સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, ચેન્નાઇથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે. – સં.

સેવાશ્રમ આંદોલનનો ઉદ્ભવ :

લગભગ સો વર્ષ પૂર્વેની કથા છે આ. નાની પરંતુ અત્યંત મહત્ત્વપૂર્ણ. ઈ. સ. ૧૯૦૦ની ૧૩ જૂન, પ્રાતઃકાળનો સમય હતો. ભગવાન ભાસ્કરે હજુ સુધી ઉદિત થઈ પોતાનો પ્રકાશ પૃથ્વી પર પ્રસારિત કર્યો ન હતો. યુવક યામિનીરંજન કાશીની સાંકડી અંધારી ગલીઓમાંથી પસાર થતો ગંગાના ઘાટ તરફ સ્નાન માટે જઈ રહ્યો હતો. અચાનક તેને એક ધીમો કરુણ ઉંહકારો સંભળાયો. આમ તો બીજા પણ અનેક લોકો એ તરફથી પસાર થઈ ચૂક્યા હતા, પરંતુ કોઈએ એ તરફ ધ્યાન નહોતું આપ્યું. પરંતુ યામિનીરંજને અટકીને જે તરફથી ઉંહકારાનો અવાજ આવી રહ્યો હતો એ તરફ જોયું. તેમણે જોયું કે એક કૃશકાય, રોગગ્રસ્ત ક્ષુધિત વૃદ્ધા ગલીના એક છેવાડે પડેલી હતી. યામિનીરંજનને પોતાની નિકટ આવતો જોઈ તે ધીરેથી બોલી, ‘મેં ચાર દિવસથી કંઈ ખાધું નથી બેટા, મને કંઈ ખાવા માટે આપ.’ યામિનીરંજને સાવધાનીથી એ વૃદ્ધાને ઉઠાવી અને પાસેના એક વરંડામાં સુવાડી દીધી. પછી એ દોડતો ઘાટ પર પહોંચ્યો અને પહેલા મળનાર સજ્જન સામે હાથ ફેલાવી દીધો. તેને ચાર આના મળ્યા. યામિનીરંજને એમાંથી કંઈ ખાદ્ય પદાર્થ ખરીદ્યો અને પેલી વૃદ્ધાને ખવડાવી તેનો જીવ બચાવ્યો. દરિદ્ર, પીડિત અને રોગગ્રસ્ત જીવોની શિવજ્ઞાનથી કરવામાં આવેલી સેવાનો એ નાનકડો અંકુર આગળ જતાં એક મહાન વટવૃક્ષના રૂપમાં પરિવર્તન પામ્યો. એક બૃહદ્ ચિકિત્સાલયનું રૂપ લઈને, એણે અસંખ્ય રોગીનારાયણોની સેવા કરી અને કરી રહ્યું છે. પુણ્યક્ષેત્ર મુક્તિધામ કાશીમાં સેંકડો લોકો પોતાની વૃદ્ધાવસ્થામાં કાશીમાં મૃત્યુ પામી મુક્ત થવાની આશાથી આવે છે. પરંતુ માનવની ક્રૂરતા અને નિયતિની નિષ્ઠુરતાથી તેમની કંઈક એવી દયનીય સ્થિતિ થઈ જાય છે, જેવી આ વૃદ્ધાની થઈ હતી.

વૃદ્ધાની આકસ્મિક સેવા કરીને યામિનીરંજન, હરિદાસ, ચારુચંદ્ર અને કેદારનાથ વગેરે તેના મિત્રો પાસે પહોંચ્યો. આ ઘટના પૂર્વે જ આ મિત્રોએ એક સ્વાધ્યાય મંડળની સ્થાપના કરી હતી. એમાં તેઓ સ્વામી વિવેકાનંદના સાહિત્યનું અધ્યયન કરતા તથા શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના ઉપદેશો અનુસાર સાધના કરી ઈશ્વર – સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરતા હતા. ઉપર્યુક્ત ઘટનાને સાંભળ્યા બાદ યુવકોએ ફાળો એકત્ર કર્યો અને વૃદ્ધાને હૉસ્પિટલમાં દાખલ કરાવી. એટલું જ નહીં, તેમણે ‘Home of Relief’ કે ‘રાહતગૃહ’ નામની એક સંસ્થાની રચના કરી. એનો ઉદ્દેશ્ય રાખ્યો – દુઃખી, પીડિત, અસહાય રોગીઓ અને દરિદ્રોની શિવજ્ઞાનથી સેવા. આ યુવકો સડકને છેવાડે, ગલીઓ, ઘાટો પર પડેલાં અસહાય લોકોને ખોળતા અને તેમની આવશ્યકતા અનુસાર સેવા કરતા. કોઈને તેઓ હૉસ્પિટલ લઈ જતા, તો કોઈને વસ્ત્ર કે ભોજન આપતા. આવશ્યકતા ઊભી થાય તો કોઈ રોગીને આશ્રય આપીને સેવા કરતા. કેદારનાથ (જે આગળ જઈ સ્વામી અચલાનંદ થયા)ના મકાનમાં ટાઇફૉઇડના એક રોગીને રાખીને સર્વ પ્રથમ આવી સેવા કરવામાં આવી હતી અને એ જ સેવાશ્રમ (Home of Service) નો અંદરનો (Indoor) પ્રથમ દર્દી હતો. તુરત જ આવા અંદરના દર્દીઓ માટે એક વધુ મોટા મકાનની આવશ્યકતા ઊભી થઈ અને પાંચ રૂપિયાના ભાડેથી એક મકાન લેવામાં આવ્યું. એક હોમિયોપૅથિક ડિસ્પેંસરીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો. એક ઓરડામાં રોગીઓને રાખવામાં આવતા તથા બીજામાં હોમિયોપૅથિક ડિસ્પેસરી અને કાર્યાલય હતું અને તેમાં જ ચારુચંદ્ર (જે આગળ જતાં સ્વામી શુભાનંદ થયા) અને યામિનીરંજન રહેતા હતા.

