અનંતકાળથી માનવી આધ્યાત્મિક જીવનની ખોજ કરી રહ્યો છે. યુગો પહેલાં આપણા પૂર્વજોએ જે જીવન પદ્ધતિ શીખવેલી તે ઔદ્યોગીકરણને લીધે આજે આપણને પૂર્ણપણે અનુકૂળ આવે એમ નથી. સમય ઘણો જ બદલાઈ ગયો છે અને આજે આપણે જે દુનિયામાં જીવીએ છીએ એમાં કદાચ આપણા પૂર્વજો જો આપણી મુલાકાતે આવે તો એમને પણ અપરિચિતપણાનો અનુભવ થાય. એ વખતના જૂના જમાનામાં લોકો પાસે પુષ્કળ સમય હતો અને એ સમયનું સામાજિક માળખું આજના જેટલું જટિલ નહોતું. આજના જમાનાના લોકોની વિચાર કરવાની પદ્ધતિમાં ક્રાન્તિકારી પરિવર્તન આવી ગયું છે. આથી આજના યુગમાં આધ્યાત્મિક જીવનની અનંત શોધ થઈ શકે તે માટે આપણે નવી રીતો શોધવાનો પ્રયત્ન કરવાનો રહે છે.

એક વાત તો ચોક્કસ છે કે આપણે સૌ જે આંતરિક પ્રેરણાનો અનુભવ કરી રહ્યા છીએ તેને મદદરૂપ થાય એવા કોઈક તત્ત્વની આપણને આજે આવશ્યકતા લાગે છે, બેશક, આવશ્યકતા તો છે જ. આપણે જે રીતે જીવન જીવી રહ્યા છીએ તેમાં આપણને પૂરેપૂરો સંતોષ તો નથી જ. ઓછામાં ઓછું એમ તો કહી શકાય કે સમૃદ્ધ વિસ્તારોમાં જ્યાં તમામ સુખસગવડો ઉપલબ્ધ છે ત્યાં પણ કશુંક ખૂટે છે એવો અનુભવ થયા કરે છે. આપણે આમ તેમ ફાંફા મારીએ છીએ અને આપણને જે કોઈ વસ્તુ સંતોષ આપી શકે એમ હોય તેને આપણે લોભિયાની માફક પકડી લઈએ છીએ. આટલો બધો સામાજિક વિકાસ અને આટલી બધી વૈજ્ઞાનિક પ્રગતિ હોવા છતાં પણ આપણે બહુ આનંદની સ્થિતિમાં હોઈએ એવું આપણને લાગતું નથી.

જે અસંતોષ સર્વત્ર ઉકળી રહ્યો છે તે આપણને નજરે પડે છે. અઢળક સમૃદ્ધિની વચ્ચે પણ આપણે એક પ્રકારની તીવ્ર ગરીબાઈથી પીડાઈએ છીએ; કોઈક મહત્ત્વના અભાવનો આપણે અનુભવ કરી રહ્યા છીએ; અને છતાં પણ આપણે એને ક્યાંય પણ શોધી શકતા નથી. આધુનિક માનવી, વિશેષે કરીને આધુનિક પરિબળોથી ખેંચાઈ રહ્યો છે એવો માનવી, સંતુલિત જીવન પદ્ધતિથી જીવવામાં મુશ્કેલી અનુભવી રહ્યો છે. સમાજની માગ એટલી પ્રબળ છે કે આપણી પોતાની બાબતમાં અને આપણા પરિવેશ સંબંધમાં આપણે શાંતિની અવસ્થા માણી શકીએ તે માટે આંતરિક સમાયોજન કરવાનો આપણને ભાગ્યે જ સમય મળે છે.

આપણને ઈષ્ટ એવી તમામ વસ્તુઓ વિજ્ઞાને આજે આપણને આપી છે; એણે આપણને અખૂટ સામર્થ્ય આપ્યું છે. પરંતુ સામર્થ્ય મહાન શક્તિનો પ્રેરણાસ્રોત હોવાની સાથોસાથ એ મોટી નિર્બળતાનો પણ સ્રોત બની રહ્યું છે. કારણ કે એનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણે જાણતા જ નથી. માનવજાત માટે એ શ્રેયસ્કર પણ નીવડી શકે અથવા તો માનવજાત કલ્પના પણ કરી ન શકે એવો વિનિપાત પણ સર્જી શકે. એ વજ્રપાતને આપણે કેવી રીતે નિવારી શકીએ અને સ્વયં આપણે વધારે સુખી, વધારે શાંત, વધારે અખંડ અને વધારે સંતોષકારી બની શકીએ એ આપણે જાણતા નથી. આધુનિક માનવી આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આજે આ આપણી વર્તમાન પરિસ્થિતિ છે.

