રામનાં રખોપા

એક ગામમાં રઘુરામ નામનો એક વણકર રહેતો હતો. તે ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં રામમાં લીન રહેતો. આ બધું જ રામની ઈચ્છાથી જ થાય છે. સૂર્યનું પ્રકાશવું, વરસાદનું વરસવું, પવનનું વાવું આ બધું રામની ઈચ્છામાત્રથી થાય છે. રામ જ માણસને ચાલતો રાખે છે. માછલીને તરવાની શક્તિ આપે છે. તે પંખીને પાંખો આપે છે. એ રામકૃપા ન હોય તો બધું થંભી જાય. આવી હતી રામ પરની તેની અટલ શ્રધ્ધા.

રઘુરામ રામમય જ રહેતો. રામને ક્યારેય ન વીસરતો. સવારમાં વહેલા ઊઠીને રામનામ જપતો. સ્નાનાદિથી પરવારીને પૂજા કરીને રામજીને નૈવેદ્ય ધરતો અને પછી શિરામણ કરતાં કહેતો, ‘આ રામનો આલ્યો જ રોટલો હું ખાઉં છું.’ વણાટકામ શરૂ કરતાં પહેલાંય રામનામ લેતો. તાણાવાણાને ગોઠવતાં-જોડતાં-સાળ ચલાવતાં ચલાવતાં તેનું રામસ્મરણ તો ચાલુ જ રહે. કાપડ વણાતું જાય અને રામનામ જપતો જાય. તાણાવાણાની જેમ, રામનું નામ હૃદયમનમાં વણાતું રહે. કોઈ અજબની લગની લગાડી દીધી રામનામ સાથે.

વણેલું કાપડ લઈને રામનામ જપતો જાય. રઘુરામ બજારમાં રામનું નામ લેતો જાય. અને આ કાપડમાં કેટલું સૂતર જોયું, મજૂરી કેટલી થઈ અને પોતાનો નફો કેટલો થાય તે કહેતો જાય. અને કાપડ વેચતો જાય. લોકો અને વેપારીઓય કોઈ પણ પૂછપરછ કર્યા વિના એનું કાપડ ખરીદી કરે. એમને ખાતરી જ હતી કે, આ રામભકત રઘુરામ કોઈની પાસેથી એક પૈસો ય વધારે લે તેવો નથી. રઘુરામની સહજ સરળતા અને હોલા જેવા નિષ્પાપ ભાવથી તેમને પૂરતી શ્રધ્ધા હતી કે રઘુરામ સ્વાર્થી-પાકો નથી. સરળ નિષ્પાપ છે. એટલે એમને ભાવ-તાલ પણ કરવો ન પડતો. રોજનું વણેલું કાપડ વેચીને રામનામ જપતો રઘુરામ ઘરે પાછો ફરે, અને રામે દીધેલો રોટલો ખાઈને આરામ કરે. સૂતા પહેલાં ય રામનામનું રટણ તો ખરું. આમ, રામમય રઘુરામનું જીવન ચાલે છે.

એક રાત્રે અતિ ગરમીને લીધે રઘુરામ ઓસરીમાં બેઠો હતો. રામ-રામનો મંત્રોચ્ચાર ચાલુ હતો. તેવામાં લૂંટારાની એક ટોળકી આવી ચડી. નજીકના પૈસાદારના ઘરને તોડીને તેણે ઘર લૂંટ્યું. દાગીના જર-ઝવેરાત, કીમતી વસ્ત્રોથી ભરેલું ભારે મોટું પોટલું લઈને ઘરમાંથી બહાર નીકળ્યા. બહાર નીકળતાં દૂરના ઘરની ઓસરીમાં ભોળિયા રઘુરામને તેમણે જોયો. તેમણે વિચાર્યું : ‘અરે, આ રહ્યો આ પહેલવાન. આ ભોળિયાને જ આપણે આ ભારેખમ પોટલું ઊચકવા લઈ જઈએ. આ ભોળિયો પહેલવાન આપણને નડશેય નહીં.’તેઓ તેમની પાસે ગયા અને મોટા અવાજે કહ્યું, ‘આ પોટલું ઉપાડી લે અને અમારી સાથે ચાલ, નહીં તો..’ આમ કહીને ભારેખમ પોટલું રઘુરામના માથે મૂકી દીધું. અને રઘુરામ પણ રામનામ જપતો ચૂપચાપ ચાલતો થયો.

શેરીના એ ખૂણે પોલીસ ચોકી પહેરો કરતા હતા. એમને સામે જોઈને ચોર તો ભાઈ ગભરાયા. પોલીસે પડકારતાં ચોર ભાગી ગયા. અને ભોળિયો રઘુરામ રામનું રટણ કરતો ઊભો રહ્યો. તેણે ભાગવાનો પ્રયાસ ન કર્યો. પોટલું ઉતરાવીને જોયું તો લુંટનો માલ! પોલીસોને લાગ્યું કે આ તો ચોર રંગે હાથ પકડાઈ ગયા! તેઓ ખુશખુશ થઈ ગયા. ભોળિયા રઘુરામને પકડીને લઈ ગયા પોલીસ ચોકીએ. અને આખી રાત તેને પોલીસચોકીમાં કેદ રાખ્યો.