ટૂંક સમયમાં જ આ યુવકોના ઉત્સાહ, ત્યાગપૂર્ણ સેવા અને અથાક પરિશ્રમ પ્રત્યે લોકો આકર્ષિત થયા અને નગરની સન્માનનીય વ્યક્તિઓની સહાનુભૂતિ તેમના પ્રતિ થવા લાગી. એમના સૂચન અનુસાર ઈ.સ. ૧૯૦૦ના સપ્ટેમ્બરમાં એક સાર્વજનિક સભાનું આયોજન કરવામાં આવ્યું તથા દશાશ્વમેઘ સંસ્થાનું નામ બદલીને ‘Poor Men’s Relief Association’ અર્થાત્ ‘દરિદ્રજન – રાહત – સંસ્થા’ રાખવામાં આવ્યું. છ મહિનાની અંદર જ બહિર્વિભાગીય અને અંતર્વિભાગીય કાર્ય એટલું વધી ગયું કે હજુ મોટી જગ્યાવાળા ભવનની આવશ્યકતા જણાવા લાગી. આથી દશાશ્વમેઘ રોડ પર એક ભવન ભાડેથી લેવામાં આવ્યું અને ત્યાર બાદ તેને રામપુરના વધુ મોટા ભવનમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યું. આઠ મહિનાની અંદર ૩૩૦ પુરુષ અને ૩૩૪ મહિલાઓની કોઈ ને કોઈ પ્રકારે સેવા કરવામાં આવી.

ફેબ્રુઆરી ૧૯૦૨માં સ્વામી વિવેકાનંદનું દ્વિતીય અને અંતિમ વાર વારાણસીમાં શુભાગમન થયું. સ્વામીજી સંસ્થાના કાર્યથી અત્યંત પ્રસન્ન થયા. પરંતુ તેમણે કહ્યું કે સંસ્થાનું નામ બદલીને ‘સેવાશ્રમ’ કે ‘Home of Service’ કરવું જોઈએ. તેમણે કહ્યું, ‘રાહત આપવાવાળા તમે કોણ? તમે તો કેવળ સેવા કરી શકો. રક્ષણ કરવાનો અહંકાર સર્વનાશ કરી નાખે છે. કોઈ અન્ય માનવને આપણાથી ક્ષુદ્ર અને હીન સમજવો એ અહંકારનું દ્યોતક છે. તમારો આદર્શ ‘દયા’ નહીં, શિવજ્ઞાનથી જીવ સેવા હોવો જોઈએ.’ ચારુચંદ્રને સંબોધીને તેમણે કહ્યું, ‘ગરીબો માટે એકત્રિત કરેલા પ્રત્યેક પૈસાને પોતાના રક્ત સમાન (મૂલ્યવાન) સમજો. આવું મહાન કાર્ય સ્થાયી ધોરણે તથા સુચારુરૂપે કેવળ તેઓ જ કરી શકે છે, જેઓ સર્વત્યાગી છે.’ સ્વામીજીએ સેવાશ્રમ તરફથી જનસાધારણ માટે એક ‘પ્રતિવેદન’ (અપીલ)માં લખ્યું, જેને ૧૯૦૨માં સેવાશ્રમના પહેલાં વાર્ષિક હેવાલમાં છાપવામાં આવ્યું. સ્વામીજીએ તેમના ગુરુભાઈ તથા રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજીને આદેશ આપ્યો કે તેઓ સેવાશ્રમ પર તેમની કૃપાદૃષ્ટિ રાખ્યા કરે. સ્વામી બ્રહ્માનંદજીની સ્વીકૃતિથી તથા સેવાશ્રમની કાર્યકારિણી સમિતિના એક પ્રસ્તાવના માધ્યમ દ્વારા ઈ.સ. ૧૯૦૩ની ૨૩મી સપ્ટેમ્બરના રોજ આ સંસ્થા રામકૃષ્ણ મિશનનું અભિન્ન અંગ બની ગઈ અને ‘રામકૃષ્ણ મિશન સેવાશ્રમ’ કહેવાવા લાગી. તથા આજે પણ તે આ જ નામથી જાણીતી છે.

એ પછી સેવાશ્રમની પ્રગતિ ઝડપથી થઈ. બે દાતાઓ તરફથી આકસ્મિક રીતે માત્ર ૬૦૦૦ રૂપિયામાં એક ભૂમિખંડનો પ્રસ્તાવ મળ્યો જેને મેળવી સંસ્થા માટે સ્થાયી જગ્યા બની. આ જમીન પર સ્વામી બ્રહ્માનંદજીએ ૧૬ એપ્રિલ, ૧૯૦૮માં ભવનનો શિલાન્યાસ કર્યો અને તેનું ઉદ્‌ઘાટન પણ સ્વામી બ્રહ્માનંદજીએ જ ૧૬ મે, ૧૯૧૦ના રોજ કર્યું. શ્રી શ્રીમા શારદાદેવીએ ૮ નવેમ્બર, ૧૯૧૨માં સેવાશ્રમમાં શુભાગમન કર્યું. તેમને પાલખીમાં બેસાડી દરેક સ્થાન, વૉર્ડ વગેરે બતાવવામાં આવ્યાં. મા શારદા સેવાશ્રમનું વાતાવરણ અને કાર્ય જોઈ અત્યંત પ્રસન્ન થયાં અને બોલ્યાં, ‘અહીં શ્રીરામકૃષ્ણ સ્વયં બિરાજિત છે અને દેવી લક્ષ્મીએ આ જગ્યાને પોતાના નિવાસના રૂપમાં પસંદ કરી છે.’ મા શારદાએ દસ રૂપિયાની એક નોટ દાન કરી. જે આજે પણ સેવાશ્રમમાં ખૂબ આદર સાથે બહુમૂલ્ય અને પરમપાવન નિધિ તથા મા શારદાના આશીર્વાદના રૂપમાં સુરક્ષિત રાખવામાં આવી છે.

