‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી આ સામયિક માટે નિરંતર પોતાની નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. – સં.

શ્રીરામકૃષ્ણદેવના શ્રીમુખેથી ભાવાવસ્થામાં ઉચ્ચારાયેલા ‘શિવ-જ્ઞાને જીવસેવા’ની સૂત્રાત્મક ગંગોત્રીમાંથી ઉદ્ભવેલી ભાવગંગાના ભગીરથ સ્વામી વિવેકાનંદે એ ભાવગંગાને જે બે મુખ્ય પ્રવાહોમાં વહાવી, તે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનને નામે વિશ્વભરમાં જાણીતી છે. એ બન્નેનું સંયુક્ત નામ ‘રામકૃષ્ણ સંઘ’ કહેવાય છે કારણ કે એ બન્નેનું સત્ત્વ બળ, મુખ્યકેન્દ્ર, સંઘ, રૂપ બધું એક જ છે. ગંગાના વિવિધ પ્રવાહોની પેઠે એ બન્નેમાં સમાન ધ્યેય, શુચિતા, સમાન વ્યાપકતા છે. સમાન કાર્યકરગણ, બન્નેના અધ્યક્ષો વગેરે એક જ છે. આ મુખ્ય દ્વિમુખી પ્રવાહ તો વિવિધ કક્ષાના જનસમાજને આવરી લેવા અને વહીવટી સરળતા માટે જ છે. સાચું પૂછો તો આ ભાવધારામાં ઊડીને આંખે વળગતા આ ઉપર બતાવેલા બે જ પ્રવાહો નથી. સમય જતાં આ ભાવધારાના બીજા અનેક પ્રવાહો પણ પ્રસ્ફુટિત થતા રહ્યા છે અને પેલા બે પ્રવાહોનો પટ પણ વિસ્તૃત બનતો રહ્યો છે. એ બીજા પ્રવાહોમાં મહિલા સંન્યાસિનીઓનો શારદામઠનો સ્વતંત્ર સમાનાન્તર પ્રવાહ, રામકૃષ્ણ સંઘના આદર્શોને વરેલા અને મઠ-મિશન સાથે ન જોડાયેલાં અનૌપચારિક કેન્દ્રો, ગૃહસ્થ ભક્તસમુદાય તેમ જ અન્ય પ્રભાવિત જનસમાજ આદિનો સમાવેશ થાય છે. પરંતુ સમાન વ્યવસ્થાતંત્ર અને એકસૂત્રે એ બધા ગૂંથાયેલા નથી. એટલે એ બધા મળીને ભાવધારા બને છે પણ સંઘ બનતો નથી.

આ સંઘનું ‘શિવજ્ઞાને જીવસેવા’ કરતા રામકૃષ્ણ મિશનનું આ શતાબ્દીવર્ષ છે. હાથપગ, હૈયાં અને હોશ (બુદ્ધિ)ના સમાન્તર સંતુલિત અને ઈષ્ટ વિકાસ દ્વારા ભીતરી દિવ્ય પૂર્ણતાને પ્રકટાવવાના ઉદ્દેશ સાથે કામ ક૨તા આ મિશનની પ્રવૃત્તિઓ આ રીતે ત્રિમુખી છે. હૉસ્પિટલો, દવાખાનાં, અનેક પ્રકારનાં રાહતકાર્યો, વૃદ્ધાશ્રમો, ચિકિત્સાલયો વગેરે હાથપગ દ્વારા – શરીર દ્વારા થતી પ્રવૃત્તિઓ, પરિશ્રમ વગેરે ઈશ્વરપ્રાર્થના અને ઈશ્વરસેવા માનીને કરવામાં આવે છે. તો વળી બીજી બાજુ પરા અને અપરા વિદ્યાના સમન્વિત વિકાસ અર્થે બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. મઠ-મિશનનાં લગભગ ૧૩૭ કેન્દ્રોમાં આ ત્રિમુખી પ્રવૃત્તિઓ એક યા બીજી રીતે ઓછાવત્તા પ્રમાણમાં ચાલુ જ હોય છે. અહીં મિશનની શતાબ્દી પ્રસંગે-મઠ-મિશનનાં કેટલાંક અગ્રગણ્ય કેન્દ્રોની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો આછો ખ્યાલ આપવાનું ધાર્યું છે.

ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર

એ બધાંમાં તરત જ નજરે ચડી જાય એવું કેન્દ્ર કલકત્તાનું શ્રીરામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આદર્શો અને વિચારો અનુસાર પ્રવૃત્ત આ સાંસ્કૃતિક સંસ્થા, શ્રીરામકૃષ્ણની પ્રથમ જન્મશતાબ્દી સમયે ૧૯૩૬માં કલ્પાઈ હતી. અને ૧૯૩૮માં ભાડાના નાનકડા ઓરડામાં શરૂ થઈ હતી. છેલ્લાં વીસ વરસમાં એણે જબરો વિકાસ સાધ્યો. આ સાંસ્કૃતિક સંસ્થા કેવળ ભારતીય સંસ્કૃતિનો જ કે કોઈ ખાસ એક ધર્મનો પ્રચારપ્રસાર જ નહિ પણ સમગ્ર માનવજાતિને મળેલા સમાન વારસારૂપ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરે છે. સૌના પોતીકા વારસાનો આ સુસંવાદી સરવાળો ટૅકનૉલૉજીના આ યુગમાં બધી માનવીય સમસ્યાઓના ઉકેલની ભૂમિકા બાંધી શકશે.

આ ઈન્સ્ટિટ્યુટ આખુંય વરસ પ્રવચનો, શાસ્ત્રીય વર્ગો, સેમિનારો, ગોષ્ઠિઓ, સ્ટડી સર્કલો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેમાં વ્યસ્ત રહે છે. અને આબાલવૃદ્ધ સૌને આધુનિક અને પ્રાચીન જ્ઞાનની લહાણી કરે છે. જૂનિયર વિવેકાનંદ સ્ટડી સર્કલના સભ્યો પ્રતિમાસ ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે. ભારતીય મહાન નરનારીઓના જીવન પર આધારિત પ્રેરક વાર્તાઓ, સ્તોત્રપાઠ, ગીતો એમાં રજૂ થાય છે. બાળકોને શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા કરાય છે. કલાસ્પર્ધામાં ભાગ લેતા કરાય છે. કલાસ્પર્ધા જેવી સ્પર્ધાઓ દર વરસે ગોઠવવામાં આવે છે.

સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે ભાષા અતિ મહત્ત્વનું વાહન હોવાથી ઈન્સ્ટિટ્યુશને એક ‘સ્કૂલ ઑફ લૅન્ગવેજીઝ’ ઊભી કરી છે. એમાં વિદેશની નવ અને ભારતની ચાર મળીને તેર ભાષાઓ શીખવવાની સવલત છે. એમાં દર વરસે બન્ને સત્રોમાં આઠ હજાર વિદ્યાર્થીઓ લાભ લે છે. અરબી, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, જાપાનીસ, પર્શિયન, રશિયન, ચાઈનીઝ અને સ્પેનિશ એ વિદેશીભાષાઓ અને હિન્દી, બંગાળી, સંસ્કૃત અને ઉર્દૂ એ ભારતની ભાષાઓ છે.

સંસ્કૃતિ પ્રચાર-પ્રસારના ઈન્સ્ટિટ્યુટના મુખ્ય લક્ષ્ય તરફ આગળ વધવા ઈન્સ્ટિટ્યુટ સાથે જોડાયેલ આશરે પોણા બે લાખ કરતાં વધારે પુસ્તકો ધરાવતું, નિઃશુલ્ક વાચનાલય સાથેનું એક મોટું પુસ્તકાલય પણ છે. પુસ્તકોમાં વિશેષતઃ માનવજાતિને અને સમાજવિજ્ઞાનને લગતાં પુસ્તકો અને વિશિષ્ટ સામયિકોની બાંધેલી બારમાસી ફાઈલોનો સમાવેશ થાય છે. બાળકો માટે બે અલગ પુસ્તકાલયો પણ છે.

