શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ ઉજવાયો

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વાર્ષિકોત્સવના ભાગરૂપે તા.૨૫થી ૨૭ એપ્રિલ સુધી આશ્રમના પ્રાંગણમાં વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થયું હતું. તા. ૨૫મી, એપ્રિલના રોજ સવારના ૮-૩૦ થી સાંજના ૪-૩૦ સુધી એક મૅનેજમૅન્ટ વર્કશોપનું આયોજન થયું હતું, જેનો વિષય હતો – ‘આધ્યાત્મિક વિકાસ દ્વારા વ્યાવહારિક કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠતાની પ્રાપ્તિ’. એમ.એમ.સી. સ્કૂલ ઓફ મૅનૅજમૅન્ટ, મુંબઈના ડાયરેક્ટર ડૉ એન.એચ. અત્રેય, સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ક્રમશઃ ‘જવાબદારીપૂર્વકની કાર્યનિષ્ઠા દ્વારા શ્રેષ્ઠતમ સિદ્ધિ’, ‘દૈનિક જીવનમાં શ્રેષ્ઠતા મેળવવા માટે આધ્યાત્મિક સંસ્કૃતિનાં ત્રણ સોપાન’ અને ‘જીવનમાં શ્રેષ્ઠતા માટે ધ્યાન’ વિષયો પર પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં અને વર્કશૉપમાં ભાગ લેનાર ઉદ્યોગપતિઓ, ઑફિસરો, શિક્ષકો વગેરે ૨૩૫ પ્રતિનિધિઓના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા.

તા. ૨૬ અને ૨૭ એપ્રિલના રોજ સવારના ૫ થી સાંજના ૫ સુધી એક આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. વૈદિક મંત્રોચ્ચાર, ધ્યાન, ભજન, પ્રવચન, પ્રશ્નોત્તરી વગેરે કાર્યક્રમોથી ૨૭૫ પ્રતિનિધિઓ રસતરબોળ થઈ ગયા હતા.

તા. ૨૭મીના રોજ સાંજે ૫-૩૦ વાગ્યે પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વામી વિવેકાનંદ જન્મજંયતીના ઉપલક્ષ્યમાં આશ્રમ દ્વારા ક્વિઝ, મુખપાઠ, વકતૃત્વ, નિબંધ, ચિત્રકળા, વેશભૂષા વગેરે વિભિન્ન સ્પર્ધાઓમાં ઉજ્જવળ સિદ્ધિ હાંસલ કરનાર ૩૨૫ સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

તા. ૨૫, ૨૬ અને ૨૭મીના રોજ સાંજે જાહેર સભાઓનું આયોજન થયું હતું, જેના વિષયો હતા અનુક્રમે – ‘નવયુગના પથપ્રદર્શક સ્વામી વિવેકાનંદ’, ‘શ્રીમા શારદાદેવી અને માતૃશક્તિનો ઉદય’ અને ‘આધુનિક સમાજનું આધ્યાત્મીકરણ અને શ્રીરામકૃષ્ણદેવ’. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઉપકુલપતિ ડૉ. જયેશભાઈ દેસાઈ, ડૉ. એન.એચ. અત્રેય, રામકૃષ્ણ મઠ, નાગપુરના અધ્યક્ષ સ્વામી બ્રહ્મસ્થાનંદજી, સ્વામી જિતાત્માનંદજી તથ સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં વકતવ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકજનોએ માણ્યાં હતાં.

તા. ૨૭ના રોજની જાહેરસભામાં સ્વામી વિવેકાનંદજીના સંપર્કમાં આવેલ નડિયાદ નિવાસી જૂનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના પરિવારજનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું; કારણ કે તેઓએ સ્વામી વિવેકાનંદજી અને શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈનાં કેટલાંક પવિત્ર સ્મૃતિચિહ્નો રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલુર મઠમાં નવનિર્મિત થઈ રહેલ મ્યુઝિયમ માટે તાજેતરમાં અપર્ણ કરેલ છે.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નેત્રયજ્ઞ આયોજિત

તા.૧૭મી એપ્રિલના રોજ રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા એક નેત્રયજ્ઞ આયોજિત થયો હતો જેમાં ૭૬ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. ૮ દર્દીઓને ઑપરેશન માટે વીરનગર મોકલવામાં આવ્યા હતા.

Total Views: 210

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.