‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની આગવી ભાત છે. ‘શિક્ષક અંક’ જેવા વિશેષાંકો પ્રકાશિત કરવાની એની અનુકરણીય પ્રણાલિકા છે. એના ‘જ્યોત’ના ઉત્કર્ષ અર્થે ભાવના વ્યક્ત કરી વિરમું છું.
– ડૉ. દિલાવરસિંહ જાડેજા, (ભૂતપૂર્વ કુલપતિ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર)

સમાજનું ઉત્થાન કરે, એને જગાડે અને તેને ઉત્તમ બાબતો સિદ્ધ કરવા સક્રિય કરે એવી ભાવનાવાળાં કેટલાંક લખાણો જોઈ આનંદ થાય છે. રામકૃષ્ણ જ્યોત દ્વારા પથ્ય વાચનસામગ્રી મળે છે એ પરમ સંતાપની વાત છે. હજુયે તેની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભકામના.
– ડૉ. ચંદ્રકાન્ત શેઠ, (સુપ્રસિદ્ધ સાહિત્યકાર), અમદાવાદ

‘રામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. આ વખતના સંખ્યાબંધ દી. અંકોમાંથી જે બે ત્રણ અંકો મેં લાંબો વખત જાળવવા રાખ્યા છે એમાં ‘રામકૃષ્ણ જ્યોત’ એક છે. આ અંકમાં શ્રી ઈસુદાન ગઢવીના એક કાવ્યનો પરિચય છપાયો છે. આ સંગ્રહ ‘ટહુકો’ અહીંથી મને મળતો નથી. એના કવિ કે પ્રકાશકનું સરનામુંતમે મને આપી શકો ખરા? અંકમાં છપાયેલ કાવ્ય ખૂબ સરસ છે. હૃદયના ઊંડે સુધી સ્પર્શી જાય એવું.
– દિનકર જોષી, (સુપ્રસિદ્ધ સાહિત્યકાર), મુંબઈ

‘શ્રી રામકૃષ્ણ જ્યોત’ સમયસર મળે છે. ખૂબ સુંદર છે. વાંચીને આનંદ થાય છે.
– સેવક સાધુ જ્ઞાનવત્સલદાસ,
સ્વામીનારાયણ મંદિર, રાજકોટ

ડિસે.નું સંપાદકીય ખૂબ જ અભ્યાસનિષ્ઠ તથા ભક્તિનું મિશ્રણ દર્શાવે છે. આટલી વિશદ સમજ માટે વાચકો વતી આભારી છું. બીજા જે લેખો છે તે પણ જાણે ‘કડીરૂપ’ હોય તેવું લાગે છે. બધા લેખો મળી ‘શાંતિ – પ્રસન્નતા-પ્રેમ’ની શૃંખલા પ્રગટતી દેખાય છે. ‘શીન’નો કે ‘ઓઝા’નો તથા ‘ગોહિલ’ના લેખ મનનીય છે. બધા લેખો વાંચી કૃતકૃત્ય થવાયું છે. શાંતિ પ્રસન્નતા વધારવામાં તો મદદરૂપ થાય જ, પણ દૃષ્ટિને વિશાળ કરવામાં પણ અતિશય મદદરૂપ થાય છે. ધન્યવાદ આપવા માટે તો કદાચ મારી હેસિયત નથી, પણ મારો ઊંડો આનંદ પ્રગટ કરું છું – આ અંક માટે! દર અંકે તમે તમારી જવાબદારી વધારો છો – સારો અંક આપીને! હવે નીચે જરાપણ ઉતર્યા તો હાહાકાર મચી જશે. દરેક અંક તમારા સામે જ પિસ્તોલ ધરે છે.
– હરેશ ધોળકિયા, (સુપ્રસિદ્ધ વિવેચક–લેખક), ભૂજ (કચ્છ)

