મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ‘ઉત્સવપ્રિયા હિ માનવા:’ – માણસોને ઉત્સવ ગમે છે. ધર્મ, વ્રતો, પુરાણકથા, ઋતુઓ, રાષ્ટ્ર-સમાજના મહાપુરુષોની જયંતીઓ, ઘરમાં કોઈની વર્ષગાંઠ કે એવું એવું કંઈક- કંઈકને નિમિત્ત બનાવીને પણ માણસો આનંદોત્સવ માણ્યા જ કરે છે. ભારતના લોકો પણ એમાં અપવાદ નથી.

આમ તો હિંદુઓમાં તહેવારની હારમાળા છેક અષાડ વદિ અમાસ-દીવાસાથી શરૂ થઈ જાય છે. થોડા અંતરે રહી રહીને તહેવારો આવતા જાય છે. એટલે જ તો દીવાસાને  ‘સો પર્વનો માસો’ કહેવામાં આવે છે. તહેવારોની અવિચ્છિન્ન ધારા તો આસો માસની જ વિશિષ્ટતા છે ! એની શરૂઆત નવરાત્રી અને વિજયાદશમી મળીને દસ દિવસોના એક મોટા તહેવાર ગુચ્છથી થાય છે. એ જ માસમાં બીજો એનાથી પણ વધારે અગત્યનો તેમજ વધારે વ્યાપક, પ્રભાવક પર્વગુચ્છ દીપાવલીનો પર્વગુચ્છ છે. આ વિવિધલક્ષી પર્વગુચ્છ સમગ્ર ભારતમાં મોટા સમૂહમાં એક યા બીજા પ્રકારે અત્યંત આનંદોલ્લાસથી મનાવવામાં આવે છે.

આ ઉત્સવમાળા આસો વદિ તેરસથી આરંભાઈને કારતક સુદિ બીજ સુધી એટલે કે પાંચ-છ દિવસ સળંગ ચાલે છે. આ બધા જ દિવસોને પોતપોતાનું મહત્ત્વ છે. આ પર્વગુચ્છની અસર તો એટલી વ્યાપક અને તીવ્ર છે કે એનો કેફ ઠેઠ લાભપાંચમ-કારતક સુદિ પાંચમ, ગોપાષ્ટમી-કારતક સુદિ આઠમ અને છેક કાર્તિકી પૂર્ણિમા સુધી લોકોના મનમાંથી દૂર થતો નથી !

આસો વદિ તેરસ આ પર્વમાલિકાનો પ્રથમ દિવસ છે. ભારતના કેટલાક વિસ્તારો, ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્ર જેવા વિભાગોમાં આ દિવસથી દીપાવલીના પર્વગુચ્છનો પ્રારંભ થાય છે, આ દિવસ ધનતેરસના  નામથી પણ ઓળખાય છે. આ દિવસ દેવોના વૈદ્ય ધન્વંતરીનો જન્મદિવસ મનાય છે. ધન્વંતરીને વિષ્ણુનો અવતાર ગણવામાં આવે છે. તેઓ દુગ્ધસાગરમાંથી અમૃતકુંભ લઈ આવ્યા હતા. એ અમૃત પીઈને દેવો અમર બની ગયા હતા. એટલે એની માનભરી સ્મૃતિમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને મૃત્યુને તરી જવાની ભાવના કરવામાં આવે છે. મૃત્યુ તો દરેક માટે અનિવાર્ય છે એટલે આ ભાવના અકાળ કે આકસ્મિક રીતે થતા મોતથી બચવા કરવામાં આવે છે. સાથે ને સાથે સ્વાસ્થ્ય અને લાંબા જીવનની અભીપ્સા સેવવામાં આવે છે. એ માટે યમરાજ-મૃત્યુના દેવના સહકારની આવશ્યકતા હોવાથી તેના માનમાં રાત્રે ઘરના આંગણામાં દીપમાળા પ્રગટાવવામાં આવે છે, જેથી પ્રસન્ન થઈને યમરાજ એવા ઘરમાં આવે નહીં અને એના નિર્દય દૂતોને એ ઘરમાં મોકલે નહીં.

