૨ જૂન, ૧૮૯૮ના રોજ ઉટાકમંડ ખાતે અવસાન પામેલા શ્રી જે.જે. ગુડવીનની સ્મૃતિમાં સ્વામી વિવેકાનંદજીએ જૂન, ૧૮૯૮માં અલ્મોડામાં ‘Requiescat in Pace’ (ચિરશાંતિમાં) તેમનું કાવ્ય રચ્યું અને ગુડવીનનાં વિધવા માતાને તેના પુત્રનાં સ્મારક માટે મોકલી આપ્યું. તેનો આસ્વાદ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી તેના માટે પોતાની નિઃસ્વાર્થ સેવા અર્પણ કરનાર શ્રી દુષ્યંતભાઇ પંડ્યા કરાવે છે. – સં.

રે આત્મ! તારકમઢ્યા તુજ પંથ વેગે
જા, વેગથી, સુભગ, ચિંતન મુક્ત છે જ્યાં;
જ્યાં કાલ ને સ્થલનું ઓસ ન દૃષ્ટિ રુંધે,
ને શાંતિ-આશિષ ચિરંતન હો તને ત્યાં.
સેવા વિશુદ્ધ કરજો બલિદાન તારું
પૂર્ણ, મળો ગૃહ તને ઉભરાતું સ્નેહે,
ને યાદ મીઠડી રહો દિક્કાલ ભેદી,
વેદી પરે કુસુમ શું, તવ સ્થાન વ્રેહે,
બંધો તુટ્યા, પથ તને ચિર શાંત લાધ્યો,
તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું જીવન-મૃત્યુ નાથ
સાથે; સહાય! અહીં સ્વાર્થની ગંધહીન,
આગે! છતાં દુઃખભર્યા જગને તું દેજે
તુજ સ્નેહઝરંત હાથ.

– સ્વામી વિવેકાનંદ

શ્રી ઉમાશંકર જોશીએ ૧૯-૨૦ વર્ષની વયે લખેલા અદ્ભુત કાવ્ય ‘વિશ્વશાંતિ’ના આમુખમાં એમના ગુરુ, કાકા સાહેબ કાલેલકરે લખ્યું છે; ‘શાંતિની મૃગયા સનાતન છે.’ આ ધરતી પર આવી માણસજાતે એટલી તો અશાંતિ સર્જી છે કે, શાંતિનો શિકાર કરવા નવેનવ ખંડના લોકેલોક સતત ભટક્યા જ કરે છે.

છતાં, એમ ભટકનારાને શાંતિ મળતી નથી. આપણા વૈદિક મંત્રોને અંતે આપણે ત્રણ વાર ‘શાંતિ’ બોલીએ છીએ ને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક શાંતિની યાચના કરીએ છીએ.

યહુદીઓ ‘આમેન’ બોલે છે અને મુસલમાનો ‘આમીન’ બોલે છે તે પણ શાંતિની યાચના જ છે.

એટલે, કાકાસાહેબના વાક્યમાં આપણે ઉમેરીએ કે ‘શાંતિની મૃગયા સાર્વત્રિક’ પણ છે.

સ્વામી વિવેકાનંદના જે અંગ્રેજી કાવ્યનો અનુવાદ અહીં આપ્યો છે તેનું શીર્ષક યુરોપીય છે : રૅકિવઍસ્કેટ ઈન પેસ : એની ટૂંકાક્ષરી થાય R.I.P. રોમન કૅથલિક ખ્રિસ્તીઓની કબર ઉપર આ ત્રણ અક્ષરો કોતરેલા ઘણી વાર જોવા મળે. એ ત્રણ અક્ષરો દ્વારા, મરનારનાં સ્વજનો, મરનાર વ્યક્તિ માટે પ્રભુ પાસે શાંતિની યાચના કરે છે. સ્વામીજીની આ પ્રાર્થના પણ એની જ યાચના છે.

