(ગતાંકથી આગળ)

એકાગ્રતા અને નિયમિતતા

આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે તેટલું એકાગ્રતા મેળવવામાં સહાયરૂપ નીવડશે.

કેટલાંય વિદ્યાર્થી ભાઈ-બહેનોને જ્યારે પૂછવામાં આવે છે- ‘તમે દરરોજ કેટલા વાગ્યે ઊઠો છો?’ ઉત્તર મળે છે. ‘કાંઇ નક્કી નહીં’ ‘કેટલા વાગ્યે દરરોજ સૂવો છો?’ ઉત્તર મળે છે – ‘નક્કી નહીં.’ ‘ભણવાનો સમય ક્યો છે?’ ઉત્તર મળે છે -‘નક્કી નહીં.’ જેઓનો, ઊઠવાનો, સૂવાનો, ભણવાનો, મનોરંજનનો, ખાવાપીવાનો વગેરેનો સમય નક્કી નથી, તેવા વિદ્યાર્થી ભાઈ-બહેનો જ્યારે પૂછે, ‘મનની એકાગ્રતા ક્યારે આવશે?’ ત્યારે તેનો ઉત્તર છે – ‘નક્કી નહીં!’ એકાગ્રતા ‘નક્કી’ આવે તે માટે એક દિનચર્યા (Routine) નક્કી કરવી આવશ્યક છે, ચોવીસ કલાક માટેનું એક સમય-પત્રક (Time-Table) નક્કી કરવું આવશ્યક છે.

ધ્યાનમાં સાધકોને એકાગ્રતા આવતી નથી તેનું એક મહત્ત્વપૂર્ણ કારણ છે – નિયમિત અભ્યાસનો અભાવ. આજે અર્ધી કલાક ધ્યાન કર્યું, આવતી કાલે એક કલાક ધ્યાન કર્યું, પછી થોડા દિવસો બિલકુલ ધ્યાન ન કર્યું, એમ અનિયમિત રીતે ધ્યાનમાં બેસવાથી એકાગ્રતા આવતી નથી. આ માટે તો ઈચ્છા હોય કે ન હોય, દૃઢ સંકલ્પશક્તિનો ઉપયોગ કરીને દરરોજ નિયત સમયે નિયત સમય માટે ધ્યાનનો અભ્યાસ કરવો ઘટે. શ્રીરામકૃષ્ણદેવ મુસલમાનોની નિયમિત નમાઝ પઢવાની ટેવને બિરદાવીને નિયમિત સાધનાનું મહત્ત્વ સમજાવતા.

ઘણા લોકો માને છે કે સમય-પત્રક પ્રમાણે ચાલવાથી જીવન કંટાળાજનક (Monotonous) બની જશે. આ કંટાળાથી બચવા માટે સમય-પત્રક વ્યવહારુ બનાવવું જોઈએ. આવશ્યકતા પ્રમાણે તેમાં ફેરબદલ કરી શકાય. રજાઓના દિવસો માટે જુદા પ્રકારનું સમય-પત્રક બનાવી જીવનમાં નવીનતા – વિવિધતા લાવી શકાય. ઓછામાં ઓછી સૂવાનો, જાગવાનો, અભ્યાસનો અને સાધનાનો સમય તો નિશ્ચિત કરી લેવો જોઈએ.

કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં તેમાં મનને પરોવવા માટે થોડો સમય જરૂરી હોય છે, જેમ કે ક્રિકેટ રમતી વખતે બેટ્સમેન સેટલ (Settle) થઈ જાય પછી જ પોતાના શૉટ રમી શકે છે. દરરોજ નિયત સમયે એક પ્રવૃત્તિ કરવાથી મન આ પ્રવૃત્તિમાં પરોવવા માનસિક રીતે તૈયાર જ હોય છે, મૂડ બનાવવાની આવશ્યકતા રહેતી નથી.

મનની ગતિ તરંગાકાર હોય છે. સત્ત્વ, રજસ અને તમસ- આ ત્રણ ગુણોથી બનેલું મન ક્યારેક સત્ત્વશીલ હોય ત્યારે અંતર્મુખ બને છે અને ક્યારેક રજોગુણ અને તમોગુણના અતિરેકથી નિમ્નગામી અને બહિર્મુખી બને છે. જ્યારે મન સત્ત્વગુણી હોય ત્યારે તે અવસરનો લાભ ઊઠાવી ધ્યાનનો વધુ અભ્યાસ કરી શકાય. સવાર અને સાંજના સંધિકાળે વિશેષરૂપે બ્રાહ્મમુર્હૂતમાં (સૂર્યોદયના એક કલાક પહેલાં) વાતાવરણમાં શુદ્ધ તરંગો વહેતા હોય છે ત્યારે મન સત્ત્વગુણી બને છે અને સરળતાથી એકાગ્ર બને છે.

‘અતિ સર્વત્ર વર્જયેત્’

વીણાના તાર વધુ કસાયેલા હોય તો તૂટી જાય છે અને ઢીલા હોય તો મધુર સંગીત નીકળતું નથી તેથી તાર મધ્યમ રીતે બાંધવા જોઈએ. તેવી જ રીતે દરેક બાબતમાં ખાવાપીવામાં, ઊંઘવામાં, મનોરંજનમાં, પરિશ્રમમાં મધ્યમ પંથનું અવલંબન કરવું જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે :

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।

युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा॥

(ગીતા : ૬/૧૭)

દુઃખોનો નાશ કરવાવાળો યોગ તો યથાયોગ્ય આહાર-વિહાર કરવાવાળાને, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરવાવાળાને અને યથાયોગ્ય સૂવાવાળા અને જાગવાવાળાને જ પ્રાપ્ત થાય છે.

