. તેની હાજરીમાં બીજા એક જણે પ્રશ્ન પૂછ્યો કે – ‘ગુરુનું પ્રયોજન શું છે?’ ઠાકુરે જવાબ આપ્યો કે – ‘સદ્ગુરુલાભ મોટા ભાગ્યની વાત છે. પોતાના પ્રયત્નથી આગળ વધી ન શકાય – એવું નથી, પણ સદ્ગુરુ સાધન માર્ગમાં ખાસ સહાયતા કરે છે.’ બરોબર એ જ વખતે ગંગા ૫૨ થઈને એક સ્ટીમર જતી હતી, ઠાકુરને પ્રશ્ન કરનારને પૂછ્યું, ‘આ સ્ટીમર ક્યારે બંદરે પહોંચશે તે કહી શકશો?’ પ્રશ્નકારે જવાબ આપ્યો કે ‘આજ સાંજે પાંચ કે છ વાગે.’ ઠાકુરે કહ્યું – ‘એક નાનું હોડકું સ્ટીમરની સાથે દોરડા વડે બાંધેલું છે, તે દેખાય છે? તે પણ એ જ વખતે બંદરે પહોંચી જશે. પણ જો તેને સ્ટીમરથી છૂટું પાડવામાં આવે તો પછી એ ક્યારે પહોંચે એમ લાગે છે?’ પ્રશ્નકર્તાએ કહ્યું કે, ‘પોતાની મેળે તો એ હોડકું કાલ સવાર પહેલાં કોઈ રીતે ત્યાં પહોંચે એમ લાગતું નથી.’ ઠાકુરે કહ્યું કે, ‘તો પછી જુઓ! સદ્ગુરુની કૃપા થતાં જલદી જલદી આગળ વધાય, ભૂલચૂક કે નબળાઈમાં વૃથા સમય બરબાદ થાય નહીં.’

ઠાકુરે કહ્યું છે કે, ‘જ્યારે તેઓ પોતે મનુષ્ય થઈને આવ્યા છે – અવતાર છે, તો જીવના મુક્તિની ચાવી તેમના હાથમાં છે.’ અવતારનો આશરો લઈને આપણે તેમના તરફ આગળ વધી શકીએ. જો નાનાં હોડકાંની જેમ પોતાને તેમની સાથે બાંધી દઈ શકીએ, તો સંસારસાગર સહેલાઈથી પાર કરી શકીએ. ખરી શાંતિ મેળવી શકીએ. ગીતામાં કહ્યું છે કે, ‘મય્યાસકતમના: પાર્થ યોગમ્ – યુન્જન મદાશ્રય:’ – ‘અર્જુન! મારામાં આસક્ત ચિત્તવાળો થા તેમ જ મારો આશરો લે.’ આસક્તચિત્તવાળા થવું એટલે પ્રેમ કરવો. વાત એમ છે કે વિષયાસક્તિનો ત્યાગ કરી તેમને ચાહવા પડશે. ભક્ત અને ભગવાનનો સંબંધ જ છે પ્રેમનો; તેથી તેમની પિતા, માતા, સખા અથવા ગમે તે એક ભાવે ધારણા કરવી પડશે. આશ્રય કરવો એટલે તેના શરણાગત થવું. પ્રેમની મૂળ વાત જ છે આત્મનિવેદન. તેમના પ્રત્યે અનુરક્ત થઈને જ તેમનો આશરો લેવાનો છે. સ્વાર્થયુક્ત સુયોગ, સગવડ માટે જે આશ્રય લઈએ તે કંઈ કામનો નથી.

આસક્તિ એટલે શું? – ‘હું અને મારા’નો ભાવ. તેમના સિવાય બીજી જે કોઈ આસક્તિ હોય તે તેમના પર પૂરેપૂરા આધારના માર્ગમાં અંતરાયરૂપ છે. તેમને છોડી બીજી કોઈ કામના એ આ માર્ગમાં વિઘ્નરૂપ છે. ‘આ સંસાર તેમનો છે, મારો નથી’ – એવા ભાવ રહેવો જોઈએ, એ ભાવ લઈ આવવો તે મુખ્ય ઉદ્દેશ છે. વળી જુઓ, એક કામના હોય તે હજાર કામનાઓને જન્મ આપે. ગીતામાં કહ્યું છે કે, વિષયોનાં ચિંતનમાંથી જ વિષયોની આસક્તિ જન્મે, આસક્તિમાંથી કામના આવે, કામના પૂરી નહીં થતાં થાય ક્રોધ; ક્રોધમાંથી જન્મે મોહ (અવિવેક); મોહ પછી આવે સ્મૃતિવિભ્રમ, તે પછી થાય બુદ્ધિનાશ; છેવટે મનુષ્ય પૂરેપૂરો પશુ બની જાય. કામના, લોભ અને ક્રોધ એ ત્રણ નરકનાં દ્વાર, બધુંય આસક્તિમાંથી થાય. આસક્તિ જ યાત્રીનો સર્વનાશ કરે. આ આસક્તિ દૂર કરવા માટે જોઈએ સાધુસંગ અને સ્વાધ્યાય (શાસ્ત્રાદિ અને સદ્ગ્રંથોનો પાઠ).

