મણકો સાતમો : ન્યાયદર્શન

ગૌતમમુનિ દ્વારા પ્રચારિત ન્યાયદર્શન તર્કપ્રધાન છે. ગૌતમને અક્ષપાત પણ કહેવામાં આવે છે. ગૌતમનાં ન્યાયસૂત્રો પર વાત્સાયને ભાષ્ય લખ્યું અને ઉદ્યોતકરે વાર્તિક લખ્યું. આમ એ દર્શનનો વિકાસ થયો. વાચસ્પતિ મિશ્ર વગેરે સમર્થ આચાર્યોએ પણ પોતાનું મૂલ્યવાન પ્રદાન કર્યું. પછી તો એ તર્કપ્રધાનતા એટલી બધી સૂક્ષ્મ બનતી ગઈ કે એમાંથી આગળ જતાં ગંગેશ ઉપાધ્યાયનો ‘નવ્યન્યાય’ જન્મ્યો અને પશ્ચિમી કહેવાતા વિદ્વાનોના ભારતીય દર્શનો પરના ‘કપોલકલ્પિત’ હોવાના આક્ષેપને જડબાતોડ જવાબ આપી દીધો અને અજ્ઞાનમૂલકતા સાબિત કરી દીધી છે !

ન્યાય શબ્દનો સામાન્ય અર્થ ‘જ્ઞાનની પ્રામાણિકતા-સચ્ચાઈની વિવેચના’ એવો થાય છે. એમાં જ્ઞાનનું સ્વરૂપ, જ્ઞાનની સીમા, જ્ઞાનની પ્રામાણિકતા, સત્યાસત્યનો નિર્ણય વગેરે વિષયો ચર્ચવામાં આવે છે. જ્ઞાનનાં સ્વરૂપો વિશે વાત કરીએ તો ન્યાયદર્શન બે પ્રકારનાં જ્ઞાન માને છે : (૧) સ્મૃતિ (૨) યથાર્થાનુભવ. આ યથાર્થ અનુભવને ‘પ્રમાણ’ કહેવામાં આવે છે. જ્ઞાન અયથાર્થ હોય તો એ ભ્રમ કહેવાય. એટલે આ યથાર્થ અનુભવ જ સાચું જ્ઞાન છે. એની ઉપલબ્ધિ કરાવનાર જે હોય, એટલે કે એની સચ્ચાઈ સાબિત કરાવનાર જે સાધન હોય, એને ‘પ્રમાણ’ કહેવામાં આવે છે. સ્મૃતિ એ કંઈ પ્રમાણ ન કહેવાય. કારણ કે એ તો ભૂતકાલીન અનુભવની કેવળ યાદી જ છે, એ અનુભવ નથી.

આવાં સ્મૃતિ સિવાયનાં યથાર્થાનુભવો કરાવનારાં ચાર પ્રમાણો ન્યાયદર્શન સ્વીકારે છે : (૧) પ્રત્યક્ષ (૨) અનુમાન (૩) ઉપમાન અને (૪) શબ્દ. આ ચાર પ્રમાણોથી જ્ઞાનની યથાર્થતા કે સચ્ચાઈ પરખાઈ શકે છે. અહીં ખાસ એ યાદ રાખવાની જરૂર છે કે જ્ઞાનની આખરી સચ્ચાઈની ખાતરી તો પ્રવૃત્તિની સફળતા પરથી જ થાય છે. પ્રવૃત્તિની અસફળતા થાય તો કેવળ પ્રમાણ જ્ઞાનની યથાર્થતાની ખાતરી આપી શકતું નથી.

અહીં જ્ઞાનની યથાર્થતા (Validity) માટે ન્યાયદર્શને માનેલી પ્રક્રિયા જરા જોઈ લઈએ : જ્ઞાન પોતે સ્વપ્રકાશિત નથી, પણ અન્યથી એ પ્રત્યક્ષ થાય છે. જેમ કે ‘આ ઘડો છે’ એવા ચાક્ષુષ પ્રત્યક્ષમાં જ્ઞાન પ્રકાશતું નથી, પણ પહેલાં ચક્ષુના ઘડા સાથેના સંનિકર્ષથી ઉત્પન્ન થયેલું જ્ઞાન આત્મા અને મન સાથેના વિશેષ સંબંધથી આત્મા સાથે સમન્વિત થઈને જ પછીથી પ્રકાશિત થાય છે. આ પછી પ્રકાશિત થતા જ્ઞાનને ‘અનુવ્યવસાય’ કહેવામાં આવે છે. એટલે જ્ઞાન ઉત્પન્ન થવાની પ્રથમ ક્ષણે નહીં, પણ બીજી ક્ષણે અનુવ્યવસાયથી પ્રત્યક્ષ થાય છે. ત્યારે જ તે વ્યવસાયાત્મક-નિશ્ચિત બની શકે છે. પ્રથમ ક્ષણનું જ્ઞાન નિર્વિકલ્પ જ્ઞાન કહેવાય છે.