કેટલાક લોકોને ઊંઘ સાથે વધારે પડતી લેણાદેણી હોય છે! ધ્યાનમાં બેસતાંની સાથે જ તેઓ ઝોલાં ખાવા મંડી પડે છે. તો વળી કેટલાકને ઊંઘ સાથે જન્મજાત વેર હોય છે, નીંદરની ગોળીઓ પણ તેમને સૂવાડી શકતી નથી. પરિણામે તેઓ હંમેશાં તનાવયુક્ત (tense) રહે છે, તેઓને પણ તનાવને કારણે ધ્યાન લાગતું નથી.

કેટલાક દિવસ-રાત મનોરંજનમાં ગાળે છે, એ જ જાણે કે તેઓનો મુખ્ય ધંધો હોય! તે જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે મન સ્વાભાવિકપણે જ ચંચળ રહે છે. આથી વિપરિત કેટલાક આધ્યાત્મિક જીવનનો અર્થ હંમેશાં ગંભીર રહેવું, દિવેલ પીધેલા મોઢે રહેવું એમ માને છે. સતત ચિંતામગ્ન અને વિષાદગ્રસ્ત રહેવાથી તેઓને પણ ધ્યાન લાગતું નથી, સ્વામી વિવેકાનંદજી તો ત્યાં સુધી કહે છે કે, ‘સોગિયુ ડાચું લઈ ઘરની બહાર નીકળશો નહિ. વિષાદના આ રોગનું સંક્રમણ કરવાનો તમને કોઈ અધિકાર નથી. હંમેશાં આનંદમય હૃદયે હસતાં હસતાં તમે સંસારની કોઈ પણ પ્રાર્થના કરતાં પણ ઈશ્વરની વધુ નજીક રહી શકશો.’

‘ખડું ખાઉધરો અને પમુ પાણીપીતો’ની વાર્તાની જેમ કેટલાક લોકો ખાવે પીવે જ ખબરદાર હોય છે. સંસારની અજબગજબની ખાદ્ય વસ્તુઓને ઠાંસી ઠાંસીને પેટમાં ભરવાની કળામાં તેઓ નિપુણ હોય છે. તેઓ ધ્યાનમાં કેવી રીતે નિપુણ થઈ શકે? તો કેટલાક વળી ઉપવાસ, વ્રત, એકટાણાને જ ધર્મનું સર્વસ્વ સમજે છે અને ગજા ઉપરાંત ઉપવાસ કરે છે, શરીર અને મનને નિર્બળ બનાવે છે. આવા નિર્બળ મનથી અને તનથી ધ્યાન કેવી રીતે સારું થાય? એટલે જ કહ્યું છે :

‘शरीरम्-आद्यं खलु धर्म साधनम्’ શ૨ી૨ નીરોગી હશે તો મન પણ સબળ થશે અને ઉચ્ચ ચિંતન કરવાને યોગ્ય બનશે. કેટલાક દંભવૃત્તિને પોષવા ખાતર એકાદશીનો ઉપવાસ કરે છે. સ્વાભાવિક છે, તેમને ધ્યાનમાં ફળાહારની અલકમલકની વાનગીઓ જ દેખાય! ‘ઉપવાસ’નો ખરો અર્થ – ઈશ્વરની પાસે નિવાસ-એવો થાય છે, પણ મૂળ ઉદ્દેશ ભુલાઈ જવાથી ઈશ્વરનું ધ્યાન બરાબર થતું નથી. એવા તપસ્વીઓ જેમનો દેહાત્મબોધ ચાલ્યો ગયો છે તેઓ કઠોર ઉપવાસ કરે તો વાંધો નથી પણ સામાન્ય લોકો માટે તો શ્રીકૃષ્ણે કહેલ મધ્યમ માર્ગ જ ઉપયુક્ત છે. સિદ્ધાર્થે (ભગવાન બુદ્ધે) જંગલમાં કઠોર તપસ્યા આદરેલી. પેટમાં આંતરડાં દેખાવા માંડ્યાં, શરીર એટલું દુર્બળ થઈ ગયું કે એક વાર લથડિયું ખાઈ ગયા. ત્યારે તેમના કાને એક નાચનારી બાઈના શબ્દો પડ્યા, જે પોતાની સખીઓ સાથે પાસેના નગર ઉત્સવમાં જવા માટે પાસેથી પસાર થઈ રહી હતી. ‘જ્યારે તારના તાર બરાબર ખેંચવામાં આવ્યા હોય ત્યારે નૃત્ય બહુ સારી રીતે થાય છે. તારને ઢીલા રાખવાથી તાલ સચવાતો નથી. તાર અને પગના તાલને એકસરખા રાખવા માટે મધ્યમસર તાર રાખવા જોઈએ. જો તાર હદ બહાર ખેંચવામાં આવે તો તૂટી જાય છે, ગાવાનું પડ્યું રહે છે. એટલે વધારે ય ન ખેંચવા તેમ ઢીલા ય ન રાખવા’ શબ્દો સાંભળી સિદ્ધાર્થ બોલી ઊઠયા : ‘મોટા વિદ્વાન બ્રાહ્મણો પાસેથી પણ મને જે જ્ઞાન મળ્યું નહીં, મહાન યોગીઓ પાસેથી પણ જે જ્ઞાન મળ્યું નહીં તે આ અભણ બહેનના શબ્દોમાંથી મળે છે. મેં મારા શરીરને હદ બહા૨ દુઃખ દીધું, શરીરના તારને હદ બહાર ખેંચ્યા, ઈન્દ્રિયોને હદ બહાર તાણ આપ્યું, તેથી મારા અંતઃકરણમાંથી સત્યનું સંગીત નીકળતું નથી. એટલું જ નહિ, પણ હૃદયના તાર તૂટી જવાનો ભય ઊભો થયો છે. મારી શરીરશક્તિ ઘટી ગઈ છે અને વધારે ખેંચવાથી જો આ શરીર પડી જશે તો મારી અને જગતની બધી આશાઓનો આધાર તૂટી પડશે, માટે હવે શરીરને હદ બહાર કષ્ટ આપવું તે યોગ્ય નથી. તપશ્ચર્યામાં મધ્યમ માર્ગ ગ્રહણ કરવો જોઈએ. શરીર એ ધર્મનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે, માટે તેને દુઃખ દઈને મારી નાખવું ન જોઈએ પણ સંયમથી સુદૃઢ કરવું જોઈએ’

