શ્રીરામકૃષ્ણ: મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ-રામાયણ, ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો. એંડેદાના કૃષ્ણકિશોરની પાસે અધ્યાત્મ-રામાયણ સાંભળવા જતો.

કૃષ્ણકિશોરમાં કેવી શ્રદ્ધા હતી! તે વૃંદાવન ગયો હતો. ત્યાં એક દિવસ પાણીની તરસ લાગી. કૂવા પાસે જઈને જોયું તો એક જણ ઊભો હતો. કૃષ્ણકિશોરે તેની પાસે પાણી માગતાં પેલાએ કહ્યું કે ‘હું હલકી જાતનો છું, આપ બ્રાહ્મણ. હું કેવી રીતે આપને પાણી કાઢી આપું!’ કૃષ્ણકિશોરે કહ્યું કે ‘તું બોલ ‘શિવ, શિવ’; શિવ બોલીશ એટલે શુદ્ધ થઈ જઈશ.’ પેલાએ ‘શિવ’ ‘શિવ’ ઉચ્ચાર કરીને પાણી કાઢી આપ્યું. એવો આચારી બ્રાહ્મણ, તેણે એ પાણી પીધું, કેવી શ્રદ્ધા!

એંડેદાના ઘાટ પર એક સાધુ આવ્યો હતો. અમે એક દિવસ તેનાં દર્શને જવાનો વિચાર કર્યો.

મેં કાલીમંદિરમાં હલધારીને કહ્યું, ‘કૃષ્ણકિશોર અને હું સાધુનાં દર્શને જવાના છીએ, તમારે આવવું છે?’

હલધારીએ કહ્યું, ‘એક માટીના પિંજરાને જોવા જઈને શું વળવાનું?’

હલધારી ગીતા, વેદાંત વાંચતો ને, એટલે સાધુને કહે છે માટીનું પિંજરું. કૃષ્ણકિશોરને જઈને મેં એ વાત કરી. એથી એ બહુ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે, ‘શું હલધારીએ એવી વાત કરી? જે ઈશ્વર ચિંતન કરે, અને ઈશ્વર સારુ જેણે સર્વત્યાગ કર્યો છે, તેનો દેહ માટીનું પિંજરું? તેને ખબર નથી કે ભક્તોનો દેહ ચિન્મય?’

તેને એટલો ગુસ્સો ચડેલો કે કાલીમંદિરે ફૂલ તોડવા આવતો ત્યારે હલધારી સામે આવતાં મોઢું ફેરવી લેતો, કે જેથી તેની સાથે બોલવું ન પડે.

મને કહે કે જનોઈ કાઢી નાખી શા માટે? મારી જ્યારે આવી અવસ્થા થઈ ત્યારે ચોમાસાના તોફાનની પેઠે કંઈક આવીને એ બધું ક્યાંયનું ક્યાંય ઉડાવીને લઈ ગયું. આગળનું ચિહ્ન એકેય રહ્યું નહિ. હોશ નહોતા. ધોતિયું જ નીકળી જાય તો જનોઈ તો રહે શેની? મેં તેને કહ્યું, ‘તમને એક વાર ઉન્માદ થાય તો ખબર પડે!’

અને એમ જ થયું. તેને પોતાને જ ઉન્માદ થયો. ત્યારે એ માત્ર ૐ, ૐ બોલતો અને એક ઓરડામાં ચૂપચાપ બેસી રહેતો. સૌએ તેનું માથું ભમી ગયું છે જાણીને વૈદને તેડાવ્યો. નાટાગઢનો રામ વૈદ્ય આવેલો. કૃષ્ણકિશોરે વૈદને કહ્યું, ‘અરે વૈદરાજ, મારો રોગ મટાડો ભલે; પણ જો જો, મારો ૐકાર મટાડતા નહિ!’ (સૌનું હાસ્ય.)

એક દિવસ જઈને જોયું તો એ ચિંતા કરતો બેઠો છે. મેં પૂછ્યુંઃ ‘શું થયું છે?’ તેણે જવાબ આપ્યો કે ‘ટેક્સવાળો આવ્યો હતો, એટલે ચિંતામાં પડ્યો છું. એ કહી ગયો છે કે ટેક્સના રૂપિયા નહિ ભરો તો ઘરનાં વાસણકુસણ વેચીને વસૂલ કરવામાં આવશે.’

મેં કહ્યું, ‘અરે, ચિંતા કર્યે શું વળવાનું હતું? બહુ તો લોટા-વાટકા લઈ જશે. જો બાંધીને લઈ જવા ઇચ્છે તો તમને તો લઈ જઈ શકવાનો નથી ને? તમે તો “ખ”’. (નરેન્દ્ર વગેરેનું હાસ્ય).

કૃષ્ણકિશોર કહેતો હતો કે હું ‘ખ’, એટલે કે આકાશ જેવો, અધ્યાત્મ- રામાયણ વાંચતો ને એટલે. વચ્ચે વચ્ચે હું ‘તમે ખ’ કહીને તેની મજાક કરતો. એટલે મેં હસીને કહ્યું કે તમે તો ‘ખ’. તમને ટેક્સ ખેંચી જઈ શકવાનો નથી!

