રામકૃષ્ણ મિશનની શતાબ્દી અને સ્વામી વિવેકાનંદના ભારત પ્રત્યાગમનની શતાબ્દી ઉજવણી

રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશનાં વિભિન્ન શાખા કેન્દ્રો દ્વારા ઉપરોક્ત બન્ને શતાબ્દીની ઉજવણીના અહેવાલો મળી રહ્યા છે. તાજેતરમાં આ ઉજવણી રામકૃષ્ણ મઠ અને મિશનના નીચેનાં કેન્દ્રોમાં આયોજિત થઈ – મોરિશિયસ, વિશાખાપટ્ટનમ, માલદા (પં.બંગાળ), સારગાછી (પં.બંગાળ), પુરી, રાંચી (મોરાબાદી), રાંચી (ટી.બી.સૅનૅટોરિયમ) વગેરે.

અલમોડા

ઉતર પ્રદેશમાં પાવન હિમાલયની ગોદમાં સમુદ્ર તટથી લગભગ ૫ હજાર ફૂટ ઊંચાઈ પર સ્થિત રામકૃષ્ણ મઠના અલમોડા કેન્દ્ર દ્વારા ઉપરોક્ત ઉજવણી ઉત્સાહભેર આયોજિત કરવામાં આવી. ૧લી મેના રોજ વિશેષ પૂજા અને સ્વામી વિવેકાનંદજીના જીવન સંદેશ પર વ્યાખ્યાનનું આયોજન થયું હતું. આ પછી બે દિવસો સુધી શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૧મી મેના રોજ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલમોડાથી ૮ કિ.મી. દૂર આવેલ જે લોધિકા ગામે ૧૧મી મે ૧૮૯૭ના રોજ ગ્રામવાસીઓએ સ્વામી વિવેકાનંદજીનું સ્વાગત કર્યું હતું. તે જ સ્થળથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. સ્વામીજીના એક વિશાળ ચિત્રની સાથે શોભાયાત્રા અલમોડાની મુખ્ય બજારમાંથી પસાર થઈ રઘુનાથ મંદિરની પાસે આવી અને જે સ્થળે આજથી એકસો વર્ષ પહેલાં સ્વામીજીએ પોતાનું ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું. તે જ સ્થળે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામીજીને આજથી એકસો વર્ષ પહેલાં જે સન્માન પત્રો આપવામાં આવ્યાં હતાં તેનો અને તેના ઉત્તરરૂપે સ્વામીજીએ જે ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું, તેનો પાઠ કરવામાં આવ્યો હતો. આ પછી શોભાયાત્રામાં જોડાયેલ સેંકડો વિદ્યાર્થીઓ અને ભક્તજનો મુખ્ય બજારમાં આવેલ રામજે ઈન્ટર કૉલેજના સભાખંડમાં પહોંચી ગયા જ્યાં એક વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંજાબ અને પ. બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી બી.ડી. પાંડે અને અનેક અગ્રણી નગરજનો સિવાય લગભગ એક હજાર લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામી વિવેકાનંદજીના સંદેશની પ્રાસંગિકતા પર પ્રવચન આપ્યું હતું. સભાની અધ્યક્ષતા સ્વામી રુદ્રાત્માનંદજીએ કરી હતી. રામકૃષ્ણ કુટિરના અધ્યક્ષ સ્વામી સિદ્ધિદાનંદજીએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે વિવિધ સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઇ-બહેનોને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું. લાલા બદરી શાનું આતિથ્ય સ્વામી વિવેકાનંદજીએ પોતાની અલમોડાની ત્રણે મુલાકાતો (ઇ. ૧૮૯૦, ઇ. ૧૮૯૭ અને ઇ. ૧૮૯૮) દરમિયાન માણ્યું હતું, એટલે તેમના વંશજોનું આ પ્રસંગે બહુમાન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે જે મુસલમાન ફકીર ઝુલ્ફકાર અલીએ ઇ.સ. ૧૮૯૦માં કરબલાના કબ્રસ્તાનની પાસે કાકડી ખવડાવી સ્વામી વિવેકાનંદજીની પ્રાણ રક્ષા કરી હતી તેના વંશજોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. ૧૨ થી ૧૬ મે સુધી વિભિન્ન શાળા – કૉલેજોમાં પ્રવચનો, પ્રશ્નોત્તરી, યુવ-સંમેલન, આધ્યાત્મિક શિબિર વગેરેનું આયોજન થયું હતું.

