૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૮. પાવનસલિલા ગંગાને કાંઠે શ્રી નીલાંબર મુખર્જીના બગીચામાં અવસ્થિત મઠમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી હતી. આરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓ સાથે, તાજેતરમાં પોતે રચેલ શ્રીરામકૃષ્ણદેવનું આરતી-સ્તવન ‘ખંડન ભવબંધન’… ગાવાનું શરૂ કર્યું. સ્વામીજી પોતે જ મૃદંગ બજાવવા લાગ્યા. કેવું અદ્‌ભુત હશે એ વાતાવ૨ણ! ત્યારે આ સ્તવનની પહેલી અને છેલ્લી કડી જ ગવાતી. બાકીની કડીઓ સ્વામીજીએ પાછળથી ઉમેરી હતી. ‘સંપદ તવ શ્રીપદ’ આ કડી પૂરી થયા પછી બધા આનંદમાં ભાવવિભોર થઈ નૃત્ય કરતાં કરતાં ગાવા લાગ્યાઃ

નમો નમો પ્રભુ વાક્ય મનાતીત
મનોવચનૈકાધાર
જ્યોતિર જ્યોતિ ઉજલ હૃદિકન્દર
તુમિ તમોભંજનહાર
પ્રભુ તુમિ તમોભંજનહાર ॥

ધે ધે ધે લંગ રંગ ભંગ, બાજે અંગ સંગ મૃદંગ,
ગાઈ છે છંદ ભક્ત વૃન્દ આરતી તોમાર ॥

જય જય આરતી તોમાર
હર હર આરતી તોમાર
શિવ શિવ આરતી તોમાર ॥

‘વાક્ય અને મનથી ૫૨, મન અને વચનના એક જ આધારરૂપ હે પ્રભુ, તમને વારંવાર પ્રણામ. તમે જ્યોતિના પણ જ્યોતિ, પ્રકાશ આપનાર છો. તમે અમારી હૃદયગુહા ઉજ્જવળ કરનારા અને અમારા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા છો. ભક્તો છંદ સાથે તમારી આરતી ગાય છે. સાથે સાથે ધે ધે ધે લંગ એવા અવાજથી મૃદંગ અને બીજાં વાઘો વાગે છે. તમારી આરતીનો જય હો…હે હર, હે શિવ, તમારી આરતી થાય છે.’

સ્વામીજીએ પોતે આ અમર સ્તવનને પારંપારિક સંગીતની ધ્રુવપદ શૈલીમાં લયબદ્ધ અને તાલબદ્ધ કર્યું હતું. ભાવોના ઉચ્ચતમ શિખરોથી રચાયેલ આ અદ્‌ભુત સ્તવન શ્રીરામકૃષ્ણદેવના અનંત ભાવોને, અનંત ગુણોને અનંતલીલાને ભક્તો સમક્ષ પ્રકટ કરે છે અને તેઓના મનને ઉચ્ચ ભાવસ્થિતિમાં પ્રસ્થાપિત કરે છે. ભાવ, સંગીત, લય, તાલ, બધી દૃષ્ટિએ બેજોડ આ સ્તવન આજે તો દેશવિદેશમાં લાખો લોકો દ્વારા દરરોજ સંધ્યાટાણે ગવાય છે. આ એક સાર્વભૌમિક પ્રાર્થના છે, કારણ કે સંપૂર્ણ સ્તવનમાં ક્યાંય પણ સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવના નામનો ઉલ્લેખ કર્યો નથી; સૌ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે પોતપોતાના ઈષ્ટની આરતી કરી શકે. બંગાળીમાં રચાયેલ હોવા છતાં બંગાળી ભાષા ન જાણનારા પણ સરળતાથી સમજી શકે એવા શબ્દોનો ઉપયોગ આ સ્તવનમાં સ્વામીજીએ કર્યો છે.