હવે આપણે પૂર્વનિર્દિષ્ટ ચારેય પ્રમાણો વિશે જરા વિગતે જોઈએ :

(૧) પ્રત્યક્ષ : ‘જે જ્ઞાન ઇન્દ્રિયોના વિષય સાથેના સંસર્ગથી જન્મતું હોય, જેના ઉત્પન્ન થવામાં શબ્દ કારણરૂપ ન બન્યો હોય, જે નિશ્ચિત જ હોય અને જે અવ્યભિચારી (બીજી અન્ય રીતે ઉત્પન્ન ન થનારું) હોય તે પ્રત્યક્ષ પ્રમાણ છે’ – આવી ગૌતમે વ્યાખ્યા આપી છે તેથી આમાં પ્રથમ ક્ષણના નિર્વિકલ્પ જ્ઞાનનો સમાવેશ થતો જણાતો નથી. પણ પાછળના નૈયાયિકોએ આ પ્રથમ ક્ષણના અપ્રકાશિત જ્ઞાનનો પણ પ્રત્યક્ષ તરીકે સ્વીકાર કર્યો છે.

પણ બન્ને જ્ઞાનનો વિષય તો એક જ છે. આ રીતે ઇન્દ્રિયો પ્રત્યક્ષજ્ઞાનનું કરણ છે. વિષય સાથે સંબંધ કરવાનો એનો વ્યાપાર-કરણ છે. નૈયાયિકોને મતે આવાં છ કરણો (ઇન્દ્રિયો) છે. છ પ્રકારનાં પ્રત્યક્ષ કરણોથી છ પ્રકારનું જ્ઞાન જન્મે છે. અન્ય રીતે બાહ્ય અને આંતરિક એવા બે જ્ઞાનવિભાગો પણ પાડ્યા છે. ઘડા વગેરેનું જ્ઞાન બાહ્ય અને સુખદુ :ખાદિનું જ્ઞાન આંતરિક છે. વળી એક અન્ય રીતે પણ પ્રત્યક્ષના વિભાગો પાડ્યા છે : (૧) લૌકિક (૨) અલૌકિક. લૌકિક પ્રત્યક્ષ તો ઇન્દ્રિયાર્થસંનિકર્ષથી જન્મે છે, તે જ છે. અને અલૌકિક પ્રત્યક્ષના ત્રણ પ્રકાર છે : જ્ઞાનલક્ષણ, સામાન્યલક્ષણ અને યોગજ. આ રીતે ન્યાયદર્શનમાં પ્રત્યક્ષ પ્રમાણનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે.

(૨) અનુમાન : કોઈ પર્વત જેવા સ્થળે ધુમાડો જોઈને અગ્નિનું આપણને જ્ઞાન થાય છે. આ જ્ઞાન અનુમાન પ્રમાણથી થાય છે. પર્વત ઉપરના ધુમાડાને જોઈને આપણે ધુમાડો અને અગ્નિના હંમેશાંના સહ-અસ્તિત્વને યાદ કરીએ છીએ. બન્નેના આ હંમેશાંના સહ-અસ્તિત્વને ‘વ્યાપ્તિ’ કહેવાય છે. અર્થાત્ ‘જ્યાં જ્યાં ધુમાડો હોય, ત્યાં ત્યાં અગ્નિ હોય છે.’ આવી વ્યાપ્તિની સ્મૃતિ થયા પછી આવી વ્યાપ્તિવાળા ધુમાડાને આપણે ‘અગ્નિ સાથે વ્યાપ્તિ રાખનાર ધુમાડો આ પર્વત પર છે’ એવી રીતે જોઈએ છીએ. આવા ‘અગ્નિ વિશિષ્ટ ધુમાડાના જ્ઞાન’ને ‘પરામર્શ’ કહેવામાં આવે છે. આવા ‘પરામર્શ જ્ઞાન’થી ‘પર્વત ઉપર અગ્નિ છે’ એવું જ્ઞાન થાય છે. આ આપણે પોતે કરેલું અનુમાન છે. બીજા માટે કરેલા અનુમાનના પાંચ અવયવો છે : (૧) પ્રતિજ્ઞા – આ પર્વત અગ્નિવાળો છે. (૨) હેતુ – ધુમાડો હોવાથી (૩) ઉદાહરણ : જ્યાં જ્યાં ધુમાડો હોય, ત્યાં ત્યાં અગ્નિ હોય જ. દા.ત. રસોડું (૪) ઉપનય – આ પર્વત અગ્નિવ્યાપ્ય ધુમાડાવાળો છે. (૫) નિગમન – એટલે આ પર્વત અગ્નિવાળો છે.

