‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે. તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવાર નવાર પ્રકાશિત કરીએ છીએ. – સં.

શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે જમીન પર પાથરેલી સાદડી ઉપર બેઠા છે; હસતો ચહેરો. ભક્તોને કહે છે કે મારા પગે જરાક હાથ ફેરવી દો તો. ભક્તો ચરણસેવા કરે છે. ઠાકુર હસતાં હસતાં માસ્ટરને કહે છે, ‘આનો (ચરણસેવાનો) ઘણો અર્થ છે.’ વળી પોતાના હૃદય ઉપર હાથ રાખીને બોલે છે, ‘આની અંદર જો કંઈ (ઈશ્વરી શક્તિ) હોય, તો (આ ચરણસેવા કરવાથી, કરનારનાં) અવિદ્યા અજ્ઞાન બિલકુલ ચાલ્યાં જાઓ!’

અચાનક શ્રીરામકૃષ્ણ ગંભીર થયા; જાણે કે કંઈક ગુપ્ત વાત કહેવા જાય છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – અહીં પારકું માણસ કોઈ નથી, એટલે કહું છું. તે દિવસે હરીશ પાસે હતો. મેં જોયું તો આ ખોળિયું છોડીને સચ્ચિદાનંદ બહાર આવ્યો; આવીને બોલ્યો કે ‘હું યુગે યુગે અવતાર લઉં છું.’ ત્યારે લાગ્યું કે આ બધી વાતો મારા પોતાના મનના જ ખ્યાલ છે. એટલે ચૂપ રહીને જોયા કર્યું. ત્યારે જોયું કે એ સચ્ચિદાનંદ પોતે જ બોલે છે, ‘શક્તિની આરાધના ચૈતન્ય પણ કરી હતી.’ ભક્તો બધા આશ્ચર્યચકિત થઈને સાંભળી રહ્યા છે. કોઈ કોઈ વિચાર કરે છે કે સચ્ચિદાનંદ પરમાત્મા શું શ્રીરામકૃષ્ણનું રૂપ ધારણ કરીને આપણી પાસે બેઠા છે? ભગવાને શું ફરીથી અવતાર લીધો છે?

શ્રીરામકૃષ્ણ પાછા વાત કરે છે. માસ્ટરને સંબોધીને વળી કહે છે, ‘જોયું તો (મારામાં) પરમાત્માનો પૂર્ણ પ્રકાશ! તો પણ સત્ત્વ ગુણનું ઐશ્વર્ય!’ ભક્તો બધા આશ્ચર્યચકિત થઈને આ બધી વાતો સાંભળે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – માને કહ્યું, ‘મા, હવે હું ઝાઝું બોલબોલ કરી શકતો નથી. હવે એવું કરી આપો કે જેથી એક વાર (મારા) સ્પર્શ માત્રથી માણસમા ચૈતન્ય જાગી ઊઠે!’

‘યોગમાયાનો એવો મહિમા કે એ નજર બાંધી દે. વૃંદાવન-લીલામાં યોગમાયાએ નજર બાંધી દીધી હતી. એને જ લીધે સુબલે શ્રીકૃષ્ણની સાથે શ્રીમતીનું મિલન કરી દીધું હતું. યોગમાયા એટલે આદ્યશક્તિ. તેમની એક આકર્ષણ શક્તિ છે. મેં એ શક્તિનો આરોપ કર્યો હતો. વારુ, જેઓ અહીં આવે છે તેમની કાંઈ પણ પ્રગતિ થાય છે?

માસ્ટર – જી હા. થાય છે જરૂર.

શ્રીરામકૃષ્ણ – કેમ જાણ્યું?

માસ્ટર (હસીને) – બધાય કહે છે કે એમની (પરમહંસદેવની) પાસે જેઓ જાય છે, તેઓ પાછા આવતા નથી.’

શ્રીરામકૃષ્ણ (હસીને)- એક મોટો દેડકો પાણીના ડેંડા સાપના મોઢામાં આવી ગયો હતો. એ ડેંડો પેલાને ગળીય શકતો ન હતો, તેમ છોડીય શકતો ન હતો; અને એ દેડકાનેય ત્રાસ. એ બિચારો ડ્રાઉં ડ્રાઉં કરીને બૂમો પાડ્યા કરતો હતો. અને ડેંડા સાપનેય ત્રાસ; એ દેડકાને ગળીય શકતો ન હતો. પરંતુ ફણિધર નાગના સપાટામાં જો આવ્યો હોત તો એક બે વાર ડ્રાંઉં ડ્રાંઉ કરીને જ શાંત થઈ જાત. (સૌનું હાસ્ય) (યુવક ભકતોને) તમે ત્રૈલોક્યે લખેલી પેલી ચોપડી વાંચજો : ભક્તિ ચૈતન્યચંદ્રિકા. તેની પાસેથી એક માગી લેજો ને. મજાની ચૈતન્યદેવની વાતો છે.