અનંત ભાવોથી ભરપૂર આ સ્તવન પર ગહન ચિંતન કરતાં કરતાં નિત્ય નવા અર્થો સાધકોના મનમાં પ્રકટ થતા જાય છે, માટે જ આ સ્તવનની વ્યાખ્યા કરવી કે સમજવી અત્યંત દુષ્કર છે અને સાધનાસાપેક્ષ છે. તેમ છતાં આ સ્તવનની વિભિન્ન કડીઓની વ્યાખ્યા ધારાવાહિક રૂપે રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે, એ આશાથી કે વાચકોને આ સ્તવનમાં અવગાહન કરવાની પ્રેરણા મળે.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં સુંદર પ્રસંગ આવે છે. ૫મી ઑગસ્ટ ૧૮૮૨ના રોજ શ્રી રામકૃષ્ણદેવ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને મળવા ગયા હતા. વાતચીતના પ્રસંગમાં શ્રીરામકૃષ્ણદેવે કહ્યું : ‘બ્રહ્મ શું એ મુખેથી બોલી શકાય નહિ. બધી વસ્તુ એંઠી થઈ ગઈ છે; વેદ, પુરાણ તંત્ર, ષડ્‌દર્શન, એ બધાં એંઠાં થઈ ગયાં છે! મોઢેથી બોલવામાં આવ્યાં છે, મોઢેથી ઉચ્ચારણ થયું છે, એટલે જાણે કે એઠાં થઈ ગયાં છે; પરંતુ માત્ર એક વસ્તુ એંઠી થઈ નથી. એ વસ્તુ બ્રહ્મ. બ્રહ્મ શું તે આજ સુધી કોઈ મુખેથી બોલી શક્યું નથી.’ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આ વાતથી એવા પ્રભાવિત થઈ ગયા કે બોલી ઊઠ્યા, ‘વાહ! આ તો બહુ સરસ વાત! આજે એક નવી વાત શીખ્યો!’

આ પછી શ્રીરામકૃષ્ણદેવે એક વાર્તા સંભળાવી. એક બાપને બે દીકરા. બ્રહ્મવિદ્યા શીખવા માટે બંને છોકરાને બાપે આચાર્યના હાથમાં સોંપ્યા. કેટલાંક વર્ષો આચાર્યને ઘેર રહ્યા પછી તેઓ પોતાને ઘેર પાછા ફર્યા ત્યારે બાપે તેઓની પરીક્ષા લીધી. બાપે મોટા દીકરાને પૂછ્યું, ‘બેટા! બ્રહ્મ કેવો છે તે બોલ જોઉં.’ મોટા દીકરાએ વેદોના કેટલાય મંત્રો બોલી બોલીને બ્રહ્મનું સ્વરૂપ સમજાવવા માંડ્યું! આ પછી બાપે નાના દીકરાને પણ આ જ પ્રશ્ન પૂછ્યો. નાનો દીકરો ચૂપ રહ્યો. એક શબ્દનું પણ તેણે ઉચ્ચારણ કર્યું નહિ. પિતા તેના પર પ્રસન્ન થઈને બોલ્યા, ‘બેટા! તું જ સમજ્યો છે! બ્રહ્મ શું એ મોઢેથી બોલી શકાય નહિ.’

શ્રીરામકૃષ્ણદેવે ફરી આ વાત સમજાવતાં હસતાં હસતાં, કહ્યું; ‘એક મીઠાની પૂતળી સમુદ્ર માપવા ગઈ! સમુદ્રનું પાણી કેટલું ઊંડું છે એની તપાસ કરવા માટે. પણ ખબર આવ્યા જ નહિ. એ જેવી ઊતરી તેવી જ ઓગળી ગઈ! પછી આવીને કોણ ખબર આપે?’ આ ઉપમા આપતાં શ્રીરામકૃષ્ણદેવે સમજાવ્યું કે બ્રહ્મ મન અને વાણીથી અતીત છે, સચ્ચિદાનંદ સાગરમાં ઊતર્યા પછી પાછા ફરી શકાય નહિ તો પછી તેનું વર્ણન કેવી રીતે કરે?

‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માં સ્વામી શારદાનંદજી મહારાજ લખે છે કે અનેક પ્રયત્નો કરવા છતાં શ્રીરામકૃષ્ણદેવ પોતાના બ્રહ્મદર્શન વિશે કંઈ બોલી ન શક્યા. કારણ કે બ્રહ્મ તો ‘વાક્યમનાતીત’ છે. એક દિવસ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘આજે તો તમને બધી વાત કહી દઈશ, જરા પણ છુપાવીશ નહીં.’ એમ કહીને તેમણે શરૂઆત કરી. હૃદય અને કંઠ સુધીનાં તમામ ચક્રો વિશે સારી રીતે સમજાવ્યું. પછી ભૂમધ્યસ્થળ દેખાડીને કહ્યું, ‘આ સ્થળે મન ચડતાં જ પરમાત્માનાં દર્શન થાય અને જીવને સમાધિ થાય. ત્યારે પરમાત્મા અને જીવાત્મા વચ્ચે કેવળ એક સ્વચ્છ પાતળા પડદાની આડશ બાકી રહે. ત્યારે તે એમ જુએ કે…’ એમ કહીને જેવા પરમાત્મ દર્શનની આ વાત વિગતે વર્ણવવા લાગ્યા ત્યાં તો સમાધિમાં લીન થઈ ગયા! સમાધિ તૂટતાં ફરી વાર કહેવા પ્રયાસ કર્યો ને ફરી વાર સમાધિ લાગી ગઈ! એ પ્રમાણે અનેક વાર પ્રયત્ન કર્યા પછી સજળ નયને ઉપસ્થિત ભક્તોને કહ્યું, ‘અરે, મન તો હતું કે બધી વાત કહી દઈશ, લગીરે તમારાથી છાનું નહિ રાખું, પણ માએ કેમેય કરીને કહેવા દીધું નહીં. મોઢું જ દબાવી દીધું!’ સ્વામી શારદાનંદજી મહારાજ લખે છે કે તેઓ વિચારવા લાગ્યા, ‘આયે કેવી વાત! નજરે જોઈએ છીએ કે વાત કહેવા માટે તેઓ આટલી કોશિશ કરે છે અને કહી ના શકવાથી એમને કષ્ટ થાય છે તે ય સમજી શકીએ છીએ. પણ કેમેય કરીને તેઓ કહેવા પામતા નથી. આ મા પણ કેવી છે?’ પાછળથી એમને સમજાયેલું કે જેમની મદદથી બોલવા ચાલવાનું બને છે તે મનબુદ્ધિની દોડ બહુ લાંબે નથી પહોંચતી અને જેટલી હદ સુધી તે દોડી શકે છે તે હદની બહાર ગયા વગર પરમાત્માનો પૂર્ણ દર્શન થાય જ નહિ! ભક્તોના સ્નેહને વશ થઈ શ્રીરામકૃષ્ણદેવ અસંભવિતને સંભવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક પૉલ ડેવિસ પોતાના પુસ્તક – ‘The Mind of God’ (‘ઈશ્વરનું મન’)માં જણાવે છે કે આપણી તર્કબુદ્ધિ દ્વારા વિશ્વના રહસ્યને જાણવું અશક્ય છે. તેઓ લખે છે ‘આપણે કૅન્ટર્સ ઍબ્સોલ્યુટ (Cantor’s Absolute) અથવા અન્ય કોઈ સંપૂર્ણ તત્ત્વને તર્ક દ્વારા જાણી શકીએ નહિ, કારણ કે સંપૂર્ણ તત્ત્વ સદા ય ‘ઐક્ય’ હોવાથી અને આ કારણે પોતાનામાં પૂર્ણ હોવાથી પોતાને પણ સમાવી લેશે. જો આપણે આની પાર જવું હોય તો ‘સમજણશક્તિ’નો એવો અભિગમ લેવો જોઈએ જે તાર્કિક ખુલાસાથી જુદો જ હોય. કદાચ અધ્યાત્મ માર્ગ જ આવી સમજણશક્તિ પામવાનો એક માત્ર માર્ગ છે – કદાચ તે જ એવી સીમાની પેલે પાર જવાનો રાહ બતાવે છે, જ્યાં વિજ્ઞાન અને દર્શન નથી જઈ શકતાં, કદાચ તે જ (‘અધ્યાત્મ’નો માર્ગ જ) અંતિમ સત્યને પામવાનો એક માત્ર માર્ગ છે.’

‘તૈત્તિરિયોપનિષદ’માં પણ બ્રહ્મ વિશે કહ્યું છે :

‘यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह’

‘જ્યાંથી વાણી વગેરે સમસ્ત ઈન્દ્રિયો મનની સાથે પાછી વળે છે.’