આપણને આમ શા માટે લાગ્યા કરે છે? એક વાત તો એ છે કે ભૌતિક બાબતો સાથે આપણે વધુ પડતા ઘેરાયેલા રહીએ છીએ અને પરિણામે આપણી પાસે અઢળક સુખ સગવડો ઉપલબ્ધ છે; એટલું જ નહિ પરંતુ વધુ ને વધુ સુખસગવડો માટે આપણે ઝંખના કરતા રહીએ છીએ. બધા લોકોનાં જીવનધોરણ અલગ અલગ બની ગયાં હોવાથી તીવ્ર અસંતોષ ઊભો થઈ ગયો છે. કેટલાક લોકો તદ્દન ગરીબ છે તો કેટલાક વધારે પડતા સમૃદ્ધ છે અને એમની પાસે જે છે તેનો શો ઉપયોગ કરવો તેની પણ તેઓને ખબર નથી. પરિણામે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે, એક સમાજ અને બીજા સમાજ વચ્ચે, માનવી અને તેના પડોશીઓ વચ્ચે વિસંવાદિતા સર્જાઈ છે.

સંપત્તિની અસમાન વહેંચણી, સત્તાનું અસમતોલ વિતરણ એ બધાં અશાંતિના સર્જક છે. અને આમાંથી કેવી રીતે બહાર નીકળવું તેની આપણને ખબર નથી. વિવિધ પ્રકારની વાટાઘાટો દ્વારા તથા સમૂહ પ્રયત્નો દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા આપણે જેમ વધુ ને વધુ પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ એ સમસ્યાનો ઉકેલ આપણી મજબૂત પકડમાંથી હોંશિયારીથી છટકી જાય છે એમ આપણને વધુ ને વધુ લાગ્યા કરે છે. વિચારવાન પુરુષોને આ સમસ્યા સ્પષ્ટ રીતે સમજાય છે તેથી આપણે આ વિષયમાં વધારે લંબાણ નહિ કરીએ.

એક પ્રકારનો માનસિક ભય, રોગરૂપે પેસી ગયો છે જે આપણા સૌના મનને અશાંત બનાવે છે. પરંતુ આ તો આ સમસ્યાની માત્ર એક બાજુ થઈ. પણ અંદરખાનેથી ખૂબ ઊંડે ઊંડે આપણા અંતઃસ્તત્ત્વમાં આપણને એમ લાગ્યા કરે છે કે આપણું વ્યક્તિત્વ અખંડ નથી. આપણને એમ જ થયા કરે છે કે વિવિધ પ્રકારનાં બળો આપણને ખેંચી રહ્યાં છે અને એ બધાં બળોમાં પણ કોઈ એકવાક્યતા જણાતી નથી. જુદી જુદી દિશાઓમાં ખેંચાઈને આપણે વિવિધ અંશોમાં વિભાજિત થઈ જઈએ છીએ અને આપણે ખરેખર કોણ છીએ એ જ આપણે જાણતા નથી. આજકાલના આપણા સુધરેલા જીવનની આ હાલત છે.

સમસ્યાનો મૂળ મુદ્દો

આપણે ખરેખર કોણ છીએ એની આપણને ખબર નથી એ જ સમસ્યાનો મૂળ મુદ્દો છે. માનવીનો અનુભવ તો શારીરિક ફેરફારો પૂરતો, મનમાં ઉદ્ભવતા વિચારો પૂરતો તથા ઈન્દ્રિયો મારફત એકત્ર થતા અનુભવો પૂરતો જ મર્યાદિત છે. એને પેલે પાર આપણે સાચેસાચ કોણ છીએ એ બાબતનું આપણને જ્ઞાન નથી. આપણી જાતનું મનોવિશ્લેષણ કરવાની તથા આપણે ખરેખર કોણ છીએ એની શોધ કરવાની શક્તિ અને ફૂરસદ પણ આપણામાં નથી. આપણે માત્ર આટલું જ વિચારીએ છીએ ‘હું અમુક તમુક છું, જેનો જન્મ અમુક તમુક તારીખે થયો હતો. જેણે બાળપણ અને યૌવન પસાર કરી દીધું છે અને આજે વૃદ્ધાવસ્થાની ઉંમરે પહોંચ્યો છે, વગેરે વગેરે.’

પરંતુ આપણે જો આપણા વ્યક્તિત્વનું વિશ્લેષણ કરીશું તો જણાશે કે જેનો એકબીજા સાથે કશો મેળ નથી ખાતો એવા વિવિધ પદાર્થોનો એ શંભુમેળો છે. દાખલા તરીકે આપણું શરીર એ જડ દ્રવ્યોમાંથી ઉત્પન્ન થયું છે. આપણે આપણી ઈન્દ્રિયોનો પણ વિચાર કરીએ છીએ પરંતુ એ ક્યાં તત્ત્વોની બનેલી છે એની આપણને ખબર નથી. આપણું મન શેનું બનેલું છે એ પણ આપણે જાણતા નથી. છતાં પણ, આપણે એટલું તો જાણીએ છીએ કે જે રીતે આપણાં શરીરો અથવા આપણી આસપાસ દેખાતા ભૌતિક પદાર્થો જે અર્થમાં જડ દ્રવ્યોમાંથી ઉત્પન્ન થયેલા આપણે જાણીએ છીએ એ અર્થમાં આપણાં મન અને ઈન્દ્રિયોની ઉત્પત્તિ થયેલી નથી. આટલે સુધી તો આપણે સમજ્યા. ભૌતિક પદાર્થો અને ભૌતિક પદાર્થોની દ્રષ્ટા એ બે વચ્ચેના સંબંધની થોડીઘણી જાણ આપણને થઈ. હું જે જે પદાર્થો મારી આસપાસ નિહાળું છું તેનો હું દ્રષ્ટા છું. દ્રષ્ટા અને દૃશ્ય પદાર્થો વચ્ચેના ભેદનું વિશ્લેષણ કર્યા સિવાય અથવા તો એ દ્રષ્ટા ક્યાં તત્ત્વોનો બનેલો છે અને એની દૃષ્ટિનું લક્ષ્ય ખરેખર શું છે, એનું વિશ્લેષણ કર્યા સિવાય પદાર્થ અને દ્રષ્ટાના સંબંધને આપણે સૌએ સ્વીકારી લીધો છે. કોઈ પણ પ્રકારના પ્રમાણ વિના આપણે એને માની લીધું છે અને પરિણામે આ દ્વૈતભાવના દૃઢ થતી રહે છે.

