‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારાથી કેટકેટલાંયને નવજીવન મળી રહ્યું છે, તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ’૯૬ના સંપાદકીય લેખમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત કરીએ છીએ. – સં.

શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં ભક્તો સાથે બિરાજે છે. ગુરુવાર, શ્રાવણ સુદ દશમ, ૨૪મી ઑગસ્ટ, ઈ.સ.૧૮૮૨

સંધ્યા થઈ. નોક૨ શ્રીકાલીમંદિરમાં અને શ્રીરાધાકાન્તના મંદિરમાં અને બીજા ઓરડામાં દીવા કરી ગયો. ઠાકુર નાની પાટ પર બેસીને જગદંબાનું ચિંતન કરે છે અને પછી ઈશ્વરનું નામ લે છે. ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો છે. એક બાજુએ એક દીવી પર દીવો બળી રહ્યો છે. થોડી વાર પછી શંખ, ઘંટા વાગી ઊઠયાં. શ્રીકાલીમંદિરમાં આરતી થાય છે. સુદ દશમ એટલે ચારે બાજુ ચંદ્રનું અજવાળું!

આરતીની થોડી વાર પછી શ્રીરામકૃષ્ણ નાની પાટ પર બેસીને મણિની સાથે એકલા વિવિધ વિષયો પર વાતો કરી રહ્યા છે. મણિ જમીન પર બેઠા છે.

શ્રીરામકૃષ્ણ – નિષ્કામ કર્મ કરવાં. વિદ્યાસાગર જે કર્મો કરે છે એ સારું કામ, નિષ્કામ કર્મ કરવાનો પ્રયાસ કરે છે.

મણિ – જી હા. વારુ, જ્યાં કર્મ ત્યાં શું ઈશ્વરને પામી શકાય? રામ અને કામ શું એકીસાથે રહે? હિંદીમાં એક વાત તે દિવસે વાંચી : ‘જહાં રામ વહાં કામ નહિ, જહાં કામ વહાં નહિ રામ.’

શ્રીરામકૃષ્ણ – કર્મ તો સૌ કોઈ કરે. ઈશ્વરનું નામ લેવું, તેના ગુણગાન કરવાં એ પણ કર્મ, સોડહમ્ વાદીઓનું ‘હું ઈશ્વર’ એવું ચિંતન એ પણ કર્મ; શ્વાસ લેવો એ પણ કર્મ, કર્મત્યાગ કરી શકાય નહિ. એટલે કર્મ કરવાં, પણ ફળ ઈશ્વરને સમર્પણ કરવાં.

મણિ – જી, જેનાથી આવક વધે એવો પ્રયાસ શું કરી શકાય?

શ્રીરામકૃષ્ણ – વિદ્યાના સંસાર સારુ કરી શકાય. વધુ કમાવાનો પ્રયાસ કરવો. પણ સદુપાયે. દ્રવ્ય ઉપાર્જન કરવું એ ધ્યેય નથી; ઈશ્વરની સેવા કરવી એ જ ધ્યેય, પૈસાથી જો ઈશ્વરની સેવા થાય તો એ પૈસામાં દોષ નહિ.

મણિ – કર્મો ક્યાં સુધી કરવાં જોઈએ?

શ્રીરામકૃષ્ણ – ફળ આવે એટલે ફૂલ રહે નહિ. ઈશ્વરપ્રાપ્તિ થાય તો પછી કર્મો કરવાનાં રહે નહિ. તેમાં મન પણ લાગે નહિ. પીધેલ માણસ વધુ પીએ તો હોશ ઠેકાણે રાખી શકે નહિ. એકબે આનાનો લીધો હોય ત્યાં સુધી કામકાજ ચાલી શકે! ઈશ્વર તરફ જેટલા આગળ વધશો તેટલાં તમારાં કર્મો ઈશ્વર ઓછાં કરી નાંખશે, બીઓ મા. ગૃહસ્થની વહુ બે જીવવાળી થાય એટલે સાસુ ક્રમે ક્રમે તેનાં કામ ઓછાં કરી નાંખે. દસ માસ થાય, એટલે પછી બિલકુલ કામ કરવા દે નહિ. છોકરું થાય એટલે વહુ માત્ર એને લઈને જ ફેરવ્યા કરે.

‘જે કાંઈ કર્મો છે એ બધાં પૂરાં થઈ જાય એટલે નિશ્ચિંત. ઘરવાળી ઘરનું રાંધણું વગેરે બધાં કામથી પરવારીને નદીએ જાય પછી પાછી વળે નહિ. ત્યારે બોલાવો તોય પાછી વળે નહિ.

