ખરેખર સુંદર અને ધ્યેયલક્ષી એ સામયિક છે, અને તેમાં આવતાં લખાણોનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે અને છતાં એ સર્વજનગમ્ય પણ બની રહે છે. આવા ધ્યેયને સમર્પિત સામયિકને સર્વલોકગમ્ય આપે બનાવ્યું છે તે જોઇ આનંદ થાય છે.

અત્યારે ગુજરાતમાં આવાં ધ્યેયલક્ષી ઉચ્ચ કક્ષાનાં સામયિકો બહુ પ્રગટ થતાં નથી. એટલે ‘રામકૃષ્ણ જ્યોત’ એ કક્ષાનું વિશિષ્ટ સામયિક બની રહે છે.

ગુલાબદાસ બ્રોકર (મુંબઇ)

પૂજ્ય શ્રી ઠાકોરના ચરણોમાં પ્રણામ. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સામયિક શિક્ષણ વિશેષાંક મળ્યો છે. આ અંકમાં પ્રસિદ્ધ થયેલ મહાનુભાવોના શિક્ષણ વિશેના વિચારો અત્યંત મૂલ્યવાન અને સમયસરના છે. રાષ્ટ્રમાં જો કોઇ સ્તરે પ્રસરેલી બદી ભ્રષ્ટાચાર, ઉધઇ વિશેષ હોય તો તે શિક્ષણ ક્ષેત્રે છે. આ ઉધઇ વિદ્યાર્થી, શિક્ષણ અને સમાજને પુરી રીતે નાશ કરી ખોખલું બનાવી દેશે. સમયસરની જાગૃતિ માટેના સ્વામીશ્રી વિવેકાનંદના યત્નો અને મશાલ પ્રકાશ દ્વારા પ્રકાશિત કરવાનું કાર્ય આ સામયિક દ્વારા થયું છે એ પ્રસંશનીય છે.

વસુબહેન (અમદાવાદ)

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ એટલે એક ઊંચું, ઉત્તમ ભક્તિ સાહિત્ય એમાં શિક્ષક વિશેષાંક ઘણો ઉત્તમ રહ્યો. સંપાદનમાં પૂરી જહેમત લીધી છે. ઉત્તમ સાહિત્ય. છપાઇ પણ સુધડ, ને કાગળો… આ મોંઘવારીમાં આવો અંક એટલે સો રૂ.ની પ્રત થાય… છતાંય સંસ્થા રૂ. ૨૦/-માં આપે છે. આ જનતા જર્નાદનની સેવા જ છે.

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું સાહિત્ય ખૂબ ઊંચું છે. થોડીક હળવી વાર્તા ટુચકા, જેવું અપાય તો, સામાન્ય જન માટે આનંદ થાય.

શ્રી અંબાપ્રસાદજી મહારાજ (નડિયાદ)

ખૂબ ખૂબ આભાર. અંક ખૂબ જ સુંદર બન્યો છે. સંપાદનની આગવી સૂઝ, લેખોની પસંદગી, લે-આઉટ અને લેખોની રજૂઆત ખૂબ જ દાદ માંગી લે તેવી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. પ્રિન્ટિંગ પણ ખૂબ જ સુઘડ અને સરસ છે.

ભોલાભાઇ ગોલીબાર (અમદાવાદ)

આપના તરફથી પરિપત્ર – શિક્ષણ વિશેષાંક મળી ગયાં છે. આપણી સંસ્કૃતિના ઉદાત્ત મૂલ્યોનું સાંપ્રત સમયના પરિપેક્ષ્યમાં શિક્ષણમાં કેવી રીતે સિંચન કરી મનુષ્યનું સાચા અર્થમાં ઘડતર કરી શકાય, અને સાંપ્રત સમયની શિક્ષણ જગતની સમસ્યાઓનો ઉકેલ શી રીતે લાવી શકાય એ દર્શાવતો શિક્ષક અંક ખરેખર મૂલ્યવાન, સત્ત્વસભર અને શિક્ષણ જગત સાથે સંકળાયેલી કોઇપણ વ્યક્તિ માટે પથપ્રદર્શક બન્યો છે. આ માટે આપને હૃદયપૂર્વકનાં અભિનંદન. શ્રીમાના ચરણોમાં પ્રાર્થના કે મનુષ્યના સાચા અર્થમાં મનુષ્ય બનાવનાર સત્ત્વશીલ સાહિત્યનું પ્રદાન આપના દ્વારા વધુને વધુ થતું રહે અને તે માટે મા આપને ખૂબ શક્તિ આપે.

જ્યોતિબહેન થાનકી (પોરબંદર)

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો અંક મળ્યો. મોડો છે, પણ Matter ની દૃષ્ટિએ સરસ છે. લેખોની ગુણવત્તા ખરેખર ઊંચી છે. વિચારકો તથા અભ્યાસીઓને અવશ્ય ગમશે. વાંચીને ખૂબ આનંદ થયો છે – Outdated teacher હોવા છતાં.

હરેશભાઇ ચ. ધોળકિયા (ભુજ)

‘શિક્ષક અંક’ મળ્યો. આ વિશેષાંક ખરેખર ઉત્તમ છે. આ અંક વાંચવાથી મને કેટલો ફાયદો થયો છે, મારામાં કેટલા ફેરફાર થયા છે તે શબ્દમાં વર્ણવી શકતો નથી.

અંક વાંચતા પહેલાં મને એમ હતું કે, આમાં ફકત શિક્ષણ પદ્ધતિ ખોટી છે તે બદલવી જોઇએ વગેરે પોકળ વાતો જ હશે પરંતુ – જ્યારે અંકનો પહેલો જ લેખ ‘જાગો, ઓ મહાનુભાવો! જાગો’ લખેલું વાંચતાં જ આ મારો ભ્રમ દૂર થઇ ગયો.

હું શિક્ષક નથી છતાં એક વિદ્યાર્થી તરીકે પણ હું મારામાં સુધારો કરીશ – આ અંકથી મને ઘણું જ પ્રેરક બળ મળ્યું છે. આ અંક ફકત શિક્ષકો માટે જ કે તેને લગતો જ નથી પરંતુ એક વ્યક્તિ જાત સુધાર કરી કેવી રીતે સમાજ – સુધારમાં પોતાનો ફાળો આપી શકે છે તે સચોટ રીતે દર્શાવ્યું છે.

આ અંકના દરેક લેખ ઉત્તમોત્તમ છે તેમાંય વળી સ્વામી શ્રી જિતાત્માનંદનો ‘શિક્ષક બને પૂજક’ અને યશવંતભાઈ શુક્લનું ‘પ્રવર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકનું દાયિત્વ’ એ લેખો ખરેખર વાંચવા જેવા હતા. જ્યોતિબહેન થાનકીનો ‘સિસ્ટર નિવેદિતા’ વિષેનો લેખ ઘણી માહિતી આપી ગયો.

હિરેન ઠક્કર (ભાવનગર)

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.