અહીં સુધી આપણે આપણું પોતાનું વિશ્લેષણ કર્યું છે. સાથે સાથે વિજ્ઞાનમાં પણ આપણે ખૂબ પ્રગતિ કરી છે. આ બધું હોવા છતાં એટલે કે આપણું આંતરિક વિશ્લેષણ અને આપણી બાહ્ય વૈજ્ઞાનિક સિદ્ધિઓ બંને હોવા છતાં સ્વયં આપણા પોતાનામાં તથા એક બીજા સાથેના આપણા સંબંધોમાં શાંતિ નથી. આપણામાં જે કાંઈ ખૂટે છે એ છે શાંતિ – આંતરિક શાંતિ, બાહ્ય શાંતિ અને આપણા સૌની વચ્ચે શાંતિ – આ શાંતિ આપણા માટે અતિ મહત્ત્વની છે.

વિચાર કરવાની આપણી પદ્ધતિમાં પરિવર્તન આવી ગયું હોવાથી હવે જે રીતે આપણા પૂર્વજો ધર્મને સમજ્યા હતા તે રીતે આપણે ધર્મનો આશ્રય લઈ શકીએ એમ નથી. આપણે મન તો એ ધર્મ અસંસ્કારી, તદ્દન ભોળપણથી ભરેલું અને વહેમોથી પરિપૂર્ણ પોટલું જ છે. આ પ્રકારનો ધર્મ આજે આપણા ઉપર પ્રભાવ પાડી શકે એમ નથી. એવું આપણને લાગ્યા કરે છે કે જો આપણે આ પ્રકારનો ધર્મ સ્વીકારવાનો હોય તો આપણે હજારો વરસ પાછળ જવું પડે, જે શક્ય જ નથી. એ તબક્કાથી આપણે ઘણા આગળ વધી ગયા છીએ. આજના યુગમાં આપણને સંતોષ આપી શકે એવા કશાકની આવશ્યકતા છે. આ સમસ્યા જે વ્યક્તિગત અને સમૂહગત સમસ્યા છે તેમાંથી બહાર આવવામાં ધર્મ અથવા આધ્યાત્મિકતા આપણને સહાય કરી શકે એમ છે કે કેમ? આ બાબત આપણે માટે અત્યંત મહત્ત્વની છે. આપણે જ્યારે કશું જ કરવાનું હોય નહિ અને આપણી પાસે માત્ર ફાજલ સમય હોય ત્યારે જ આપણે આ સમસ્યાનું નિરાકરણ શોધીશું એમ હળવી રીતે આ સમસ્યા તરફ જોવાનું આપણા માટે શક્ય નથી. નહિં જ, આ સમસ્યા તો આપણા માટે અત્યંત મહત્ત્વ ધરાવે છે. આનું નિરાકરણ શોધી કાઢવું એ આપણા જીવન જેટલું જ અગત્યનું છે તથા એ શોધ્યા સિવાય આપણે સુખી થઈ શકીએ એમ નથી, અને એક સુગ્રથિત અખંડ વ્યક્તિત્વને પામી શકીએ એમ નથી. તથા સંપૂર્ણ રીતે અખંડના અંશ તરીકે રહી શકીએ એમ પણ નથી. જેની પ્રાપ્તિ આપણા પૂર્વજોને ધર્મમાં થઈ હતી અને આજે આપણને મદદરૂપ થાય એવા કશાકની આપણને જરૂર છે.

