આ શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી,
મનોવિધાત્રી, મુદપ્રાણદાત્રી,
હૈયે ઊઠંતા સહુ ભાવકેરી
આ માનવી ભૂમિ જ કામધેનુ,
ભૂગર્ભરત્ના વસુધા જનેતા
તજી ક્યહાં હાલ જવા ન ઇચ્છું.
આ ચેતનાનો કણ જાળવી હું,
અમાનુષી દાનવતાપ્રવાતે
બુઝાઈ જાતો હું લઈ બચાવી,
એ ચેતનાને અધિકાધિક હું
પ્રજ્વાળવા ઇચ્છું અહીં અહીં જ,
આ ભૂમિમાં, માનવદેહમાંહે
પુનઃ પુનઃ પ્રાર્થું હું જન્મ મારો.
ને આમ ઉત્ક્રાન્તિપથે પળંતો
હું માનવી ચિત્ચણગાર ઝાઝો
જ્વલંત થાતો કંઈ કાળઅંતે
નિર્ધૂમ્રજ્યોતિ થઉં શુદ્ધ આત્મા,
ભલે ભલે તો, પરવા પરંતુ
સુદૂર એ ભાવિતણી હજી ના.
આજે અહીં ભૂતલમાંહી જન્મ્યો
મનુષ્યદેહે બસ ઇચ્છું આટલું :
આ અલ્પદેહે પ્રભુની પ્રતિષ્ઠા,
સ્થપાયલી શાશ્વત સત્યનિષ્ઠા,
સત્કાર્યદીક્ષા હૃદયે બલિષ્ઠા
ધરી મથતો હું મરું ઘણું તો.
અનંતનો દીપકવાહી હું આ
અકલ્પ્ય પંથે પળનાર હું જે
મનુષ્ય જન્મ્યો, મરતાં સુધી હું
‘હતો ખરો માણસ’ હું બની રહું;
જ્યાં પાય મારા તહીં શીશ મારું,
જ્યાં દેહ મારો તહીં હૈયું મારું
વસુન્ધરાનું વસુ થાઉં સાચું
હું માનવી માનવ થાઉં તો ઘણું.

-સુન્દરમ્

Total Views: 121

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.