એકાગ્રતા માટે મનની શુદ્ધિ આવશ્યક

એક વાર ચીનનો એક વિશ્વપ્રસિદ્ધ કલાકાર પર્શિયાના શાહ પાસે આવ્યો. શાહે તેની કળાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો. તેના શયનગૃહની સાથે એક પરશાળ હતી. તેના મનમાં વિચાર સ્ફૂર્યો કે આ ચીનના કલાકાર અને તેની પાસે આવતા સૂફી-કલાકાર બન્નેને હરિફાઈમાં ઉતારવાથી તેના ઓરડાની દીવાલોમાં બે સુંદર ચિત્રો પ્રાપ્ત થઇ જશે. બન્ને કલાકારોને સમાન સંખ્યામાં સહાયકો આપવામાં આવ્યા. ઓરડાની વચ્ચે એક પડદો રાખવામાં આવ્યો. સૂફીએ શરત રાખી કે રાજા સિવાય કોઇએ કલાની તુલના ન કરવી અને રાજાએ કાર્ય સમાપ્ત થયા પહેલાં ત્યાં આવવું નહિ. થોડા દિવસો પછી ચીનના કલાકારે સંદેશો કહેવડાવ્યો કે તેનું ચિત્ર તૈયાર છે. રાજાએ તરત જ દિવસ નક્કી કર્યો અને પહેલાં સૂફી કલાકાર પાસે આવ્યો. ત્યાં જઈને રાજા તો સ્તબ્ધ થઈ ગયો. કારણ કે સૂફીએ તો ચિત્ર દોરવાનો પ્રારંભ પણ નહોતો કર્યો, હજુ તો એ સહાયકોની સહાયતાથી દીવાલની સફાઈમાં લાગ્યો હતો. સૂફીએ રાજાને ચિંતા કરવાની ના પાડી અને પડદો ઉઠાવી લેવાનો અનુરોધ કર્યો. પડદો હટાવતાંની સાથે જ ચીની કલાકારે બનાવેલ સુંદર ચિત્રની આબેહુબ પ્રતિચ્છાયા આ સ્વચ્છ દીવાલ પર ઉપસી આવી! રાજાએ સૂફીને આશ્ચર્યથી આવી અનેરી સૂઝનું કારણ પૂછ્યું, ત્યારે સૂફીએ જણાવ્યું કે તેના હૃદયને પરિશુદ્ધ કરીને તેમાં ઇશ્વરની પ્રતિચ્છાયા જોઇ હતી એટલે તેને પ્રતીતિ થઇ હતી કે દીવાલના ચિત્રની પ્રતિચ્છાયા તેમાં જરૂર ઉપસી આવશે.

આ વાર્તા દર્શાવે છે કે આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું તે એકાગ્ર થશે. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે ભાવો જ્યાં સુધી આપણા મનમાં છે ત્યાં સુધી ઈચ્છનીય વસ્તુ ૫૨ આપણું ધ્યાન કેન્દ્રિત કરવું અને અનિચ્છનીય વસ્તુ પરથી ધ્યાન હટાવી લેવું આપણા માટે દુષ્કર જ રહેશે. એટલું જ નહિ, મનની શુદ્ધિ વગરની એકાગ્રતા ખતરનાક પણ નીવડી શકે, જેમ તીક્ષ્ણ ધારવાળું શસ્ત્ર દર્દીના ઓપરેશન માટે પણ સહાયરૂપ નીવડી શકે અને કોઇનું ખૂન કરવામાં સહાયરૂપ નીવડી શકે. રાવણ, કુંભકર્ણ, હિટલર, મુસોલિની વગેરે અશુદ્ધ મનની એકાગ્રતાનાં પરિણામોનાં ઉદાહરણરૂપ છે.

એટલા માટે જ પતંજલિ પોતાના યોગસૂત્રમાં ધ્યાનને સાતમા સોપાન તરીકે વર્ણવે છે અને યમ, નિયમને પ્રથમ બે સોપાનો તરીકે વર્ણવે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એટલાંને યમ કહેવામાં આવ્યાં છે અને (બાહ્ય અને આંતર) શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપૂજન આને નિયમ કહેવામાં આવ્યાં છે. આ બધાંની વિસ્તૃત ચર્ચા સ્વામી વિવેકાનંદજીએ ‘રાજયોગ’નામના ગ્રંથમાં કરી છે.

એકાગ્રતા અને આહાર

છાંદોગ્ય ઉપનિષદમાં નારદ અને સનત્કુમારના સંવાદોમાં આધ્યાત્મિક જીવનની અને ધ્યાનની સફળતાની ચાવી મળે છે. સનત્કુમાર કહે છે :

आहारशुद्धौ सत्त्वशुद्धिः सत्त्वशुद्धौ ध्रुवा स्मृतिः ।

स्मृतिलम्भै सर्वग्रन्थिनां विप्रमोक्षः ॥

(છાંદોગ્ય ઉપનિષદ : ૭/૨૬/૨)

જ્યારે આહાર શુદ્ધ હોય છે ત્યારે મન શુદ્ધ બને છે, જ્યારે મન શુદ્ધ થાય છે ત્યારે ધ્રુવ સ્મૃતિ મળે છે એટલે કે આપણે પોતાની આધ્યાત્મિક ચેતનામાં પ્રતિષ્ઠિત થઈએ છીએ. આનાથી હૃદયની સર્વગ્રન્થિઓ છૂટી જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આદિ શંકરાચાર્ય પોતાના ભાષ્યમાં ‘આહાર’ શબ્દનો અર્થ ફક્ત ખાદ્યપદાર્થ એવો કરતા નથી, પણ જે કાંઈ આપણી ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીએ છીએ તે બધું આહારમાં આવે છે.