આ દિવસની ઉજવણીની ખાસિયત દિવસ દરમિયાન ઉપવાસ અને રાત્રે મિષ્ટાન્નની મહેફિલ છે. ત્યારે રોશની પણ કરવામાં આવે છે. પરિવારના પ્રત્યેક સભ્યને નવું વાસણ ખરીદીને પ્રાર્થના સ્થળે મૂકવાની સલાહ અપાય છે. પછી એ વાસણ દીવાળીના દિવસોમાં ઉપયોગમાં લેવાય છે. દિવસે ઘર એકદમ સ્વચ્છ અને ધોળાયેલું રખાય છે, વાસણકૂસણ સાફસૂથરાં રખાય છે. ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં આ દિવસને ધનતેરસ કહેવાય છે, જો કે ઉજવણીમાં થોડી પ્રાદેશિક ભિન્નતા જોવા મળે છે.

આ પર્વગુચ્છનો બીજો દિવસ એટલે એ પછીનો આસો વદિ ચૌદશનો દિવસ. એને ‘નરક ચતુર્દશી’ કહે છે. મૂળ તો નરકમાંથી બચવા માટેનો આ ઉત્સવ હતો. એ બચાવ માટે યમને પ્રસન્ન કરવામાં આવતા. પણ પાછળથી શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો એટલે આ તહેવાર એની સાથે જોડાઈ ગયો અને એની યાદમાં આ ઉત્સવ મનાવા લાગ્યો. આ નરકાસુર પ્રાગ્જ્યોતિષ્પુર (આજનું આસામ)નો રાજા હતો. આ દિવસે દરેકને સવારે તેલમર્દન, સ્નાન, પોતાના પાપનો નાશ કરવા માટેની પ્રાર્થના, તલમિશ્રિત જળથી પિતૃતર્પણ વગેરે કાર્યો કરવાનું કહેવામાં આવ્યું છે. યમને તર્પણ કરાય છે અને દીપ પ્રગટાવાય છે. ત્યાર પછી બધા જ પરિવારજનો ભાતભાતનાં શાકભાજી અને મીઠાઈઓની મજા માણે છે. ઘરને દીવડાઓથી ઝળહળતું કરવામાં આવે છે. દીવાળીનો ખરો માહોલ તો તે રાતથી આરંભાય છે. મંદિરો અને જાહેર સ્થળોએ રોશની કરવામાં  આવે છે, રંગોળી પુરાય છે, આકાશને ભરી દેતી આતશબાજીઓ થાય છે. ભાવુકતા અને ઉલ્લાસથી સમગ્ર વાતાવરણ ભરાઈ જાય છે. કેટલાંક ધાર્મિક પુસ્તકોમાં એવું લખ્યું છે કે તે દિવસે દિવસ દરમિયાન ઉપવાસ કરવો અને રાત્રે જ જમવું !

ત્યાર પછીનો દિવસ એટલે અમાસ ! આખા વરસની સૌથી વધારે અંધારી રાત ! તે દિવસે તૈલસ્નાન, સમૃદ્ધિની દેવી લક્ષ્મીનું પૂજન, પિતૃતર્પણ, બ્રહ્મભોજન, દીપમાળા, રોશની, આતશબાજી અને ચૌદશના જેવાં બધાં કાર્યો કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. આ પર્વગુચ્છનો પ્રધાન તહેવાર છે. આ લક્ષ્મીને સમર્પિત દિવસ છે. એટલા માટે રખેને કદાચ એની શત્રુ અલક્ષ્મી, અમાંગલ્ય, ઘરમાં ઘૂસી જાય એવા અંદેશાથી બધી સ્ત્રીઓને જોરજોરથી નગારાં વગાડી, બૂમો પાડી અલક્ષ્મીને ભગાડી મૂકવાનું કહેવામાં આવે છે. ગુજરાતમાં કકળાટ કાઢવાનો રિવાજ આના બદલામાં વિદ્યમાન છે.