ઉપર કહ્યું તે મુજબ વીતી ગયેલા યુગમાં જે રીતે ધર્મને સમજવામાં આવતો હતો તેવો ધર્મ આપણે સ્વીકારી શકીએ એમ નથી. વીતેલા યુગમાં પાછા જઈને આપણે જડ મૂર્તિઓની, ભૂતપ્રેતની, શક્તિઓની અથવા તો જાદુગરોની પૂજા કરી શકીએ એમ નથી. પહેલાના જમાનામાં જાદુગરો ખૂબ પ્રશંસા, માન અને આદર મેળવતા હતા. જમાનો હવે ખૂબ બદલાઈ ગયો છે. આપણી વિવેકબુદ્ધિ દ્વારા આપણે સમજી ન શકીએ એવી કોઈ પણ બાબત આપણે સ્વીકારી શકીએ એમ નથી. આપણે તો બધી બાબતોમાં પરીક્ષણ કરીએ છીએ, પૂરી જાણકારી પ્રાપ્ત કરીએ છીએ અને પછી જ તેનો સ્વીકાર કરીએ છીએ. તેમ કર્યા સિવાય એવી કલ્પના કરવી કે પ્રાચીન કાર્યપ્રણાલીઓ આપણી આજની મુશ્કેલીઓમાં રાહત આપશે એ તો એક પ્રકારનું આત્મ-સંમોહન જ ગણાશે. માનવજાતનો આજે જે પ્રકારે વિકાસ થયો છે તે સ્તરે આપણને આપણી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે ખરેખર સહાય કરી શકે એવી કઈ બાબત છે તે આપણે શોધવી પડશે.

અગાઉ મેં વારંવાર સૂચન કર્યું છે કે કુદરતી બળો ઉપર આપણે પ્રભુત્વ મેળવ્યું છે પરંતુ આપણી જાત ઉપરનો કાબુ આપણે ગુમાવી દીધો છે. જડ પદાર્થો વિષે આપણે કંઈક સમજીએ છીએ પરંતુ આત્માની અથવા (એની સમકક્ષ) જે કોઈ તત્ત્વ હોય તેની સમજણ આપણને નથી. (આજે પણ આપણે એ જાણતા નથી) આપણને એટલી તો ખબર છે કે આપણે માનવીઓ છીએ. એક તરફ આપણું શરીર, મન તથા ઈન્દ્રિયો છે તથા બીજી બાજુ એવું કોઈ તત્ત્વ છે જે આ બધામાં વ્યાપ્ત છે અને એ બધાથી પર છે. કોઈ કુદરતી મૂળ તત્ત્વોમાં આપણું રૂપાંતર થવું શક્ય નથી. મનુષ્ય કાર્બન, નાઈટ્રોજન અને હાઈડ્રોજનમાંથી બનેલો છે પરંતુ એમાં આપણું રૂપાંતર કરી શકાય એમ નથી. આપણે એનાથી અધિક કાંઈક છીએ. જો આપણે અખંડ વ્યક્તિત્વ પ્રાપ્ત કરવું હશે તો એ કાંઈક જે આપણા પોતાનાં ભૌતિક પાસાંની પેલે પાર છે તેને જાણવું એ આપણા માટે અત્યંત આવશ્યક બની જશે, જ્યારે આપણે આપણા ભૌતિક અવયવોથી ઉપર ઊઠીશું અને શરીર મન રૂપી સંકુલની પેલે પારનો તથા આ ભૌતિક પાસાંઓ જે જે પરિવર્તનો પામે છે તે તમામ પરિવર્તનોમાં સમાયેલા તત્ત્વનો આપણે વિચાર કરતા થઈશું ત્યારે અને માત્ર ત્યારે જ આપણે વ્યક્તિત્વની અખંડતા પ્રાપ્ત કરી શકીશું.

પરિવર્તનની પ્રક્રિયાની જે વાત મેં કરી તે ખૂબ સરળ છે. મારું શરીર બાળકનું હતું; પછી મારું શરીર યુવાનનું હતું અને ત્યારબાદ મારું શરીર વૃદ્ધ માનવીનું થયું અને આખરે કોઈક દિવસે આ શરીરનો નાશ પણ થઈ જશે. ત્યાર બાદ શું રહેશે એની આપણને ખબર નથી. શરીરના અવયવોને જ માત્ર જાણ્યા કરવું એટલું જ બસ નથી તેનાથી આપણને આપણા આત્મા વિષે કોઈ જ જાણકારી પ્રાપ્ત થઈ શકશે નહિ. તેથી તો માત્ર આ શરીર વિષે જ ખ્યાલ આવી શકશે, શરીરના અવયવો વિષે કાંઈક ખ્યાલ આવશે અને જો કે મન અને શરીરના સંબંધો અચોક્કસ છે છતાં તે બે વચ્ચેના સંબંધનો થોડો ઘણો ખ્યાલ આવશે. એ જે હોય તે, પરંતુ મન વગર જ તમામ કાર્ય કરતા કેવળ કોઈ રોબૉટ જેવા મશીન કરતાં આપણે પોતે વિચાર કરતા માનવીઓ છીએ એમ તો આપણને લાગે જ છે.