આ અરસામાં કનખલ (હરિદ્વાર)માં પણ કંઈક આવા જ પ્રકારની ઘટનાઓ બની રહી હતી. સ્વામી વિવેકાનંદે પરિવ્રાજક રૂપમાં હરિદ્વાર – હૃષીકેશ વગેરે સ્થળોમાં ભ્રમણ કરતી વખતે આ સ્થળોમાં નિવાસ કરતા સાધુઓની દુર્દશાનો સ્વયં અનુભવ કર્યો હતો. તેઓ પોતે પણ રોગગ્રસ્ત થઈ ગયા હતા અને ચિકિત્સાના અભાવમાં મરણાસન્ન થઇ ગયા હતા. આથી તેમણે તેમના શિષ્ય સ્વામી કલ્યાણાનંદજીને કહ્યું, ‘વત્સ, શું તું હરિદ્વાર અને હૃષીકેશના રોગગ્રસ્ત સાધુ-સંન્યાસીઓ માટે કંઈ કરી શકે ખરો? બીમાર પડ્યે તેમની સંભાળ લેવાવાળું કોઈ જ નથી હોતું, જાઓ અને તેમની સેવા કરો.’ સ્વામી કલ્યાણાનંદજીએ પોતાના ગુરુના આ આદેશને માથે ચડાવી જૂન ૧૯૦૧માં હરદ્વાર પાસેના કનખલ નામના ગામમાં પોતાનું કાર્ય શરૂ કર્યું. ત્રણ રૂપિયા માસિક લેખે બે ઓરડા ભાડે લેવામાં આવ્યા, જેમાં અંતર્વિભાગીય વૉર્ડ, ડિસ્પેંસરી, કાર્યાલય, સ્વામી કલ્યાણાનંદજીનું નિવાસસ્થાન વગેરે બધું જ હતું. એક બૉકસમાં દવાઓ રાખવામાં આવતી. સ્વામી કલ્યાણાનંદજી ભિક્ષા દ્વારા પોતાનું ભરણ-પોષણ કરતા તથા જે કોઈ તેમની પાસે આવતા તેમને દવા આપતા. અને જે સાધુ આવી ન શકતા કે આવવાનું પસંદ ન કરતા તેમની ઝૂંપડીઓમાં જઈ તેમને દવાઓ આપતા. થોડા જ દિવસોમાં સ્વામી વિવેકાનંદના એક અન્ય શિષ્ય સ્વામી નિશ્ચયાનંદજી પણ તેમને આવી મળ્યા. શારીરિક કષ્ટ અને પરિશ્રમની ઉપેક્ષા કરી બંને ગુરુભાઈઓએ હૃષીકેશમાં પણ એક ડિસ્પેંસરી શરૂ કરી જે એક પ્રકારે કનખલથી ૧૫ માઈલ દૂર એક શાખા કેન્દ્ર હતું. એ લોકો પ્રતિદિન ૧૫ માઈલ પગે ચાલીને જતા – આવતા. સાધુઓની ચિકિત્સાની સાથે તેઓ એવા સાધુઓના મૃતદેહોનો અંતિમ સંસ્કાર પણ કરતા, જેમનું મૃત્યુ તેમની ઝૂંપડીઓમાં જ થઈ જતું અને જેમની અંતિમક્રિયા કરવાવાળું કોઈ નહોતું. તેઓ કેવળ સાધુઓની જ ચિકિત્સા સેવા ન કરતા પરંતુ અછૂતો અને નિમ્ન જાતિઓના લોકોની પણ સેવા કરતા હતા. આના ફળ સ્વરૂપે એક બાજુ હરિદ્વાર અને હૃષીકેશના રૂઢિવાદી સાધુ સમાજમાં તેમની નિંદા થવા લાગી અને ‘ભંગી સાધુ’ કહી મોટા ભાગના સાધુ તેમની ઉપેક્ષા કરવા લાગ્યા તો બીજી બાજુ કેટલાક સાધુ, ખાસ કરીને મહામંડલેશ્વર સ્વામી ધનરાજ ગિરિ, તેમનું સન્માન અને આદર કરવા લાગ્યા. એક વાર કોઈ મઠના સાધુભંડારામાં આ અછૂત સાધુઓ – સ્વામી નિશ્ચયાનંદજી અને સ્વામી કલ્યાણાનંદજીને આમંત્રિત નહોતા કરવામાં આવ્યા. જ્યારે મહામંડલેશ્વર સ્વામી ધનરાજ ગિરિને, (જેઓ વિશેષ અતિથિ હતા) આ ખબર મળ્યા તો તેમણે એ સર્વે પુરાતનપંથી સાધુઓને ઠપકો આપ્યો અને કહ્યું કે, વસ્તુતઃ ‘સર્વમ્ ખલુ ઈદં બ્રહ્મ’ના વેદાન્તોક્ત સિદ્ધાંતનું ઠીક-ઠીક પાલન તો એ બે સંન્યાસીઓ જ કરી રહ્યા છે. જો એ લોકોને નિમંત્રિત કરવામાં નહીં આવે તો હું પણ નિમંત્રણનો સ્વીકાર નહીં કરું અને હું ભંડારામાં સામેલ નહીં થાઉં.’ આ ઘટનાથી સંન્યાસી સમાજની આંખો ખુલી અને મિશનના આ સ્વામીઓ પ્રતિ તેમનો વિરોધ સમાપ્ત થઈ ગયો.

