* ડરશો નહિ; માનવજીવન દુઃખથી ભરેલું છે, અને ભગવાનનું નામ લઇને માનવીએ ધીરજથી બધું સહેવાનું છે. કોઈ પણ, અરે માનવદેહમાં ઈશ્વર પણ, શરીર અને મનની યાતનાથી બચી શકે તેમ નથી. અવતારો, સંતો અને સાધુઓને પણ દુ:ખની અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. કારણ કે, તેઓ સાધારણ માણસોનાં બંને પ્રકારનાં પાપો – કરવાનાં કર્મો નહીં કરવાથી અને નહીં કરવાનાં કર્મો કરવાથી લાગતાં પાપો – પોતાના ઉપર લઇ લે છે અને એ રીતે માનવ જાતના ભલા માટે પોતાનું બલિદાન આપે છે.

* કોઈ બધો વખત યાતના ભોગવી શકે નહીં; પૃથ્વી પર કોઈ આખી જિંદગી દુઃખમાંથી કાઢવાનું નથી. દરેક કર્મ તેનું પરિણામ લાવે છે અને તે પ્રમાણે દરેકને તક મળે છે.

* મારું બાળક કાદવથી ખરડાઇ ગયું હોય, અથવા તેને ધૂળ ચોંટી હોય, તો તેને સાફ કરવાની અને પછી મારા ખોળામાં લેવાની શું મારી ફરજ નથી?

* જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય છે, તે પોતાને હાથે ભૂંસી નાખે છે.

* મુસીબતો તો આવે. પણ તે કંઇ જિંદગીભર બેઠી રહેતી નથી. તમને માલૂમ પડશે કે એ બધી પૂલ નીચેના પાણીની માફક સડસડાટ ચાલી જાય છે.

* તમારા મનનો બોજો શ્રીરામકૃષ્ણ સમક્ષ ધરી દો. આંસુ સારતાં સારતાં તમારી તકલીફની વાતો તેમને કરો. તો તમારી ઇચ્છિત વસ્તુ તેઓ તમારા હાથમાં મૂકે છે, એવું તમને માલૂમ પડશે.

* કદી ડરતા નહીં. તેઓ સદા તમારી સંભાળ રાખે છે. તેમનું કામ કરો અને સાધના ચાલુ રાખો. રોજેરોજ થોડું થોડું કામ કરીએ તો મનમાંથી નકામા વિચારો નાસી જાય છે.

* આ સમસ્ત વિશ્વમાં જે સભર ભર્યો છે તે પ્રભુનું નામ લો. તેઓ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે.

* ભગવાન સમક્ષ તમારું શોકસંતપ્ત હૃદય ખુલ્લું કરો. આંસુ સારો અને સરળ ભાવે પ્રાર્થના કરો : ‘પ્રભુ! મને આપના તરફ આકર્ષો, મને મનથી શાંતિ આપો.’ કાયમ આમ કરવાથી ધીરે ઘીરે તમને માનસિક શાંતિ મળશે.

Total Views: 236

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.