આધ્યાત્મિક અભિગમની આવશ્યકતા

ધાર્મિક અને આધ્યાત્મિક ગુરુઓએ હંમેશાં માનવીના, ભૌતિક દૃષ્ટિકોણ વિનાના, આધ્યાત્મિક અભિગમ ઉ૫૨ જ ભાર મૂક્યો છે. શરીર, મન વગેરે જે ભૌતિક અંગોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેનાથી તદ્દન વિશિષ્ટ પ્રકારના કહેવાય એવા આત્માસ્વરૂપે આપણે છીએ. ધર્મ આપણા પોતાના ‘સ્વ’ની જ વાત આપણને કરે છે : ‘હું મારા શરીરનો સ્વામી છું; હું શરીર નથી કે મન નથી કારણ કે શરીર અને મનમાં તો ઓળખી શકાય નહિ તેવા ફેરફારો થઈ ગયા છે છતાં ‘હું’ એવો ને એવો જ રહ્યો છે. આ ‘હું’ કોણ છે? આપણને ભલે અત્યારે એની જાણ ના હોય પરંતુ આજનું આધ્યાત્મિક શિક્ષણ એ ‘હું’ શું છે તે શોધી કાઢવાનો માર્ગ બતાવશે. આજના આધ્યાત્મિક જીવનની એ જ ખોજ છે. એ કેવળ બૌદ્ધિક અનુમાન નથી.

બૌદ્ધિક અનુમાન આપણને કોઈક વિચારો આપશે પરંતુ આપણે એ વિચારો પ્રમાણે જ જીવી શકીએ નહિ. એ માત્ર અનુમાન જ રહેશે અને આપણો પોતાનો અંશ બની જશે નહિ. વૈજ્ઞાનિક સાધનો વડે પ્રયોગો કરીએ અને આપણું મન જે એની પેલે પાર છે તેના દ્વારા પ્રયોગો કરીએ એ બંનેમાં ઘણો મોટો ફેર છે. આપણે અત્યારે જે છીએ તેમાંથી આપણને અધિક ઉન્નત બનાવી શકે એ દિશામાં વિચાર કરવાનો માર્ગ આધ્યાત્મિકતા આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. ખાસ કરીને, વેદાન્ત તમને એ શીખવે છે કે ‘તમે’ એક એવી ચીજ છો જે સદા અપરિવર્તનશીલ છે, અને એના અસ્તિત્વને લીધે જ તમે બીજે બધે થતાં પરિવર્તનો નિહાળી શકો છો. એ અપરિવર્તનશીલ તત્ત્વ એવું કાંઈક હોવું જોઈએ જેના દ્વારા બધા ફેરફારો અમલી બને છે. આપણને જે જે ફેરફારો નજરે પડે છે એનો કોઈ એવો દ્રષ્ય હોવો જોઈએ જે પોતે કોઈ પણ પ્રકારનું પરિવર્તન પામતો નથી. એ જ સ્વયં ‘આત્મા’ છે અને એ જ ચિરસ્થાયી અપરિવર્તનશીલ સનાતન સત્ય છે. ગહન વિચારશક્તિ તથા ધ્યાન દ્વારા જ એને જાણી શકાય.

ભૌતિક પદાર્થોની અસરોથી જે મુક્ત છે અને શરીર તથા મનમાં થતા ફેરફારોથી તદ્દન સ્વતંત્ર છે એ ‘આત્મા’ની સતત સંવેદ્યતા એટલે જ આધ્યાત્મિક જીવન. આપણે જાણી જઈએ છીએ કે ‘હું’ જ તે આત્મા છું જે શાશ્વત દ્રષ્ટા છે અને સનાતન પ્રેક્ષક છે. અને એની સમક્ષ જે જે ચાલી રહ્યું છે તે તો માત્ર નાટક જ છે. આપણને જ્યારે આપણી અંદરના એ અપરિવર્તનશીલ શાશ્વત સારતત્ત્વનું ભાન થાય છે ત્યારે તે આજના અસંતુલનના દિવસોમાં આવશ્યક એવા સંતુલન માટેનો અંતિમ આશ્રય બની જાય છે. અસંતુલન તો હતું જ, સર્વત્ર હતું પરંતુ આપણે આ તોફાનમાંથી બચી શકીએ એ માટે આપણે આપણું લંગર ક્યાં નાખવું તેની આપણને ખબર જ નહોતી. ‘હું આત્મા છું’ એ જ્ઞાનને આપણે આપણા રોજીંદા જીવનમાં અમલી બનાવવા માટે હવે આપણે તૈયાર રહેવું જોઈએ.

જ્યાં સુધી આપણે એમ માનતા હતા કે ‘હું શરીર છું’, ‘હું મન છું’ ત્યાં સુધી આપણને એ ડર લાગતો હતો કે ‘કોઈક મને નુકસાન પહોંચાડશે’, કે ‘કોઈક વર્ગના લોકો આપણા વર્ગથી વિરુદ્ધ છે,’ કે ‘કોઈક રાષ્ટ્ર આપણા રાષ્ટ્રની વિરુદ્ધ છે.’ આ પ્રકારનો ભય આપણને હંમેશાં રહેલો હતો. વેદાંતે આપણને શીખવ્યું છે કે એક જ ‘આત્મા’ સર્વવ્યાપક છે અને એને જાણવાથી આપણને ખરેખરી શાંતિ પ્રાપ્ત થાય છે. આપણે એ ‘આત્મા’ને ઓળખી ગયા હોવાથી આપણને આત્મા-આત્મા વચ્ચે કોઇ જ ભેદ દેખાતો નથી. આત્મા એક જ છે અને આ બઘાં ભૌતિક ઉપાંગોથી ખરડાયા વિનાનો છે; તત્ત્વતઃ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે જ નહિ, ‘આપણે બધાં એક બની ગયાં છીએ’ એમ કહેવું એ તો ખરેખર હાસ્યાસ્પદ છે. સાચી રીતે જોતાં જો આપણે આપણાં શરીરો અને મનને ગણતરીમાં લઈએ તો આપણે બધાં ‘એક’ નથી. એ કક્ષાએ તો આપણે ઘણા બધા ભિન્ન છીએ. અને તેમ છતાં એક દૈવી આત્મા તમામ પ્રાણીમાત્રને વ્યાપકપણે સાંકળે છે. અને એ અર્થમાં આપણે બધાં એક છીએ.