સંસ્થા પાસે એક આંતરરાષ્ટ્રીય ભવન (International House) પણ છે. એમાં સંસ્થાના અતિથિઓ, વિદ્વાનો અને વિદ્યાર્થીઓ, દેશવિદેશના સંશોધકોને રહેવાની સગવડ છે. આનાથી વિવિધ માનસિક અને સાંસ્કૃતિક સ્તરો અને ભૂમિકાઓ ધરાવતાં નરનારીઓ વચ્ચે ઐક્ય સાધવામાં સહાય મળી શકે છે.

કલકત્તા, જાદવપુર અને બર્દવાનનાં વિશ્વવિદ્યાલયોએ તેમ જ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ સોશ્યલ સાયંસ રિસર્ચ, ઈન્ડિયન નેશનલ સાયંસ ઍકૅડમી અને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ ફિલૉસૉફિકલ રિસર્ચ જેવી પ્રબુદ્ધ સંસ્થાઓએ આ ઈન્સ્ટિટ્યુટને અધ્યયનના અને સંશોધનના કેન્દ્ર તરીકેની માન્યતા આપી છે. વિદ્વાનો અહીં માર્ગદર્શન પામીને ડૉક્ટરેટની પદવી પણ મેળવી શકે છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાને આ ઈન્સ્ટિટ્યુટને સંશોધન કેન્દ્ર તરીકે માન્યતા આપીને સંસ્કૃતમાં સંશોધન કરનારા વિદ્વાનોને શિષ્યવૃત્તિ આપવા માટે અનુદાનનું આયોજન કર્યું છે. માનવ સંસાધન વિકાસ ખાતાના સાંસ્કૃતિક વિભાગે બે શાસ્ત્ર ચૂડામણિ વિદ્વાનોને અઢી વરસના ગાળામાં તેમના વિશિષ્ટ ક્ષેત્રમાં સંશોધન કરવા માટે રાખ્યા છે. ભારતીય વિદ્યા જેવાં સંશોધનોનું આયોજન ઈન્સ્ટિટ્યુટ પોતે પણ સ્વતંત્ર રીતે હાથમાં લે છે. ભારતીય વિદ્યાઓના અધ્યયન માટે એક માહિતી બૅન્ક ભારતમાં અને બીજા દેશોમાં રચવાની સંસ્થા પાસે એક યોજના છે.

જનહિતાર્થે રામકૃષ્ણ ભાવધારાનું ઊંડું અધ્યયન જરૂરી સમજીને ઈન્સ્ટિટ્યુટે દસ હજાર કે તેથી વધારે રૂપિયાનો એક ‘વિવેકાનંદ ઍવૉર્ડ’ નામનું પારિતોષિક શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ચાર સુવિખ્યાત વિદ્વાનોને એ એનાયત થયું છે.

સંસ્થાની બધી જ પ્રવૃત્તિઓ આમ તો માનવીય મૂલ્યો તરફ અભિમુખી રહી છે, છતાં યુવાનોને ભારતમાં પ્રાચીન વારસાનો ખ્યાલ આપીને એની પ્રસ્તુતતાના કાર્યક્રમો પણ સંસ્થા પાસે છે. પંદર વરસના અને ત્રીસ વરસના યુવાનો માટે એમ બે સ્ટડી સર્કલ ચાલે છે. આ અભ્યાસ વર્તુળોમાં યુવવર્ગ ચર્ચા વગેરે દ્વારા ભારતીય પ્રાચીન આદર્શો અને અર્વાચીન વિજ્ઞાનનું જ્ઞાન મેળવીને સજ્જતા કેળવે છે.