મણિ – જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વરદર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય?

શ્રીરામકૃષ્ણ – વૈષ્ણવો કહે છે કે જેઓ ઈશ્વરને માર્ગે જાય છે અને જેમણે ઈશ્વરપ્રાપ્તિ કરી છે તેમની જુદી જુદી કક્ષાઓ છે. પ્રવર્તક, સાધક, સિદ્ધ અને સિદ્ધનો સિદ્ધ. જે હજી ત૨તનો જ ઈશ્વરને માર્ગે લાગ્યો હોય તેને પ્રવર્તક કહે. જે સાધન ભજન કરે, પૂજા, જપ, ધ્યાન, નામ-ગુણ, કીર્તન કરે, એ વ્યક્તિ સાધક. જે વ્યક્તિએ ઈશ્વર છે એવો અંતરમાં અનુભવ કર્યો હોય, તેને સિદ્ધ કહે. જેમ કે વેદાંતની ઉપમામાં કહ્યું છે કે એક અંધારા ઓરડામાં શેઠ સૂતા છે. શેઠને એક માણસ અંધારામાં હાથ ફેરવી ફેરવીને ગોતે છે. એક કોચને હાથ લગાડીને કહે છે, ‘આ શેઠ નહિ.’ બારીએ હાથ દઈને કહે છે કે ‘આ નહિ.’ બારણાને હાથ દઈને કહે છે, ‘આ નહિ,’ નેતિ નેતિ નેતિ. છેવટે શેઠના શરીર પર હાથ પડ્યો ત્યારે કહે છે, ‘ઇહ’ આ રહ્યા શેઠ! એટલે કે ‘અસ્તિ’ એવું ભાન થયું છે. શેઠની પ્રાપ્તિ થઈ છે, પરંતુ વિશેષરૂપે જાણવાનું થયું નથી. આ બધાય ઉપરાંત એક કક્ષા છે. તેને કહે છે સિદ્ધનો સિદ્ધ. શેઠનો સાથે જો ખાસ વધારે પરિચય, વાતચીત વગેરે થાય તે વળી એક જુદી જ અવસ્થા. તેમ જો ઈશ્વરની સાથે પ્રેમભક્તિ દ્વારા વિશેષ પરિચય, વાતચીત વગેરે થાય તે જુદી જ વાત, જે સિદ્ધ છે તેણે ઈશ્વરને પ્રાપ્ત કર્યો છે ખરો, પણ જે સિદ્ધોનો સિદ્ધ, તેણે તો ઈશ્વરની સાથે વિશેષ પરિચય, વાતચીત વગેરે કર્યું છે.

પરંતુ ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો ગમે તે એકાદ ભાવનો આધાર લેવો જોઈએ; શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય યા મધુ૨, એમાંથી ગમે તે એક ભાવનો.

શાંતભાવ ઋષિઓનો હતો. તેમને બીજા કશાનો ભોગ કરવાની વાસના હતી નહિ. જેમ કે સ્ત્રીની સ્વામીમાં નિષ્ઠા; તે જાણે કે મારો સ્વામી કંદર્પ!

દાસ્ય – જેમ કે હનુમાનનો ભાવ. રામનું કામ કરતી વખતે સિંહ સમાન. પત્નીમાંય દાસ્યભાવ હોય, તન તોડીને સ્વામીની સેવા કરે. માની અંદર પણ થોડો થોડો હોય; યશોદામાંય હતો.

સખ્ય – મિત્રનો ભાવ. આવો, આવો, પાસે બેસો. શ્રીદામ વગેરે ગોવાળિયા શ્રીકૃષ્ણને ક્યારેક એઠાં ફળ ખવરાવે છે, ક્યારેક તેની કાંધે ચડે છે.

વાત્સલ્ય – જેમ કે યશોદાનો ભાવ. પત્નીમાંય કેટલોક હોય. સ્વામીને હૃદપૂર્વક પીરસીને ખવરાવે. છોકરો પેટ ભરીને ખાય ત્યારે જ માને સંતોષ વળે. યશોદા કૃષ્ણને ખવરાવવા સારુ માખણ હાથમાં લઈને તેની પાછળ પાછળ ફરતાં.

મધુર – જેમ કે શ્રીમતીનો ભાવ. પત્નીનોય મધુરભાવ. એ ભાવની અંદર બધા ભાવ છે – શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય.

મણિ – ઈશ્વરનું દર્શન શું આ આંખે થાય?