લીંબડી

રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મિશનના, લીંબડી કેન્દ્ર દ્વારા ૧ મેના રોજ સાંજે એક જાહેર સભાનું આયોજન થયું હતું. ‘દરિદ્રનારાયણની સેવા એ પ્રભુ સેવા’ ના ઉદ્દેશથી, ૧૦૦ ગરીબ લોકોને પાંચ-પાંચ કિલો ઘઉં અને એક – એક ચાદર આપવામાં આવ્યાં હતાં.

પોરબંદર

૧ મે ૧૯૯૭ના રોજ રામકૃષ્ણ મિશનના પોરબંદર કેન્દ્ર દ્વારા પોરબંદર શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને રોટરી કલબના સભ્યોની ઉપસ્થિતમાં એક જાહેરસભા યોજાઇ હતી જેમાં સુવિખ્યાત ઇતિહાસકાર શ્રી નરોત્તમ પલાણ, સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી, ખ્યાતનામ પત્રકાર શ્રી ઘનશ્યામભાઇ મહેતા, સુપ્રસિદ્ધ શિક્ષણકાર પ્રા. પી. એમ. જોષી, રોટરી કલબના અગ્રણી શ્રી નાથાલાલ રૈયારેલા વગેરેએ રોચક શૈલીમાં વિભિન્ન વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સભાની અધ્યક્ષતા સ્વામી જિતાત્માનંદજી મહારાજે કરી હતી. વિશાળ સંખ્યામાં શહેરનાં નિમંત્રિત ભાઇ-બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

પંચમહાલ જિલ્લામાં સર્વરોગ નિદાન શિબિર આયોજિત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૯-૫-૯૭ના રોજ પંચમહાલ જિલ્લાના નિમચ ગામમાં એક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૨ ગામોના લગભગ ૧,૫૦૦ ગરીબ ગ્રામજનોની નિઃશુલ્ક ચકિત્સા કરવામાં આવી હતી. વડોદરા અને અન્ય સ્થળના ૩૩ ડૉક્ટરો અને અન્ય ૭૦ સ્વયંસેવકોએ આ માટે જહેમત ઉઠાવી હતી.

મહેસાણા જિલ્લામાં રાહતકાર્ય

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૩૦મી જૂન અને ૧ જુલાઇના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાલક, ઘાઘરેટ, સુશી, વિસનગર-પરા, કુવાસણા અને કંકુપરા અને વિજાપુર તાલુકાના ગોઠવા, કડા અને ગોઠવાપરા ગામના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ૬૪૩ પરિવારોમાં ૫૩૦૨ કિ. અનાજ અને ૭૮૦ મીટર કાપડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં રાહતકાર્ય

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૪મી જુને રાજકોટના પરસાણાનગર, ઇન્દિરાનગર, વેલનાથપરા અને ગાંધીગ્રામ વિસ્તારમાં અતિવૃષ્ટિથી પીડિત લોકોમાં ૮૫૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નેત્રયજ્ઞ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પાસેના અણિયારા ગામમાં ૨૦મી એપ્રિલના રોજ એક નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં ૨૭૫ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી.

રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક સિદ્ધિઓ

રામકૃષ્ણ મિશનની વિવેકાનંદ કૉલેજ, ચેન્નાઇના એક વિદ્યાર્થીએ મદ્રાસ યુનિવર્સિટી દ્વારા એપ્રિલ ‘૯૬માં લેવાયેલ એમ.ઍસસી. (ભૌતિકશાસ્ત્ર)ની પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આજ કૉલેજના ત્રણ શિક્ષકોને તામિલનાડુની કૉલેજોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ‘રામકૃષ્ણ પુરસ્કાર’ પ્રાપ્ત થયેલ છે.