ઉન્માદ અવસ્થામાં માણસોને ખરેખરી વાત, સાચી વાત કહી દેતો; કોઈની પરવા કરતો નહિ. મોટો માણસ જોઈને બીક લાગતી નહિ.

યદુ મલ્લિકના બગીચામાં યતીન્દ્ર આવ્યો હતો. હું ય ત્યાં હતો. મેં તેને પૂછ્યુંઃ ‘આપણું કર્તવ્ય શું? ઈશ્વર-ચિંતન કરવું એ જ આપણું કર્તવ્ય કે નહિ?’

યતીન્દ્રે જવાબ આપ્યો કે, ‘અમે તો સંસારી માણસ રહ્યા, અમને શું મુક્તિ છે? રાજા યુધિષ્ઠિરેય નરક-દર્શન કર્યું હતું’.

એ પરથી મને ભારે રીસ ચડી. મેં કહ્યું, ‘તમે તે કેવા માણસ છો? યુધિષ્ઠિરના એક નરક-દર્શનને જ યાદ કરી રાખ્યું છે? યુધિષ્ઠિરનું સત્ય, ક્ષમા, ધૈર્ય, વિવેક, વૈરાગ્ય, ઈશ્વર-ભક્તિ એ બધાંમાંથી કાંઈ યાદ નથી રહ્યું?’ એ ઉપરાંત પણ બીજું કેટલુંય બોલવા જતો હતો, પણ હૃદયે મારું મોઢું દાબી દીધું.

જરાક વાર પછી યતીન્દ્ર ‘મારે થોડુંક કામ છે’ કહીને ચાલ્યો ગયો.

ઘણાય દિવસ પછી કેપ્ટનની સાથે સૌરીન્દ્ર ઠાકુરને ત્યાં ગયો હતો. તેને જોઈને કહ્યું કે, ‘હું તમને રાજા બાજા કહી શકીશ નહિ. કારણ કે એ ખોટું બોલવા જેવું થાય.’

મારી સાથે થોડીક વાતચીત કરી, પણ પછી જોયું કે સાહેબ લોકો આવજા કરવા લાગ્યા; રજોગુણી માણસ, કેટલાંય કામ માથે લીધાં છે. યતીન્દ્રને ખબર મોકલવામાં આવ્યા હતા પણ તેણે કહેવરાવી મોકલ્યું કે મારા ગળામાં દુઃખાવો થયો છે.

એ ઉન્માદ-અવસ્થામાં બીજે એક દિવસ વરાહનગરના ઘાટ ઉપર જોયું તો જય મુખરજી જપ કરી રહ્યો છે, પણ તેનું મન બીજે ક્યાંય! એ વખતે તેની પાસે જઈને બે તમાચા ચોડી દીધા!

એક દિવસ રાસમણિ અહીં કાલીમંદિરે આવેલી. એ જ્યારે જ્યારે મંદિરમાં પૂજાને વખતે આવતી ત્યારે મને એક બે ભજન ગાવાનું કહેતી. તે દિવસે હું દેવીનું ગીત ગાઈ રહ્યો છું ત્યાં જોયું તો રાણી બેધ્યાન થઈને ફૂલ ગોઠવી રહી છે. તરત જ બે થપાટ! એટલે રાણી તરત સાવધાન થઈને હાથ જોડી રહી.

મેં હલધારીને કહ્યું, ‘મોટાભાઈ! મારો આ તે કેવો સ્વભાવ થઈ ગયો? આનો ઉપાય શો કરવો?’

એ પછી માની પાસે પ્રાર્થના કરતાં એ સ્વભાવ ગયો.

એ અવસ્થામાં ઈશ્વરની વાતો સિવાય બીજું કાંઈ જ ગમતું નહિ. સંસાર-વહેવારની વાતો થાય, એ સાંભળીને હું રડતો.

મથુરબાબુ જ્યારે તેમની સાથે મને તીર્થયાત્રાએ લઈ ગયા, ત્યારે કાશીમાં રાજાબાબુઓના મકાનમાં કેટલાક દિવસ અમે રહ્યા હતા. મથુરબાબુની સાથે દીવાનખાનામાં હું બેઠો છું. રાજાબાબુઓ પણ બેઠેલા છે. મેં જોયું કે એ લોકો સંસાર-વહેવારની વાતો કરી રહ્યા છે; ‘આટલા રૂપિયાનું નુકસાન થયું,’ એ બધી વાતો.

એ સાંભળીને હું રોવા લાગ્યો અને કહ્યું, ‘મા, આ તું મને ક્યાં લઈ આવી? હું તો રાસમણિના બગીચામાં બહુ મજામાં હતો. આ તીર્થયાત્રા કરવા આવીનેય એની એ કામ-કાંચનની વાતો? ત્યાં (દક્ષિણેશ્વરમાં) તો સાંસારિક વાતો સાંભળવી ન પડતી.’

Total Views: 893

2 Comments

  1. heena February 12, 2023 at 1:21 pm - Reply

    શ્રી “મ” નો શું અર્થ છે અહિંયા એ જણાવશો પ્લીઝ. અને આ લેખનાં લેખક કોણ છે?

  2. Patel Rajesh Shivlal February 6, 2023 at 4:03 am - Reply

    Jay Thakur

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.