પોરબંદરમાં સ્વામી વિવેકાનંદજીની કાંસ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા

પોરબંદરમાં જે ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદજીએ લાગલગાટ ચાર માસથી વધુ નિવાસ કર્યો હતો તે બંગલો ૧૨મી જાન્યુઆરી ૧૯૯૭ના રોજ ગુજરાત સરકારે શ્રીરામકૃષ્ણ મિશનને વિધિવત અર્પણ કર્યો હતો જેથી ત્યાં સ્વામી વિવેકાનંદજીનું સ્મૃતિ મંદિર બની શકે. તેની આસપાસની જમીન પણ તાજેતરમાં રામકૃષ્ણ મિશનને મળી છે જેથી પુસ્તકાલય, ઑડિટૉરિયમ, ઔષધાલય વગેરે સેવાપ્રવૃત્તિઓ પ્રારંભ થઇ શકે. આ ભૂમિખંડ પર સ્વામી વિવેકાનંદજીની ૯ ફૂટ ઊંચી એક ભવ્ય કાંસ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ છે, જેનું અનાવરણ ૧૨મી જાન્યુઆરી ૧૯૯૮, (રાષ્ટ્રીય યુવા દિન – સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ)ના રોજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ સ્વામી શ્રીધરાનંદજી મહારાજના હસ્તે થયું. આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશભાઇ મહેતા, જુનાગઢ પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઇ ગાજીપરા, મૅગ્સેસૅ ઍવોર્ડ પ્રાપ્ત કરનાર ભારતનાં પ્રથમ મહિલા આઇ.પી.એસ. ઑફિસર ડૉ. કિરણ બેદી, પોરબંદરના પ્રબુદ્ધ નગરજનો તેમ જ સ્કૂલ – કૉલેજોના વિદ્યાર્થી ભાઇ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતાં.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મૅમોરિયલના સૅક્રેટરી સ્વામી જિતાત્માનંદજી મહારાજે પોતાના સ્વાગત પ્રવચનમાં પોરબંદરમાં સ્વામી વિવેકાનંદજીના સ્મૃતિ મંદિર માટે ભોજેશ્વર બંગલો તેમ જ પાસેની જમીન ફાળવવા માટે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ શ્રી સુરેશભાઇ મહેતા તેમ જ શ્રી શંકરસિંહ વાઘેલા, અન્ય મંત્રીશ્રીઓ, સરકારી અધિકારીઓ તેમ જ પોરબંદરના વિવિધ આગેવાનોને હાર્દિક અભિનંદન આપ્યાં હતાં. પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ સ્મૃતિ મંદિરની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવનાર વ્યક્તિઓ શ્રી પી.એમ. જોષી, શ્રી જ્યોતિબહેન થાનકી, શ્રી નાથાભાઇ રૈયા૨ેલા તેમ જ શ્રી મનુભાઇ વિઠલાણીએ અનુક્રમે સ્વામી શ્રીધરાનંદજી મહારાજ, ડૉ. કિરણ બેદી, શ્રી સુરેશભાઇ મહેતા તેમજ શ્રી ભરતભાઇ ગાજીપરાનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ સ્વામી શ્રીધરાનંદજી મહારાજે ભારપૂર્વક કહ્યું હતું કે હવે કેવળ વાતો કરવાથી નહિ ચાલે, કરીને બતાવવું પડશે, સ્વામી વિવેકાનંદજીના સંદેશ પ્રમાણે ચાલીને આપણું ચારિત્ર્ય ઘડતર તેમ જ રાષ્ટ્ર ઘડતર કરવાનો સંકલ્પ લઇશું તો જ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાના અનાવરણનો આ પ્રસંગ સાર્થક થશે.

અત્યંત પ્રેરક અને જોશીલા – પોતાના વક્તવ્યમાં કિરણ બેદીએ પોરબંદરના પ્રજાજનોને ગુંડાગર્દીનો બહાદૂરીપૂર્વક સામનો કરવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ પાવન સુદામાપુરી, જ્યાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ થયો, જ્યાં સ્વામી વિવેકાનંદજી જેવી વિશ્વ વિભૂતિએ આટલો મોટો સમય ગાળ્યો, એમના માટે મહાન તીર્થરૂપ છે. આવી પાવનભૂમિમાં ગુંડાગર્દી કેમ ચલાવી લેવાય છે એનું જ એમને આશ્ચર્ય થયું. ઉપસ્થિત યુવા ભાઇ-બહેનોને તેમણે સ્વામી વિવેકાનંદજીના સંદેશનું અનુસરણ કરી દેશને મહાન બનાવવાની હાકલ કરી હતી. વધુમાં તેમણે વિદ્યાર્થી ભાઇ-બહેનોને કહ્યું, ‘જો તમે સમસ્યાઓનું સમાધાન પોતે નહિ શોધો તો તમે જ સમસ્યા બની જશો.’

‘પોતાનું કાર્ય કરતાં સેવા કરતા રહો’ – સ્વામી શ્રીધરાનંદજી
‘સ્વામી વિવેકાનંદના સંદેશ પ્રમાણે ચાલીને રાષ્ટ્રઘડતર કરીએ’ – ડૉ. કિરણ બેદી

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી, રાષ્ટ્રીય યુવાદિનના ઉપલક્ષ્યમાં ૧૧મી જાન્યુઆરી – ૧૯૯૮ના સાંજના શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પટાંગણમાં મળેલી વિશાળ જનમેદની સમક્ષ ઉપર્યુક્ત શબ્દો શ્રીરામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ અને મૅગ્સેસૅ ઍવોર્ડ વિજેતા ડૉ. કિરણ બેદીએ ઉચ્ચાર્યા હતા.