‘કથામૃત’ ખૂબ વાંચો, ઉપનિષદનો સાર છે ગીતા. અને ગીતાનો સાર મળશે ‘કથામૃત’માં. તેની અંદર કેવાં સરળ, સહજ દૃષ્ટાંતો આપી કેટલી વાતો કરી છે. મોટા મોટા પંડિતો આ બધી વાતો સાંભળી મુગ્ધ થઈ જતા. વિદ્યાસાગર મહાશયને ઘેર ઠાકુરે કહ્યું હતું કે, ‘બ્રહ્મ શું છે તે મુખે કહી શકાય તેમ નથી. બધી વસ્તુઓ ઉચ્છિષ્ટ થઈ ગઈ છે. વેદ, પુરાણ, તંત્ર, ષડ્દર્શન, બધું એઠું થઇ ગયું છે. મુખથી પઢાયું છે, મુખે ઉચ્ચારણ થયું છે, તેથી એઠું થઇ ગયું છે. માત્ર એક જ ચીજ ઉચિષ્ટ થઈ નથી – એ વસ્તુ છે બ્રહ્મ’. વિદ્યાસાગર મોટા પંડિત, ખુશ થઈને બોલ્યા, ‘વાહ! આ તો બહુ સારી વાત! આજ એક નવી વાત શીખ્યો.’ ઠાકુરનાં ઉપમાઓ અને દૃષ્ટાંતો સંસારના બધા સામાન્ય વ્યવહારમાંથી લેવામાં આવ્યાં છે. એ બધાં કેવાં સુંદર છે! કેવાં ગંભીર છે! તેમનું કેવું keen observation (સૂક્ષ્મ દૃષ્ટિ) છે. તેથી જ તેઓ ચોખા તથા કેળાં બાંધવાની (અર્થકરી) વિદ્યા શીખ્યા નહીં.

તેમના ઉપદેશમાંથી એક દૃષ્ટાંત કહું. એક ખેડૂતે આખો દિવસ ધોરિયા મારફત પાણી પાયું. તે પાણી દસવીસ ગજ દૂર જઈને તે પછી ખેત૨માં જતું હતું. ખેતરની ચોતરફ પાળો હતો કે જેથી પાણી ખેતરમાં જ રહે. દિવસને અંતે તેણે કોસ છોડી જોયું તો ખેતરમાં ટીપું યે પાણી પહોચ્યું ન હતું. આ શું? પછી ઝીણી નજરે જોયું તો તેના જોવામાં આવ્યું કે પાળાની અંદર કેટલીક જગ્યાએ મોટાં મોટાં કાણાં હતાં, તેમાં થઈને બધું પાણી બહાર ચાલી ગયું હતું. મહામુસીબતે પાણી આપ્યું હતું પણ બધું ફોગટ ગયું! વાસનારૂપી કાણામાંથી આપણા પણ બધાં જપતપનાં ફળ બહાર નીકળી જાય છે, અસલ જગ્યાએ પહોંચતા નથી. તેથી કામના – વાસનારૂપી કાણાંઓ બંધ કરી દેવાં જોઈએ. એ માટે તેમના જ શરણાગત થવું પડશે, તેમની પાસે પ્રાર્થના કરવી પડશે કે, ‘પ્રભુ! તમે આવીને મને મદદ કરો.’ ઠાકુર કહેતા કે, ‘તેમના તરફ એક ડગલું આપણે આગળ વધીએ તો તેઓ સો ડગલાં આગળ વધે.’ પણ ભાવના ઘરમાં ચોરી ચાલશે નહીં.

તેમના શરણાગત થઈને સંસારનાં બધાં કર્તવ્યો કરવાં પડશે; ‘તેમનો સંસાર’ છે એમ સમજીને બધાં કામ કરવાં પડશે. જો ઘંટીનો ખીલો પકડી રાખ્યો હશે તો ઘંટીના પડથી પીસાવું પડશે નહીં. શરણાગતિ જ છે સાધનાનો પ્રધાન ઉપાય. છોકરાં જો ગંદા થઈને માની પાસે આવી ઊભાં રહે તો મા જ તેમને ધોઈ સાફસૂફ કરી છાતીસરસાં ચાંપે છે. શ્રીમાએ કહ્યું છે કે, ‘મારાં છોકરાં જો ધૂળકાદવ ચોળે તો મારે જ તેમને ધોઈ સાફ કરીને તેડવાં પડશે.’

આત્મસમર્પણનું કેવું અપૂર્વ દૃષ્ટાંત આપણને રસિક મેતરના જીવનમાં મળી આવે છે! ભક્તોને માટે જ અવતારપુરુષો યુગે યુગે આવે છે. તેમનો આશ્રય લેવો પડશે. એમ કરવાથી જ માનવજીવન સાર્થક થાય.

Total Views: 82

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.