રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ

વર્ષભર ચાલનારી રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીનું ઉદ્‌ઘાટન ૧ મે, ૧૯૯૭ના રોજ કલકત્તાના નઝરૂલ મંચ ખાતે યોજાયેલ એક ભવ્ય સમારંભમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ ડૉ. કે. આર. નારાયણનના વરદ્હસ્તે થયું હતું. સમારંભની અધ્યક્ષતા રામકૃષ્ણ મિશનના તત્કાલીન જનરલ સૅક્રેટરી (હવે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ) સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કરી હતી. રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ અને ઉપાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજી મહારાજના સંદેશ વાચવામાં આવ્યા હતા. સ્વામી સ્મરણાનંદજી મહારાજે (હાલના જનરલ સેક્રેટરી) સ્વાગત પ્રવચન કર્યું હતું. ડૉ. કે. આર. નારાયણને ઉદ્‌ઘાટન પ્રવચન કર્યું. પ. બંગાળના રાજ્યપાલ શ્રી કે.વી. રઘુનાથ રેડ્ડીએ ‘ધ કમ્પલીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ’ના નવમા ભાગનું વિમોચન કર્યું. રામકૃષ્ણ મિશન શતાબ્દી ઉજવણીની કેન્દ્રીય સમિતિના કન્વીનર સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે આભારદર્શન કર્યું. દૂરદર્શનના નેશનલ નેટવર્ક દ્વારા સમગ્ર સમારંભનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું.

આ સમારંભના બીજા સત્રની અધ્યક્ષતા સ્વામી વંદનાનંદજી મહારાજે કરી હતી. સ્વામી ગહનાનંદજી મહારાજ, સ્વામી પ્રભાનંદજી મહારાજ અને પ્રૉ. શંકરીપ્રસાદ બસુએ સભાને સંબોધન કર્યું હતું.

આ જ દિવસે સવારે રામકૃષ્ણ મઠ અને મિશનના કલકત્તાના બલરામ મંદિર કેન્દ્રમાં (જ્યાં ૧, મે ૧૮૯૭ના રોજ રામકૃષ્ણ મિશનનો પ્રારંભ સ્વામી વિવેકાનંદજીએ કર્યો હતો) એક સુંદર સમારંભ યોજાયો હતો. જાહેરસભાની અધ્યક્ષતા રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે કરી હતી. તેમણે પ૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો સંદેશ વાચી સંભળાવ્યો. સ્વામી સ્મરણાનંદજી મહારાજે સ્વાગત પ્રવચન કર્યું. શ્રી શંકરીપ્રસાદ બેનરજી અને સ્વામી પૂર્ણાત્માનંદજીએ સંક્ષિપ્ત વકતવ્યો આપ્યાં. સ્વામી વિમલાત્માનંદજી અને સ્વામી બોધસારાનંદજીએ રામકૃષ્ણ મિશન એસોસિયેશનની પ્રથમ અને દ્વિતીય બેઠકનો અહેવાલ તેમજ ‘ધ કમ્પલીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ’માંથી થોડા અંશો વાંચ્યા. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે આભાર દર્શન કર્યું.

મોટી સંખ્યામાં ભક્તો, મિત્રો શુભેચ્છકો, સંન્યાસીઓએ આ સમારંભમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમનું સમાપન ભક્તિ સંગીતથી થયું.

રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્ય મથક બેલુર મઠમાં તેમ જ બલરામ મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા કરવામાં આવી હતી. દેશ-વિદેશનાં અનેક સ્થળોએથી આ શતાબ્દીની ઉજવણીના સમાચાર મળી રહ્યા છે.

પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રાહત કાર્યો

પંચમહાલ જિલ્લાના નીમચ ગામમાં દુષ્કાળ-પીડિત ૧૫ પરિવારોને તેઓના કૂવાઓ સુધારવા માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૩૦,૦૦૦ ઈંટ, ૧,૦૦૦ કિ. સિમેન્ટ અને ૨,૦૦ ક્યુ. ફીટ રેતીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સિવાય આ ગામમાં ગ્રામ્ય કલ્યાણકારી કાર્ય માટે એક ઓરડાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રામકૃષ્ણ મઠ, ચેન્નાઈનો શતાબ્દી સમારોહ

રામકૃષ્ણ મઠના ચેન્નાઈ કેન્દ્રમાં શતાબ્દી મહોત્સવ ૨૨થી ૨૪ માર્ચ સુધી ઉજવવામાં આવ્યો. વિશેષ પૂજા, હવન, શોભાયાત્રા, રામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસીઓનાં પ્રવચનો, ભજન, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનું આયોજન થયું હતું. આ સમારંભમાં મોટી સંખ્યામાં સંન્યાસીઓ અને ભક્તોએ ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મિશન, સારગાછીનો શતાબ્દી સમારોહ