જેમ આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહારની આવશ્યકતા હોય છે તેમ માનસિક સ્વાસ્થ્ય માટે, મનને શક્તિશાળી બનાવવા માટે માનસિક પૌષ્ટિક આહારની આવશ્યકતા છે. આ આહાર છે – પ્રાર્થના, ધ્યાન, મંત્રજાપ, સત્સંગ વગેરે. ઈન્દ્રિયો દ્વારા આપણે જે કાંઈ આહાર ગ્રહણ કરીએ છીએ તે પણ શુદ્ધ હોવો જોઈએ, અર્થાત્ આંખો દ્વારા બુરું ન જોવું, મનને ચંચળ કરે તેવાં પુસ્તકોનું વાચન ન કરવું, ટી.વી. પર ખરાબ કાર્યક્રમો ન જોવા, કાનો દ્વારા બુરું ન સાંભળવું, કોઈની નિંદા ન સાંભળવી, મોં દ્વારા બુરું ન બોલવું વગેરે. ગાંધીજીના ત્રણ વાનરોની મૂર્તિ આ વાતને સારી રીતે સમજાવે છે.

રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજી જ્યારે યુરોપમાં હતા ત્યારે તેમણે સ્વીત્ઝરલૅંડમાં એક તળાવને કિનારે એક અદ્ભુત શિલ્પાકૃતિ જોઈ. ‘ત્રણ વાંદરાઓની એ મૂર્તિ પ્રસિદ્ધ જાપાની શિલ્પાકૃતિથી સાવ જુદી જ હતી, જેમાં ત્રણ વાનરોમાંથી એકે બન્ને આંખો પર હાથ રાખ્યા છે. બીજાએ બન્ને કાનો પર હાથ રાખ્યા છે અને ત્રીજાએ મોઢા પર હાથ મૂક્યો છે, આ શિલ્પાકૃતિમાં તેમણે આશ્ચર્યથી જોયું કે એક વાનરે એક જ આંખ પર હાથ મૂક્યો છે, બીજાએ એક જ કાન પર હાથ મૂક્યો છે અને ત્રીજાએ અર્ધું મોઢું બંધ અને અર્ધું ખુલ્લું રાખ્યું છે. થોડીવાર તો તેઓ આનો અર્થ સમજી ન શક્યા પણ પછી તેમના મનમાં આનો અર્થ એક ઝબકારાની પેઠે સ્પષ્ટ થઈ ગયો : ‘બુરું જોવું નહીં પણ સારું જોવું, બૂરું સાંભળવું નહિ પણ સારું સાંભળવું, બુરું બોલવું નહિ પણ સારું બોલવું.’

પહેલાં તો તેમને લાગ્યું કે આ એક અભિનવ વિચાર છે પણ પછી તેમના મનમાં વેદનો પ્રખ્યાત શ્લોક આવી ગયો જેમાં આવા જ વિચારો આપેલા છે.

ॐ भद्रं कर्णेभिः श्रृणुयाम देवा:

भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।

स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः

व्यशेम देवहितं यदायुः ॥

(ઋગ્વેદ : ૧.૮૯.૮)

‘હે પૂજ્ય દેવો! અમે કાન વડે કલ્યાણકારી સાંભળીએ; આંખથી મંગળ જોઈએ અને મજબૂત અંગો વડે સૂક્ષ્મ રહસ્યવાળી શ્રુતિઓથી અમે સ્તુતિ કરીએ. દેવોએ આપેલું આયુષ્ય અમે સંપૂર્ણ ભોગવીએ.’

આમ ઈન્દ્રિયોના સદ્વ્યવહાર દ્વારા સદ્ગ્રંથોનું અધ્યયન કરીને, ટી.વી. પર સારા કાર્યક્રમો જોઈને, સારી સારી વાતો સાંભળીને આપણે આપણા મનને શુદ્ધ કરી શકીએ.

એક વાર એક સાધકે સ્વામી યતીશ્વરાનંદજીને કહ્યું કે તે એકાગ્રતા કેળવી શકતો નથી. તેમણે જવાબ આપ્યો, ‘એ સારું છે કે તમને એકાગ્રતા મળી નથી. જો કોઈ અશુદ્ધ મન એકાગ્ર બને તો એ એક બાઁબની જેમ ખતરનાક નીવડી શકે છે.’ આમ એકાગ્રતા મેળવતાં પહેલાં મનની શુદ્ધિ અત્યંત આવશ્યક છે.

એકાગ્રતા પર બાહ્ય વાતાવરણની અસર

બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ માને છે કે શાંત-એકાંત વાતાવરણ એકાગ્રતામાં વધારો કરે છે અને બાહ્ય અડચણો એકાગ્રતા માટે નડતરરૂપ કાર્ય કરે છે. તો કેટલાક એમ માને છે કે મોટા ભાગની અડચણો આપણા મનની અંદર જ છે અને બાહ્ય વાતાવરણ ગમે તેવું હોય પરંતુ જ્યાં સુધી મનની ભાવનાઓ અને લાગણીઓ કાબૂમાં નહીં હોય ત્યાં સુધી બાહ્ય વાતાવરણની કોઈ અસર થશે નહીં. ફૅન્ડ્રીક્સે પોતાના પ્રયોગો દ્વારા એવું તારવ્યું હતું કે, મનની એકાગ્રતા માટે બાહ્ય પરિબળો એટલાં બધાં અસરકારક નથી. ખરેખર તો બાહ્ય અને આંતરિક પરિબળો બન્ને એકાગ્રતા માટે મહત્ત્વપૂર્ણ છે.