ઈ.સ. ૧૯૦૩માં એક ભૂમિખંડને ખરીદવામાં આવ્યો અને બે બ્લૉકના એક નાનકડા ભવનનું નિર્માણ થયું અને ઈ.સ. ૧૯૦૫માં સેવાશ્રમ પોતાના જ ભવનમાં સ્થળાંતરિત થયું. ઈ.સ. ૧૯૧૧માં ૨૦ પથારીઓનો એક વૉર્ડ બન્યો. તથા ઈ.સ. ૧૯૧૩માં ‘ક્ષયરોગ વિભાગ’નું ઉદ્‌ઘાટન થયું. ઈ.સ. ૧૯૨૨ સુધીમાં પથારીઓની સંખ્યા ૬૬ થઈ ગઈ હતી.

એ કહેવાની જરૂર નથી કે આ સેવાશ્રમોમાં દરેક સેવા – નિઃશુલ્ક હતી અને સેવાશ્રમનું કાર્ય દાન દ્વારા પ્રાપ્ત ધનથી જ ચાલતું. સાધુ તેમનો નિર્વાહ માધુકરી (ભિક્ષા) દ્વારા કરતા. બે અન્ય વ્યક્તિ સ્વામી જયાનંદ અને બ્રહ્મચારી સુરેન પણ ભિક્ષા કરવા જતા અને સેવા કાર્યમાં તેમનું યોગદાન આપતા. પરંતુ સેવાશ્રમનું સંચાલન અને માધુકરી બંને એક સાથે કરવામાં વ્યાવહારિક સમસ્યાઓ ઉપસ્થિત થવા લાગી. આ વાત રામકૃષ્ણ મિશનના મહાસચિવ સ્વામી સારદાનંદજીના કાન સુધી પહોંચી તો તેમણે એના પર વિચાર કરી કાર્યને સુચારુ રૂપથી તથા દક્ષતાપૂર્વક ચલાવવા માટે ભિક્ષા બંધ કરી દેવાનો આદેશ આપ્યો. આ પ્રકારે ઈ.સ. ૧૯૨૧થી ભિક્ષાની પરંપરા સમાપ્ત થઈ ગઈ. પરંતુ સ્વામી કલ્યાણાનંદજી તથા સ્વામી નિશ્ચયાનંદજી ભિક્ષાના અદ્‌ભુત આત્મનિર્ભરતાના ભાવથી વંચિત થવાથી નાખુશ જ થયા હતા.

ત્યાર પછીનું સેવાશ્રમ વૃન્દાવનમાં શરૂ થયું, જ્યાં હજારો તીર્થવાસીઓની ચિકિત્સાની કોઈ વ્યવસ્થા નહોતી. ઈ.સ. ૧૯૦૭માં વારાણસી સેવાશ્રમના કાર્યથી પ્રેરિત થઈ યજ્ઞેશ્વરચંદ્ર અને તેમના પુત્રના નેતૃત્વમાં વૃન્દાવનના સ્થાનિક લોકોએ એક સેવાશ્રમનો શુભારંભ કર્યો તથા બેલુડ મઠના બ્રહ્મચારી હરેન્દ્રે આવીને તેમને સાથ આપ્યો. સર્વ પ્રથમ સેવાશ્રમ શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ ભક્ત બલરામ બોઝના પૈતૃક ભવન ‘કાલાબાબુ કુંજ’માં પ્રતિષ્ઠિત થયો અને આ જ સ્થળ પર રોગીઓને રાખવામાં આવતા. ઈ.સ. ૧૯૦૮માં રામકૃષ્ણ મિશનને આ વ્યવસ્થા હસ્તાંતરિત થઈ. ઈ.સ. ૧૯૧૫માં ૮.૩૨ એકર જમીન ખરીદવામાં આવી. એના પર પહેલાં એક અસ્થાયી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું અને સેવાશ્રમ ‘કાલાબાબુ કુંજ’થી આ સ્થળ પર સ્થળાંતરિત થઈ ગયું. પછી એક પુરુષોના અને એક મહિલાઓના વૉર્ડનું નિર્માણ થયું.

એ પછીનું સેવાશ્રમ ઈ.સ. ૧૯૦૮માં અલાહાબાદમાં ખુલ્યું. ત્યાર બાદ અન્ય સેવાશ્રમોનો ઉદ્ભવ થયો. જેમ કે લખનૌ (૧૯૧૪), કાન્ટાઈ (૧૯૧૩), બાંકુડા (૧૯૧૭), સોનારગામ ઢાંકા (૧૯૧૫), ગડબેતા, મિદનાપુર વગેરે. આ સેવાશ્રમો રામકૃષ્ણ મિશનની ચિકિત્સા સેવાઓનાં અત્યંત મહત્ત્વપૂર્ણ અંગો છે. પછીના કાળમાં ડિસ્પેંસરી, ચિકિત્સાલય, પૉલિકિલનિક, મૅડિકલ ઈન્સ્ટિટયુટ વગેરે જે પણ રૂપ આ ચિકિત્સા સેવાઓનું રહ્યું હોય એ બધી આ સેવાશ્રમ આંદોલનની જ જાણે શાખા-પ્રશાખાઓ હતી. સેવાશ્રમની અવધારણા અને કાર્યપદ્ધતિ અત્યંત સરળ હોય છે. સાધુ સંન્યાસી જાતે જ રોગીઓને દવા આપે છે અથવા તેમની પરિચર્યા કરે છે. હિન્દુ સંન્યાસ પરંપરામાં પહેલી વાર આ ઘટના બની છે કે જેમાં સાધુ ભગવાનનાં દર્શન ફક્ત પોતાના હૃદયમાં કે દેવાલયમાં જ નથી કરતા પરંતુ એ પીડિત અને દુઃખી લોકોમાં નારાયણનાં દર્શન કરી સેવા શુશ્રૂષા દ્વારા આરાધના કરે છે. આ કાર્યથી જાણે આ સંન્યાસીઓએ ઉન્મુક્ત ઘોષણા કરી : ‘દરિદ્ર, દુઃખી, અનાથ, અસહાય, રોગી અમારા આરાધ્ય દેવ છે.’ રસ્તાના છેવાડે ઉપેક્ષિત પડેલી વ્યક્તિઓ તેમના મુખ્ય ઉપાસ્ય દેવતા હતા. સ્વામી શુભાનંદ અને સ્વામી અચલાનંદ તથા સ્વામી કલ્યાણાનંદ અને સ્વામી નિશ્ચયાનંદના દૃષ્ટાંતથી પ્રેરિત થઈને અનેક યુવા કાર્યકર્તા- પછી તે સાધુ હોય કે ગૃહસ્થ, ડૉક્ટર હોય કે સામાન્ય શિક્ષિત – પોતાની નિ:સ્વાર્થ, નિઃશુલ્ક સેવાઓ આપવા લાગ્યા.

