‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે – आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ – એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે તે સર્વોત્તમ છે.’ એટલા માટે અમે આ સ્તંભ પ્રારંભ કર્યો છે. આશા છે વાચકોને આ નવો સ્તંભ ગમશે. – સં.

સ્વામી વિવેકાનંદની વિનોદપ્રિયતા

સ્વામી વિવેકાનંદ વાતચીત દરમિયાન ઘણી વાર રમૂજી વાતો કહેતા. એક વાર અલમોડામાં પોતાનાં પાશ્ચાત્ય શિષ્યો સાથે વાતચીતના પ્રસંગમાં કહ્યું કે તેઓ જ્યારે અમેરિકામાં એક શહેરની લૉજમાં રહેતા હતા ત્યારે એક દંપતિની સાથે મુલાકાત થઈ જેઓ પ્રેત – પ્રદર્શન દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા. સ્વામીજીએ પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓએ આમ લોકોને છેતરવાનો ધંધો બંધ કરવો જોઈએ. જ્યારે તેઓ પતિને કહી રહ્યા હતા ‘તમારે આમ ન કરવું જોઈએ.’ ત્યારે જ પત્ની ત્યાં આવીને કહેવા લાગી, ‘હા સર, હું પણ તેમને આ જ વાત કહું છું, કારણ કે તેઓ પ્રેત બોલાવે છે અને મિસિસ વિલિયમ્સ (જે પ્રેત વતી બોલે છે) બધા પૈસા પડાવી લે છે.’

આ જ વખતે તેમણે એક યુવા ઍન્જિનિયર વિશે વાત કરી. જ્યારે સ્થૂળકાય મિસિસ વિલિયમ્સ પરદાની પાછળથી તેની દુબળી માતાના રૂપમાં આવી ત્યારે તે શિક્ષિત યુવક બોલી ઊઠ્યો, ‘વહાલી મા, આ પ્રેત જગતમાં તારા શરીરનો કેવો અદ્‌ભુત વિકાસ થઈ ગયો!’ આ સાંભળીને સ્વામીજીનું હૃદય બેસી ગયું. કેમ કે તે યુવકની મૂર્ખ વાતો સાંભળી તેમને લાગ્યું કે તેના માટે કોઈ આશા નથી રહી. તેમ છતાં એ યુવકને એક રશિયન પેઈન્ટરની વાર્તા સંભળાવી. એ ચિત્રકારને એક ખેડૂતના મૃત પિતાનું ચિત્ર દોરવાનું કહેવામાં આવ્યું હતું અને માત્ર એટલું જ વર્ણન આપવામાં આવ્યું હતું – ‘અરે, મેં તમને કહ્યું નહિ કે તેમના નાક પર મસો હતો?’ અંતે ચિત્રકારે કોઈ પણ એક ખેડૂતનું ચિત્ર દોરી તેના નાક પર એક મોટો મસો ચોંટાડી દીધો અને પછી પુત્રને સંદેશો મોકલાવ્યો કે ચિત્ર તૈયાર થઈ ગયું છે, તે આવીને જોઈ શકે છે. પુત્ર આવ્યો અને ચિત્રને જોતો રહ્યો. પછી ભાવાવેશમાં કહેવા લાગ્યો, ‘પિતાજી! પિતાજી! તમને છેલ્લે જોયા ત્યાર પછી તમે કેટલા બદલાઈ ગયા છો!’ આ વાર્તા સાંભળ્યા પછી પેલા યુવકે સ્વામીજી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું કારણ કે તે વાર્તાનો મર્મ સમજી ગયો હતો. પણ સ્વામીજીએ આ વાત સંભળાવતાં કહ્યું કે તેમને એ યુવકની આવી સમજણ શક્તિથી આશ્ચર્ય થયું હતું.

અન્ય એક વાર સ્વામીજીએ એક બિશપ વિશેની રસપ્રદ વાર્તા કરી. એ બિશપ એક ખાણની મુલાકાતે ગયા હતા. તેમણે ખાણમાં કાર્ય કરતા મજૂરોને બાઈબલની મહાનતા વિશે પ્રવચન આપ્યું. અંતમાં તેમણે મજૂરોને પૂછ્યું, ‘તમે ઈશુ ખ્રિસ્તને જાણો છો?’ તેમાંના એક મજૂરે જવાબમાં પૂછ્યું, ‘તેનો નંબર કહેશો?’ સ્વામીજીએ વાર્તા સંભળાવતાં કહ્યું, બિચારો મજૂર વિચારતો હતો કે જો બિશપ તેને ઈશુ ખ્રિસ્તનો નંબર કહી દેશે તો તે મજૂરોની ટોળીમાંથી એને શોધી કાઢશે!

એક વાર સ્વામીજી ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક માણસ નીચેની બર્થ મેળવવા માટે ઝઘડી રહ્યો હતો. સ્વામીજીએ ઝઘડો પતાવવા માટે તેને કહ્યું. ‘તમને જીવનની સૌથી ઊંચી બર્થ (માનવજન્મ) મળી છે, તો પછી નીચી બર્થનો આગ્રહ કેમ રાખો છો?’

સ્વામીજી જ્યારે અમેરિકામાં હતા ત્યારે વાર્તાલાપ કરતી વખતે તેમણે કહ્યું, ‘મારા જીવનના મોટામાં મોટો એક પ્રલોભનનો સામનો મારે અમેરિકામાં કરવો પડ્યો.’ એક મહિલાએ ટીખળ કરતાં પૂછ્યું, ‘શું હું જાણી શકું, કે તમને પ્રલોભિત કરનારી એ સ્ત્રી કોણ છે?’ સ્વામીજીએ હસતાં હસતાં ઉત્તર આપ્યો, ‘ઓહ, એ કોઈ સ્ત્રી નથી, એ તો છે – સંઘ – શક્તિની મહત્તા.’ સ્વામીજી અમેરિકનોની સંઘબદ્ધ થઈ હળીમળીને કાર્ય કરવાની ભાવનાથી પ્રભાવિત થયા હતા. સ્વદેશ પાછા ફરીને તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. ઘણાં વર્ષોથી તેમના મનમાં સંઘ સ્થાપવાની ઇચ્છા હતી, અમેરિકામાં પ્રેરણા મળવાથી વધુ બળવાન બની.

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.