• ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના.
  • એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે આસપાસ વાડ કરી લેવી પડે છે. પણ મોટા થઈ જાય, એટલે ઢોરઢાંખર તેને ઈજા પહોંચાડી શકતાં નથી. તે જ રીતે થોડાં વર્ષો ધ્યાન કર્યા પછી મન પાકું થઈ જાય, એટલે તમે ગમે ત્યાં રહી શકો, ગમે તેની સાથે હળીમળી શકો અને તેમ છતાં મન પર તેની અસર થશે નહીં.
  • કંઈ ખુલાસો મેળવવાની મનમાં ઇચ્છા થાય ત્યારે આંખમાં આંસુ સાથે એકાંતમાં ઈશ્વરને જ પ્રાર્થના કરો. તેઓ તમારા મનનો બધો મેલ, બધો શોક ધોઈ નાખશે અને તમને બધું સમજાવી દેશે.
  • હંમેશા વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો. તમારા મનને ખેંચતાં બાહ્ય વિષયો ક્ષણિક છે, તે સમજવાનો પ્રયત્નો કરો, અને ઈશ્વર તરફ તમારું ધ્યાન વાળો.
  • પ્રભુનું કામ કરવાનો સદા પ્રયત્ન કરતા રહો, અને તે સાથે જપ અને ધ્યાન પણ કરતા રહો. જો એવાં કામ કરશો તો મન ખરાબ વિચારોથી ભરાઈ જશે નહીં. કામકાજ વિના એકલા બેઠા રહો તો અનેક વિચારોની ભૂતાવળ ઊઠે અને મનની શાંતિનો ભંગ થાય.
  • આ માનવદેહ મળ્યો છે, એ તમારું સદ્ભાગ્ય છે. બને તેટલી ભગવાનની પ્રાર્થના કરો. ખૂબ મહેનત કરવી જોઈએ. મહેનત કર્યા વિના કંઈ જ મળે એમ નથી. માણસ ગમે તેટલી સાંસરિક પ્રવૃત્તિમાં પડ્યો હોય તો પણ સાધના અને પ્રાર્થના માટે નિયત સમય ફાજલ રાખવો જોઈએ.
  • જપ કરતી વખતે ભગવાનનું નામ સંપૂર્ણ પ્રેમભાવથી, નિષ્કપટતાથી અને શરણાગતિપૂર્વક લેવું. દૈનિક પ્રાર્થના શરૂ કરતાં પહેલાં સંસારમાં તમારી તદૃન અસહાય સ્થિતિનો પ્રથમ વિચાર કરવો અને ધીમે ધીમે તમારા ગુરુએ બતાવ્યા પ્રમાણેની સાધનાની શરૂઆત કરવી.
  • આધ્યાત્મિક સાધનાને લીધે ભૂતકાળનાં કર્મોનાં બંધન કપાઈ જાય છે પરંતુ પ્રેમભક્તિ વિના ઈશ્વરનો સાક્ષાત્કાર થાય નહીં. જપ અને સાધનાનું રહસ્ય તમે જાણો છો? તેનાથી ઇંદ્રિયોની પ્રબળતા દબાઈ જાય છે.
  • બેટા! તપશ્ચર્યા અથવા સેવાપૂજા એ બધું હાલ ને હાલ કરી લો. સમય ગયા પછી શું એ બધું થઈ શકશે? જે કંઈ મેળવવાનું હોય તે તરત જ મેળવી લેવું, આ જ યોગ્ય સમય છે.
  • તમને દર્શન થતાં નથી માટે સાધનાને મોળી પડવા દેવી નહીં. જાળ નાખે કે તરત જ શું માછીમારને દરરોજ મોટી માછલી મળે છે? તેને ખૂબ જ રાહ જોવી પડે છે અને ઘણી વાર તો તેને નિરાશ જ થવું પડે છે.

(માતૃવાણી, દ્વિતીય સંસ્કરણ (૧૯૮૯) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પૃ. ૨૯-૩૧)

Total Views: 206

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.