સંન્યાસીએ સંસારનાં બધાં બંધનો તોડી નાખ્યાં હોય છે. માતાપિતા, બંધુ, ભગિની, પત્ની, પુત્ર, પુત્રી : આ બધા સંબંધો એણે કાપી નાખ્યા વિના એ સાચો સંન્યાસી બની શકે નહીં. ભગવાન બુદ્ધના જીવનનો એક અનન્ય પ્રસંગ છે. રાજપાટ તજી, પ્રેમાળ પત્ની યશોધરા અને પુત્ર બાળ રાહુલને ત્યજી એક અંધારી રાતે એ ચાલી નીકળ્યા હતા. ઘણાં વર્ષોની રઝળપાટને અંતે, વિવિધ સાધનાઓ કર્યા પછી, બોધિવૃક્ષ નીચે એમને જ્ઞાનપ્રાપ્તિ થઈ અને એ બુદ્ધ કહેવાયા. કાશીમાં જઈ, સારનાર પાસે, બોધ આપવાની શરૂઆત કરી અને શિષ્યો કર્યા. પછી, પોતાને વતન, કપિલવસ્તુ પાછા ફરવાનો વિચાર એમને આવ્યો અને, શિષ્યવૃંદથી ઘેરાયેલા મહામના બુદ્ધ પોતાને ગામ, અરે! પોતાને ઘેર પણ પાછા ગયા. એમનો જીવ રાજ્યસમૃદ્ધિમાં રહી ગયો હતો? પત્નીપુત્રનો ત્યાગ કર્યો હતો તે શું સ્મશાન વૈરાગ્ય હતો?

મહેલને દ૨વાજે યશોધરા હાથમાં ફૂલોની માળા લઈને વિમાસણમાં ઊભા હતાં;

‘શાં સંબોધનથી સમાદર કરું

શી વિધ સત્કારું હું?’

એમની આંખો ખુલ્લી હતી પણ દૃષ્ટિ હૃદયના ઊંડાણમાં હતી. એમને નહોતો દેખાતો વિશાળ જનસમુદાય, નહોતો દેખાતો સામેથી આવતો સંઘ કે નહોતો પડતો એમને કાને કશો કોલાહલ. શૂન્યમનસ્ક જેવાં યશોધરા એમ જડ જેવાં ઊભાં હતાં ત્યાં,

ભગવાન બુદ્ધ દોડતા આવ્યા ને તેની ક્ષમા યાચી અને એક અદ્ભુત વાત કરી :

‘સમગ્ર વિશ્વને, પ્રાણીમાત્રને ચાહવાની વાત હું કરું છું તો તને પણ હું ચાહતો જ હોઉં ને?’

પણ પતિ તરીકેના પ્રેમમાં અને બુદ્ધ તરીકેના પ્રેમમાં દૃષ્ટિનો મોટો ફરક હતો. પતિના પ્રેમમાં મમત્વ હતું. એનું સ્થાન હવે સમત્વે લીધું હતું.

૧૮૮૬ના ડિસેમ્બરની ચોવીસમી તારીખની રાતે આંટપુરમાં ધૂણી ધખાવી ભવિષ્યના સ્વામી વિવેકાનંદ અને સાથીઓ બેઠા હતા ત્યારે, એ સૌએ, એ અગ્નિજ્વાળાઓમાં મમત્વ હોમી દીધું હતું અને સમત્વ અંગીકાર કર્યું હતું. સમત્વ દેશકાળથી પર છે, જીવની યોનીથી પર છે, જાતિથી અને લિંગથી પર છે.

