રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે

રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભુતાનંદજી મહારાજે રામકૃષ્ણ મિશનના શતાબ્દી સમારોહના ઉદ્‌ઘાટન પ્રસંગે આપેલ સંદેશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -સં.

આ ધરતી પર શ્રીરામકૃષ્ણના અવતારકૃત્યને અનુલક્ષીને રામકૃષ્ણ મિશન ઊભું છે. માનવજાતના ઇતિહાસના એક મહત્ત્વના પ્રવાહમાં, જ્યારે સાંપ્રદાયિક પૂર્વગ્રહોવાળો ધર્મ અવનતિ પામી રહ્યો હતો અને બૌદ્ધિકતા અને વિજ્ઞાનનો ઉદય થઈ રહ્યો હતો, એવા સમયે એમનો આવિર્ભાવ થયો. શ્રીરામકૃષ્ણ માનવ જાતને માટે એક નવું દર્શન, સંવાદિતા, આત્માની દિવ્યતા અને અપરોક્ષ અધ્યાત્માનુભૂતિનો એક નવો જ સંદેશ લઈને આવ્યા.

શ્રીરામકૃષ્ણના સંદેશનું વૈશ્વિક મહત્ત્વ પકડવામાં અને પારખવામાં સ્વામી વિવેકાનંદ પ્રથમ પુરુષો પૈકીના એક હતા. તેમણે જોયું કે ભારતવર્ષના ભાવિ માટે એ સંદેશનું વિશિષ્ટ મહત્ત્વ હતું. ભારતના એક ખૂણેથી બીજે ખૂણે ભ્રમણ કરતા સ્વામીજી, ઊંડા મૂળ ઘાલેલી ગરીબી, પછાતપણા અને અજ્ઞાનમાં ડૂબેલા ભારતના જનસમૂહને જોઈને દ્રવી ઊઠ્યા. તેમણે જોયું કે ભારતના દબાયેલા પિસાયેલા લોકોને એવા જીવતા જાગતા સંદેશની તાતી જરૂર હતી કે જે તેમનામાં બળ, આત્મવિશ્વાસ અને સેવાભાવના ભરીને તેમને પોતાના પગ પર ઊભા રહેવાની શક્તિ આપે. સ્વામી વિવેકાનંદને એ સ્પષ્ટ રીતે દેખાયું કે ભારતીય સમાજની સાવ અસંગઠિત છિન્ન ભિન્ન હાલતમાં જો કોઈ શક્તિશાળી સંગઠન એનું જતન નહિ કરે તો કોઈ પણ મોટું કામ થઈ શકવાનું નથી. સ્વામીજીએ એક પત્રમાં લખ્યું હતું : ‘મારા જીવનની સમગ્ર મહત્ત્વાકાંક્ષા એવા સંચાલન તંત્રને ગતિશીલ બનાવવાનું છે જે દરેકે દરેકને ઘરઆંગણે ઉદાત્ત વિચારોને પહોંચાડી દે. અને પછી નરનારીઓ પોતે જ પોતાના ભાગ્યનું નિર્માણ કરે.’ કોઈ સંગઠન આ પ્રકારનું સંચાલન તંત્ર ત્યારે જ બની શકે કે જો એમાં સત્ય, પવિત્રતા અને નિઃસ્વાર્થતાને વરેલા લોકો સામેલ થતા હોય. ઘણા બધા વિક્લ્પો પર વિચાર કરીને સ્વામીજીએ એક એવી સંસ્થા ઊભી કરવાનું ધાર્યું કે જેમાં તત્કાલીન રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ, અન્ય સમાન આદર્શોથી પ્રેરિત થયેલા સાધારણ જનોની સાથે મળીને સામાજિક કાર્યો કરતા હોય.

સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના સંન્યાસી અને ગૃહસ્થ ભક્તોની એક મિટિંગ, ૧લી મે, ૧૮૯૭ના રોજ, શ્રી બલરામ બસુને ઘેર બોલાવી અને રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કરી. એ વાતને આજે સો વરસ વીતી ગયાં. સાવ નાનકડા પાયા પર, મૂઠીભર લોકોથી જે મિશન શરૂ થયું હતું, તે આજે વિશ્વવ્યાપી સંસ્થા બની ચૂકી છે. ભારતની સામાજિક સેવાના દરેકેદરેક ક્ષેત્રમાં તે આજે એક મુખ્ય પ્રભાવક બળ રૂપ સાબિત થઈ ચૂકી છે.

રામકૃષ્ણ મિશનનાં કાર્યોનાં બે વિશિષ્ટ પાસાંઓનો અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. પહેલું તો એ કે સમાજસેવા એ પ્રભુસેવા જ ગણવામાં આવી છે અને બીજું – ધર્મ, જાતિ, નાતજાત કે રાષ્ટ્રિયતાના કશા જ ભેદભાવ વગર બધા જ લોકો માટે એ ખુલ્લું છે.

આ બધું છતાં એક વાત યાદ રાખવી ઘટે કે રામકૃષ્ણ મિશન એ સામાજિક સંસ્થા કરતાં મુખ્યત્વે તો એક આધ્યાત્મિક સંસ્થા છે અને એનું મુખ્ય કામ તો માનવજીવોનું આધ્યાત્મિક રૂપાંતર કરવાનું જ છે. એટલા માટે સ્વામીજીએ રામકૃષ્ણ મિશન માટે બંનેને અનુલક્ષતો મુદ્રાલેખ નક્કી કર્યો છે : ‘આત્મનો મોક્ષાર્થં, જગદ્ધિતાય ચ’ (૧) પોતાની મુક્તિ માટે અને (૨) જગતના કલ્યાણ માટે.’ આપણા આધ્યાત્મિક રૂપાંતર માટે સ્વામીજીએ જ્ઞાન, ભક્તિ, યોગ અને કર્મ એમ ચાર યોગોના સમન્વયનો માર્ગ બતાવ્યો. રામકૃષ્ણ મિશન માટેના સ્વામીજીએ પોતે જ રેખાંકિત કરેલા સુવિખ્યાત પ્રતીકમાં એનું પ્રતિનિધિત્વ દર્શાવાયું છે.

મિશનને સો વરસ વીતી ગયાં છે. પણ આવતી શતાબ્દીએ ક૨વાનાં, ભારે કામોના જથ્થાની સરખામણીમાં આ તો હજુ શરૂઆત જ છે. પણ શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા અને સ્વામી વિવેકાનંદની જે શક્તિએ આટલાં વરસો મિશનનું જતન કર્યું છે તે ભવિષ્યમાં પણ એને સહાય અને માર્ગદર્શન પૂરાં પાડતી રહેશે અને સમગ્ર વિશ્વના વધારે ને વધારે સંખ્યામાં લોકોને માટે તેમની કૃપા અને પ્રેમનો પ્રવાહ ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રમાણમાં વહેતો રહેશે.

રામકૃષ્ણ મિશનના શતાબ્દી વરસના ઉદ્‌ઘાટનના આ આનંદદાયક અવસરે હું શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા અને સ્વામીજીને આ ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થાય એ માટે પ્રાર્થના કરું છું. એમાં ભાગ લેનાર સૌ ઉપર એમના આશીર્વાદો વરસી રહો.

અંગ્રેજીમાંથી ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.