સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ હતા. તેમણે ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગે જે મહત્ત્વપૂર્ણ પ્રેરણાદાયી ઉપદેશો આપ્યા હતા, તેનું સંકલન ‘ધ્યાન, ધર્મ અને સાધના’ નામના પુસ્તક્માં પ્રકાશિત થયું છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

આ જીવનનું કોઈ ઠેકાણું નથી – તે દસ વીસ વર્ષ પછી પણ સમાપ્ત થઈ શકે છે કે પછી આજે જ. જ્યારે એ જાણતા નથી કે તે ક્યારે સમાપ્ત થશે, ત્યારે તો માર્ગ પર ચાલવાની વ્યવસ્થા જેટલી જલદી જલદી થઇ શકે તેટલું વધારે સારું. કોણ જાણે ક્યારે તેડું આવી જાય? અંતે શું અજાણ્યા દેશમાં ખાલી હાથે જવાથી ઘણું કષ્ટ ભોગવવું પડશે. જ્યારે જન્મ થયો છે, તો મૃત્યુ અવશ્ય થશે જ; અને મૃત્યુ થવાથી એક બીજા દેશમાં જવું પડશે, એ પણ સત્ય છે. જે રીતે થઇ શકે તે રીતે પણ માર્ગ પર ચાલવાની વ્યવસ્થા કરીને તૈયાર રહો. પોકાર આવે ત્યારે હસતાં હસતાં ચાલ્યા જવું. કામ સમેટી લેવાથી પછી કોઈ ભય નહિ રહે. મનમાં નિશ્ચિંતતા રહેશે કે માર્ગ પર ચાલવાની આપણી સઘળી વ્યવસ્થા બરોબર છે.

સદ્ભાવપૂર્વક જીવન વિતાવવાની સદિચ્છા જ્યારે મનમાં જાગી છે, એમને જાણવા અને સમજવાનો સુયોગ જ્યારે પ્રાપ્ત થયો છે, તો પછી ખૂબ મહેનત કરીને તત્ત્વની પ્રાપ્તિ કરી લો. ખીલો પકડી લો. શરી૨ રહે કે જાય, ખીલાને તો પકડી જ લેવો પડશે. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. ‘હું મનુષ્ય છું, હું બધું કરી શકું છું.’ એવો વિશ્વાસ રાખીને આગળ વધો. તત્ત્વની પ્રાપ્તિ કરી લેશો તો માનવજીવન સાર્થક થઈ જશે. આવાગમન અત્યંત દુ:ખદાયક છે. આવવા-જવાની ઘટમાળ સમાપ્ત કરી દો. ભગવાનના નિત્ય સાથી બની જાઓ.

ભય અને દુર્બળતાને મનમાંથી હાંકી કાઢો. પાપની વાતો વિચારીને મનને ક્યારેય ખરાબ ન કરવું – પછી ભલે પાપ કેટલુંય મોટું કેમ ન હોય. તે માણસની નજરે મોટું છે, ભગવાનની નજરમાં તો તે કંઇ નથી. એમની કૃપા-કરુણાથી કરોડો જન્મનાં પાપ એક ક્ષણમાં દૂર થઇ જાય છે. લોકોને પાપના માર્ગેથી પાછા વાળવા માટે જ શાસ્ત્રોમાં પાપનો આટલો ભય બતાવવામાં આવ્યો છે. તેમ છતાં પણ કર્મનું ફળ તો અવશ્ય મળે જ છે. કુકર્મ કરવાથી મનમાં અશાંતિ ઉત્પન્ન થાય છે.

(‘ધ્યાન, ધર્મ અને સાધના’ પૃ.૫૭-૫૮)

Total Views: 230

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.