સ્વામી વિવેકાનંદને ઈ.સ.૧૮૯૫ આસપાસ, તાજેતરમાં જ ઇંગ્લેંડ છોડી અમેરિકા ગયેલા એક યુવાન સજ્જન ન્યુયૉર્કમાં ભેટી ગયા. નામે જે.જે. ગુડવિન, એ સ્ટૅનોગ્રાફર હતા. સ્વામી વિવેકાનંદ ૧૮૯૩ના સપ્ટેમ્બરમાં શિકાગોની વિશ્વધર્મપરિષદમાં પ્રસિદ્ધ થયા ત્યારથી કે, તેની પહેલાં, પોતે જે પ્રવચનો રૂપે બોલતા કે પત્રોરૂપે લખતા તે બાબત સાચા સંન્યાસીની માફક નિઃસ્પૃહી હતા. એમના શ્રોતાઓને સ્વામીજીના શબ્દનું સામર્થ્ય સમજાયું હતું અને બેએક સ્ટૅનોગ્રાફરો સ્વામીજીના નાયગરા સમા વાક્પ્રવાહને ઝીલવામાં નિષ્ફળ ગયા પછી, અચાનક આ ગુડવિન લાધ્યા હતા. પોતાના કાર્યમાં એ કુશળ હતા. યોગનું ગીતાભાખ્યું એ લક્ષણ એમનામાં હતું. સ્વામીજીનાં વ્યાખ્યાનોમાં સહજ એવા ભારતીય શાસ્ત્રોના પારિભાષિક શબ્દો એમની કલમે એ સફળતાથી ઉતારતા થયા અને ટાઈપરાઈટર વડે અણિશુદ્ધ રીતે ટાઈપ કરતા થયા. સ્વામીજી પ્રત્યેના આદરનું તેટલું જ એ ગુડવિનના ધ્યાનનું લક્ષણ. અને ઈસુને બોલે પીટર ચાલી નીકળ્યા હતા, ગાંધીજીને બોલે મહાદેવ દેસાઈ ચાલી નીકળ્યા તેમ સ્વામી વિવેકાનંદની વાણીએ ગુડવિન ચાલી નીકળ્યા. મહાદેવભાઈની જેમ જ સ્વામી વિવેકાનંદના અગ્નિકુંડમાં ગુડવિને પોતાની જાત સમર્પિત કરી દીધી. સ્વામી વિવેકાનંદનો એ પડછાયો બની ગયા અને એમની સાથે ને સાથે, કે પાછળ ને પાછળ, ઘૂમતા રહીં, એમનો પડ્યો બોલ ઝીલી એને કાગળ પર મૂકવા લાગ્યા.

સંન્યાસ અંગિકાર કર્યા વિના સ્વામીજીની સાથે ગુડવિન પણ પરિવ્રાજક બની, ખંડખંડ, દેશદેશ અને ગામગામ ઘૂમતા રહ્યા. પોતાની તબિયત અંગે તેમ જ ગરમીથી બચવા ૧૮૯૮ના ઉનાળામાં એ ઊટી ગયા હતા ત્યાં, જૂનની બીજી તારીખે એ યુવાન વયે અવસાન પામ્યા.

સ્વામી વિવેકાનંદ એ સમયે પોતાના એ પ્રિય સાથીથી સેંકડો કિલોમીટર દૂર હતા, અલમોડામાં, હિમાલયની ગોદમાં, આ દુઃખદ ઘટનાના સમાચાર મળ્યા પછી તુરત જ એમણે આ શાંતિપાઠની રચના કરી.

ગુડવિનના આત્માને માટે સ્વામીજી જ્યોતિર્મય પંથ યાચે છે; ‘તારો પંથ તારકના તેજથી મઢેલો છે તે દિવ્ય જ્યોતિઝલક પંથે, હે આત્મા, તું જા.’

આ જગતમાં આપણને આચારની અને ઉચ્ચારની તો ઠીક, વિચારનીયે સ્વતંત્રતા નથી. અમુક ઢાંચામાં જ વિચારવાની આપણને આદત પાડવામાં આવે છે, આપણા મનનું ‘કંડિશનિંગ’ કરવામાં આવે છે. મૃત્યુ એટલે એ બંધનમાંથી મનને મુક્તિ. ગુડવિનનો આત્મા હવે મુક્ત ચિંતનવિહાર કરી શકશે. ગુરુદેવ રવીન્દ્રનાથનું એક પ્રખ્યાત કાવ્ય (‘પ્રાર્થના’ ‘નૈવેદ્ય’) આમ આરંભાય છે :

‘ચિત્ત જેથા ભયશૂન્ય, ઉચ્ચ જેથા શિર.’ ચિત્ત જ્યાં ભયવિહીન છે અને જ્યાં મસ્તક ઊંચું છે…

આપણે સૌ સ્થલ અને કાલનાં પરિમાણોથી બંધાયેલાં છીએ. અને એની પર આપણે ઊઠી શકતાં નથી. ૧૮૮૨માં નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણની મુલાકાતે પહેલી વાર દક્ષિણેશ્વર ગયા ત્યારે, એમના મિત્રોથી એમને અલગ તારવી, શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડાની બહારની પરસાળમાં લઈ ગયા હતા. પોતાની સામે ઊભેલા, કલકત્તાના શિમુલિયા મોહલ્લામાંથી આવેલા વિશ્વનાથ દત્તના પુત્ર નરેન્દ્રને શ્રીરામકૃષ્ણ કહેવા લાગ્યા :