પરંતુ તેનો અર્થ એ નથી કે સેવાશ્રમનું કાર્ય હંમેશાં નિર્વિઘ્ને અને સરળતાપૂર્વક ચાલતું રહ્યું. સત્ય તો એ છે કે શરૂઆતના દશકામાં કાયમ આર્થિક મુશ્કેલી રહ્યા કરતી. પ્રથમ વિશ્વયુદ્ધના સમય ઈ.સ. ૧૯૧૪ થી ૧૯૧૬ સુધી વિશેષ મુશ્કેલીનો સમય હતો. અને પાછા એવા પણ લોકો હતા જે સહાય કરવામાં ખચકાતા હતા. આ સંદર્ભમાં કનખલ સેવાશ્રમની એક ઘટના સ્મરણીય છે. એક વ્યક્તિએ તેના પિતાની સ્મૃતિમાં વૉર્ડ બનાવવા માટે ધન આપ્યું. પરંતુ દાન આપ્યાના કેટલાય દિવસો બાદ તેના મનમાં પોતાના કાર્યના ઔચિત્ય પ્રતિ તથા મિશનના કાર્યના સ્થાયિત્વ અને શ્રેષ્ઠત્વ પ્રતિ શંકા થવા લાગી. આથી તે એવા પ્રકારની શરતો મૂકવા લાગ્યો જે માનવીય સેવાશ્રમ માટે સંભવ નહોતી. વિવશ થઈ સેવાશ્રમે અન્યો પાસેથી ઉધાર લઈને એના ધનને પાછું આપવું પડ્યું. પરંતુ એ પણ સત્ય છે કે સંન્યાસી કાયમ માનવીય સહાયતા પર નિર્ભર નથી રહેતા. તેમનો એક માત્ર આશ્રય ભગવાન હોય છે. તેમને પરમાત્મામાં પૂરો વિશ્વાસ હતો અને આર્થિક મુશ્કેલીના અવસરો વખતે તેઓ વ્યક્તિગત કે સામૂહિક રૂપમાં આત્મનિરીક્ષણ કરી એ જાણવાનો પ્રયત્ન કરતા કે તેમની સેવામાં ક્યાંય કોઈ ત્રુટિ તો નથી ને? અથવા તેઓ પોતાનો આદર્શ ચૂકી તો નથી રહ્યા ને? અને એવું કાયમ થતું કે ત્રુટિઓ શોધવાની સાથે જ તેમને સહાય પ્રાપ્ત થવા લાગતી તથા આર્થિક સમસ્યા દૂર થઈ જતી.

સેવાશ્રમના સેવારત કાર્યકર્તાઓના મનોભાવનું એક સુંદર દિગ્દર્શન આપણે ‘શ્રીમા’ને કહેવામાં આવેલા સ્વામી નિશ્ચયાનંદજીના શબ્દોમાં મેળવીએ છીએ. સ્વામી નિશ્ચયાનંદજીને રાત-દિવસ કામમાં લાગેલા જોઈ એક દિવસ ‘શ્રીમા’ એ તેમને કહ્યું, ‘સાંભળ નિશ્ચય, શ્રીરામકૃષ્ણ કહ્યા કરતા હતા કે સાધુ જીવનનો આદર્શ ભગવત્ દર્શન છે. કેવળ કર્મ નહીં.’ નિશ્ચયાનંદજીએ વિનમ્રતાવશ કોઈ ઉત્તર આપ્યો નહીં. પરંતુ ‘શ્રીમા’એ જ્યારે આ જ વાત બે-ત્રણ વાર કહી તો નિશ્ચયાનંદજી પોતાને રોકી ન શક્યા અને રોઈ પડ્યા તથા હાથ જોડીને બોલ્યા, ‘હું સ્વામી (વિવેકાનંદ)નો અદનો સેવક છું. હું કર્મ સિવાય કોઈ સાધના જાણતો નથી. અને સ્વામીજીએ મને આ જ કરવાનો આદેશ આપ્યો હતો. અને મેં આજ વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી છે.’ આ સાંભળી ‘શ્રીમા’ ફક્ત શાંત જ ન થયાં પરંતુ તેમનો ભાવ સમજી તેમની ક્ષમા-યાચના પણ કરી. એક બીજા સંન્યાસી વારાણસી સેવાશ્રમના ખેતરમાં બટાટા-કોબી વગેરેની ખેતીનું કાર્ય કરતા હતા. એક દિવસ કોઈએ તેમને પૂછ્યું કે આપ સંન્યાસી થઈને પણ એકાંતમાં ગીતા ભાગવતના પાઠ કે ધ્યાન-જપ ન કરીને આવા આકરા તાપમાં આ બધું ખેતીનું કામ શા માટે કરી રહ્યા છો? અને સંન્યાસીએ તત્કાળ ઉત્તર આપ્યો, ‘હું અહીં બટાટા કોબી ઉગાડી રહ્યો છું જે રોગી નારાયણ ખાશે.’ એક અન્ય સંન્યાસીએ પોતાનું આખું જીવન રોગી નારાયણના ઘાવોની મલમપટ્ટી કરવામાં વિતાવી દીધું. તેમને આ કાર્ય ઊભા ઊભા કરવું પડતું હતું. પચાસથી વધારે વર્ષો સુધી દરરોજ કલાક ઊભા રહીને મલમપટ્ટી કરવાથી તેમના ઘૂંટણો જકડાઈ ગયાં હતાં અને વૃદ્ધાવસ્થામાં તેઓ પોતાના ઘૂંટણોને વાળવા અસમર્થ થઈ ગયા હતા. આ સંન્યાસીઓ માટે કર્મ અને ઉપાસનામાં કોઈ અંતર નહોતું રહી ગયું અને ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’નો આદર્શ જીવંત થઈ ઉઠ્યો હતો.

