રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી

ઈટા નગર

અરુણાચલ પ્રદેશમાં રામકૃષ્ણ મિશનના ઈટાનગર કેન્દ્ર દ્વારા ૨૩થી ૨૬ ઑક્ટોબર સુધી રામકૃષ્ણ મિશન શતાબ્દીની ભવ્ય ઉજવણી થઈ હતી. આ પ્રસંગે અરુણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી જિયોંગ અપાંગના વરદ્ હસ્તે ઈટાનગર કેન્દ્રની હૉસ્પિટલ માટે બ્લડ બૅન્ક, પીવાના પાણી માટેનો એક પ્લાન્ટ અને એક લૅપ્રોસ્કોપિક સર્જરી યુનિટનું ઉદ્‌ઘાટન થયું હતું. આ કેન્દ્ર અને એસોસિયેશન ઑફ સર્જન્સ, આસામના ઉપક્રમે સર્જનો માટેની કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત દેશના ૧૫૦ સર્જનોએ ભાગ લીધો હતો.

પોરબંદર

રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા ૩ ડિસેમ્બરના રોજ નવયુગ વિદ્યાલયમાં ‘સ્વામી વિવેકાનંદ અને યુવાનો’ પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું, જેમાં લગભગ ૮૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. એ જ દિવસે બાલુબા કન્યા વિદ્યાલયમાં ‘સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારી’ વિષે વ્યાખ્યાનનું આયોજન થયું હતું જેમાં ૪૫૦ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. બન્ને વિદ્યાલયોનાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમ જ શિક્ષક ભાઈ – બહેનોને ‘યુવાનોને’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.

૨૫મી નવેમ્બરના રોજ પોરબંદરમાં એક યુવ – શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૫૦ યુવા ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માધવાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના પ્રાંગણમાં યોજાયેલ આ શિબિરમાં પોરબંદરની વિભિન્ન શાળા – કૉલેજોના પ્રિન્સિપાલો અને શિક્ષક ભાઈ-બહેનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીના ‘વ્યક્તિત્વ વિકાસ’ વિશેના વક્તવ્યો બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતમાં શિબિરમાં ઉપસ્થિત સૌ યુવા ભાઈ-બહેનોને સ્વામી વિવેકાનંદનું પોસ્ટર અને ‘યુવાનોને’ એ પુસ્તક ભેટ રૂપે આપવામાં આવ્યાં હતાં.

રાજકોટમાં આધ્યાત્મિક શિબિર

૩૦મી નવેમ્બરના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સવારના પથી રાતના ૮ સુધી એક આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું, જેનો લાભ લગભગ ૩૦૦ ભાવિકજનોએ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ સ્વામી દિવ્યવ્રતાનંદજીનાં ભજનોથી થયો હતો. સ્વામી જિતાત્માનંદજી, સ્વામી આદિભવાનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં પ્રવચનો બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરના ભોજન બાદ ‘આદિ શંકરાચાર્ય’ પર વિડિયો ફિલ્મ દર્શાવવામાં આવી હતી. મંદિરમાં સંધ્યા આરતી બાદ સ્વામી પ્રમાનંદજી મહારાજે શિબિરાર્થીઓને આશીર્વચન આપ્યાં હતાં.

૫. બંગાળમાં મેલેરિયા રાહતકાર્ય

હાવડા જિલ્લામાં શિબપુરના ઝૂંપડાવાસીઓમાં ૧૫૦ મચ્છરદાનીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તર કલકત્તાના મેલેરિયાગ્રસ્ત ભાગોમાં મચ્છરદાનીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેમ જ મેલેરિયા રોગનો સામનો કરવા માટે ઉપયોગી સૂચનાઓના હૅન્ડબીલોનું વિતરણ પણ ક૨વામાં આવી રહ્યું છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આગામી કાર્યક્રમો

૨૦-૧-૯૮ સ્વામી વિવેકાનંદજીની જન્મતિથિ પ્રસંગે

સવારના ૫-૧૫ થી બપોરના ૧૨-૦૦ સુધી

મંગલ આરતી, વિશેષ પૂજા, ભજન, હવન, પ્રસાદ વિતરણ વગેરે અને સંધ્યા આરતી બાદ સ્વામી વિવેકાનંદજીના જીવન-સંદેશ વિશે પ્રવચન.

૧-૨-૯૮ શ્રી શ્રી સરસ્વતી પૂજા પ્રસંગે

સવારના ૫-૧૫ થી બપોરના ૧૨-૦૦ સુધી

મંગલ આરતી, શ્રી શ્રી સરસ્વતી માતાની વિશેષ પૂજા, ભજન, હવન, પ્રસાદ વિતરણ વગેરે.

દર શનિવારે અને રવિવારે અનુક્રમે ‘એકાગ્રતા અને ધ્યાન’ અને ‘ઉપનિષદ’ વિષયો પર પ્રવચનોનું આયોજન થાય છે અને દર એકાદશીના દિવસે સંધ્યા આરતી પહેલાં શ્રી રામામ સંકીર્તન યોજાય છે.

