યુગનું આ નવવિધાન સમસ્ત વિશ્વને માટે અને ખાસ કરીને ભારતને માટે મહાન શ્રેયના ઊગમરૂપ થવાનું છે; અને આ નવવિધાનના પ્રેરક ભગવાન શ્રીરામકૃષ્ણદેવ ભૂતકાળના ધર્મક્ષેત્રના સર્વ મહાન યુગપ્રવર્તકોનું નવસંસ્કરણ અને પુનર્વિધાન પામેલું સ્વરૂપ છે. હે માનવ! એમનામાં શ્રદ્ધા રાખ અને તેને હૃદયમાં ધારણ કર.

મરેલાં કદી પાછા ફરતાં નથી; વીતી રાત ફરી પાછી આવતી નથી; પછડાઈને પથરાઈ ગયેલું ભરતીનું મોજું નવેસરથી ઊઠતું નથી; માણસ પણ ફરીથી તેનું તે શરીર ધારણ કરી શકતો નથી. માટે હે માનવ! અમે તને મરી પરવારેલા ભૂતકાળની પૂજા છોડી દઈને જીવંત વર્તમાનની ઉપાસના કરવા માટે આમંત્રણ આપીએ છીએ; ગઈ ગુજરીનાં દુઃખદાયક સંભારણાં છોડી દઈને અમે તને વર્તમાનની પ્રવૃત્તિઓ માટે આહ્વાન આપીએ છીએ; ગુમ થઈ ગયેલા અને ભાંગી તોડી નાખેલા ચીલાઓને ફરી શોધવામાં શક્તિ વેડફવાને બદલે, અમે તને સાવ સમીપે પસાર થતા નવનિર્મિત વિશાળ રાજમાર્ગ પર પાછો આવવા માટે બોલાવીએ છીએ. બુદ્ધિશાળી હો, તે સમજી લેજો!

જે શક્તિએ પોતાના પહેલવહેલા નવ ધબકારની સાથે જ પૃથ્વીની ચારે દિશાઓમાં દૂર દૂરના પડઘા જગાવ્યા તેના આવિર્ભાવના પૂર્ણ સ્વરૂપનો તમારા મનમાં પૂરો ખ્યાલ કરો, તથા ગુલામ પ્રજાના લક્ષણરૂપ બધી નિરર્થક શંકાઓ, નિર્બળતા અને ઈર્ષ્યાને છોડી દઈને આ નવવિધાનના વિરાટ ચક્રને ગતિમાન કરવામાં સહાય કરો!

આપણે ઈશ્વરના સેવક છીએ, ઈશ્વરનાં સંતાન છીએ, ઈશ્વરના હેતુઓની પરિપૂર્તિના સહાયક છીએ એવા દૃઢ નિશ્ચયને હૃદયમાં સ્થાપીને કર્તવ્યના મેદાનમાં ઊતરી પડો!

-સ્વામી વિવેકાનંદ

(શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ : પૃ. ૪૭,૪૮)

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.