પૂર્વેના આ સેવાશ્રમોનું એક બહુ મોટું સૌભાગ્ય હતું કે તેમને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી તથા શ્રીરામકૃષ્ણના અન્ય મહાન સંન્યાસી શિષ્યોના આશીર્વાદ તથા માર્ગદર્શન પ્રાપ્ત થયા હતા. સ્વામી તુરીયાનંદજી પહેલાં થોડા સમય સુધી કનખલમાં રહ્યા અને એ પછી પોતાના જીવનનાં અંતિમ થોડાં વર્ષ તેમણે કાશી સેવાશ્રમમાં વિતાવ્યાં. આ મહાપુરુષોની ઉપસ્થિતિ માત્રથી સેવાકર્મીઓનાં મન ઉચ્ચ આધ્યાત્મિક સ્તર પર આરૂઢ થઈ જતા હતાં. શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યો તથા સેવાશ્રમના પ્રારંભકાળના સંન્યાસીઓ હંમેશાં કાર્યકર્તાઓને એ આદેશ આપતા કે તેઓ તેમનો આધ્યાત્મિક ભાવ કાયમ રાખે અને એમ વિચારે કે તેઓ નારાયણની જ પૂજા કરી રહ્યા છે, નહીંતર આ કર્મ પણ એક સામાન્ય લૌકિક કર્મમાં પરિણમશે. સ્વામી અચલાનંદ કદી પણ રોગી શબ્દનો પ્રયોગ ન કરતા. તેના બદલે તેઓ સદા ‘નારાયણ’ કહેતા અને ચાહતા કે અન્ય લોકો પણ એમ જ કહે.

પછીની ઘટનાઓ :

સેવાશ્રમોના પ્રારંભ અને વિકાસના ક્રમ પછી રામકૃષ્ણ મિશનની સેવાઓનું બીજું ચક્ર શરૂ થયું, જેની અંતર્ગત હૉસ્પિટલમાં આઉટડોર ડિસ્પેન્સરી વગેરે શરૂ કરવામાં આવી, જેના માધ્યમ દ્વારા સમાજની થોડી વિશિષ્ટ ચિકિત્સાકીય આવશ્યકતાઓની પૂર્તિ થઈ શકે. કલકત્તામાં એક બાળકલ્યાણ અને પ્રસૂતિ સેવાઓ માટે ‘શિશુમંગલ’ નામના પ્રસૂતિગૃહનો પ્રારંભ કરવામાં આવ્યો. દિલ્હીમાં દંતનું ચિકિત્સાલય, ક્ષયનિદાન અને ચિકિત્સા કેન્દ્રનો પ્રારંભ થયો. તથા રાંચીમાં એક ક્ષય સૅનૅટોરિયમની સ્થાપના થઈ. આજ ક્રમમાં પુરાણા સેવાશ્રમોને પણ સમયાનુકૂળ સ્તર પર વિકસાવવામાં આવ્યા.

સ્વામી દયાનંદજી જ્યારે અમેરિકામાં હતા ત્યારે ત્યાં ચિકિત્સા-વિજ્ઞાનની પ્રગતિર્થી અત્યંત પ્રભાવિત થયા હતા. ભારત આવી તેમણે થોડા વિરોધ છતાં કલકત્તામાં ‘શિશુ-મંગલ’ નામના એક સાત પથારીઓના કેન્દ્રનો પ્રારંભ કર્યો, જેનો ઉદ્દેશ હતી – ગર્ભવતી માતાઓની પ્રસવ પૂર્વે અને પ્રસવ પછી સુરક્ષા તેમજ નવજાત શિશુની સુરક્ષા. પોતાની દક્ષતા અને ઉચ્ચકોટિની સમર્પિત સેવાઓને લીધે આ સંસ્થા તુરત જ વિખ્યાત થઈ ગઈ. ઈ.સ.૧૯૩૯ સુધીમાં તેનું ૫૦ પથારીઓવાળું પોતાનું ભવન થઈ ચૂક્યું હતું. ઈ.સ.૧૯૫૬માં તેને એક સામાન્ય ચિકિત્સાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યું અને ૧૯૫૭માં તેનું નામ બદલીને ‘સેવા પ્રતિષ્ઠાન’ રાખવામાં આવ્યું. હવે એ ૫૫૦ પથારીઓવાળું એક વિશાળ ચિકિત્સાલય છે, જેમાં સાધારણ ચિકિત્સાલય સિવાય પરિચારિકાઓ (નર્સો)નું પ્રશિક્ષણ કેન્દ્ર, સ્નાતકોત્તર ચિકિત્સા મહાવિદ્યાલય અને રિસર્ચ કેન્દ્ર તથા સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓ પણ છે.

ભારતમાં મોટી સંખ્યામાં લોકો ક્ષયરોગનો શિકાર થાય છે. આ માટે રામકૃષ્ણ મિશને એક ક્ષય-ચિકિત્સાલય કે સેનેટોરિયમનો પ્રારંભ કર્યો. રાંચીથી દસ માઈલ દૂર ‘ડુંગરી’ નામના સ્થળ પર ૨૪૦ એકર જમીન ૧૯૩૯માં પ્રાપ્ત થઈ. ૧૯૫૧માં ૩૨ પથારીઓથી શરૂ કરાયેલા આ સેનેટોરિયમમાં હવે ૨૮૦ પથારીઓ છે. દિલ્હીમાં ૧૯૪૮થી એક ક્ષયરોગ ચિકિત્સા કેન્દ્ર ચાલે છે, જ્યાં એક ઉચ્ચકોટિની નિદાન પ્રયોગશાળા છે તથા રોગીઓને ઘેર દવાઓ પહોંચાડવાની પણ વ્યવસ્થા છે. ઉપર્યુક્ત બન્ને ક્ષય-ચિકિત્સાલય પોતાની દક્ષતાને કારણે સમગ્ર ભારતમાં ખ્યાતિ પ્રાપ્ત છે.

પહેલાં સંકેત આપવામાં આવ્યો છે, તે પ્રમાણે વચ્ચે વચ્ચે પુરાણા સેવાશ્રમોનો પણ સમયાનુકૂળ વિકાસ થતો રહ્યો છે, નવા ભવન બનતાં રહ્યાં છે. તથા આધુનિક નિદાનોપયોગી યંત્રો વગેરેનો સમાવેશ કરાતો રહ્યો છે. હવે વારાણસી સેવાશ્રમમાં એક આધુનિક ચિકિત્સા-કક્ષ, એક ઉચ્ચસ્તરીય નિદાન કક્ષ, અલ્ટ્રાસાઉન્ડ ઍક્સ-રે, ઍન્ડોસ્કોપી વગેરે સહિત ૩૦૦ પથારીઓ છે તથા અનેક વિશેષજ્ઞ તેમજ અતિવિશેષજ્ઞોની સેવાઓ પણ ઉપલબ્ધ છે. આ રીતે કનખલ સેવાશ્રમ પણ આધુનિકીકરણની પ્રક્રિયામાંથી પસાર થતો રહ્યો છે. હવે ત્યાં ૧૨૨ પથારીઓ છે. વૃન્દાવનમાં ઈ.સ. ૧૯૪૩માં એક નેત્રવિભાગનો આરંભ કરવામાં આવ્યો જેણે વિશેષ ખ્યાતિ મેળવી : આ સંસ્થાને વચ્ચે વચ્ચે સરકારી અનુદાન પણ પ્રાપ્ત થતાં રહ્યાં છે. અન્યથા આટલી મોટી સંસ્થાઓ ન ચાલી શકત. સરકારની કે દાતાઓની સહાયતા પ્રાપ્ત થાય કે ન થાય, આ સંસ્થાઓ અધિકાંશે નિઃશુલ્ક સેવાઓ આપવામાં સમર્થ થતી રહી છે.

વિશુદ્ધ ચિકિત્સા-કેન્દ્રો સિવાય રામકૃષ્ણ મિશનનાં કેટલાંય અન્ય-કેન્દ્ર પણ ડિસ્પેન્સરી વગેરે ચલાવે છે જ્યાં ઍલોપથી અથવા હોમિયોપેથી ચિકિત્સા આપવામાં આવે છે. આ કેન્દ્રો ધીરે ધીરે સુવ્યવસ્થિત અને યંત્રોથી સુસંપન્ન શ્રેષ્ઠ ઉપચાર કેન્દ્રોમાં પરિવર્તન પામ્યાં છે. મદ્રાસ રામકૃષ્ણ મિશન સાથે સંલગ્ન ડિસ્પેન્સરી આનું એક દૃષ્ટાંત છે. કેટલાંક કેન્દ્રોની પોતાની વિશિષ્ટતાઓ છે. જેમ કે ક્યાંક આયુર્વેદ અથવા એક્યુપંક્ચર ફિઝિઓથેરપી, માનસિક – ચિકિત્સા વગેરે છે. આધુનિકતમ ક્રમમાં ચલાયમાન ચિકિત્સા કેન્દ્રોનો (Mobile Dispensary) કેટલાંક સ્થળો પર પ્રારંભ થયો છે જે એવા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચે છે જ્યાં સામાન્યતઃ કોઈ પણ સુવિધા નથી પહોંચી શકતી.

રામકૃષ્ણ-મિશનના પ્રત્યેક ચિકિત્સા કેન્દ્રના અથથી ઇતિ સુધીના ઇતિહાસને પ્રસ્તુત કરવો અહીં સંભવ નથી. આથી અહીં ફક્ત મુખ્ય પ્રતિનિધિ અને સૌ પહેલાંની સંસ્થાઓનું જ વર્ણન કરવામાં આવ્યું છે. સેવા વિષયક આંકડાઓ પણ નથી આપવામા આવ્યા.