જનસમાજને સંસ્કૃતિનાં બધાં પાસાંનો ખ્યાલ આપવા ઈન્સ્ટિટ્યુટ એક બુલેટિન માસિક પ્રકાશિત કરે છે. આઠ ભાગોમાં યોજેલ (Cultural Heritage of India) ના છ ભાગો પ્રકાશિત થઈ ચૂક્યા છે. એ આપણી સંસ્કૃતના સંગૃહિત સર્વજ્ઞાનના વિશ્વકોશની ગરજ સારે છે. બીજાં પણ સંશોધનાત્મક પ્રકાશનો સંસ્થાએ કર્યાં છે.

જનસમાજ, વિશેષતઃ વિદેશી વિદ્વાનોને ભારતીય કલાની ઝાંખી કરાવવા માટે સંસ્થા પાસે એક મ્યુઝિયમ અને – આર્ટગૅલૅરી પણ છે. ચિત્ર, શિલ્પ, લોકકલા, સ્ક્રોલ પેઇન્ટિંગ અને MSSના પાંચ વિભાગમાં વહેંચાયેલ આ ગૅલૅરીની નજીકમાં ફાઈન આર્ટ સ્કુલ છે. પુસ્તકાલયના બાળ અને તરુણ સભ્યો એનો લાભ લે છે.

સંસ્થાના સાર્વજનિક પ્રાર્થનાખંડમાં રોકટોક વગર સૌ કોઈ પોતાના ઈષ્ટદેવની પ્રાર્થના અને ધ્યાન કરી શકે છે. પાસેના ઠાકુરમંદિરમાં દરરોજ સંધ્યા આરતી થાય છે.

માનવમાનવની એકતા અને વૈશ્વિક સંસ્કૃતિની સમૃદ્ધિ તેમ જ સંસ્કૃતિઓની પરસ્પર સ્વાગતવૃત્તિ અને સમજણના પ્રયાસો મઠ-મિશનનાં બધાં જ કેન્દ્રો એક યા બીજી રીતે કરી રહ્યાં છે. અન્યના દૃષ્ટિકોણને સમજવો, આવકારવો અને એનો સંવાદ સાધવો અને યથાશક્ય એને સ્વીકારવો અને આમ પોતાને વધુ સમૃદ્ધ બનાવતા રહેવું એ મઠ – મિશનની પ્રવૃત્તિઓની ગુરુચાવી છે અને કલકત્તાનું આ રામકૃષ્ણ મિશન કલ્ચરલ ઈન્સ્ટિટ્યુટ એનો સુંદર નમૂનો છે.

જેવી રીતે શૈક્ષણિક સંસ્થાઓ, વર્ગો, સેમિનારો, ગોષ્ઠિઓ, અભ્યાસવર્તુળો, વિવિધ પ્રતિયોગિતાઓ (ગીત, પાઠ, કહાની, વક્તૃત્વ, ચિત્ર આદિ), સંશોધનકાર્ય, ભાષાવર્ગ, પુસ્તકાલય, વાચનાલય, આંતરરાષ્ટ્રીય સહવાસ, પ્રોત્સાહક પારિતોષિકો, પુસ્તક પ્રકાશન, પ્રદર્શનો, આર્ટગૅલૅરીઓ, મ્યુઝિયમો વગેરે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મઠ-મિશનના દરેક દરેકે કેન્દ્રમાં ઓછીવત્તી અનુકૂળતા પ્રમાણે ચાલુ જ છે તેવી જ રીતે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ એની સમાન્તરે ચાલુ જ હોય છે. અનુકૂળતા – સંજોગ – સગવડ આદિને કારણે એ ઓછીવત્તી હોઈ શકે, એ જુદી વાત છે.