બર્કલે યુનિવર્સિટીમાં ન્યુરોબાયોલૉજિસ્ટોએ પ્રયોગો દ્વારા એવું પ્રમાણિત કર્યું છે કે, બાહ્ય સ્થળ આપણી લાગણીઓ પર ઘણી અસર કરે છે. એક મોટા પિંજરામાં થોડા ઉંદરો રાખવામાં આવ્યા હતા. જ્યાં સુધી પિંજરામાં પૂરતી જગ્યા હતી ત્યાં સુધી તો તેઓ ખુશીથી નાચતા-કૂદતા રહ્યા પણ જ્યારે તે જ પિંજરામાં સંકડાશને કારણે વધુ ઉંદરો નાખવામાં આવ્યા ત્યારે તેઓના વર્તનમાં પરિવર્તન આવવા લાગ્યું. પહેલાં તો તેઓ આક્રમક અને અશાંત બનવા લાગ્યા અને પછી મોટા ઉંદરો નાના ઉંદરોને મારી નાખવા માંડ્યા. અંતે જ્યારે વૈજ્ઞાનિકોએ એમાંના થોડા ઉંદરોને બીજા પિંજરામાં ખસેડ્યા ત્યારે તેઓનું વર્તન ફરી સામાન્ય બની ગયું. આ પ્રયોગથી એવું તારવવામાં આવ્યું કે લાગણીઓ અને વર્તન પર બાહ્ય સ્થળની ઘણી મોટી અસર થાય છે. ગીચ વસતીનાં શહેરો અને ગિરદીવાળા રસ્તાઓ આનું ઉદાહરણ છે. આંકડાશાસ્ત્રના અહેવાલો જણાવે છે કે ઓછી વસતીવાળાં ગામડાં કરતાં ગીચ વસ્તીવાળા શહેરોમાં હત્યા, આત્મહત્યા, હિંસા વગેરેનું પ્રમાણ ઘણું વધારે છે. મોટાં શહેરોમાં લોકો ખીચોખીચ બસો, ટ્રેનોમાં જ્યારે મુસાફરી કરતાં હોય છે ત્યારે તેઓ ક્ષુલ્લક બાબતમાં જલદીથી ઉશ્કેરાઈ જાય છે, આવું ઘણી વાર જોવા મળે છે. આનું કારણ એ છે કે બાહ્ય સ્થળ અને પરિબળોની આપણા મન પર અસર થાય છે.

ન્યુરોબાયોલૉજિસ્ટોએ દર્શાવ્યું છે કે આક્રમકતા અને ક્રૂરતા માટે આપણા શરીરના ન્યુરોકૅમિકલ તત્ત્વો જવાબદાર છે. તેઓએ શોધ કરી છે કે મનુષ્યમાં આક્રમતાનું વલણ બે ન્યુરોટ્રાન્સમીટરો – સૅરૉટોનિન (Serotonin) અને નોરપિનફિન (Norepinephine) દ્વારા ચાલિત થાય છે. આક્રમકતા અને હિંસક વર્તન વધુ પ્રમાણમાં નોરપિનફિન અને ઓછા પ્રમાણમાં સૅરૉટોનિન આવાં વર્તન ઉત્પન્ન કરે છે. નૅશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૅન્ટલ હેલ્થ, યુ.ઍસ.એ. (National Institute of Mental Health, U.S.A.) ના ડૉ. ગુડવિન એમ માને છે કે, ન્યુરોટ્રાન્સમીટર અને આક્રમકતા વચ્ચેનો આ સંબંધ માત્ર જન્મજાત (genetic) નથી પણ બાહ્ય વાતાવરણ પણ આ ભૌતિક અને રાસાયણિક પરિબળોની અસમાનતાને જન્મ આપી શકે.

હાલમાં સ્થાનના અભાવે સમસ્ત જગતમાં મોટી સમસ્યા ઊભી કરી દીધી છે. કેટલાક વિદ્વાનોએ તો આ સ્થળના અભાવને કારણે પૃથ્વીના અંતિમ દિનની પણ કલ્પના કરી છે.

તાજેતરમાં એક હૉસ્પિટલના ભવનને વિશાળ બનાવવામાં આવ્યું. આ વધુ હવા-ઉજાસવાળા સુંદર ભવનને લીધે ડૉક્ટરોએ આશ્ચર્યથી નિહાળ્યું કે બધા દરદીઓ ઝડપથી સારા થવા લાગ્યા અને વર્ષોથી પીડાતા દરદીઓ ૩ મહિનામાં સંપૂર્ણ સાજા થઈ ગયા અને પોતપોતાને ઘેર પાછા ફરીને સ્વસ્થ જીવન વિતાવવા લાગ્યા. જૉન હૉપકીન્સ સ્કૂલ ઑફ મૅડિસિન (John Hopkins School of Medicine) ના ડૉ. જેરોમ ફ્રૅન્કે કહ્યું, ‘અમે લોકોએ દર્દીઓની સંપૂર્ણતાથી સારવાર કરવાનું મહત્ત્વ જાણ્યું છે. આ એક ફક્ત શરીરની સા૨વા૨ની જ વાત નથી પણ સર્વાંગીણ સારવાર આપણું લક્ષ્ય હોવું જોઈએ.’

આજકાલની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સ્થળનો અભાવ એ એક મોટી સમસ્યા છે. ક્લાસરૂમમાં જ પૂરતી જગ્યા નથી હોતી પછી રમતનાં મેદાન, ખુલ્લી જગ્યા વગેરેની તો વાત જ શી કરવી? કેટલાંક બાળમંદિરોની અવસ્થા તો કરુણ દૃશ્ય સર્જે છે. નાનાં ભૂલકાંઓને ઘેટાંની જેમ એક ઓરડામાં જાણે – ગોંધી રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં આ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓને મનની એકાગ્રતા ક્યાંથી આવે? શિક્ષણ સિવાયનું અન્ય બધી જાતનું કાર્ય જ આવી પરિસ્થિતિમાં થઈ શકે!

પ્રાચીનકાળનાં આપણાં ગુરુકુળો, આશ્રમો, વનમાં હતાં અને સ્વાભાવિકપણે જ વિદ્યાર્થીઓનું મન મોકળું બનતું અને એકાગ્ર થતું.