હું અમદાવાદ એમ.જે. પુસ્તકાલયમાં નિયમિત વાચન માટે જાઉં છું. ત્યાં મને ‘શ્રી રામકૃષ્ણ જ્યોત’નો એક અંક વાંચવા મળ્યો. મને તે ઘણો પ્રભાવશાળી તથા માર્મિક લાગ્યો. જેથી હું તેનો વાર્ષિક લવાજમનો સભ્ય બન્યો. પ્રથમ અંક મને ‘દિપોત્સવી અંક’ તરીકે મળ્યો. તેના બધા જ લેખો વાંચવાના ગમ્યા. ‘રામકૃષ્ણ જ્યોત’માં જીવન જીવવાની જડીબુટ્ટી છે, જીવનમાં સાચી શાંતિની જ્યોત અને શોધ છે, માનવને માનવી બનાવવાના ઉપાયો છે, જીવનમાં આધ્યાત્મિક શાંતિના રૂપાંતરની ચાવી છે, પ્રાર્થનાનું મહત્ત્વ અને શાંતિ છે, ‘યતો ધર્મસ્તતો જય’નો નાદ છે.
– ગોરધનભાઈ સી.પટેલ, અમદાવાદ

શ્રી રામકૃષ્ણ જ્યોતમાં પ્રકાશિત થતા લેખો જીવનને દિશા આપનારા અને પ્રોત્સાહન પૂરું પાડનાર હોઈ યુવા વર્ગ સહિત સહુ કોઈને ઉપયોગી છે. જીવનનાં ઉન્નત મૂલ્યો અને આદર્શનું નિરૂપણ કરવાનો આપનો પ્રયત્ન પ્રશંસનીય છે.
– ડૉ. મનુભાઈ ત્રિવેદી, (ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, પી.ડી માલવિયા બી.એડ. કોલેજ), રાજકોટ

આપના રાજકોટ કેન્દ્રની મુલાકાત મેં ફેબ્રુઆરી ‘૯૬માં લીધી હતી. ત્યાંનું વાતાવરણ અદ્ભુત લાગ્યું. તે સમયે ‘શ્રી રામકૃષ્ણ જ્યોત’નું લવાજમ ભર્યું હતું. તેને વાંચતાં લાગ્યું કે ઉત્તમ વિચારો અને મૂલ્યો રજૂ કરતાં જૂજ સામયિકોમાંનું એક છે અને ગર્વની વાત તો એ છે કે તે ગુજરાતી ભાષામાં રજૂ થાય છે. આવા સામયિકોને જરૂરી પ્રોત્સાહન મળવું જ જોઈએ, કારણ કે આવતી કાલની પેઢીમાં સંસ્કારનું સિંચન કરવાની મોટી જવાબદારી તેને શિરે છે. સામયિકની ભાષા થોડી સરળ થાય તો બાળકોને વાંચવામાં વધુ આનંદ આવશે. દુનિયાના વિવિધ તત્ત્વચિંતકો અને મહાન નેતાઓના જીવન પર પ્રકાશ પાડતા લેખો છાપી શકાય.
– સ્મિતા ધ્રુ, અમદાવાદ

દિવાળી વિશેષાંકમાં ‘શાંતિની શોધમાં’ લેખ ખરેખર ખૂબ જ સરસ છે. ઉદાહરણરૂપી અલંકાર દ્વારા ‘શાંતિની શોધ’માં લેખ ખૂબ જ સરળ બનાવ્યો છે, તેમ જ સ્વામી બ્રહ્માનંદનો લેખ પરમ આનંદની પ્રાપ્તિ માટે અત્યારથી મંડી પડો’ યુવાસંદેશ રૂપી લેખ ખરેખર ઊગતી કળીને ફૂલ બનાવવાનો ખૂબ જ સરસ પ્રયત્ન કર્યો છે. તેમ જ બીજા પણ ઘણા સારા લેખો છે. ખરેખર ‘રામકૃષ્ણ જ્યોત’ અંક સંસ્કૃતિનો ઉદ્ધાર કરી રહ્યો છે.
– દેવૈયા વિનોદ એન., સુરેન્દ્રનગર

આપના સામયિકનું સત્ત્વશીલ સાહિત્ય સ્વલ્પમવ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ એ ગીતા વાક્યને ચરિતાર્થ કરશે એવી આશા છે.
– ડૉ. એમ. એમ,પંડ્યા, (આયુર્વેદ આચાર્ય), મઢી, જિ. સુરત

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.