મણકો આઠમો – વૈશેષિકદર્શન

જેવી રીતે સાંખ્યદર્શન અને યોગદર્શન બન્ને જોડિયાં સહોદર સંતાનો છે, તેવી જ રીતે ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન પણ જોડિયાં સહોદર સંતાનો છે. જગતનાં મૂળતત્ત્વો (પદાર્થો – મેટાફિઝિક્સ)ની ચર્ચા વૈશેષિકદર્શન કરે છે, તો એ જ તત્ત્વોની જ્ઞાનમિમાંસા – પ્રમાણમિમાંસા (એપિસ્ટોમોલોજી)ની ચર્ચા ન્યાયદર્શન કરે છે. આ રીતે એ બન્ને દર્શનો એકબીજાની પુરવણી સમાન છે.

મુનિ કણાદ કે ઊલૂક દ્વારા પુરસ્કૃત આ વૈશેષિકદર્શનને ‘ઔલુક્યદર્શન’ પણ કહે છે. એ એટલું તો આત્યંતિક બાહ્યાર્થવાદી છે કે તત્ત્વજ્ઞાનને હવાઈ કિલ્લા માનનારાઓનાં મોઢાં એણે બંધ કરી દીધાં છે. એ દરેક વસ્તુને જ્ઞાનથી બહારની માને છે. એટલું જ નહીં પણ પ્રતીતિને ભેદે વસ્તુભેદ પણ માને છે. એટલે જેટલી જુદી જુદી પ્રતીતિઓ થાય, એટલા અલગ અલગ પદાર્થો પણ છે, તેવું એ માને છે.

કણાદ મુનિએ પ્રથમ વૈશેષિકદર્શનનાં સૂત્રો લખ્યાં, પછી પ્રશસ્તપાદે એના પર ભાષ્ય લખ્યું. પછી શ્રીધરની ન્યાયક્ધદલી, ઉદયનની કિરણાવલી, શિવાદિત્યની સપ્તપદાર્થી વગેરેથી સમૃદ્ધ અને વિસ્તૃત બનતું ગયું. આમ થતાં થતાં ઉપર બતાવ્યા પ્રમાણે ન્યાયદર્શન સાથે જોડાઈ ગયું અને બન્નેના સંયુક્ત ગ્રંથો લખાવા માંડ્યા. વિશ્વનાથ તર્કપંચાનનનો ભાષાપરિચ્છેદ અને અન્નંભટ્ટનો તર્કસંગ્રહ વગેરે એવા ગ્રંથો છે.

કેટલાક વિદ્વાનોએ સાતે પદાર્થોની અનેક વિશેષતાઓ સ્વીકારી, એને કારણે આ દર્શનનું નામ વૈશેષિકદર્શન પડ્યું છે. પણ હકીકતમાં તો ‘વિશેષ’ નામનો અલગ પદાર્થ સ્વીકારવાને લીધે જ એને વૈશેષિકદર્શન કહેવામાં આવે છે.

હવે આપણે વૈશેષિકોએ માનેલ પદાર્થો-મૂળતત્ત્વો પર નજર નાખીએ. નૈયાયિકોએ પણ આ પદાર્થો સ્વીકાર્યા છે. આ પદાર્થો સાત છે.

  1. દ્રવ્ય : જે પદાર્થમાં ગુણ અને કર્મ રહેતાં હોય અને જે કોઈપણ કાર્યનું સમવાયી કારણ બનતું હોય, તે દ્રવ્ય કહેવાય. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિક્, આત્મા અને મન આ નવ દ્રવ્યો છે. તેમાં પહેલાં ચાર દ્રવ્યો નિત્ય તેમજ અનિત્ય પણ છે. નિત્ય પરમાણુરૂપે છે અને અનિત્ય કાર્યરૂપે છે. પરમાણુઓના સંયોગથી જ જગતની બધી સ્થૂળ વસ્તુઓ ઉત્પન્ન થઈ છે. આ સંયોગ તદ્દન નવી જ વસ્તુ-અવયવી-ઉત્પન્ન કરે છે. એટલે કાર્યોત્પત્તિ પહેલાં કારણમાં કાર્ય રહેલું હોવાનું સાંખ્યો પ્રમાણે ન્યાયવૈશેષિકો સ્વીકારતા નથી. એટલે જ તેઓને ‘અસત્કાર્યવાદી’ કહેવામાં આવે છે.

