રાજકોટમાં ભવ્ય શોભાયાત્રા આયોજિત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીરામકૃષ્ણદેવની ૧૬૨મી જન્મતિથિ પ્રસંગે ૧૦મી માર્ચના રોજ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીની છબીઓથી શણગારેલ ગાડીઓ અને રંગબેરંગી ફલૉટોની સાથે આ શોભાયાત્રામાં વિભિન્ન શાળાઓના લગભગ બે હજાર વિદ્યાર્થી ભાઇ-બહેનો અને ભાવિકજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આશ્રમ દ્વારા આયોજિત વેશભૂષા સ્પર્ધામાં ભાગ લેનાર બાળકો પણ દેવી-દેવતાઓની વેશભૂષામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા. શ્રી ઍસ.ઍન. કણસાગરા સ્કૂલનો ગુજરાતની સંસ્કૃતિ પરનો ફલૉટ, ધુળેશિયા સ્કૂલનો સર્વધર્મસમન્વયનો ફલૉટ અને ભાલોડિયા સ્કૂલનો ‘ગોકુળ ગામ’નો ફ્લૉટ વિશેષ આકર્ષણના કેન્દ્ર રહ્યા. શોભાયાત્રા આશ્રમમાં પાછી આવ્યા બાદ આશ્રમના પ્રાંગણમાં વિભિન્ન શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા. ધુળેશિયા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ નાટક ‘પયગમ્બર વિવેકાનંદ’ વિદ્યાર્થીઓએ વિશેષ રસપૂર્વક માણ્યું.

આ દિવસે શ્રીરામકૃષ્ણદેવના મંદિરમાં સવારના ૫ વાગ્યે મંગલ આરતી, ૯ વાગ્યે વિશેષ પૂજા, ભજન અને ૧૧ વાગ્યે હવન, પ્રસાદ વિતરણ વગેરેના કાર્યક્રમો યોજાયા હતા. સાંજે શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશ વિશે પ્રવચનોનું પણ આયોજન થયું હતું.

શ્રીરામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદના વિદેશમાંથી ભારત પુનરાગમન શતાબ્દી મહોત્સવની ઉજવણી