એક ભક્ત – એ આપશે?

શ્રીરામકૃષ્ણ (હસીને) – કેમ? કાકડીના ખેતરમાં જો ઘણી કાકડી થઈ હોય તો માલિક બે ત્રણ એમ ને એમ આપી ન દે! (સૌનું હાસ્ય). એમ ને એમ શું નહિ આપે? શું કહેશે?

શ્રીરામકૃષ્ણ (પલ્ટુને) – આવતો રહેજે અહીં વચ્ચે વચ્ચે.

પલ્ટુ – સગવડ મળશે એટલે આવીશ.

શ્રીરામકૃષ્ણ – કલકત્તામાં હું જ્યાં જાઉં ત્યાં આવીશ?

પલ્ટુ – આવીશ; પ્રયાસ કરીશ.

શ્રીરામકૃષ્ણ – આનું નામ વાણિયા-વિદ્યા?

પલ્ટુ – પ્રયાસ કરીશ એમ ન કહું તો પછી ખોટું બોલ્યું ગણાય.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – એમની ખોટી વાત હું ગણતરીમાં લઉં જ નહિ, કારણ કે તેઓ સ્વતંત્ર નથી.

શ્રીરામકૃષ્ણ (હરિપદને)-મહેન્દ્ર મુખર્જી કેમ નથી આવતા?

હરિપદ- બરાબર કહી શકતો નથી.

માસ્ટર (હસીને) – એ જ્ઞાન-યોગ સાધે છે.

શ્રીરામકૃષ્ણ -ના; તે દિવસે પ્રહ્લાદ-ચરિત્ર નાટક જોવા લઈ જવા સારુ ગાડી મોકલી દઈશ એમ કહ્યું હતું પણ મોકલી નહિ; એટલા માટે કદાચ નહિ આવતા હોય.

માસ્ટર – એક દિવસ મહિમા ચક્રવર્તીની સાથે મેળાપ અને વાતચીત થઇ હતી. એમને ત્યાં આવજા કરે છે એમ લાગે છે.

શ્રીરામકૃષ્ણ – કેમ? મહિમા તો ભક્તિની વાત પણ કરે છે! એ તો ખૂબ બોલે છે કે આરાધિતો યદિ હરિસ્તપસા તતઃ કિમ્!

માસ્ટર (હસીને) – એ તો આપ બોલાવો એટલે બોલે!

શ્રીયુત ગિરીશ ઘોષ ઠાકુરની પાસે નવા નવા આવજા કરે છે. આજકાલ એ હમેશાં ઠાકુરની વાતો કરીને જ સમય વિતાવે છે.

હરિપદ – ગિરીશ ઘોષને આજકાલ કેટલીય જાતનાં દર્શનો થાય છે. અહીં આવ્યા ત્યારથી હમેશાં ઈશ્વરીય આવેશમાં જ રહે છે, અને કેટલુંય જુએ છે!

શ્રીરામકૃષ્ણ – એ સંભવે. ગંગાની પાસે જવાથી ઘણીય વસ્તુઓ દેખાય; વહાણ, સ્ટીમર અને બીજું કેટલુંય.

હરિપદ – ગિરીશ ઘોષ કહે છે કે હવેથી માત્ર આ કામ લઈને જ રહીશ. બસ, સવારમાં ઘડિયાળ જોઈને ખડિયો કલમ લઈને બેસીશ, તે આખો દિવસ આ નાટક લખવાનું કામ જ કર્યા કરીશ. એ પ્રમાણે કહે ખરા, પણ કરી શકે નહિ. અમે જઈએ એટલે કેવળ આપની જ વાતો. આપે નરેન્દ્રને મોકલવાનું કહ્યું હતું તે ગિરીશ બાબુ બોલેલા કે, ‘નરેન્દ્રને ગાડી કરી આપું!’