બંગાળમાં આ દિવસે કાલીપૂજા થાય છે. ત્યાં લક્ષ્મીને બદલે કાલીની માટીની મૂર્તિ પુજાય છે. આખી રાત પૂજા ચાલે છે. એટલે અમાવસ્યાને એ લોકો ‘કાલીપૂજા’ કહે છે. ભારતના બીજા ભાગોમાં આ દિવસને ‘વ્યાપારી દિન’ કહેવામાં આવે છે અને તે દિવસે લક્ષ્મીપૂજન અને ચોપડાપૂજન થાય છે, તે વખતે નવા ચોપડાનો પ્રારંભ થાય છે. સ્નેહી, મિત્રો, વેપારીઓને નિમંત્રણ અપાય છે અને તે બધાને પાનસોપારી અને મીઠાઈઓ પીરસાય છે.

હવે ત્યાર પછીનો દિવસ કારતક સુદિ એકમનો આવે છે. ગુજરાત અને બીજા એવા થોડા પ્રદેશોમાં આજથી વિક્રમ સંવતના નવા વરસનો આરંભ થાય છે. તે દિવસે ગુજરાતના લોકો એકબીજાને હળેમળે છે, નવા વરસના અભિનંદન પાઠવે છે, નાનાઓ વડીલોને પ્રણામ કરે છે, વડીલો એમને ભેટસોગાદો આપે છે. પરિવારજનો મંદિરે દર્શન કરવા જાય છે. તે દિવસનું સવારનું વાતાવરણ કિલ્લોલમય હોય છે.

જે પ્રદેશોમાં નવું વરસ ચૈત્ર માસથી શરૂ થાય છે, ત્યાં આ દિવસ ‘બલિપ્રતિપદા’ તરીકે ઉજવાય છે. હિન્દુ કેલેન્ડરમાં આ દિવસને ઘણો જ મંગલકારી માનવામાં આવ્યો છે. અલબત્ત, ત્રણ દિવસોમાં ક્યા દિવસને સૌથી વધુ મંગલકારી માનવો તે બાબતમાં મતભેદ છે ખરો! વિષ્ણુના વામનાવતારે અસુરરાજ બલિને જીતીને પાતાળે ચાંપ્યો એ બલિરાજાની પૂજા કોઈ રાજા કરે, રાત જાગરણ કરે, ધાર્મિક નાટ્ય-ગીતો થાય એમ આ દિવસ ઉજવાતો. એમ મનાતું કે એથી રાજા-પ્રજાને મોટું ફળ મળે ! જો કે હવે તો રાજા રહ્યા નથી, પણ એ દિવસની માંગલિકતા હજુ ચાલુ છે.

દીવાળીના ઉત્સવના આ ત્રણેય દિવસોમાં આકાશ આતશબાજી-ફટાકડાથી ગાજી ઊઠે છે. આખાયે ભારતવર્ષમાં આ દિવસોમાં આ આતશબાજી અને ફટાકડાના ભયંકર ધડાકાઓ તો સામાન્ય જ છે. એ સ્પષ્ટ રીતે સૂચવી જાય છે કે આ ધડાકાઓ કંઈ ફક્ત મોજમજા માટેના જ નથી, પણ નરકાસુર જેવા રાક્ષસી વ્યક્તિત્વને ખતમ કરી દેવાની અભિવ્યક્તિઓ છે !