પ.બંગાળમાં આવેલ રામકૃષ્ણ મિશનના પ્રથમ શાખા કેન્દ્ર સારગાછી આશ્રમની શતાબ્દી ઉજવણીનો પ્રારંભ ૧૪ એપ્રિલે થયો. આ પ્રસંગે સારગાછી આશ્રમથી મહુવા સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું, કારણ કે અહીં મહુવામાં જ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અખંડાનંદજી મહારાજે રામકૃષ્ણ મિશનના પ્રથમ રાહત કાર્યનો પ્રારંભ કર્યો હતો. અન્નપૂર્ણા માતાની સુંદર પ્રતિમાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. સારગાછી અને બહેરામપુર બન્ને સ્થળોએ જાહેરસભાઓનું આયોજન થયું હતું. લોકનૃત્ય, નાટક, ભજન સંગીત વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ બધા કાર્યક્રમોમાં સંન્યાસીઓ, ભક્તો અને ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે એક આકર્ષક સ્મરણિકાનું પ્રકાશન પણ થયું છે જેનું વિમોચન ૧૭મી એપ્રિલે સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ્હસ્તે થયું હતું.

ચેન્નાઈમાં ‘વિવેકાનંદ ભવન’ રામકૃષ્ણ મઠને સુપ્રત

૧૧૫ વર્ષ જૂનું ‘આઈસ હાઉસ’ (ICE HOUSE) નામે સુવિખ્યાત ‘વિવેકાનંદ ભવન’ (Vivekananda House) તામિલનાડુ સરકાર દ્વારા રામકૃષ્ણ મઠને રૂ. ૧,૦૦૦ના વાર્ષિક દરે ૩ વર્ષની લીઝ પર સુપ્રત કરવામાં આવ્યું છે. જેથી ત્યાં ભવ્ય સ્મારકનું નિર્માણ થઈ શકે. આ ભવનનું ઐતિહાસિક મહત્ત્વ છે કારણ કે સ્વામી વિવેકાનંદજીએ આ ભવનમાં ૧૮૯૭માં ૬ થી ૧૫ ફેબ્રુઆરી સુધી નવ દિવસો માટે નિવાસ કર્યો હતો. શિકાગો ધર્મસભામાં ભાગ લઈને, વિદેશમાં વેદાંતનો પ્રચાર કરી તેઓ ભારત પાછા ફર્યા ત્યારે અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧૭મી નવેમ્બર, ૧૯૦૭માં મયલાપુરમાં હાલના સ્થળે લાવતા પહેલાં ચેન્નાઇના રામકૃષ્ણ મઠનો પ્રારંભ આ જ ભવનમાં શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ દ્વારા ૧૮૯૭માં કરવામાં આવ્યો હતો. રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા આ ભવનમાં સ્વામી વિવેકાનંદજીનાં જીવન-દર્શનને દર્શાવતાં મ્યુઝિયમ અને પ્રદર્શન માટે કાર્યનો પ્રારંભ થઈ ગયો છે.

ગાંધીનગરમાં શૈક્ષણિક પરિસંવાદ આયોજિત

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા તા. ૨૧મી એપ્રિલના રોજ બપોરના ૨થી સાંજના ૬ વાગ્યા સુધી એક શૈક્ષણિક પરિસંવાદનું આયોજન થયું હતું, જેમાં ગાંધીનગર જિલ્લાની વિભિન્ન શાળાઓનાં લગભગ ૧૫૦ શિક્ષક ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ગાંધીનગર જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભાડ સાહેબના પ્રાસંગિક પ્રવચન બાદ સ્વામી જિતાત્માનંદજી, સ્વામી આદિભવાનંદજી તેમજ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોનું મહત્ત્વ’ વિષય પર પ્રવચનો આપ્યાં હતાં અને પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન શિક્ષણને લગતા વિભિન્ન પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. આ પ્રસંગે ભૂતપૂર્વ શિક્ષણાધિકારી શ્રી આર.ડી. તડવી સાહેબે પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યુ હતું. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રના અધ્યક્ષ શ્રી રજનીકાંત ભટ્ટે આભારદર્શન કર્યું હતું.

આ જ દિવસે સાંજે એક જાહેર સભાનું આયોજન થયું હતું, જેમાં ઉપરોક્ત સંન્યાસીઓનાં પ્રવચનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકજનોએ માણ્યાં હતાં.