પાંચ વાગ્યા છે, છોટો નરેન ઘેર જાય છે. ઠાકુર ઉત્તર – પૂર્વની લાંબી ઓસરીમાં ઊભા રહીને એકાંતમાં તેને વિવિધ ઉપદેશ આપે છે. થોડી વાર પછી તેણે પ્રણામ કરીને રજા લીધી. બીજા ભક્તોમાંથી પણ ઘણાખરાએ રજા લીધી.

શ્રીરામકૃષ્ણ નાની પાટ પર બેસીને મોહિનીમોહનની સાથે વાતો કરે છે. તેમની સ્ત્રી બાળકના મૃત્યુ પછી ગાંડા જેવી થઈ ગઈ છે. એ ક્યારેક હસે, ક્યારેક રડે. પણ દક્ષિણેશ્વરે ઠાકુરની પાસે આવે એટલે શાંત થઈ જાય.

શ્રીરામકૃષ્ણ – તમારા ઘરમાંથી હવે કેમ છે?

મોહિનીમોહન – અહીં આવે એટલે શાંત થાય, પણ ત્યાં ક્યારેક ક્યારેક બહુજ ઉત્પાત મચાવે. તે દિવસે તો મરવા ગઈ હતી.

ઠાકુર એ સાંભળીને થોડી વાર ચિંતાતુર થઈ રહ્યા. મોહિનીમોહન નમ્રતાપૂર્વક કહે છે, ‘આપે એને બે ચાર વાતો કહેવી પડશે.’

શ્રીરામકૃષ્ણ – એને રાંધવા દેવું નહિ; એથી મગજ વધુ તપે. અને એક માણસ સાથે જ રાખવું.

સંધ્યા થઈ. દેવમંદિરોમાં આરતીની તૈયારી થઈ રહી છે. શ્રીરામકૃષ્ણના ઓરડામાં દીવો કરવામાં આવ્યો ને ધૂપ કરવામાં આવ્યો. ઠાકુર નાની પાટ ઉપર બેસીને જગન્માતાને પ્રણામ કરીને મધુર સ્વરે ભગવાનનાં નામ લે છે. ઓરડામાં બીજું કોઈ નથી. એકલા માસ્ટર બેઠા છે.

ઠાકુર કહે છે, ‘એક વખત કાલી-મંદિરમાં જઈ આવું.’ એમ કહીને માસ્ટરનો હાથ પકડી તેમના ઉપર ભાર દઈને ચાલતા ચાલતા કાલી-મંદિરની સામેના ઓટલા પર જઈને ત્યાં બેઠા. બેસતાં પહેલાં કહે છે કે ‘તમે એને બોલાવી લાવો તો!’ માસ્ટરે બાબુરામને બોલાવી દીધા, ઠાકુર મા કાલીનાં દર્શન કરીને મોટા ચોગાનની વચ્ચે થઈને પોતાના ઓરડામાં પાછા ફરે છે. મોઢામાં ‘મા! મા! રાજ રાજેશ્વરી!’ ઠાકુર ઓરડામાં આવીને નાની પાટ ઉપર બેઠા.

થોડી વાર પછી….મોહિનીમોહનની પત્ની ઠાકુરના ઓરડામાં આવીને પ્રણામ કરીને એક બાજુએ બેઠી….

અચાનક મોહિનીમોહનની પત્નીને સંબોધીને ઠાકુર બોલે છે : ‘આપઘાત કરીને મરવાથી પિશાચણી થાય! સાવધાન! મનને સમજાવજે! આટલું આટલું જોયું, સાંભળ્યું ને છેવટે આ દશા!’

હવે મોહિનીમોહન રજા લે છે. જમીન પર માથું નમાવીને ઠાકુરને પ્રણામ કરે છે. તેની પત્ની પણ ઠાકુરને પ્રણામ કરે છે. ઠાકુર ઓરડાની અંદર ઉત્તર બાજુના બારણા પાસે ઊભા રહ્યા છે. મોહિનીમોહનની પત્ની ઘુંઘટો કાઢીને ધીમે અવાજે ઠાકુરને કંઈક કહે છે.

શ્રીરામકૃષ્ણ – અહીં રહેવું છે?

મોહિનીમોહનની પત્ની – આવીને થોડાક દિવસ અહીં રહું, નોબતખાનામાં મા છે તેમની પાસે.

શ્રીરામકૃષ્ણ – ભલે બહુ સારું. પણ તમે જે આ કહો છો કે મરવા જવાની વાત; તેથી બીક લાગે છે. વળી પાસે જ ગંગા!

(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-૩ (પૃ. ૧૬-૨૨)માંથી સંકલિત)

Total Views: 104

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.