મધ્યપ્રદેશમાં ધરતીકંપ રાહતકાર્ય

મધ્યપ્રદેશમાં જબલપુર પાસેના કુસુમઘાટ અને ગૌરિયાઘાટ ગામોમાં ધરતીકંપથી અસરગ્રસ્ત ગરીબ ખેડૂતોને સહાય કરવા માટે રામકૃષ્ણ મિશન દ્વારા રાહત કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. સંન્યાસીઓની એક ટુકડીને ધોતિયાં, સાડીઓ, બાળકોનાં વસ્ત્રો, ધાબળા વગેરે સામગ્રીઓ સાથે તત્કાલ મોકલવામાં આવી છે. આ પહેલાં તેઓ માટે ભોજન પ્રબંધ પણ કરવામાં આવ્યો હતો. રાહત કાર્ય હજુ ચાલુ છે.

બાંગ્લાદેશમાં વાવાઝોડા – રાહતકાર્ય

રામકૃષ્ણ મિશનના ઢાકા ટેન્દ્ર દ્વારા ચિત્તગોંગ અને કોકસ બઝાર જિલ્લાઓના વાવાઝોડાથી અસરગ્રસ્ત ૯૦૦ પરિવારોમાં નીચેની સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું : ચોખા – ૨,૦૦૦ કિ., દાળ – ૪૦૦ કિ., સાડીઓ – ૫૨૦ નંગ, ધોતિયાં – ૧૯૬ નંગ, વાસણોના સેટ – ૪૦૦ નંગ, વસ્ત્રો – ૨૦૦, ગરમ વસ્ત્રો – ૯૪.

આ સિવાય ૨૦૦ ઘરવિહોણા પરિવારોને પોતાના ઘરો બનાવવા માટે આર્થિક સહાય કરવામાં આવી છે. રાહત કાર્ય હજુ ચાલુ છે.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નેત્રયજ્ઞ આયોજિત

રામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્ર દ્વારા ૧૯ મી જૂન ‘૯૭ના રોજ એક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૨૭ દર્દીઓને દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી. ૧૬ દર્દીઓના આંખનો ઑપરેશન પણ કરવામાં આવ્યાં હતાં.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા અતિવૃષ્ટિ-રાહતકાર્ય

લીંબડી શહેરનાં મફતિયાપરાનાં ૧૨ કુટુંબોને ફૂડ પૅકેટ વિતરણ કરવામાં આવેલ. લીંબડી તાલુકાના અસરગ્રસ્ત ગામોનાં કુલ ૨૭૦ કુટુંબોને પરિવાર દીઠ ૧૦ કિલો ઘઉં, ૨ કિલો ખીચડી, ૨ કિલો બટાટા, એક પછેડી અને સુખડી, લાડુ, ફુલવડીના પૅકેટનું વિતરણ કરવામાં આવેલ છે. બીજા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેનું કામ ચાલુ છે. રાહત કરેલ ગામડાઓમાં ભૃગુપુર, મોજીદડ, ગોખરવાડા, વસ્તડી, ચોકી, પાણશીણા, ખંભલાવ, ભોજપરા, બોરણા, જામડી, ખાંડીયાનો સમાવેશ થાય છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આગામી કાર્યક્રમો

તા. ૧૦૯૭ ગુરુવાર

શ્રી શ્રી દુર્ગાષ્ટમી નિમિત્તે આશ્રમના શ્રીમંદિરમાં સવારે ૭ થી ૧૨ સુધી શ્રી શ્રી દુર્ગામાતાની વિશેષ પૂજા, ભજન, હવન, પ્રસાદ વિતરણ વગેરે.

તા. ૧૧૧૦૯૭ શનિવાર

વિજયા દશમી પ્રસંગે સંધ્યા આરતી પછી શાંતિ જળ

તા. ૩૦૧૦૯૭ ગુરુવાર

શ્રી શ્રી કાલીપૂજા નિમિત્તે રાતના ૯ વાગ્યાથી લગભગ ૨ વાગ્યા સુધી શ્રી શ્રી કાલી માતાની વિશેષ પૂજા, ભજન, હવન, પ્રસાદ વિતરણ વગેરે.

નોંધઃ

દર શનિવારે અને રવિવારે આશ્રમના પ્રાંગણમાં સંધ્યા આરતીના એક કલાક પહેલાં પ્રવચનો આયોજિત થાય છે.

Total Views: 195

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.