આ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં મઠ-મિશનના દરેક કેન્દ્રમાં આવેલા શ્રીરામકૃષ્ણદેવના મંદિરની દરરોજની મંગલ આરતી, સાન્ધ્ય આરતી, ખાસ તહેવારોએ થતી વિશેષ પૂજાઓ, દર એકાદશીએ થતું રામનામ સંકીર્તન, આરતી (સાંધ્ય) પછીના ભજનો, ઠાકુર-મા-સ્વામીજી અને અન્ય અંતરંગ શિષ્યોની જન્મજયંતીઓની ઉજવણીઓ, વરિષ્ઠ સંન્યાસીઓ અને અન્ય મહાનુભાવોની મુલાકાતો, પ્રવચનો, ગોષ્ઠિઓ, શિબિરો, યુવસંમેલનો વગેરેનો સમાવેશ થાય છે.

સાધારણ રીતે મિશનના કેન્દ્રમાં જનસેવા-રાહતકાર્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને મઠનાં કેન્દ્રોમાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓની પ્રધાનતા અપેક્ષિત હોઈ શકે પણ મઠ-મિશનનાં કેન્દ્રો સમાન્તરે બન્ને જાતની પ્રવૃત્તિઓ ચલાવે છે. એમને મન મઠ-મિશન વચ્ચે કશો વેરો વંચો નથી. ભારતનાં અને વિદેશનાં કેન્દ્રોમાં – બધામાં આ બન્ને જાતની પ્રવૃત્તિઓની સમાનતા – એક યા બીજી રીતે જોવા મળશે. પશ્ચિમનાં કેન્દ્રોમાં અધ્યાત્મપ્રધાનતાનું વધારે જોર કદાચ હશે.

બહુભાષી ભારતવર્ષમાં રામકૃષ્ણ-વિવેકાનંદની ભાવધારાનો સુચારુ પ્રચાર-પ્રસાર થાય એ માટે ભારતના જુદા જુદા અનેકભાષી વિસ્તારમાં આવેલાં મઠ મિશનનાં કેન્દ્રો વિવિધ ભાષામાં એવાં પુસ્તકોનું પ્રકાશન કરે છે. માયાવતીનાં અંગ્રેજી, કલકત્તાનાં અંગ્રેજી-બંગાળી, મદ્રાસનાં અંગ્રેજી, તામીલ અને તેલુગુ, નાગપુરનાં મરાઠી-હિન્દી, ઉદ્‌બોધનનાં બંગાળી, ત્રિચૂરનાં મલયાલમ, રાજકોટના ગૂજરાતી અને ભુવનેશ્વરનાં ઉડિયા ભાષાનાં પ્રકાશનોએ ભારત આખાને તેમ જ વિદેશોને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાથી પરિપ્લાવિત કરી દીધા છે. ‘પ્રબુદ્ધ ભારત’, વેદાન્ત કેસરી’ ‘કલ્ચરલ, બુલેટીન’ ‘ઉદ્‌બોધન’, ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ જેવાં અનેક સામયિકો પત્ર-પત્રિકાઓ પણ આ વિષયમાં પોતાનું અવિરત યોગદાન આપતાં રહે છે.

શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નાઇ

જેમ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં કલકત્તાનું રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર મોખરે છે, તેવી રીતે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં બેલુર મઠને છોડીને મદ્રાસ (ચેન્નાઈ)નો રામકૃષ્ણ મઠ મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યાં પૂર્વોક્ત બધી જ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સતત ચાલુ રહે છે. તદુપરાંત જપ – તપ – ધ્યાનાદિ પણ વ્યક્તિગત રીતે સારી રીતે થાય તેવું વાતાવરણ ત્યાંનું છે. સ્વામી વિવેકાનંદના પ્રેર્યા સ્વામી રામકૃષ્ણાનંદે ૧૮૯૭માં માર્ચમાં મદ્રાસ આવીને પહેલાં ભાડાના ઓરડામાં મઠ શરૂ કર્યો હતો. પછી ૧૯૦૭માં આઈસ હાઉસમાં અને ત્યાર પછી આજના સ્થાને ઠાકુરમંદિરની સામેની જગ્યામાં કાર્યરત રહ્યો હતો. આ પ્લૉટ શ્રી કે.કોન્ડિયાહ ચેટિયાર નામના એક નિષ્ઠાવાન ભક્તે ભેટ આપ્યો હતો. પછી એની બાજુના પ્લૉટૉ પણ હસ્તગત કરવામાં આવ્યા. મઠને વિકસાવવામાં સ્વામી રામકૃષ્ણાનંદે ૧૩ વરસ સુધી જબરો પુરુષાર્થ કર્યો હતો. શ્રીરામકૃષ્ણનાં લીલાસહચરી શ્રી શ્રીમા શારદાદેવીને તેમજ સ્વામી બ્રહ્માનંદ, પ્રેમાનંદ, શિવાનંદ, અભેદાનંદ અને વિજ્ઞાનાનંદ જેવા અંતરંગ શિષ્યોએ મુલાકાત લઈને આ મઠને પાવન કર્યો હતો.