નવેમ્બર ૧૯૧૨માં શ્રીમા શારદાદેવી જ્યારે કલકત્તાથી કાશી ગયાં ત્યારે દત્ત પરિવારના ‘લક્ષ્મીનિવાસ’ નામના નવા મકાનમાં તેમને ઉતારો આપવામાં આવ્યો. ત્યાં તેઓ ગોપાલ મા, નિકુંજ દેવી (‘કથામૃત’ના લેખક શ્રી ‘મ’નાં ધર્મપત્ની) રાધુ વગેરેની સાથે અઢી માસ રહ્યાં હતાં. મકાનમાં પ્રવેશ કરતાંની સાથે જ શ્રીમા મકાનના વિશાળ વરંડાને જોઈને આનંદથી બોલી ઊઠયાં, ‘આહ, આવી વિશાળ જગ્યા ધરાવતું મકાન હોવું એ મોટું સૌભાગ્ય છે. નાની જગ્યામાં રહેવાથી મન નાનું થઈ જાય છે. વિશાળ જગ્યામાં રહેવાથી મન પણ વિશાળ થઈ જાય છે.

ઘણાનો એવો અનુભવ છે કે વિશાળ પવિત્ર સ્થળોમાં મંદિરોમાં, વનમાં, પહાડોમાં, તીર્થસ્થાનોમાં મન એકાગ્ર બની જાય છે, ઊંડા ધ્યાનમાં નિમગ્ન થઈ જાય છે. પણ જો ધ્યાન માટે આવી રીતે મંદિરોમાં નિયમિત જવું શક્ય ન હોય તો શું કરવું? સ્વામી વિવેકાનંદજીએ આનું સુંદર સમાધાન કરતાં કહ્યું છે – ‘જેમની શક્તિ-સ્થિતિ હોય તેઓ કેવળ આ સાધના માટેનો જ એક અલગ ઓરડો રાખે તે વધુ સારું. એ ઓરડામાં સૂવું નહીં. તેને પવિત્ર રાખવો. નાહી-ધોઇને શરીર ને મન શુદ્ધ ન થયાં હોય ત્યાં સુધી એ ઓરડામાં પેસવું નહીં. એ ઓરડામાં હંમેશા પુષ્પો રાખવાં, યોગીને માટે એવું વાતાવરણ ઉત્તમ છે, તથા મનમાં સાત્ત્વિક ભાવ જગાવે એવાં ચિત્રો રાખવાં. સવાર-સાંજ ધૂપ કરવો. એ ઓરડામાં કજિયા, કંકાસ, ક્રોધ કે અપવિત્ર વિચારો ન કરવા. જેઓ તમારા જેવા સમાન વિચારવાળા હોય, માત્ર તેમને જ અંદર પેસવા દેવા. એ રીતે ઘીરે ધીરે એ ઓરડામાં પવિત્રતાનું વાતાવરણ ઊભું થશે, તેથી જ્યારે તમે શોકગ્રસ્ત હો, દુઃખી હો, સંશયમાં હો, અથવા તમારું મન વ્યગ્ર હોય ત્યારે તે ઓરડામાં પ્રવેશ કરવાની સાથે જ મન શાંત થઇ જશે. મંદિર, દેવળ બાંધવા પાછળની ભાવના આ હતી. અને કેટલાંક મંદિરો અને દેવળોમાં તો હજીયે આવી શાંતિ અનુભવશો પણ તેમાંના મોટા ભાગનામાંથી તો એ ભાવના ચાલી ગઇ છે. ભાવના એ છે કે, પવિત્ર ભાવતરંગોને જાળવવાથી સ્થાન આધ્યાત્મિક ભાવનાથી ઉજ્જવળ બની રહે છે. જેઓ એ સાધના માટે અલગ ઓરડો ન રાખી શકે તેઓ જ્યાં અનુકૂળ પડે ત્યાં સાધના કરે.’

શ્રીરામકૃષ્ણદેવ કહેતા ‘ધ્યાન કરવું મનમાં, વનમાં અને ખૂણામાં.’ જો વનમાં જઇ શકાય તો અતિ ઉત્તમ, પણ બધા સમય માટે બધા માટે આ શક્ય નથી. માટે ઓરડાનો એક ખુણો નિર્ધારિત કરવાથી પણ ધીરે ધીરે એ સ્થળ આધ્યાત્મિક બનશે અને એકાગ્રતામાં સહાયરૂપ નીવડશે.

આમ, સાધનાની પ્રારંભિક અવસ્થામાં બાહ્ય વાતાવરણ, સ્થળ વગેરે એકાગ્રતા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. હા, એટલું ખરું કે ગમે તેવું સારું વાતાવરણ હોય, શાંત, વિશાળ સ્થળ હોય પણ મનની લાગણીઓ – ઇચ્છાઓ પર જ્યાં સુધી પૂરતું નિયંત્રણ ન આવે ત્યાં સુધી એનો પૂરેપૂરો લાભ સાધકોને મળતો નથી, એ વાતની ના નહિ કે સાધકનું અંતિમ લક્ષ્ય તો એવું હોવું જોઇએ કે બાહ્ય વાતાવરણનો કોઇ પ્રભાવ તેની એકાગ્રતા પર ન પડે. પણ તે તો અતિ ઉચ્ચ ભૂમિકા- અવસ્થાની વાત છે.

સ્વામી વિવેકાનંદજી ‘કર્મયોગ’માં કહે છે – ‘ગહન શાંતિમાં અને એકાંતમાં જે સતત પ્રવૃત્તિ જુએ, અને સતત પ્રવૃત્તિમાં રણના જેવી જ શાંતિ અને એકાંત અનભવે, તે જ આદર્શ માનવી ગણાય.’