શ્રીરામકૃષ્ણ મિશને ૧૯૯૬-૯૭ના વર્ષમાં આશરે ૬૬ કરોડ રૂપિયાના ખર્ચ સાથે કરેલાં માનવ સેવા-રાહતનાં વિવિધ સેવા કાર્યો.

શ્રીરામકૃષ્ણ મિશનની ૮૮મી વાર્ષિક સાધારણ સભા બેલૂર મઠમાં તા.૧૪ ડિસેમ્બર, ૧૯૯૭ના રોજ બપોરે ૩-૩૦ કલાકે યોજાઈ હતી.

ગ્રામીણ અને આદિવાસી કલ્યાણ-કાર્યો માટે, શિવનહાલી, બેંગલોરમાં એક મિશન કેન્દ્રની સ્થાપના થઈ છે. વિવેકનગર(આમતલી)- અગરતલામાં એક નવા શૈક્ષણિક સંકુલ અને મોરાબાદી, રાંચીમાં સ્વામી વિવેકાનંદ અને ગ્રામ્ય વિકાસ વિશે નવા સ્થાયી પ્રદર્શનનું ઉદ્‌ઘાટન થયું હતું. સ્વામી વિવેકાનંદ પોતાની પરિવ્રાજક અવસ્થામાં ૧૮૯૧-૯૨માં પોરબંદરના ભોજેશ્વર બંગલામાં ચાર મહિના રહ્યા હતા, તે બંગલો ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીશ્રીએ આનુષ્ઠાનિક રૂપે રામકૃષ્ણ મિશનને અર્પણ કરી દીધો છે. બેંગલોર નગર-નિગમે ઑલ્ડ મદ્રાસ રોડનું નામકરણ શ્રી સ્વામી વિવેકાનંદ રોડ કર્યું છે.

આ વર્ષ દરમ્યાન ૪૯.૩૬ લાખ રૂપિયા દેશના વિવિધ રાજ્યો, બાંગ્લાદેશ તેમ જ શ્રીલંકામાં વિશાળ સ્તરે યોજાયેલા માનવ સેવા રાહત અને પુનર્વસવાટ કાર્ય પાછળ વપરાયા છે. રામકૃષ્ણ મિશનની આ સેવા-રાહતનો લાભ સાડા ત્રણ લાખ લોકોને મળ્યો છે. મહારાષ્ટ્રમાં ગયે વર્ષે પૂર્ણ થયેલ ભૂકંપ પુનર્વસવાટ રાહત કાર્ય પછી અનુકાર્ય રૂપે મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં એક વિશાળ પાયે સર્વતોમુખી ગ્રામીણ વિકાસ-યોજનાનું સંચાલન થઈ રહ્યું છે.

નિર્ધન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, વૃદ્ધ અને અસહાયને આર્થિક સહાય જેવા કલ્યાણ કાર્યો હેઠળ રૂા.૧.૨૭ કરોડ વાપરવામાં આવ્યા છે.

મિશનની ૯ હૉસ્પિટલો અને હરતાં ફરતાં દવાખાના સહિત ૯૦ ચિકિત્સા કેન્દ્રો દ્વારા ૫૦ લાખથીયે વધુ લોકોની ચિકિત્સા સેવા કરવામાં આવી છે. આ ચિકિત્સા સેવા હેઠળ રૂા.૧૪.૭૬ કરોડ જેવો ખર્ચ થયો છે.

વિભિન્ન શિક્ષણ સંસ્થાઓ દ્વારા બાલમંદિરથી માંડીને સ્નાતકોત્તર સુધીના વર્ગોમાં ૧,૧૫,૧૭૩ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રદાન કાર્ય થયું છે. આમાં ૩૩,૪૯૦ વિદ્યાર્થિનીઓનો પણ સમાવેશ થાય છે. આ શિક્ષણ કાર્ય માટે રૂા.૪૨.૯૫ કરોડનો ખર્ચ થયો છે.

મિશને રૂા. ૬.૨૫ કરોડ રૂપિયાના ખર્ચ સાથેની કેટલાંય ગ્રામ્ય અને આદિવાસી વિકાસ યોજનાઓની જવાબદારી પણ લીધી છે. આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારના ગરીબો માટે ઓછી કિંમતના મકાનોના બાંધકામ તેમ જ બીજા પ્રશિક્ષણ- તાલીમ કાર્યક્રમોનો સમાવેશ થયો છે.

સ્વામી વિવેકાનંદની વિદેશમાંથી ભારતમાં પ્રત્યાગમન-શતાબ્દી મહોત્સવની શ્રીલંકા, તામિલનાડુ અને કલકત્તામાં ભવ્ય ઉજવણી થઈ હતી. ૧ મે, ૧૯૯૭ના રોજ રામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવનો ભવ્ય ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો.

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.