સ્વામી વિવેકાનંદજીએ એક વાર વાતચીતના પ્રસંગમાં કહ્યું હતું, ‘હકીકતમાં સામાન્ય અનુયાયીઓ શ્રીરામકૃષ્ણને જેટલા સમજ્યા છે, તેટલા જ માત્ર તેઓ નથી. તેમના ચરિત્રની અનેક બાજુઓ હતી અને માનસિક વલણો પણ અનંત હતાં. બ્રહ્મજ્ઞાનની, નિર્વિશેષ તત્ત્વજ્ઞાનની મર્યાદાનો પણ કદાચ તમે ખ્યાલ કરી શકો, પણ તેમના મનના અગાધ ઊંડાણની કલ્પના કરી શકાય નહિ! તેમની કરુણાપૂર્ણ આંખોની એક દૃષ્ટિથી હજારો વિવેકાનંદ ઉત્પન્ન થાય!’

બ્રહ્મનાં બે સ્વરૂપ છે – ૫૨ (transcendental) બ્રહ્મ અને અપર (Immanent) બ્રહ્મ. પરબ્રહ્મ ‘વાક્યમનાતીત’ છે પણ અપર બ્રહ્મ દરેક જીવમાં અવસ્થિત છે, મન અને વાણીનો આધાર તે જ છે ‘મનોવચનૈકાધાર’ :

કેનોપનિષદમાં કહેવામાં આવ્યું છે :

श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत्
वाचो ह वाचं स उ प्राणस्य प्राणः ।

चक्षुषश्चक्षुरतिमुच्यधीराः
प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ॥

(કેન ઉ. : ૧/૨)

‘જે મનનો મન છે, પ્રાણનો પ્રાણ છે,, વાક્ ઈન્દ્રિયનો વાક્ છે, શ્રોત્રેન્દ્રિયનો શ્રોત્ર છે, ચહ્યુ ઈન્દ્રિયનો ચક્ષુ છે, એવા એ બ્રહ્મને જાણીને ધીર લોકો, જીવન્મુક્ત બની મર્યા પછી અમર થઈ જાય છે.’

આ બ્રહ્મ (પરમાત્મા) વિશે બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે – ‘ज्योतिषां ज्योति’. તે પ્રકાશને પણ પ્રકાશ દેવાવાળો છે. ચંદ્ર પ્રકાશિત થતો દેખાય છે, પણ તેનો પોતાનો કોઈ પ્રકાશ નથી, એ તો સૂર્ય પાસેથી ઊછીનો લીધેલ પ્રકાશ છે. તો પછી સૂર્યનો પ્રકાશ ક્યાંથી આવ્યો? ઉપનિષદના કથન પ્રમાણે દરેક પ્રકાશનો પ્રકાશક તે જ બ્રહ્મ (પરમાત્મા) જ છે. કઠોપનિષદમાં આ વિશે સુંદર શ્લોક છે :

न तत्र सूर्यो भाति न चन्द्रतारकं
नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।

तमेव भान्तमनुभाति सर्वं
तस्य भासा सर्वमिदं विभाति ॥

(કઠ. ઉ. ૨/૨/૧૫)

‘ત્યાં ન તો સૂર્ય પ્રકાશિત થાય છે, ન તો ચંદ્રમા અથવા તારાઓ પ્રકાશિત થાય છે ન વીજળી પ્રકાશિત થાય છે તો પછી અગ્નિ કેવી રીતે પ્રકાશિત થઈ શકે? તેના (બ્રહ્મના) પ્રકાશિત થવાથી જ સર્વ વસ્તુઓ પ્રકાશિત થાય છે.’

આવો પ્રજ્જ્વલિત આત્મા અથવા બ્રહ્મ દરેક જીવની હૃદયરૂપી ગુફામાં અવસ્થિત છે. તેમ છતાં આપણને દેખાતો નથી, કારણ કે તે છુપાઈને બેઠેલો છે. તો પછી તેનો પુરાવો શો? કેટલાક લોકોએ તેનાં દર્શન કર્યાં છે એ જ તેનો પુરાવો છે. કોણ તેનાં દર્શન કરી શકે? જેઓની બુદ્ધિ અત્યંત એકાગ્ર અને શુદ્ધ છે, જેઓ સૂક્ષ્મદર્શી છે, તેઓ જ તેનાં દર્શન કરી શકે.