શ્રીરામકૃષ્ણ – તેને ચર્મચક્ષુથી દેખી શકાય નહિ. સાધના કરતાં કરતાં એક પ્રેમનું શરીર થાય. તેમાં પ્રેમનાં ચક્ષુ, પ્રેમના કાન હોય, એ ચક્ષુથી ઈશ્વરને જુએ; એ કાનેથી તેની વાણી સાંભળે, તેમ જ પ્રેમનાં લિંગ, યોનિ થાય.

એ સાંભળીને મણિ ખડખડાટ હસી પડ્યા.

ઠાકુર નારાજ ન થતાં ફરીથી બોલે છે.

શ્રીરામકૃષ્ણ – એ પ્રેમના શરીરમાં આત્માની સાથે રમણ થાય. (મણિ વળી ગંભીર થયા.)

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર પર ખૂબ પ્રેમ ન આવે ત્યાં સુધી તેનું દર્શન થાય નહિ. ખૂબ પ્રેમ આવે ત્યારે જ ચારે બાજુ ઈશ્વરમય દેખાય; ખૂબ કમળો થાય ત્યારે જ ચારે બાજુ પીળું પીળું દેખાય.

એ વખતે વળી ‘એ જ હું’ એમ શાન થાય. પીધેલ માણસને નશો વધારે ચડ્યો હોય તો કહેશે, ‘હું જ કાલી.’ ગોપીઓ પ્રેમોન્મત્ત થઈને કહેવા લાગી કે ‘હું જ કૃષ્ણ.’ ઈશ્વરનું રાતદિવસ ચિંતન કરવાથી ઈશ્વર ચારે બાજુ દેખાય. જેમ કે દીવાની જ્યોત તરફ જો એકનજરે જોઈ રહો તો થોડીવાર પછી ચારે બાજુ જ્યોતમય દેખાય.

મણિ વિચાર કરે છે કે એ જ્યોતિ તો ખરી જ્યોતિ નહિ.

ઠાકુર અંતર્યામી; તરત બોલી ઊઠ્યાઃ ‘ચૈતન્યનું ચિંતવન કરવાથી અચૈતન્ય (ભ્રમિત) થાય નહિ. શિવનાથે કહ્યું કે ઈશ્વરનું નિરંતર ચિંતવન કરવાથી મગજ ભ્રમિત થઈ જાય. મેં તેને કહ્યું, ચૈતન્યનું ચિંતન કરીને શું અચેતન થાય?

મણિ – જી, સમજ્યો. આ તો કોઈ અનિત્ય વિષયનું ચિંતવન નથી ને? જે નિત્ય-ચૈતન્યસ્વરૂપ, તેમાં મન લગાડવાથી માણસ અચેતન શા માટે થઈ જાય?

શ્રીરામકૃષ્ણ – (પ્રસન્ન થઈને) ઈ-યા-આ! આ ઈશ્વરની કૃપા. તેમની કૃપા ન હોય તો સંદેહ ટળે નહિ.

આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહિ.

‘ઈશ્વરની કૃપા થાય તો પછી ડર નહિ. છોકરું પોતે બાપનો હાથ પકડીને ચાલતા ચાલતાં ય કદાચ પડી જાય! પરંતુ બાપ જો છોકરાનો હાથ પકડે તો પછી પડવાની બીક રહે નહિ. તેમ ઈશ્વર જો કૃપા કરીને સંદેહ મટાડી દે અને દર્શન આપે, તો કશી તકલીફ નહિ. પણ ઈશ્વરને પામવા સારુ ખૂબ વ્યાકુળ થઈને પોકારતાં પોકારતાં, સાધના કરતાં કરતાં, પછી તેની કૃપા થાય. છોકરું બહુ જ વ્યાકુળ થઈને ગોતાગોત કરતું આમતેમ દોડ્યા કરે છે, એ જોઈને માને દયા આવે; મા સંતાઈ ગઈ હોય તે આવીને દર્શન દે.’

મણિ વિચાર કરે છે કે મા દોડાદોડી કરાવે શું કરવા? તરત જ ઠાકુર બોલી ઊઠયા કે માની ઇચ્છા કે જરાક દોડાદોડી થાય, તો જ જરા ગમ્મત આવે. માએ જ લીલાથી આ સંસારની રચના કરી છે. એનું જ નામ મહામાયા. એટલે એ શક્તિરૂપી માના શરણાગત થવું જોઈએ. મહામાયાએ માયાપાશમાં બાંધી રાખ્યા છે, એ પાશ છેદન કરી શકાય તો જ ઈશ્વરદર્શન થઈ શકે.

Total Views: 262

2 Comments

  1. Kajallodhia October 3, 2022 at 10:05 am - Reply

    અદ્ભૂત લેખ…..

    • jyot October 16, 2022 at 3:34 am - Reply

      જય ઠાકુર

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.