આ મઠનો પ્રકાશન વિભાગ આપણું તરત ધ્યાન ખેંચે છે. સ્વામી રામકૃષ્ણાનંદે જ શરૂ કરેલ આ વિભાગ આજે તો એક વટવૃક્ષ સમો બની ચૂક્યો છે. અને પોતાનો ઑફસૅટ પ્રેસ અને કૉમ્પ્યુટરો તેમજ લૅસર પ્રિન્ટર પણ છે. આ વિભાગ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં તેમ જ વેદાન્ત સાહિત્યનાં પુસ્તકો પ્રકાશિત કરે છે. સંસ્કૃત, અંગ્રેજી, તામીલ, તેલુગુ ભાષામાં પ્રકાશિત થયેલાં આવાં પ્રકાશનોની સંખ્યા છસોથી પણ ઉપર થવા જાય છે. એમાં યોગ, વેદાન્ત ગ્રંથો, ઉપનિષદો, ગીતા, સ્તોત્રો, ધ્યાન, શાસ્ત્રીય ગ્રન્થો, શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ વગેરે વિષયોના ગ્રંથો પ્રકાશિત કરવામાં આવે છે.

તદુપરાંત આ વિભાગ ત્રણ માસિક પત્રો પણ પ્રકાશિત કરે છે. અંગ્રેજીમાં ‘વેદાન્ત કેસરી’, તામીલમાં ‘શ્રીરામકૃષ્ણ વિજયમ્’ અને તેલુગુમાં ‘શ્રીરામકૃષ્ણ પ્રભા’ દર માસે પ્રગટ થાય છે. ‘વેદાન્ત કેસરી’નો ફેલાવો ‘પ્રબુદ્ધ ભારત’ જેટલો છે. પોતાનાં પ્રકાશનોના ‘શો રૂમ’ પણ રાખવામાં આવ્યા છે. તેમાંનો એક મઠમાં, બીજો ઈગ્મોરમાં અને ત્રીજો સૅન્ટ્રલ રેલવે સ્ટેશનમાં રાખવામાં આવેલ છે.

તત્ત્વજ્ઞાન, ધર્મ, રહસ્યવાદ, ભાષાવિજ્ઞાન, કથા સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, મનોવિજ્ઞાન વગેરે અનેક વિષયોનાં અને અંગ્રેજી, તામીલ, તેલુગુ, મલયાલમ, સંસ્કૃત, હિન્દી, કન્નડ અને બંગાળી ભાષામાં લખાયેલાં અઠ્યાવીસ હજાર પુસ્તકો અને ૨૬૫ સામયિકો ધરાવતું વિશાળ પુસ્તકાલય અને વાચનાલય પણ આકર્ષણનો અન્ય વિષય છે. આ પુસ્તકાલયને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું છેઃ સામાન્ય વિભાગ, બાલ વિભાગ, વાચનાલય, કૅસૅટ્સ અને બુક બૅન્ક.