‘અરે! આટલું મોડું અવાય કે?… મારી અનુભૂતિ ઝીલી શકે એવી કોઈ વ્યક્તિ આગળ મારા મનનો ભાર હળવો કરવા હું કેવો ઝંખી રહ્યો છું!… તમે પ્રાચીન ઋષિ નરનારાયણના અવતાર છો અને માનવજાતિનાં દુઃખો દૂર કરવા માટે ધરતી ઉપર અવતર્યા છો’…આમ બોલતા, રડતા અને પરાણે માખણ મિસરી ખવરાવતા શ્રીરામકૃષ્ણ તે સમયે નરેન્દ્રનાથને ‘પાગલ’ લાગ્યા હતા. પણ એવા પાગલોની દૃષ્ટિને જ સ્થળકાળનાં ધુમ્મસ રુંધી શકતાં નથી. ગુડિવનનું દેહનું બંધન તૂટી જતાં એમની દૃષ્ટિ આડેથી પણ સ્થલ કાલનું તમસ દૂર થાય એવી પ્રાર્થના સ્વામીજી કરે છે.

અને પ્રથમ કડીની અંતિમ પંક્તિમાં સ્વામીજી પ્રાર્થે છે :

ને શાંતિ-આશિષ ચિરંતન હો તને ત્યાં,’ પ્હો ફાટતી સમયે ગિરનારનું દર્શન કે સૂર્યાસ્ત સમયે સોમનાથનું દર્શન આપણા ચિત્તને શાંતિથી ભરે છે તે ક્ષણિક શાંતિનો પ્રસાદ પણ લાંબો સમય ટકે છે. ગુડવિન માટે સ્વામીજી યાચે છે- ચિરંતન શાંતિ. અને ચિરંતન આશિષ-ભગવાનની કૃપા, આ શાંતિ અને આ કૃપા ઠાકુરને લાધ્યાં હતાં. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ને શબ્દે શબ્દે જે પ્રાસાદિકતાની છોળ ઊડે છે તે એમને લાધેલી આ શાંતિને લઈને. કૅન્સર જેવું જીવલેણ દર્દ પણ એમની શાંતિને ચલાયમાન કરી શક્યું નહીં અને કાશીપુરનું એ ઉદ્યાનગૃહ ૧૬મી ઑગસ્ટ, ૧૮૮૬ સુધી પ્રસન્નતાથી પ્રસાદથી, સભર રહ્યું. પોતાના મૃત્યુના થોડાક જ કલાક પહેલાં ઓલિયા ગુરુદયાળ મલ્લિકજીએ કહ્યું હતું; ‘સહુને ચાહ આપો.’

‘હું મિત્ર, તેં જે નિષ્ઠાપૂર્વક વિશુદ્ધ ભાવે સેવા કરી છે તે તારું બલિદાન પૂર્ણ કરો, તું જ્યાં હો ત્યાં તને સ્નેહસભર ઘર મળો અને દિક્કાલને ભેદીને તારું મધુર સ્મરણ સદા રહો. વેદી પરનાં તાજાં ફૂલોની – મૂળ અંગ્રેજી કાવ્યમાં ગુલાબનાં ફૂલોનો ઉલ્લેખ છે – સૌરભની માફક તારા સ્મરણની સૌરભ તારા વિરહી જનોમાં હૃદય ભરી રહો’ આમ બીજી કડીમાં ગુડવિન માટે સ્વામીજી પ્રાર્થે છે.