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ચેન્નાઇ મઠ અને કોઈમ્બતુર વિદ્યાલયના નેજા હેઠળ તેમ જ ભક્તજનો દ્વારા સંચાલિત કેન્દ્રો અને ભક્તજનોના સંયુક્ત ઉપક્રમે તામિલનાડુ રાજ્યમાં ૭૦૦ કિ.મી. યાત્રાના ૨૧ દિવસના ભરચક કાર્યક્રમોનું આયોજન થયું હતું. ૨૬મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની છબીનું સ્થાપન કૂડુકલ (પંબન) માં થયું હતું. આ દિને સ્વામીજીએ વિદેશમાંથી ભારત પાછા ફરતાં એક સદી પહેલાં – ૧૦૦ વર્ષ- પહેલાં પોતાનાં ચરણ ભારતભૂમિ પર મૂક્યા હતા, તે સ્થળેથી સ્વામીજીની આઠ ફૂટ ઊંચી પ્રતિમા સાથેનો રંગીન અને આકર્ષક ફલૉટ કાઢવામાં આવ્યો હતો. સંન્યાસીઓ, ભક્તજનો, સ્વયંસેવકો વગેરે મૉટરગાડી અને બીજા વાહક વાહનોમાં સાથે રહ્યા હતા. આ ભવ્ય શોભાયાત્રા રામેશ્વરમ્, રામનદ, પરમકુડી, મનમદુરાઇ, મદુરાઇ, ત્રિચિ, થાન્ઝવુર, કુમ્બકોણમ્, પાનૃતિ, ચેંગલપટ્ટુ – વગેરે સ્થળેથી પસાર થઇને છઠ્ઠી ફેબ્રુઆરીએ ચેન્નાઇ પાછી ફરી હતી. સ્વામીજીની આ પ્રતિમાનું ભક્તિમય સંગીતના સૂરોથી, કપૂર – વગેરેની આરતીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ દરેક સ્થળે સ્વામીજીની પ્રતિમાને ફૂલફળ અર્પણ કર્યાં હતાં. કેટલાંક સ્થળે શોભાયાત્રા, જાહેરસભાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ ઉપરાંત રસ્તામાં આવતાં કેટલાંય ગામડાંઓ અને નાના શહેરોમાં ફૂલહાર અને આરતી માટે આ ફ્લૉટ સાથેની શોભાયાત્રાએ અનેક વાર થોભવું પડ્યું હતું. લોકોનો પ્રતિભાવ ભવ્ય અને સ્વયંભૂ હતો. છઠ્ઠી ફેબ્રુ. એ સ્વામીજીનું ચેન્નાઇના ઇગમોર રેલ્વે સ્ટેશન પર ભક્તિભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની સ્મૃતિરૂપે બાર હજાર જેટલા વિદ્યાર્થીઓ અને ભક્તજનોની એક વિશાળ શોભાયાત્રા પણ નીકળી હતી. પછીના નવ દિવસો સુધી જાહેરસભાઓ – સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. પછાત વિસ્તારોના લોકોની સદ્ભાવનાપૂર્ણ મુલાકાતો યોજાઇ હતી તેમ જ સમૂહચર્ચાનું આયોજન પણ શહેરના વિવિધ ભાગોમાં કરવામાં આવ્યું હતું. ૧૪મી ફેબ્રુ.ના સમાપન સમારોહમાં રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ અધ્યક્ષસ્થાને હતા. બીજા દિવસની સવારે જ્યાંથી સ્વામીજી ૧૦૦ વર્ષ પહેલાં જળમાર્ગે કલકત્તા જવા રવાના થયા હતા તે ચેન્નાઇ બંદરેથી તેમને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. આ સ્થળને હવે ‘વિવેકાનંદ વૉર્ફ’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દરમિયાન ચેન્નાઇ મઠ દ્વારા સ્વામીજીએ તામિલનાડુ રાજ્યમાં આપેલાં વ્યાખ્યાનોની ૭૦ હજાર પુસ્તિકાઓ અને એક લાખ ૨૦ હજાર જેટલા સ્વામીજીનાં ચિત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવ નિમિત્તે ઘણી જાહેર અને ખાનગી સંસ્થાની સાથે રહીને રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ સમિતિ દ્વારા સ્વામીજીના વિદેશમાંથી કલકત્તામાં પુનરાગમનનો શતાબ્દી મહોત્સવ ૧૯મી અને ૨૩મી ફેબ્રુ.એ ઉજવાયો હતો. ખાસ શણગારેલી ટ્રેઇનમાં સ્વામીજીની પૂર્ણ કદની છબી બજબજ બંદરેથી શ્યાલદા રેલવે સ્ટેશન સુધી શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજ લાવ્યા હતા. બજબજ બંદરથી શ્યાલદા રેલવે સ્ટેશન સુધીના માર્ગમાં હજારો હજારો ભાવિકજનોએ સ્વામીજીની પ્રતિમાનું ભવ્ય ઉમળકાથી સ્વાગત કર્યું હતું. કલકત્તાના મેયરશ્રી પ્રશાન્ત ચેટરજી દ્વારા આ છબી શ્યાલદા સ્ટેશને લાવવામાં આવી ત્યારે ત્યાં એકઠા થયેલા લોકોના હર્ષધ્વનિથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. આ છબીને રથમાં રાખીને યુવાનો ખેંચતા હતા. એક સદી પહેલાં બની ગયેલા પ્રસંગની સ્મૃતિ તાજી કરતા હોય તેમ – સુરેન્દ્રનાથ કૉલેજ (પહેલાંની રિપન કૉલેજ) અને પછી ધ મિત્રા ઇન્સ્ટિટયૂશન (આજની માધ્ય. શાળા અને સ્વામીજીના સમયની રિપન કૉલેજ જ્યાં આવેલી હતી તે) સ્થળે આ રથને લઇ જવામાં આવ્યો. હજારો ભક્તજનો, વિદ્યાર્થીઓ અને સંન્યાસીઓ આ રથયાત્રામાં જોડાયા હતા. આ ઐતિહાસિક પ્રસંગની સ્મૃતિરૂપે બે તકતીઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમાંની એક સુરેન્દ્રનાથ કૉલેજમાં અને બીજી ધ મિત્રા ઇન્સ્ટિટયૂશનમાં – આ બંને સ્થળે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમત્ સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ અને બીજા સુખ્યાત વક્તાઓએ વક્તવ્યો આપ્યાં હતાં. સ્વામીજીએ કલકત્તામાં પાછા ફરતી વખતે જે બે સ્થળોની મુલાકાત લીધી હતી તે બે ઐતિહાસિક સ્થળો – સ્વ. પશુપતિનાથ બોઝનું નિવાસસ્થાન અને આલમબઝાર મઠમાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