આ ઉપરાંત મઠ ૭૧૮ વિદ્યાર્થીઓવાળી એક પ્રાથમિક શાળા અને ૭૬૯ વિદ્યાર્થીઓ ધરાવતી એક ગર્લ્સ હાઈસ્કૂલનું પણ સંચાલન કરે છે. આ બન્ને સંસ્થાઓ સ્વામી રામકૃષ્ણાનંદે પોતે સ્થાપેલી પૂર્વ પ્રાથમિક શાળાના બીજમાંથી ઉદ્ભવી છે અને તે ગરીબ બાળકોને શિક્ષણ પૂરું પાડે છે.

મઠના વિવેકાનંદ હૉલમાં એક બાલમંદિર પણ ચાલે છે. વાર્તાકથન, ભજનો, યૌગિક કસરતો, વક્તૃત્વ, ચિત્રકળા, સંગીત આદિ દ્વારા ૮ થી ૧૨ વરસનાં બાળકોની સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરીને તેમનામાં સ્થાયી મૂલ્યો, તેમ જ આપણો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો દૃઢ કરવાના કાર્યક્રમો થાય છે.

માધ્યમિક શિક્ષણ પૂરું કરી ચૂકેલા અને આધ્યાત્મિક જીવન તેમ જ માનવતાની સેવામાં રસ લેનારા તરુણોનું એક સંગઠન વિવેકાનંદ યુથ ફોરમના નામે અહીં ચાલે છે. તેઓ સપ્તાહમાં એક વાર મળીને સામાજિક સમસ્યાઓ ચર્ચે છે, પ્રવચનો સાંભળે છે, અને પોતાના આંતરિક ઘડતર માટે સ્પષ્ટ વિચારો મેળવે છે. તેમ જ અન્ય માટે પ્રેરક થવાનું માર્ગદર્શન મેળવે છે. આ ઉપરાંત ૧૦ + ૨ કક્ષાના ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવા નિઃશૂલ્ક ટ્યુશન વર્ગો પણ મઠ ચલાવે છે. બે સ્થળે આવા વર્ગો યોજાય છે.

હાલમાં એક હજાર ભક્તો સમાય અને ધ્યાન વગેરે કરી શકે તેવડું વિશાળ શ્રીરામકૃષ્ણ મંદિર ઊભું થઈ રહ્યું છે. દવાખાનું, ગ્રામજનો માટેનું હરતું – ફરતું દવાખાનું વગેરે જનહિતનાં કાર્યો તો રાબેતા મુજબ ચાલુ જ છે.

શ્રીરામકૃષ્ણ સંઘના મિશન વિભાગના એક મુખ્ય કેન્દ્ર અને મઠ વિભાગના એક મુખ્ય કેન્દ્રના ઉપર્યુક્ત વિહંગાવલોકનથી એક વાત સ્પષ્ટ થાય છે કે મિશન પાસેથી પ્રધાનતયા અપેક્ષિત ‘બહુજનહિતાય’ની પ્રવૃત્તિઓ ‘આત્મનો મોક્ષાર્થં’ની પ્રવૃત્તિઓ સાથે પણ અભિન્ન રીતે વણાયેલી છે. એટલે જનસેવા અને સંસ્કાર સિંચનની પ્રવૃત્તિઓ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે તાણાવાણાની પેઠે જોડાયેલી છે. મઠ સ્થાપનાના પૂર્વ ગોળાર્ધ સાથે મિશન સ્થાપનાનો ઉત્તર ગોળાર્ધ જોડાઈને એક પૂર્ણ વર્તુળ-એક અખંડ જીવન બને છે. મિશનની શતાબ્દી એટલે એવા અખંડ જીવનની વિભાવનાની શતાબ્દી, આપણે આ આખાય જીવન વર્તુળને – અખંડ જીવનને જાણીએ, જીવીએ, ભોગવીએ અને આ ઉજવણીને ઊજળી બનાવીએ! આપણે સૌ એ અખંડ જીવનના ઉપાસક બનીએ!

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.