આ યુગના આપણા મહાન ચિંતક અને દાર્શનિક રાધાકૃષ્ણને કહ્યું છે: ‘જે મૂર્તિની પૂજા આપણે સૌથી પહેલી આરંભીએ છીએ અને જેને સૌથી છેલ્લી તોડીએ છીએ તે છે આપણો દેહ : માણસ મૃત્યુ પામ્યો એટલે દેહના ‘બંધનો તુટ્યા’ પણ દેહ પડે એટલે દરેકને શાંતિ નથી સાંપડતી. વાસના રહી ગઈ હોય તો અતૃપ્તિ પીડે.’ જેમની જન્મશતાબ્દી ગુજરાત હોંસપૂર્વક ઉજવી રહ્યું છે તે ઝવેરચંદ મેધાણીની વાર્તા ‘માંગડાવાળો’ આવી અતૃપ્ત વાસનાનું નિરૂપણ અદ્ભુત રીતે કરે છે. યુવાન નરેન્દ્રનાથને દક્ષિણેશ્વરમાં ધ્યાન કરતી વખતે વાગતું મિલનું ભૂંગળું પીડતું હતું. ગુરુએ ઈલાજ બતાવ્યો : ‘તું એ ભૂંગળાનું જ ધ્યાન કર.’ જે તમારા ચિત્તને પીડતું હોય તેનું જ ધ્યાન કરી, પીડાના મૂળ સુધી જાઓ, પીડા સમૂળી નીકળી જશે : ધ્યાનનો, ચિત્તની શાંતિનો, આ એક તરીકો છે. અહીં, ગુડવિન સમા કર્મયોગીનાં બધાં બંધનો તૂટી ગયાં છે એટલે, ‘પથ તને ચિર શાંત લાધ્યો’ છે અને, તેં તો ‘તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું જીવન મૃત્યુ નાથ સાથે’

જીવન અને મૃત્યુનો નાથ એટલે ‘ગીતા’ના કાલભગવાન. એની સાથે ગુડવિન જેવા નિર્મળ આત્માએ તાદાત્મ્ય સાધી ધન્યતાની સ્થિતિ, ‘બ્રાહ્મી સ્થિતિ’, પ્રાપ્ત કરી લીધી છે. સ્વામી વિવેકાનંદે પણ યોગ્ય સમયે, પોતાના ગુરુની માફક સ્થલ કાલથી પર જોવાજાણવાની દૃષ્ટિ પ્રાપ્ત કરી હતી એટલે આ માત્ર પોકળ શબ્દો નથી. આર્ષદૃષ્ટા વિવેકાનંદને ગુડવિનની આ સ્થિતિ પ્રત્યક્ષ થઈ હોય એવો સચ્ચાઈનો રણકો એમના આ શબ્દોમાં આપણને સાંભળવા, અનુભવવા મળે છે.

આગળ ચાલતાં સ્વામીજી કહે છે, ‘તું મારો પરમ સહાયક હતો અને તારી એ સહાય સ્વાર્થગંધહીન હતી. મહાદેવભાઈએ મહાત્મા ગાંધીજી સાથે આકરી તાવણીનાં લગભગ પચ્ચીસ વર્ષ ગાળ્યાં હતાં. ગુડવિન અને સ્વામીજી બંનેનું આવરદા ટૂંકું હતું અને બંને સાથે રહ્યા હશે માંડ ત્રણ વર્ષ, પણ એ ત્રણ વર્ષની ય વાટ સ્વામીજીને જોવી પડી ન હતી. પ્રથમ મિલને જ ગુડવિનની નિઃસ્વાર્થ વૃત્તિ એની આંખમાં સ્વામીજીએ પારખી લીધી હતી.

પોતાના એ પ્રિય સાથીને સ્વામીજી પોતાના ગુરુની માફક ‘એગિયે જાઓ’ ‘આગળ જાઓ’ એમ કહે છે. અને, એમ તારકમઢયા પંથે આગળ જતા ગુડિવનને સ્વામીજી કહે છે :

….દુઃખભર્યા જગને તું દેજે તુજ સ્નેહ ઝરંત હાથ.

દુ:ખપ્રધાન ઘટમાળમાં પડેલા જગતને તારો સ્નેહસિક્ત હાથ તું દેજે, જેથી એ જગતને શાતા વળે.

આમ ત્રણ કડીની આ વિશિષ્ટ કરુણપ્રશસ્તિ છે. પોતાના પ્રિય સાથી ગુડવિનનું અકાળ મૃત્યુ એની પ્રેરણા છે. સ્વામીજીની અનુકંપા એમની વ્યથા પર વિજય મેળવે છે. અને સ્વામીજીની આ કરુણપ્રશસ્તિ રુદનનો મરસિયો નથી બની જતી પણ શાંતિપ્રાપ્ત ચિત્તની મંગલોદાત્ત પ્રાર્થનાનું ભવ્યરૂપ ધારણ કરે છે.

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.