ક્રમે ક્રમે આપણે અનુભવી રહ્યા છીએ કે એ અપરિવર્તનશીલ સત્ય આપણામાંથી ક્યારેય ગેરહાજર હોઈ શકે નહિ. એ અપરિવર્તનશીલ સત્યને લીધે જ આપણું પોતાનું અસ્તિત્વ છે. ‘બધાં પરિવર્તનોનો હું દ્રષ્ટા છે એટલે એ બધાં પરિવર્તનોનો ઘટક અંશ તો નથી જ. હું તો માત્ર શાશ્વત સાક્ષી છું.’ પ્રાચીન સમયમાં વેદાંતના ઋષિઓએ, ભારતના સંત-મહાત્માઓએ એ મહાન સત્યને શોધી કાઢ્યું અને બરાબર સ્પષ્ટ રીતે કહેવું હોય તો કહી શકાય કે શાશ્વત જ્ઞાન (ચિત્) તો સદાકાળ હતું જ. કેટલાક સંતોના મનમાં એનો આવિષ્કાર થયો અને એ લોકોએ આ વિચારને અભિવ્યક્ત કર્યો ‘- એ સનાતન સત્, ચિત્ અને આનંદ-’ એ એક જ તત્ત્વનું અસ્તિત્વ છે. બીજું બધું તો માત્ર સ્વપ્ન જ છે અથવા તો એના રૂપાંતરો જ દૃષ્ટિગોચર થાય છે.’

જ્યારે આપણે એમ કહીએ છીએ કે ‘જગત એક સ્વપ્ન છે’ ત્યારે તેનો શબ્દશઃ અર્થ કરવાનો નથી. આપણે એને સ્વપ્ન નહિ કહીએ પરંતુ આપણે એને પરિવર્તન પામતી ઘટના કહીશું. ખૂબ પ્રગતિશીલ વૈજ્ઞાનિક અભ્યાસમાં પણ એવો વિચાર વ્યક્ત થયો છે કે આ દૃશ્ય જગત સતત પરિવર્તન પામતી અવસ્થામાં છે. સતત પરિવર્તન પામતી અવસ્થામાં કશું જ સ્થિર નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જો વિચારીએ તો એવી કોઈ પણ વસ્તુ છે ખરી કે જે સ્થિર હોય? સમસ્ત જગત પરિવર્તનશીલ છે, તેવી જ રીતે એ જગતને નિર્માણ કરતું એકે એક અણુ પણ પરિવર્તન પામે છે. ગમે તેટલા સૂક્ષ્મમાં સૂક્ષ્મ મૂળતત્ત્વો સુધી જાઓ – ત્યાં સર્વત્ર આપણને પરિવર્તન જ દેખાશે, ફેરફારો થતા રહેતા જ દેખાશે. આ સતત પરિવર્તન પામતી ઘટનાઓમાં જ્યારે કશું પણ સ્થિર ન હોય, કશું પણ અચલ ન હોય, ત્યારે તમે એ પરિવર્તનનો વિચારેય કેવી રીતે કરી શકો? જો બધું જ પરિવર્તન પામતું હોય તો અને જો હું પોતે કોઈ પણ અપરિવર્તનશીલ ચિરસ્થાયી મૂળતત્ત્વ ન હોઉં તો પછી હું કોઈ પણ પરિવર્તનને કેવી રીતે જોઈ શકું? વેદાન્તની આ જ શોધ છે.