રામકૃષ્ણ-મિશનનાં કેન્દ્રોની એક વિશેષતા એ રહી છે કે તે ટૅકનિકલ દૃષ્ટિથી તેમ જ માનવીય દૃષ્ટિથી પણ ઉચ્ચ સ્તરીય સેવા કરવામાં તથા શ્રેષ્ઠતમ પરિણામ મેળવવામાં અલ્પતમ આર્થિક વ્યય દ્વારા સમર્થ થયાં છે. એ કેટલાક પ્રમાણમાં સ્થાનિક ડૉક્ટરો વગેરેની અવેતનિક સેવાઓને કારણે છે. સાધુ-સંન્યાસીગણ વ્યક્તિગત રૂપે રોગીઓની ખબર-અંતર લે છે, જેનાથી મિતવ્યયિતા અને દક્ષતામાં વૃદ્ધિ થાય છે. કેટલાંક ચિકિત્સાકેન્દ્રોમાં સંન્યાસી ફક્ત પ્રશાસન અધિકારીનું કાર્ય જ નથી કરતા પરંતુ ઈન્જેકશન લગાવવું, મલમ-પટ્ટી કરવી, પરિચર્યા કરવી વગેરે કાર્ય પોતે કરે છે. એમાંથી થોડા તો સ્વયં ડૉક્ટર છે. શિવજ્ઞાનથી જીવ સેવાના ભાવથી અનુપ્રાણિત, કાર્ય પર વ્યક્તિગર નજર રાખવાવાળા, દરેક જાતિ, કુળ, ધર્મ અને વર્ણના લોકો પ્રતિ સમાન ભાવથી સહાનુભૂતિપૂર્ણ આ સંન્યાસીઓની ઉપસ્થિતિને કારણે રોગી પોતાને સંસ્થાઓમાં સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે.

ઉપસંહાર :

પાછલા થોડા દશકાઓમાં ચિકિત્સા ક્ષેત્રમાં વિસ્મયકારી આમુલ પરિવર્તન થઈ ગયું છે. નવા નવા રોગ ઊગી નીકળ્યા છે. સ્વાસ્થ્ય અને ચિકિત્સાના સંબંધમાં નવી માન્યતાઓનો પ્રાદુર્ભાવ થયો છે. જેને સંક્ષેપમાં ત્રણ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવે છે : વ્યાપારીકરણ, તકનિકીકરણ અને વૈશ્વિકીકરણ (Commercialisation, Technicalisation and Globalisation) એ વાતે ખેદ થાય છે કે ચિકિત્સાશાસ્ત્ર હવે માનવીય વિજ્ઞાન અને કલા નથી રહ્યું, જે પહેલાં ક્યારેક હતું અને જે તેનું વાસ્તવિક રૂપ છે અને હોવું જોઈએ. આને બદલે ચિકિત્સાશાસ્ત્ર આજે ધનોપાર્જનનો ધંધો બની ગયું છે. ચિકિત્સાશાસ્ત્રના આ પક્ષની સ્વયં શ્રીરામકૃષ્ણે આકરી નિંદા કરી હતી. ટૅકનિકલ પ્રગતિએ ચિકિત્સાનાં કેટલાંક ક્ષેત્રોમાં ચમત્કાર કરી બતાવ્યા છે. પરંતુ તેનાથી ચિકિત્સા અત્યંત મોંઘી થઈ ગઈ છે. અને કેવળ ધનવાન અને અભિજાત-વર્ગને જ પોસાતી ચીજ થઈ ગઈ છે. બીજી બાજુ મૅલેરિયા, ક્ષયરોગ તથા ચેપથી ફેલાતા સંક્રામક રોગ, જેનો સંબંધ ગરીબી અને અસ્વચ્છતા (ગંદકી) સાથે છે તે ભારત જેવા વિકાસશીલ દેશમાં વધતા રહ્યા છે તથા તેની સમસ્યાએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. રામકૃષ્ણ મિશનની ચિકિત્સા સેવાઓનો એક સુવર્ણ ઇતિહાસ છે. કઠિનમાં કઠિન પરિસ્થિતિઓમાં આ સિદ્ધિ મેળવી છે. આવી રહેલી શતાબ્દીમાં મિશનને થોડી અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેણે ન્યૂનતમ વ્યયમાં શ્રેષ્ઠતમ ચિકિત્સાને, ટૅકનિકલ પ્રગતિના લાભને દેશનાં ખૂબ નિર્ધન લોકો પાસે દૂરના ખૂણા સુધી પહોંચાડવી પડશે. સાથોસાથ માનવીયતાનું ઉચ્ચ સ્તર જાળવી રાખવું પડશે તથા ચિકિત્સકોને પણ પ્રેરિત કરી નિઃસ્વાર્થ સેવા કરાવવી પડશે. મિશને આ કાર્યો કર્યાં છે, કરતું આવ્યું છે અને આવી રહેલી અનેક શતાબ્દીઓ સુધી કરવાનું સામર્થ્ય ધરાવે છે.

આજે રામકૃષ્ણ મિશનની ચિકિત્સા સેવાઓનું વર્તુળ વ્યાપક બની ગયું છે, જેમાં ૧૪ હૉસ્પિટલ છે, ૯૨ ડિસ્પેન્સરીઓ, ૨૮ ચલાયમાન ચિકિત્સાલય તથા પ પરિચારિકા (નર્સિસ) પ્રશિક્ષણ કેન્દ્ર છે. આમાં સાધારણ એવી હોમિયોપેથી ડિસ્પેન્સરી પણ છે અને આધુનિકતમ ચિકિત્સાલય પણ છે. પરંતુ રામકૃષ્ણ મિશન તેનાં ચિકિત્સા કેન્દ્રો અથવા તેમાં ચિકિત્સા પ્રાપ્ત કરી રહેલા રોગીઓની મોટી સંખ્યા પર ગર્વ નથી કરતું. તેને તો ગર્વ છે તેના કોઈ ખાસ કેન્દ્રની ટૅકનિકલ વિશેષતા પર. તેને ગર્વ છે એ ભાવ પર, જે આરાધનાના ભાવથી રોગી નારાયણોની સેવા કરવામાં આવે છે. એક રોગીની બરાબર નારાયણ જ્ઞાનથી સેવા એ ભાવથી વિહીન રહીને હજારો રોગીઓની સેવાથી ક્યાંય શ્રેષ્ઠતર છે.

ભાષાંતર : રિન્ટુ કલ્યાણી

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.