કઠોપનિષદમાં કહ્યું છે :

एष सर्वेषु भूतेषु गूढोत्मा न प्रकाशते ।
दृश्यते त्वग्र्यया बुद्धया सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥

(કઠ. ઉ. : ૧/૩/૧૨)

‘આ આત્મા (અથવા પરમાત્મા) સમસ્ત પ્રાણીઓમાં અવસ્થિત છે. પણ (માયાના આવરણથી) ગૂઢ રીતે રહેલો છે. તેથી દેખાતો નથી. કેવળ સૂક્ષ્મદર્શીઓ અતિ તીક્ષ્ણ બુદ્ધિ દ્વારા તેનાં દર્શન કરે છે.’

હવે આ અજ્ઞાનાંધકાર દૂર કેવી રીતે થાય? ઈશ્વરને પ્રાર્થના કરવાથી. તેઓ માત્ર ‘જ્યોતિઓના જ્યોતિ’ જ નથી, તમોભંજનહાર (અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર) પણ છે. માટે સ્વામી વિવેકાનંદજી આ આરતી સ્તવમાં કહે છે : ‘ઉજલ હૃદિકંદર, તુમિ તમોભંજનહાર’ ‘હે પ્રભુ, તમે અમારા હૃદયની ગુફામાં પ્રજ્જ્વલિત થાઓ, અમારો અજ્ઞાનાંધકાર દૂર થાય.’

તૈત્તિરિયોપનિષદમાં બ્રહ્મ વિશે કહેવામાં આવ્યું છે-

‘सत्यं ज्ञानमनन्तं ब्रह्म’

‘બ્રહ્મ સત્ય, જ્ઞાનસ્વરૂપ અને અનંત છે’

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :

तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः ।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥

(ગીતા : ૧૦/૧૧)

‘હે અર્જુન! તેઓના પર અનુગ્રહ કરવા માટે તેઓના અંતઃકરણમાં રહી હું પોતે જ તેઓના અજ્ઞાનાંધકારને પ્રકાશમય તત્ત્વજ્ઞાનરૂપ દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું.’

એ જ નિર્ગુણ નિરાકા૨ પરબ્રહ્મ સગુણ સાકાર થાય છે, પૃથ્વી પર અવતરિત થાય છે, જીવો પર દયા કરવા માટે. આ વખતે તેમણે શ્રીરામકૃષ્ણરૂપ ધર્યું છે. આપણા અંતરમાં રહેલા અજ્ઞાનાંધકારને દૂર કરવા માટે. એટલા જ માટે શુદ્ધ સાત્ત્વિકગુણનું ઐશ્વર્ય લઈને તેઓ આવ્યા છે. ‘ભવબંધન’નું ખંડન કરનાર એ ‘જ્યોતિના જ્યોતિ’ સ્વરૂપ શ્રીરામકૃષ્ણદેવની આરતી આપણે આંતરિક્તાથી નિત્ય કરીશું, તો અવશ્ય આપણા અંતરમાં રહેલ અજ્ઞાનાંઘકાર દૂર થશે, આપણે દરેક પ્રકારના બંધનથી, દરેક પ્રકારના દુઃખથી મુક્ત થઈ જઈશું. બસ, પછી તો કેવળ આનંદ જ આનંદ! સ્વામી વિવેકાનંદજી કેવળ પોતાની વ્યક્તિગત મુક્તિથી સંતુષ્ટ નથી, તેઓ તો ચાહે છે – ‘સમષ્ટિ મુક્તિ’ – આ વિશ્વના દરેક જીવની મુક્તિ. વિશ્વના દરેક જીવનો અજ્ઞાનાંધકાર દૂર થઈ જાય તો! ઓહ! એ કલ્પના જ કેટલી આહ્લાદક છે! બસ, પછી તો આનંદ આનંદ પરમાનંદ! પછી તો એ પરમાનંદની મસ્તીમાં નૃત્ય કરવાનું, વાંજિત્રોના શબ્દો ‘ધે ધે ધે’ની સાથે ગાવાનું – ‘હે પ્રભુ, તમારી આરતી થાઓ, તમારી જય હો, તમારી આરતી થાઓ, હર, હર, (પીડાહરણ કરવાવાળા) તમારી આરતી થાઓ, શિવ શિવ (મંગલકારી) તમારી આરતી થાઓ.’ તો ચાલો, આપણે પણ સ્વામી વિવેકાનંદજીની સાથે આ આરતીમાં જોડાઈએ અને આનંદપૂર્વક ઘોષણા કરીએ – જય શ્રી ગુરુ મહારાજજી કી જય!

Total Views: 242

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.