આધુનિક માનવી માટેનો ધર્મ

હું ‘વેદાન્તની શોધ’ એમ કહું છું કારણ કે એ કાંઈક નવીન નથી પરંતુ એની માત્ર શોધ જ કરવાની હતી અને એનો કેવળ અનુભવ જ કરવાનો હતો. આપણે પણ એનો જ અનુભવ કરવાનો છે. આપણા રોજબરોજના જીવનમાં આ જ્ઞાનનો અમલ કેવી રીતે કરવો એની સમજણ પણ ત્યારેજ આવશે જ્યારે આપણે પણ એનો અનુભવ કરીશું. વેદાન્તનો એ અર્થ નથી કે આપણે બધા શૂન્ય છીએ અથવા તો શૂન્યમાં રૂપાંતર પામેલા છીએ. બેશક નહિ. વેદાન્ત તો એમ કહે છે કે આત્મા તરીકે તમે સર્વવ્યાપક છો. કોઈ પણ ભૌતિક પદાર્થના અંશનું પણ અસ્તિત્વ છે કારણ કે તેની અંતર્ગત રહેલો આત્મા સત્ય છે અને એ એવી વસ્તુ છે જેના ઉપર બધા ફેરફારો થયા કરે છે. અંતિમ આશ્રયની જે અગાઉ વાત કરી તે જ આત્મા છે. આધુનિક ધર્મે આજે એ જ શીખવવાની જરૂર છે કે જે આપણું અંતઃસ્તત્ત્વ છે એ જ આત્મા છે. આધુનિક ધર્મ અથવા આધુનિક આધ્યાત્મિક શિક્ષણે એને જ અપનાવવાની જરૂર છે. જો આપણને એ આંતરિક આધ્યાત્મિક સત્ત્વનું જ્ઞાન થઈ જાય તો ત્યાર બાદ આ જગત સાથેના આપણા સંબંધોમાં અદ્ભુત પરિવર્તન આવશે. કારણ કે આપણને એ સત્યનાં દર્શન થશે કે આપણો ‘હું’ જ સર્વત્ર વ્યાપીને રહેલો છે. આત્મા તરીકે ‘હું’ સર્વત્ર છે. આ ‘હું’ જ જુદી જુદી વ્યક્તિઓમાં પણ વ્યક્ત થાય છે.

ગીતામાં કહ્યું છે કે જ્યારે હું કોઈને નુકસાન કરું છું ત્યારે હું મારી પોતાની જાતને જ નુકસાન કરું છું. અને જો કોઈ અન્ય વ્યક્તિ મને નુકસાન કરે તો એ એને પોતાને જ નુકસાન કરે છે. આપણે બધાં સર્વત્ર વ્યાપક એવી એક જ વ્યક્તિ સ્વરૂપે છીએ. વ્યક્તિને આપણે આપણાં આવરણોથી ઢાંકી દઈએ છીએ, આપણા આત્માને પણ આવરણોથી ઢાંકી દઈએ છીએ અને આપણે માનીએ છીએ કે આત્મા વિભક્ત છે. સંસ્કૃત સાહિત્યમાં ‘ઘડો’ અને ‘આકાશ’નું દૃષ્ટાંત સમજાવવામાં આવ્યું છે. ‘ઘડા’ની અંદર આકાશ છે એ ‘ઘટાકાશ’ છે. પરંતુ બહાર પણ એ જ આકાશનું વ્યાપક સ્વરૂપે અસ્તિત્વ છે જ. આથી ‘આકાશ’ને ખરું જોતાં કોઈ મર્યાદાઓ છે જ નહિ. એ મર્યાદા માત્ર આપણી સમજણમાં જ અસ્તિત્વમાં છે. આપણે એમ સમજીએ છીએ કે ‘ઘડો’ મર્યાદિત છે એટલે એની અંદરનું ‘આકાશ’ પણ મર્યાદિત છે. એ જ પ્રકારે ત્યારે આપણે આપણા શરીર – મનના સંકુલથી મર્યાદિત થએલા છીએ એમ આપણે પોતાને માટે વિચારીએ છીએ તે સમયે જ એક વ્યક્તિ બીજી વ્યક્તિથી ભિન્ન દેખાય છે. પરંતુ ધારો કે આપણે આપણા ‘આત્મા’ના દૃષ્ટિકોણને અગત્યતા આપીએ ત્યારે કોઈ પણ પ્રકારની ભિન્નતા દેખાશે જ નહિ. વેદાન્ત ઘોષણા કરે છે કે ‘હું સર્વવ્યાપક છું.’

सर्वतः पाणिपादम् तत् सर्वतोऽक्षिशिरोमुखम् ।

सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥

(શ્વેતાશ્વતર ઉપનિષદ ૩.૧૬)

એનાં ચરણો સર્વત્ર છે; એના હસ્ત સર્વત્ર છે; એના કર્ણો સર્વત્ર છે; એ સર્વમાં આવૃત્ત છે, સર્વમાં વ્યાપક છે.’

ઈશ્વર સર્વત્ર છે. આપણામાં આત્મા સ્વરૂપે બિરાજે છે. ईश्वरः सर्वभूतानाम् हृद्देशेऽर्जुन तिष्ठति (ગીતા -૧૮.૬૧) ઈશ્વર દરેકના હૃદયમાં બિરાજે છે. ઈશ્વર બીજું કાંઈ નથી પણ મારો આત્મા જ છે. ક્રમે ક્રમે આપણે જ્યારે આપણને પોતાને સ્થૂલ ભૌતિક પદાર્થોથી તથા એ પદાર્થો સાથેના આપણા સંબંધથી સ્વતંત્ર માનતા થઇશું ત્યારે આપણને એ જ સ્થૂલ ભૌતિક પદાર્થો બીજા કશા રૂપે નહિ પરંતુ એ જ ઈશ્વર અથવા એક પરમ સત્યની જ અભિવ્યક્તિઓ છીએ એમ દૃષ્ટિગોચર થશે. આ પછી આખું જગત આપણે માટે તદ્દન બદલાઈ જાય છે. આપણે જે પહેલાં સમજતા હતા એવું ભૌતિક જગત છે જ નહિ; જે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ સમજતા હતા તે પણ નથી; પરંતુ સર્વત્ર સર્વવ્યાપક એક જ ઈશ્વરનું અસ્તિત્વ છે, એક જ પરમ સત્ય વિદ્યમાન છે. એટલે આપણે બધા હવે એ પ્રમાણે વર્તન કરીએ જેથી એ એકત્વને પામેલી ચેતનાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ અને એ સિદ્ધિ આપણે કોઈ પણ ધર્મ દ્વારા અથવા આપણે પસંદ કરેલા કોઈ માર્ગ દ્વારા પ્રાપ્ત કરી શકીએ એમ છીએ.