સ્વામી વિવેકાનંદજી પોતે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતા. તેઓ જ્યારે હિમાલયમાં ગુફામાં ધ્યાનમગ્ન હતા ત્યારે દેશની ચિતામાં નિમગ્ન રહી સતત પ્રવૃત્તિમય રહેતા અને અમેરિકામાં બજારની ધાંધલમાં પણ એટલા ઊંડા ધ્યાનમાં મગ્ન થઇ જતા કે કેટલીયવાર ટ્રામમાં બેસીને જતી વખતે પોતાના ઉતરવાના સ્થળથી ઘણા આગળ નીકળી જતા!

શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય સ્વામી શારદાનંદજી મહારાજ કલકત્તાના ‘ઉદ્બોધન’ ભવનમાં પોતાના ઓરડામાં બેસીને અમર ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ લખતા. ભવનના દરવાજાની બહાર જ હતો કલકત્તા શહેરનો ઘોંઘાટ, લોકોની અવરજવર, બસોની દોડધામ અને અવાજ અને અંદર ભવનમાં રાધુ, પાગલી મામી વગેરેનો કોલાહલ, કલહ વગેરે. આવા બૂમબરાડા અને અશાંત વાતાવરણની વચ્ચે પણ પ્રશાંત ચિત્તે સ્વામી શારદાનંદજીને ગ્રંથના લેખનકાર્યમાં નિમગ્ન જોઇને ભક્તોએ કુતૂહલથી પૂછ્યું – ‘આટલો કોલાહલ આપની એકાગ્રતામાં ખલેલ નથી પહોંચાડતો?’ સ્વામી શારદાનંદજીએ શાંત ચિત્તે જવાબ આપ્યો – ‘મેં મારા કાનોને સમજાવી દીધું છે, કે તારે કામ સિવાયની આ બધી વાતો સાંભળવી નહિ. એટલે મારી એકાગ્રતા ભંગ થતી નથી.’ કેવું અદ્ભુત નિયંત્રણ પોતાના મન પર! પણ આ ઉચ્ચ સ્થિતિ સાધના કર્યા વગર આવતી નથી. અને સાધનાના પ્રથમ સોપાન તરીકે આપણે આપણી સાધના માટે બાહ્ય સ્થળ અને વાતાવરણ એકાગ્રતાને અનુકૂળ હોય તેવું રાખવું પડશે.

વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે એક અલગ ઓરડો રાખી શકે તો સારું. ભણવાનું ટેબલ સ્વચ્છ-સુંદર રાખવાથી અને દીવાલ પર સંતોના કે દેવદેવીઓના ફોટા રાખવાથી મન શુદ્ધ અને એકાગ્ર થશે.

એકાગ્રતા વિશે મનોવૈજ્ઞાનિક શોધો

દેશ-વિદેશમાં આધુનિક મનોવૈજ્ઞનિકો દ્વારા એકાગ્રતા વિશે ઘણી શોધખોળો થઈ રહી છે.- ‘જો કે આ શોધખોળો ખરેખર તો અવધાન અથવા કાળજી (attention) પૂરતી જ સીમિત છે, જે એકાગ્રતાનું પ્રથમ સોપાન છે. વિભિન્ન પ્રયોગો દ્વારા તેઓએ તારવ્યું છે કે –

૧. કિમોગ્રાફ, (Kymograph) મેન્સન્સ ડિસ્ક (Manson’s disc) ટાઈમ માર્કર (time marker) વગેરે. ઉપકરણોની સહાયતાથી પ્રયોગો કરી જાણવા મળ્યું છે કે થાક લાગેલી અવસ્થામાં અવધાનમાં વધુ વિક્ષેપ પડે છે.

૨. મૅકડુગલ ડિસ્ક ઍપરેટસ (McDugall’s Disc Apparatus ) અને સ્ટૉપ વૉચ (Stop Watch) ની સહાયતાથી પ્રયોગો કરી જાણવા મળ્યું છે કે ‘અવધાન’ એ એકલવાયું પરિબળ છે એટલે એક સમયે માત્ર કોઈ એક જ કાર્ય ધ્યાનથી અથવા કાળજીપૂર્વક થઇ શકે. એકી સાથે વધુ કાર્યો કરવા જતાં અવધાનમાં વિક્ષેપ પડી જાય છે, અને કોઈ પણ કાર્ય સારી રીતે થતું નથી. ઘણા વિદ્યાર્થીઓ રેડિયો સાંભળતાં સાંભળતાં અથવા ટીવી જોતાં જોતાં ભણે છે. આવી રીતે ભણવાના કાર્યમાં પૂર્ણ એકાગ્રતા ન આવી શકે.

૩. ‘અવધાન’ પર બાહ્ય ખલેલની અસર કેવી પડશે તે કાર્ય કરનાર વ્યક્તિની કાર્ય પરત્વેની નિષ્ઠા પર વધુ આધાર રાખે છે, જેમ કે રસ્તા પરથી બૅન્ડ પાર્ટી પસાર થાય ત્યારે ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ થઈ જશે પણ રૂપિયા ગણતા વેપારી પર એની અસર નહિ પડે. તો પણ બની શકે ત્યાં સુધી બાહ્ય ખલેલ ઓછામાં ઓછી રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

૪. ‘અર્થ ધરાવતી’ અને ‘અર્થ ન ધરાવતી’ વસ્તુઓ ૫ર ટેશિસ્ટોસ્કૉપ (Tachistoscope) ઉપકરણ અને કાર્ડની સહાયથી પ્રયોગો કરી એવું તારવવામાં આવ્યું છે કે અર્થ ધરાવતી વસ્તુઓ પર અવધાનની સીમા વધી જાય છે. સામાન્યતઃ મોટરગાડીની પ્લેટ પર ચારથી વધુ આંકડા એકી સાથે નથી લખાતા કારણ કે આ ‘અર્થવિહિન’ આંકડાઓ પર અવધાનની સીમા ઓછી હોય છે. ઓછા આંકડા હોવાથી પોલિસમૅન સરળતાથી નંબર વાંચી શકે છે.