આકાશ, કાળ, દિક્ અને આત્મા- આ ચાર દ્રવ્યો વિભુ છે અને નવમું મન એ અભૌતિક અને પરમાણુરૂપ છે. તેમજ કાળ એ દિન-માસ-વર્ષ વગેરે વ્યવહારનું અસાધારણ કારણ છે. તે નિત્ય અને વ્યાપક છે. પૂર્વપશ્ચિમાદિ દિશાઓનું અસાધારણ કારણ દિક્ છે. એ પણ નિત્ય અને વ્યાપક છે. આત્મા પણ નિત્ય અને વિભુ છે તેમજ જ્ઞાનનું અધિકરણ છે. સંસારી અવસ્થામાં તે કર્તા-ભોક્તા-જ્ઞાતા છે. અને જ્ઞાન, સુખ, દુ:ખ, ઇર્ષ્યા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર – આ એના વિશેષ ગુણો છે. પરંતુ આ ગુણો ફક્ત સંસારી અવસ્થામાં જ તેનામાં રહે છે, કારણ કે આ ગુણો આત્મામાં ઇન્દ્રિય અને મનના ખાસ સંયોગથી જ ઉત્પન્ન થયા કરે છે. તેથી મુક્તિમાં આ નવેય વિશેષગુણો નષ્ટ થઈ જાય છે. આત્માઓ અનેક છે, પરસ્પર જુદા છે અને એ જુદાઈ મોક્ષાવસ્થામાં પણ કાયમ રહે છે.