બીજે દિવસે સવારે રઘુરામને મુદામાલના પોટલા સાથે ન્યાયાધીશ સમક્ષ પોલીસે ખડો કર્યો. તેમણે રઘુરામ પર ચોરીલૂંટનો આરોપ નાખ્યો. થોડી વારમાં આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા. રઘુરામના ચાહકો, સ્ત્રી-પુરુષો, બાળકો-ઘરડાં-જુવાન સૌ કોઈ કોર્ટમાં દોડી આવ્યાં. દરેકને રઘુરામની પ્રામાણિકતા, ભલમનસાઈનો ખ્યાલ હતો જ, ચોરીના આરોપની વાત સાંભળીને તેમને નવાઈ લાગી. સૌના મનમાં એક જ વિચાર ઘોળાયા કરતો હતો : ‘આ રઘુરામ, ભોળિયો-ભગત રધુરામ, ચોરી કરી જ કેવી રીતે શકે?’

ન્યાયાધીશે પણ રઘુરામ વિષે સાંભળ્યું હતું. તેની નિષ્કપટતાથી કોઈ અજાણ ન હતું. પોલીસે આરોપ ભલે મૂક્યો. પણ ભગવાનના માણસ જેવા શાંતિના દૂત રઘુરામને આ ચોરી સાથે સાંકળવો તેમના માટે મુશ્કેલ બની ગયું. પણ આ વાતે ય સાચી હતી કે પોલીસે રઘુરામને પોટલા સાથે પકડી લીધો છે. એમણે મનમાં નિર્ણય કર્યો : ‘રઘુરામે ચોરી કરી જ છે તેની પૂરેપૂરી ખાતરી ન થાય ત્યાં સુધી એને સજા ન કરવી.’ રઘુરામને પોતાની જુબાની આપી દેવા દો, પછી જોઈશું. એમ વિચારીને તેમણે રઘુરામને કહ્યું, ‘ભાઈ’ જે કંઈ બન્યું, તેની અથથી ઈતિ સુધીની માંડીને વાત કરો.’

આટલો સમય તો રઘુરામ જાણે કોઈ અનોખી દુનિયામાં હતો. તેના હોઠ ઉપર રામનું નામ હતું. તે નિરંતર રામનામ જપતો હતો. ત્યાં ઊભેલા સૌ કોઈની નજરે એ ગુનેગાર ન હતો. અને જાણે કે નિર્દોષ-નિર્મળ ભકત જ હતો. ન્યાયાધીશને સાંભળીને રઘુરામ તેમના તરફ ફર્યો. અને સ્પષ્ટ સ્વરમાં બોલ્યો : ‘રામની આજ એવી ઈચ્છા હશે તે હું ઓસરીમાં બેઠો હતો. અને ચોર પાસેના એક પૈસાદારના ઘરમાંથી ચોરી કરીને બહાર આ પોટલા સાથે નીકળ્યા. રામને જ કરવું હશે તે તેમણે મારા માથે પોટલું મૂક્યું અને શેરીના ખૂણે અમને પોલીસેય જોઈ ગયા. અને પેલા ચોરોએ તો ચાલતી પકડી. અને મને પોલીસે પકડીને જેલ ભેગો કરી દીધો. પ્રભુની ઈચ્છાથી જ હું તમારી સમક્ષ ઊભો છું. અને આપશ્રી મારો ન્યાય કરવાના છો. અને કદાચ મને સજાય થશે તો રામની જ ઈચ્છાથી થશે.’

ભોળા ભક્ત રઘુરામની વાત સાંભળીને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. આ તો બાળક જેવો જ નિષ્પાપ અને નિર્મળ છે. એના અંતરમાં મેલ નથી. એ કોઈ ગણતરીબાજ કે લુચ્ચો લફંગો માનવી નથી. એને ઈશ્વર પર અટલ શ્રધ્ધા છે. આને સજા ન કરવાની હોય. પણ આવા નિર્દોષ-નિષ્પાપ ભોળા ભકતને શરણે તો આપણું માથું ઝૂકી પડવું જોઈએ. આમ વિચારીને તેમણે પોતાનો ફેંસલો સંભળાવ્યો. : ‘મને ખાતરી થઈ છે કે, આ વ્યકિત નિર્દોષ છે. હું એને છોડી મૂકવાનો હુકમ કરું છું. હવે એને બંધનમુક્ત કરવામાં આવે.’

રઘુરામે મેજિસ્ટ્રેટને પ્રણામ કરીને કહ્યું, : ‘આપે રામની મરજીથી જ મને આ અપરાધમાંથી બચાવ્યો છે.’ કોર્ટમાં એકત્રિત થયેલા લોકોએ ‘રામચંદ્રની જય’ ના નાદથી જયજય નાદ કર્યો. સરઘસાકારે રઘુરામને લોકો તેના ઘરે પાછો લાવ્યા.

સંકલનકર્તા : મનસુખભાઇ મહેતા

Total Views: 131

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.