કોઈમ્બટુરની અવિનાશલિંગમ ગર્લ્સ હાઈસ્કૂલમાં ૧૧માં ધોરણની ૧૦૮ વિદ્યાર્થિનીઓમાં આ વિશે પ્રયોગો કરવામાં આવ્યા અને જાણવા મળ્યું કે એકાગ્રતાને વધારે તેવાં પરિબળો આ પ્રમાણે છે, ઘરમાં : શાળામાં અને સમાજમાં શાંત વાતાવરણ, સુરક્ષા અને હૂંફની ભાવના, શિક્ષણકાર્યમાં દક્ષતા, કોલાહલનો અભાવ અને પડોશીઓ તેમ જ અતિથિઓની ખલેલ ન હોવી. મોટા ભાગની વિદ્યાર્થિનીઓએ સ્વીકાર્યું કે સાચી એકાગ્રતા પોતાના અંતરમાંથી જ આવી શકે, બાહ્ય પરિબળો તેને થોડા સહાયરૂપ થાય એટલું જ.

કારમાઈકેલ૧૦ અને મરફી૧૧ દ્વારા વિદ્યાભ્યાસમાં અવધાનને જાળવી રાખવા માટે નીચેનાં પરિબળોને મહત્વપૂર્ણ બતાવવામાં આવ્યાં છે.

૧. ભણાવવામાં આવતી વિષયવસ્તુ રસપ્રદ હોવી જોઈએ, શિક્ષકનો અવાજ બરાબર સંભળાવવો જોઈએ.

૨. ભણાવતી વખતે વચ્ચે વચ્ચે વિવિધતા – નવીનતા લાવવાથી ‘અવધાન’ વધુ અસરકારક બને છે.

૩. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે તેવી વાતો હોય અને શિક્ષકની વાણીમાં મધુરતા હોય તો ‘અવધાન’ વધુ સારું થાય છે.

૪. નવીન વિષય ભણાવતી વખતે નાટકીય ઢબે રજૂઆત કરવાથી અવધાન સરળ બને છે.

૫. અજાણી વસ્તુઓ વિશે વાત કરતી વખતે જાણીતી વસ્તુઓની વાતો સમાવવાથી અવધાન વધુ સારું થાય છે.

૬. દીર્ઘકાળ સુધી બેસી રહેવું પડતું હોય તો વચ્ચે વચ્ચે હાથપગ છૂટા મૂકવાથી ધ્યાન વધુ સારું જળવાઇ રહે છે.

૭. વિદ્યાર્થીઓને જરૂરી લાગતી હોય તેવી વાતો કરવાથી તેઓ વધુ ધ્યાનથી સાંભળે છે.

૮. વિષયવસ્તુ પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરાવ્યા પછી તે વિશેની વાતો કરવાથી અવધાન સરળ બને છે.

આમ મોટા ભાગના આધુનિક મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે બાહ્ય પરિબળો ‘અવધાન’ અથવા કાળજી (attention) માટે મહત્ત્વનાં છે. આ ‘અવધાન’ મનની એકાગ્રતા માટે આવશ્યક છે. પણ ફ્રૅન્ડ્રીક્સના મત પ્રમાણે એકાગ્રતા માટે બાહ્ય પરિબળોનું એટલું મહત્ત્વ નથી. આંતરિક પરિબળો વધુ મહત્ત્વનાં છે.

એકાગ્રતા અને આધ્યાત્મિક સાધના

એકાગ્રતા માટે આવશ્યક એવા આત્મશ્રદ્ધા, અંતઃકરણની શુદ્ધિ, લક્ષ્ય વિષેની સમજણ, લક્ષ્ય પ્રાપ્તિ માટેનો ઉત્સાહ,ખંત વગેરે અંતરના ગુણો વિકસાવવા માટે હકારાત્મક વલણ સગ્રંથોનું અધ્યયન – ચિંતન, નિયમિત પ્રાર્થના, મંત્રજાપ, ધ્યાન વગેરે અત્યંત લાભદાયી નીવડે છે. પ્રણવ (ઓમ્) અથવા ગાયત્રી મંત્ર અથવા પોતપોતાની રુચિ પ્રમાણે ઇષ્ટમંત્રનો જાપ કરવાથી, મનનો મેલ ધોવાઈ જાય છે. ઈષ્ટના ચિંતનથી અથવા કોઈ મહાન વિભૂતિ પર ધ્યાન કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે, મનની એકાગ્રતા વધે છે, એટલું જ નહિ, આ પ્રમાણે નિયમિત આધ્યાત્મિક સાધના કરવાથી પરમપદની પ્રાપ્તિ-ચિત્તની સંપૂર્ણ વૃત્તિઓનો નિરોધ – થાય છે, આધ્યાત્મિક સાધના દ્વારા દૈનિક જીવનમાં દરેક કાર્ય સફળતા માટે આવશ્યક એવી એકાગ્રતા મળે છે તેમ જ પરમપદ – પરમશાંતિની પ્રાપ્તિ માટેનો માર્ગ મોકળો થાય છે.

સંદર્ભ સૂચિ

૬. ‘Meditation and Spiritual Life’ by Swami Yatiswarananda P. 234 (Shri Ramakrishna Ashrama, Bangalore)

૭. ‘ધ્યાન : તેની પદ્ધતિ’ – સ્વામી વિવેકાનંદ – પૃ. ૨૧-૨૨, (શ્રીરામકૃષ્ણ આશ્રમ – રાજકોટ.)

૮. ‘Contribution of Psychological Researches to Concentration and Attention’ by R.P. Kulshreshtha published in the book – ‘Concentration – The only Method of Education’ (Shri Ramakrishna Mission Vidyalaya, Coimbatore)

૯. ‘Factors which Facilitate or ‘Debilitate Concentration’ by Dr. Rajammal P. Devas published in the book ‘Concentration – The only Method of Education.’

૧૦. ‘Basic Psychology – Leonard Carmichael (Random House, New York) p. 225

૧૧. ‘An Introduction to Psychology’ – Murphy J. (Oxford Book Company, New Delhi) p. 140

Total Views: 334

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.