જેટલું વધારે આપણે નિષ્પક્ષપણે વિચારતા થઈશું એટલા જ વધારે આપણે આપણા મનને સંયમમાં રાખી શકીશું, આપણી સ્વાર્થી પ્રકૃતિને કાબૂમાં રાખી શકીશું, તથા આપણી આપમતલબી વૃત્તિઓને પણ દૂર કરી શકીશું. આ પ્રકારે આપણે ધીરે ધીરે એ ૫૨મોચ્ચ સત્તા સાથે એકરૂપ બની જઈશું અને સાચી શાંતિ પ્રાપ્ત કરીશું. એ જ આ જીવનનું ઊંચામાં ઊંચું ધ્યેય છે.

ચાલો, આપણે બધાં હંમેશાં એવો અનુભવ કરીએ કે ‘મારું અસ્તિત્વ સર્વવ્યાપક છે. એ સર્વવ્યાપક તત્ત્વ બ્રહ્મ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક છે; અને એ મારામાં પણ વ્યાપ્ત છે. અને એ સર્વ પ્રાણીમાત્રના હૃદયમાં બિરાજે છે. એ જ ખરું સારતત્ત્વ છે જેને લીધે તમામ વસ્તુઓ વ્યક્ત સ્વરૂપને પામે છે.’

આપણે જેમ જેમ આ રીતે આગળ વધતા જઈશું તેમ તેમ આપણે વધારે ને વધારે વિશુદ્ધ થતા જઈશું. નિષ્કર્ષ રૂપે કહીએ તો, આપણે જાણતા નથી કે ક્યારે પરંતુ આજે નહિ તો આવતી કાલે અથવા ભવિષ્યમાં કોઈ સમયે આ વિચારને આખી દુનિયામાં પ્રત્યક્ષ વ્યવહારમાં ઉતારીશું એમ વિચારીએ તો તે તદ્દન હાસ્યાસ્પદ તો નહિ જ ગણાય. પરંતુ આપણે બધા ઓછામાં ઓછા આ માર્ગે જવાનો પ્રયત્ન તો કરીએ જ. આપણે આપણી સિદ્ધિના લક્ષ્ય તરફ જવા કદમ ઊઠાવીએ; આપણે પોતે જ આત્મા છીએ એમ આપણે તો અનુભવ કરીએ જ અને આ જ્ઞાનમાં આપણે બીજાઓને પણ સહભાગી બનાવીએ. એ પ્રમાણે બીજાઓને સામેલ કરવાના પરિણામે આપણે આપણા આધ્યાત્મિક જીવનને ઉન્નત કરી શકીશું અને પરિણામે આ વિશ્વ વધુ સારા વિશ્વ તરીકે પંકાય એ માટેનો દિવસ જલદી આવે એમાં સહાયભૂત થઈશું.

એ સુવર્ણયુગ ક્યારે આવશે એની મને ખબર નથી, પરંતુ સ્વામી વિવેકાનંદનું એ સ્વપ્ન હતું કે આપણે સૌ જ્યારે આપણી અંદર રહેલા પરમ સત્યની નજીક જઈશું ત્યારે એ સુવર્ણયુગ જરૂર આવશે. ઉપનિષદોમાં જણાવ્યું છે : स यथा सर्वासामपाम् समुद्र एकायनम् (બૃહદારણ્યક ઉપનિષદ, ૪.૫.૧૨)

‘જેમ બધા જળનું લક્ષ્ય માત્ર સમુદ્ર જ છે.’ પાણી દરેક જગ્યાએથી આવે છે અને સમુદ્રમાં ભળી જાય છે. આપણે સૌ પણ નાનાં નાનાં ઝરણાંઓ જ છીએ અને આપણી અંદર ને બહાર સર્વત્ર જે સારરૂપ તત્ત્વ છે તે આધ્યાત્મિક સમુદ્રમાં આપણે અંતે તો ભળી જવાનાં છીએ. વિવિધ અસ્તિત્વ ખરેખર તો એ એક પરમ સત્ત્વ, વિશ્વ ઐકયના વિવિધ આવિષ્કારો જ છે. એ પરમોચ્ચ સત્યનું આપણું જ્ઞાન એ જ આપણા તમામ પ્રશ્નોનું અંતિમ નિરાકરણ છે. દિવસે દિવસે એ સમય જેમ બને તેમ જલદી આવે એવી પ્રાર્થના કરીએ.

ભાષાંતર : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.