આ ‘બલિપ્રતિપ્રદા’ ને ‘દ્યુતપ્રતિપ્રદા’ પણ કહેવામાં આવે છે. દ્યુત એટલે જુગારી. બ્રહ્મપુરાણમાં એક બેઢંગી ચસકેલ મગજવાળી વાત લખી છે. એમાં જાણે કે જુગારની પ્રેરણા આપી છે ! કથા આવે છે કે એકવાર પાર્વતીએ શંકરને જુગારમાં હરાવ્યા ! પાર્વતી ખુશ અને શંકર ઉદાસ થયા! (ઇલોરાના શિલ્પમાં આ કોતરાયું છે.) એટલે આ દિવસે જુગારમાં જીતનાર આખું વરસ જીતે છે, એવું મનાયું ! એ જીતવાની લાલચે લોકોને તે દિવસે જુગાર રમવાની ભૂંડી પ્રેરણા મળી ! સંભવ છે કે આ કથા લખનારનો હેતુ જુગારની બદીમાંથી લોકોને રોકવાનો હોય ! પણ માનવસહજ દુર્બળતાનું શું કરવું ?

આ દિવસે કેટલીક અન્ય પ્રકારની ઉજવણીઓ પણ થાય છે : ગોવર્ધન પૂજા, ગૌવંશ પૂજા, પરિવારમાં સ્ત્રીઓ દ્વારા થતી પુરુષોની પૂજા વગેરે જુદા જુદા પ્રદેશોમાં થતી ઉજવણીનાં ઉદાહરણો છે. આ ગોવર્ધન પૂજાનું રૂપાન્તર જ પછીથી ‘અન્નકૂટ’માં થયું છે. મુખ્યપણે આ ઉપરની ઉત્સવ રીતિઓ વ્રજપ્રદેશની છે.

તો વળી કેટલાક પ્રદેશોમાં આ દિવસે રસ્તાઓનું રક્ષણ કરવામાં આવે છે. એમાં બપોરે દાભથી બનાવેલા દોરડાનો એક છેડો વાંસ અને બીજો છેડો ઝાડ સાથે બાંધવામાં આવે છે. એની સામે રાજા-બ્રાહ્મણો અને બધા લોકો માથું નમાવે છે. આમ ગામને સુરક્ષિત રાખવાની માર્ગદેવતાને પ્રાર્થના કરવામાં આવે છે.

આ રીતે આ કારતકનો સુદિ પડવો ભારતના જુદા જુદા ભાગોમાં જુદી જુદી રીતે મનાવાય છે.

અને હવે છેલ્લે આવે છે કારતક સુદિ બીજ- ભાઈબીજનો તહેવાર! એને ‘યમદ્વિતીયા’ કે ‘ભર્તૃદ્વિતીયા’ પણ કહેવામાં આવે છે. પુરાણકથા પ્રમાણે મૃત્યુ અને નરકના અધિષ્ઠાતા યમરાજ અને સરિતા યમુનાદેવી એ બન્ને ભાઈ-બહેન હતાં. તે દિવસે-કારતક સુદિ બીજે- બહેન યમુનાએ ભાઈ યમરાજને પોતાને ઘેર જમવાનું નિમંત્રણ આપ્યું હતું ત્યારથી એની સ્મૃતિમાં આ દિવસ ભાઈબહેનના તહેવાર તરીકે ઉજવવાનું શરૂ થયું. તે દિવસે બહેનો પોતાના ભાઈને પોતાને ઘેર જમવા નોતરે છે અને પેટ ભરીને જમાડે છે. ભાઈઓ પણ બહેનોને ભેટસોગાદો આપે છે કારણકે વિવાહ થયા પછી તો બહેનો પોતાનું પિતૃગૃહ છોડીને ભાઈથી અલગ પતિગૃહે જ વસતી હોય છે. ઘણી વાર તો એટલી બધી દૂર રહેતી હોય છે કે આખા વરસમાં કયારેય ભાઈને મળી શકી પણ ન હોય ! એટલે આ તહેવાર ભાઈબહેનના મિલનની અતિઆવશ્યક તક પૂરી પાડે છે. કેટલીક વખત આ દિવસે બહેનો યમરાજને પ્રાર્થના કરી પોતાના ભાઈનું લાંબું આયુષ્ય માગે છે. યમુના નદીને કિનારે રહેતા લોકો આ દિવસે યમુનાસ્નાન કરવાનું ચૂકતા નથી. યમુના નદીના કિનારાના કેટલાક ભાગોમાં આ દિવસે મેળો ભરાય છે.