(૩) ઉપમાન : કોઈ એક માણસે ક્યારેય નીલગાય જોઈ નથી. એણે બીજા એક જંગલમાં રહેનાર માણસ પાસેથી સાંભળ્યું કે નીલગાય ગાય જેવી હોય છે. હવે જ્યારે એ પહેલો માણસ જંગલમાં ગયો અને એણે ગાય જેવા પશુને જોયું. એટલે એને જ્ઞાન થયું કે આ ગાય જેવું પ્રાણી નીલગાય છે. આવી જાતનું જ્ઞાન ‘ઉપમિતિ’ કહેવાય છે. એની વ્યાખ્યા છે : સંજ્ઞા-સંજ્ઞી-સંબંધ-જ્ઞાન. અર્થાત્ અહીં સંજ્ઞા ‘નીલગાય’ શબ્દ છે અને સંજ્ઞી ‘જંગલમાં જોયેલું પ્રાણી’ છે. આ બન્નેના સંબંધની પ્રતીતિ થવી, જ્ઞાન થવું એને ઉપમિતિ કહેવાય. આવી ઉપમિતિનું કારણ-કરણ ‘ગો-સમાન પશુનું વનમાં દર્શન.’ અને સાથોસાથ પેલા વનવાસીના વાક્યનું સ્મરણ- ‘ગાય જેવી જ નીલગાય હોય છે.’

(૪) આગમ અથવા શબ્દપ્રમાણ : નૈયાયિકોએ સ્વીકારેલું આ ચોથું અને છેલ્લું પ્રમાણ છે. એનાથી પણ જ્ઞાનની સચ્ચાઈ પારખવામાં આવે છે. કોઈ આપ્તજનનું કથન એનું સ્વરૂપ છે. એ આપ્તજન વસ્તુના યથાર્થ અનુભવયુક્ત હોવો જોઈએ.

આ શબ્દજ્ઞાન બે પ્રકારનું હોય છે : (૧) લૌકિક અને (૨) વૈદિક. અથવા બીજા શબ્દોમાં કહીએ તો દૃષ્ટશ્રાવિક અને અદૃષ્ટશ્રાવિક. સામાન્ય અનુભવના વિષયો અને ઇન્દ્રિયાતીત અનુભવોના વિષયોનો નિર્દેશ આ શબ્દો દ્વારા કરવામાં આવ્યો છે. ન્યાયદર્શન પ્રમાણે જગતની સામાન્ય વસ્તુઓનો જ્ઞાતા પણ દુન્યવી વસ્તુઓનું જ્ઞાન કરાવવા કારણ-આપ્ત બની શકે પણ સ્વર્ગ જેવી ઇન્દ્રિયાતીત વસ્તુઓનું જ્ઞાન કરાવવા માટે આપ્તજન તો શાસ્ત્રો જ બની શકે. આમ શાસ્ત્રપ્રામાણ્ય અદકું કરે છે.

ન્યાયશાસ્ત્રમાં મૂળતત્ત્વો-મેટાફિઝીક્સની વાત છે. પણ તે લગભગ વૈશેષિકદર્શનને મળતાં આવે છે. આ દર્શન મુખ્યત્વે તર્કપ્રધાન-બૌદ્ધિક હોવાને લીધે એમાં પ્રમેય ઉપરાંત પ્રમાણ, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન એમ સોળ પદાર્થની જ વાતો મુખ્યત્વે કરવામાં આવી છે.

Total Views: 384

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.