૨૩મી ફેબ્રુઆરીએ સમાજના દરેક ક્ષેત્રના મહાજનો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાનાં વિદ્યાર્થી ભાઇ-બહેનો દેશબંધુ પાર્ક સુધીની ભવ્ય અને રંગીન શોભાયાત્રામાં જોડાયાં હતાં. આ પવિત્ર સ્થળે પહેલા દિવસે કલકત્તાના મેયરશ્રી પ્રશાંત ચેટરજી અને પછીના દિવસે શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજ (રામકૃષ્ણ મઠ – મિશનના ઉપાધ્યક્ષશ્રી)ના અધ્યક્ષસ્થાને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ મઠ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વક્તવ્યનું વાચન થયું હતું. પશ્ચિમ બંગાળના માનવ અધિકાર પંચના ચૅરમૅન ચિત્તતોષ મુકરજી, ક્લકત્તા યુનિ.ના ઉપકુલપતિ ડો. શ્રી આર.ઍન. બસુ, શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રૅટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને બીજા મહાનુભાવોએ પણ આ સભાને સંબોધી હતી. બહોળી સંખ્યામાં લોકોએ આ સમારંભમાં ભાગ લીધો હતો, ‘વિવેકાનંદ ભારત પ્રત્યાવર્તન’ નામની બંગાળી પુસ્તિકાની ૫૦૦૦ પ્રતો અને સ્વામીજીના કલકત્તામાં થયેલા અભિવાદન સભામાં સ્વામીજીએ આપેલા પ્રત્યુત્તર – વ્યાખ્યાનની સંક્ષિપ્ત આવૃત્તિવાળી પત્રિકાની ૩૦ હજાર નકલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પાવનકારી પ્રસંગની સ્મૃતિરૂપે સ્વામીજીના ભારતમાં પુનરાગમન વિશે રામકૃષ્ણ મઠ અને મિશનના ‘ઉદ્‌બોધન’ કેન્દ્ર દ્વારા (બંગાળીમાં છ પુસ્તિકાઓ) ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તા કેન્દ્ર દ્વારા (બંગાળીમાં બે પુસ્તિકાઓ) અને અદ્વૈત આશ્રમ દ્વારા (અંગ્રેજીમાં બે પુસ્તિકાઓ) વિવિધ પ્રકાશનો થયાં. આ ઉપરાંત અદ્વૈત આશ્રમ અને ઉદ્‌બોધન દ્વારા ખાસ વિશેષાંકો પણ બહાર પાડવામાં આવ્યા છે.

૧૭ થી ૨૪ નવેમ્બર સુધીમાં ચેંગલપટ્ટુ કેન્દ્ર દ્વારા વક્તૃત્વ, નિબંધ લેખન, મુખપાઠ, સ્વામીજીના ઉદ્ગારો, સંગીત, ભક્તિભાવભર્યું ગીતોનું ગાન, ચિત્રકલા, નાટય – વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં વિવિધ શાળા-કૉલેજમાંથી ૧૦૯૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ૨૫ થી ૨૯ જાન્યુ. સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આસપાસના ઘણાં ગામડાંની શાળાઓની મુલાકાત લીધી હતી અને ‘સ્વામીજીના સંદેશ વિશે વકતવ્યો પણ આપ્યાં હતાં. ૫મી ફેબ્રુઆરીએ ૧૦ હજાર વિદ્યાર્થીઓ અને અસંખ્ય શહેરીજનોની એક વિશાળ શોભાયાત્રા પણ નીકળી હતી. બીજે દિવસે ચેંગલપટ્ટુ રેલવે સ્ટેશને એક ખાસ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સ્ટેશનને ઉત્તમ રીતે શણગારવામાં આવ્યું હતું. ઘણા ભાવિકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઉપરાંત આ કેન્દ્ર દ્વારા યોજાયેલા કેટલાક સ્વામી વિવેકાનંદજી વિશેના કાર્યક્રમો દૂરદર્શન પર બતાવવામાં આવ્યા હતા.

૨૬મી જાન્યુઆરીએ ‘આજના રાષ્ટ્રજીવનના સંબંધમાં સ્વામી વિવેકાનંદજીની સુસંગતતા’ – એ વિષય પર શ્રીરામકૃષ્ણ મઠના અલાહાબાદ કેન્દ્રમાં એક ચર્ચાસભાનું આયોજન થયું હતું. સુખ્યાત વક્તાઓએ પોતાનાં વકતવ્યો આપ્યાં હતાં. ૧૬૫ યુવ-પ્રતિનિધિઓ માટે બીજી ફેબ્રુઆરીએ એક ‘યુવ-શિબિર’નું પણ આયોજન થયું હતું.

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના મનસાદ્વીપ આશ્રમ દ્વારા ૨૨મી જાન્યુ.થી ૧૧મી ફેબ્રુ. સુધી સુન્દરવન ટાપુનાં નવ સ્થળે વકતૃત્વ, મુખપાઠ, સંગીત- જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ૬,૦૦૦ જેટલા ભાવિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ મિશનના દિલ્હી કેન્દ્ર દ્વારા સ્વામીજીના વિજયી ભારત – પુનરાગમન વિશે કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ ૨૬મી જાન્યુઆરીએ ‘નૅશનલ નેટવર્ક’માં દૂરદર્શન પર પ્રસારિત થયો હતો.

શ્રીરામકૃષ્ણ મિશનના ચેન્નાઇ કેન્દ્ર દ્વારા મુખપાઠ, વક્તૃત્વ, કિવઝ, વગેરે સ્પર્ધાઓનું (અંગ્રેજી અને તમિળ ભાષામાં) આયોજન તા. ૬ જાન્યુ. થી ૧૦ જાન્યુ. સુધી થયું હતું. આ સ્પર્ધાઓમાં ૬૪ શાળાના ૭૬૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૮મી ફેબ્રુઆરીએ યોજાયેલી જાહેરસભામાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

Total Views: 165

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.