આપણે જોયું કે આ પર્વગુચ્છ આપણા દેશના જુદા જુદા વિભાગમાં જુદી જુદી અનેક વિભાવનાઓ સાથે દેશકાળની વિભિન્નતાને કારણે ભાતભાતની રીતે ઉજવવામાં આવે છે. એ પણ જોયું કે એમાંની કેટલીક વિભાવનાઓ તો જાણે ગાડરિયા પ્રવાહ જેવી- અંધ પરંપરા થઈ જવાથી એ કેટલાક તહેવારોનું સત્ત્વ હણાઈ ગયું છે. એવા કેટલાક તહેવારો જાણે કે સાપ ગયા ને લિસોટા રહ્યા જેવા મૃતવત્ બની ગયા છે ! અલબત્ત, ઘણા તહેવારો હજુ જીવતા જ છે.

અહીં આપણી સૌથી મોટી ફરજ એ તહેવારોને પુનર્જિવિત કરવાની બની રહે છે કારણ કે તહેવારોનું અસ્તિત્વ જ સંસ્કૃતિને અનિવાર્ય રીતે જીવંત રાખે છે. તહેવારો જ સંસ્કૃતિની સંજીવની છે, તહેવારો જ એને ગતિ અને સાતત્ય આપે છે. તો મહાપ્રશ્ન એ છે કે ત્યારે કરીશું શું ?

એક જ ઉપાય છે : બધા જ તહેવારોના અસ્તિત્વને કાયમ રાખીને એની પાછળની વિભાવનાઓને દેશકાલ અનુસાર પરિવર્તિત કરતા રહેવું જોઈએ. આ પરિવર્તન જરૂર જણાય ત્યાં જ અને તેટલું જ હોવું જોઈએ અને તે રચનાત્મક જ હોવું જોઈએ. ભારતવર્ષના સાંસ્કૃતિક ઇતિહાસમાં અવતારી પુરુષોએ આવાં જ પરિવર્તન કર્યાં છે. દાખલા તરીકે શ્રીકૃષ્ણે પૂજાવિધાનના ઉત્સવને કાયમ રાખીને એની ઇન્દ્રગત વિભાવનાને બદલીને ગોવર્ધનગત વિભાવનામાં પરિવર્તન કર્યું હતું ! એમણે જ યજ્ઞની હોમગત વિભાવનાને બદલીને અને યજ્ઞને કાયમ રાખીને એનું ત્યાગપ્રધાન અને પરસ્પરાવલંબનની વિભાવનામાં પરિવર્તન કર્યું જ હતું ! સ્વામી વિવેકાનંદે ભક્તિ-સેવાના અસ્તિત્વને કાયમ રાખીને અને મૂર્તિગત વિભાવનાને જરૂર પૂરતી બદલીને દરિદ્રનારાયણમાં રહેલી દિવ્યતામાં એનું પરિવર્તન કર્યું જ હતું ને ?  ટિળકે ગણેશોત્સવની વિભાવના બદલી હતી ! અને આવાં આવાં તો અવતારી પુરુષોના અનેક દાખલાઓ છે. અલબત્ત, આ વિભાવનાના પરિવર્તનમાં આવશ્યકતા, પ્રમાણભાન, દીર્ઘદૃષ્ટિ, વિવેક અને રચનાત્મકતા હોવાં જોઈએ.

આપણામાં આવા ગુણો આવે અને એ ગુણોની સભાનતા સાથે આપણે આપણા બધા જ તહેવારોને જીવતા કરીએ, ઉત્સાહભેર ઉજવીએ. એ દ્વારા સંસ્કૃતિને સદાય અવિચ્છિન્ન, જીવતી અને ગતિશીલ રાખીએ એવી પ્રભુપ્રાર્થના!

Total Views: 612

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.