વલસાડમાં સ્વામી વિવેકાનંદજીની ભવ્ય પ્રતિમાનું અનાવરણ

તા.૩૦મી એપ્રિલના રોજ સવારના ૯ વાગે વલસાડમાં એસ.ટી. ડેપો સામે સ્વામી વિવેકાનંદજીની સાડા સાત ફૂટ ઊંચી ભવ્ય કાંસ્ય મૂર્તિનું અનાવરણ સમસ્ત રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ્ હસ્તે થયું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને પોલીસ બૅન્ડની સુમધુર ધૂન વચ્ચે જ્યારે અનાવરણવિધિ થયો ત્યારે અદ્‌ભુત વાતાવરણ સર્જાઈ ગયું હતું. સેંકડોની સંખ્યામાં ઉમટી પડેલ જનમેદનીએ હર્ષભેર સ્વામી વિવેકાનંદજીના સૂક્ષ્મદેહનું સ્વાગત કર્યું હતું. અમેરિકામાં મિસીસીપી નદીના તટ પર સેન્ટ લૂઈસ આર્ચ જેવો આર્ચ આ પ્રતિભા પર બાંધવામાં આવ્યો છે, જે સ્વામી વિવેકાનંદજીના પૂર્વ અને પાશ્ચાત્યના સમન્વયનો સંદેશને દર્શાવે છે.

પ્રતિમાના અનાવરણ સ્થળે સ્વામી વાગીશાનંદજી મહારાજ, સ્વામી જિતાત્માનંદજી મહારાજ તેમ જ સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં સંક્ષિપ્ત વક્તવ્યો બાદ હાજર રહેલા સૌ શ્રોતાજનો નજીકના મોંઘાભાઈ હૉલમાં ગયા જ્યાં ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ તેમ જ આસપાસના ગામોથી આવેલા લોકોથી હૉલ ચિક્કાર ભરાઈ ગયો હતો. આ સમારંભનો પ્રારંભ મુંબઈના સ્વામી જ્ઞાનેન્દ્રાનંદજી મહારાજના વેદિક મંત્રોચ્ચાર તેમ જ ભજન દ્વારા થયો હતો. રામકૃષ્ણ સેવા સંસ્થાનના પ્રમુખ શ્રી ધનસુખભાઈ મિસ્ત્રીએ પોતાના સ્વાગત પ્રવચનમાં આ ભવ્ય યોજના સામાન્ય જનોના સહકારથી કેવી રીતે પાર પડી તેની વિગતો રજૂ કરી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ સ્વામી વિવેકાનંદજીના સંદેશની પ્રાસંગિકતા પર પ્રેરક પ્રવચન આપ્યું. વલસાડ જિલ્લાના કલેકટર શ્રી માંકડ સાહેબે આ સમારંભમાં પોતે ઉપસ્થિત રહી શક્યા તેને પોતાનું સદ્ભાગ્ય ગણાવતાં પોતાના પ્રવચનમાં આયોજકોનો આભાર માન્યો. સુપ્રસિદ્ધ ચિંતક શ્રી અશ્વિનભાઇ કાપડિયાએ પોતાની ઓજસ્વી વાણીમાં સ્વામી વિવેકાનંજીના જીવન-સંદેશના મહત્ત્વને સમજાવતા કહ્યું હતું કે, આપણા દેશની ઘણી મહાન વિભૂતિઓ – મહાત્મા ગાંધી, શ્રી અરવિંદ, શ્રી સુભાષચંદ્ર બોઝ વગેરેના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ હતા. સ્વામી નિખિલશ્વરાનંદજીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, ‘વલસાડના આ મહત્ત્વના સ્થળે સ્વામી વિવેકાનંદજીની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ તેથી મોટી સંખ્યામાં લોકો પ્રેરણા પ્રાપ્ત કરશે. પણ રસ્તામાં પ્રતિમાની પ્રતિષ્ઠા દ્વારા સ્વામીજીનું કાર્ય પૂર્ણ થઈ નથી જતું. વધુ મહત્ત્વનું આ છે કે સ્વામીજીની પ્રતિમાની પ્રતિષ્ઠા લોકોના હૃદયમાં થાય. આ માટે રામકૃષ્ણ-વિવેકાનંદ સંસ્થાન અને સ્વામી વિવેકાનંદજીના અનુરાગીઓએ હજુ વધુ કાર્ય કરવું પડશે, તેમના સંદેશનો પ્રસાર-પ્રચાર, વિશેષમાં યુવા પેઢીમાં મોટે પાયે કરવો પડશે તો જ આ પ્રતિમાનું અનાવરણ સાર્થક થશે.’ સ્વામી વાગીશાનંદજી મહારાજે પોતાના અધ્યક્ષીય ભાષણમાં આયોજકોના કાર્યને બિરદાવ્યું હતું. આ જ દિવસે સાંજે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેનો લાભ અનેક ભાવિકજનોએ લીધો હતો.

Total Views: 226

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.