  1. ગુણ : આ ગુણો દ્રવ્યોમાં રહે છે, ગુણોમાં અન્ય ગુણ હોતા નથી અને સંયોગ તેમજ વિભાગનું કારણ બનવામાં બીજાની અપેક્ષા રાખતો હોય તે ગુણ કહેવાય છે. આવા ગુણો ચોવીસ છે : રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, શબ્દ, જ્ઞાન, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર. પદાર્થની બાબતમાં ન્યાયવૈશેષિક બન્ને સમાન માન્યતાવાળાં હોવા છતાં, ન્યાય કરતાં વૈશેષિકદર્શન દ્વિત્વ વગેરે સંખ્યાની ઉત્પત્તિ, વિભાગ જ વિભાગ, મહત્ પરિમાણની ઉત્પત્તિ – વગેરેમાં થોડું નોખું પડે છે, તે નોંધપાત્ર છે.
  2. કર્મ : ત્રીજો પદાર્થ કર્મ છે. કર્મ દ્રવ્યોમાં રહે છે અને ગુણની પેઠે સંયોગ તથા વિભાગનું કારણ બનવામાં બીજાની અપેક્ષા રાખતું નથી. કર્મના પાંચ પ્રકાર છે : ઉત્ક્ષેપણ-ઉપર ફેંકવું; અપક્ષેપણ-નીચે ફેંકવું; આકુંચન-સંકોચાવું; પ્રસારણ-ફેલાવું અને ગમન-જવું.
  3. સામાન્ય : ચોથો પદાર્થ સામાન્ય છે. આ પદાર્થ આગળ બતાવેલ ત્રણેય પદાર્થોમાં અનુસ્યૂત રહેલો છે, છતાં એ ત્રણેયથી અલગ છે. અનેક વ્યક્તિઓમાં આપણને જે એકત્વબુદ્ધિ થાય છે, તે તે વ્યક્તિઓમાં રહેલ સામાન્ય છે. આ સામાન્ય પદાર્થ એક અને નિત્ય છે. આ સામાન્યના બે પ્રકાર પાડવામાં આવ્યા છે – પરસામાન્ય અને અપરસામાન્ય. બધા પદાર્થોની સામાન્ય સત્તા પરસામાન્ય કહેવાય અને દ્રવ્યત્વ, ગુણત્વ વગેરે અપરસામાન્ય કહેવાય છે. આપણી અનુગત વ્યવહારની પ્રતીતિને કારણે, પ્રતીતિભેદે પદાર્થભેદ માનનારા આ વૈશિષકોએ સામાન્યને એક અલગ પદાર્થ તરીકે સ્વીકાર્યો છે.
  4. વિશેષ : વૈશેષિકોનો આ પાંચમો વિશેષ પદાર્થ પણ પ્રતીતિભેદથી અલગ પદાર્થ તરીકે સ્વીકારાયો છે. આ પદાર્થનો સ્વીકાર કરવાને લીધે જ આ દર્શનનું ‘વૈશેષિકદર્શન’ એવું નામ પડ્યું છે, એમ ઘણા વિદ્વાનો માને છે. દરેકે દરેક પરમાણુને પોતાનો એક અલગ વિશેષ (વિશિષ્ટતા) હોય છે. આત્માઓ અને મનોને પણ પોત-પોતાનો દરેકનો એક વિશેષ હોય છે, એવી પ્રતીતિ થાય જ છે અને એટલે એક પરમાણુનો બીજા પરમાણુથી અને એક મુક્તાત્માનો બીજા મુક્તાત્માથી તેમજ એક મનથી બીજા મનનો ભેદ પ્રતીત થાય છે.
  5. સમવાય : છઠ્ઠો પદાર્થ સમવાય છે. જે બે વસ્તુઓને કદીય, કોઈથી, કોઈરીતે છૂટી પાડી જ ન શકાય, બન્નેને અલગ અલગ કરીને બતાવી ન શકાય તે બે વસ્તુઓનો જે નિત્ય સંબંધ પ્રતીત થાય છે, તેને સમવાય કહે છે. આ સમવાયસંબંધ અવયવ અને અવયવી, ગુણ અને ગુણી, ક્રિયા અને ક્રિયાવાન, જાતિ અને વ્યક્તિ તેમજ નિત્યદ્રવ્ય પરમાણુ અને વિશેષમાં રહેલ છે. એને ‘અયુતસિદ્ધ’નામ આપ્યું છે. તે નિત્ય છે અને એક છે. વૈશેષિકો માને છે કે સમવાય આપણા નિર્ણયની ભૂમિકામાં સમવાયને અનુમાનથી જાણી શકાય છે.
  6. અભાવ : જે કોઈ સ્થળે કોઈ વસ્તુનું ન હોવું તે ‘અભાવ’ કહેવાય છે. આ અભાવપદાર્થના ચાર વિભાગો પાડ્યા છે : પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અત્યંતાભાવ અને અન્યોન્યાભાવ. આ સાતમો અભાવ પદાર્થ પાછળથી ઉમેરાયેલો વિદ્વાનો માને છે. વાસ્તવવાદી વૈશેષિકોને પ્રતીતિભેદે પદાર્થભેદ અભિપ્રેત હોવાથી અભાવ પદાર્થ માનવો ખૂબ જરૂરી છે. અભાવના વસ્તુની ઉત્પત્તિ પહેલાં કારણમાં કહેલા કાર્યના અભાવને ‘પ્રાગભાવ’ કહેવામાં આવે છે, વસ્તુની ઉત્પત્તિ પછી એ વસ્તુનો નાશ થઈ જતાં થતા એના અભાવને પ્રધ્વંસાભાવ કહેવામાં આવે છે, ત્રણેય કાળમાં વસ્તુના અભાવને અત્યંતાભાવ કહે છે. બે વસ્તુમાં પરસ્પર રહેલા અભાવને અન્યોન્યાભાવ કહેવામાં આવે છે.

આગળ કહ્યા પ્રમાણે ન્યાયદર્શન આ સાતેય પદાર્થોને તત્ત્વો-પ્રમેયો (મેટાફિઝિક્સ) તરીકે સ્વીકારે છે.આમ તો વૈશેષિકો પ્રમાણ તરીકે પ્રત્યક્ષ અને અનુમાન બે જ પ્રમાણે માને છે, પણ પાછળથી બન્ને દર્શનો મળી જતાં નૈયાયિકોનો તે દર્શનમાં દર્શાવેલો ચાર પ્રમાણોનો સ્વીકાર થયો છે.

 

Total Views: 312

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.