આ સભાના અધ્યક્ષસ્થાનેથી બોલતાં સ્વામી શ્રીધરાનંદજીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદજીના આદર્શો પ્રમાણે કાર્ય કરતાં કરતાં સર્વ સેવા – શિવ જ્ઞાને જીવ સેવા કરો અને આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત કરતાં શીખો, એના દ્વારા જ સમાજની સાચી તંદુરસ્તી આવશે. માનવજીવનની સાર્થકતા માટે આધ્યાત્મિક મૂલ્યોનો વિનિયોગ એ આજના યુગમાં અત્યંત આવશ્યક વસ્તુ છે. સ્વામી જિતાત્માનંદજીએ પોતાના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદજીની દૃષ્ટિએ માત્ર ભારત જ સમગ્ર જગતને ડૂબતું બચાવી શકશે અને તે પોતાની આધ્યાત્મિક શક્તિના બળથી. આપણા આદર્શ બનવા જોઈએ – સ્વામી વિવેકાનંદજી અને મહાત્મા ગાંધી. એમને વિસારે પાડીને આજે આપણે આપણું પોતાનું દુઃખ નોતરી રહ્યા છીએ. ડૉ. કિરણ બેદીએ પોતાના હૃદયસ્પર્શી વકતવ્યમાં વિનમ્ર ભાવે જણાવ્યું હતું કે, સ્વામીજીના સિદ્ધાંતો દ્વારા જ આપણે રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. આ માટે જરૂરી છે જ્ઞાન, કર્તવ્ય અને ચારિત્ર્ય. ‘થશે’, ‘ચાલશે’, ‘મોટા થઇને કરીશું’ એ વૃત્તિનો આપણે ત્યાગ કરવો જોઇશે અને વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, મહિલાઓએ, માતાઓએ દેશ સેવા માટે, સર્વ સેવા માટે મંડી પડવું પડશે. મા-બાપ બાળપણથી જ બાળકોમાં સંસ્કારનાં બીજ રોપે એ જરૂરી છે. ધનવાન, પ્રામાણિક બને. હક્કનું ધન ભલે રાખે પણ અણહક્કનું દેશને આપી દે. એટલું જ નહીં એ આપેલા ધનનો સદુપયોગ થાય એ પણ જુએ. એ જરૂરી છે. ધનવાનોએ પોતાના ધનના ટ્રસ્ટી બનીને ધનનો ઉપયોગ કરવો જરૂરી છે. આપણે સ્વામી વિવેકાનંદ ન બની શકીએ તો કઇ નહીં પણ નરેન્દ્ર તો બનીએ, એ વાત એમણે વેધક શબ્દોમાં વર્ણવી હતી.

ફ્લાઇટ બે કલાક જેટલી મોડી થવા છતાં પણ લોકો ડૉ. કિરણ બેદીને સાંભળવા આતુર બની બેઠા રહ્યા અને તાળીઓના ગડગડાટથી તેમના આગમન સમયે એમનું અભિવાદન કર્યું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમનાં મહિલા ભક્તો દ્વારા તેમને બારીક ગૂંથણકામ કરેલ પોષાક આપવામાં આવ્યો હતો. એ પ્રસંગે ભાવભર્યા શબ્દોમાં તેઓ બોલી ઊઠ્યાં કે મારે તો સંન્યાસીના પોષાકની આવશ્યકતા છે.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સેવા-કાર્યો

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા બળોલ, પાણશીંગા, ચુડા અને શિયાણી ગામની ચાર હાઇસ્કૂલોના જરૂરિયાતવાળા ૨૦ વિદ્યાર્થીઓને અભ્યાસ સહાયરૂપે નવી સાઇકલ આપવામાં આવી હતી. લીંબડી, સાયલા અને ચોટીલા તાલુકાની ૨૩ સ્કૂલોના અને ૪ ગામડાંમાં ૧૦૨૪ વિદ્યાર્થીઓને ગરમ અને સુતરાઉ કપડાં આપવામાં આવ્યાં હતાં. તા. ૧૮-૧૨-૧૯૯૭ના રોજ યોજાયેલા નેત્રયજ્ઞમાં કુલ ૧૭૫ દર્દીઓ (૬૯ ભાઇઓ, ૧૦૬ બહેનો)ને ચકાસવામાં આવ્યા હતા તેમ જ મફત દવા, ચશ્મા અને ફુડ પેકેટ પણ આપવામાં આવ્યાં હતાં. આ દર્દીઓ પૈકી ૭ દર્દીઓને આંખના જુદા જુદા રોગોનાં ઑપરેશન માટે શિવાનંદ મિશન હૉસ્પિટલ, વીરનગર મુકામે લઇ જવામાં આવ્યા હતા.

‘આધુનિક શિક્ષણ + આધ્યાત્મિક શિક્ષણ એટલે પૂર્ણ શિક્ષણ’ – ડૉ. રવીન્દ્ર દવે

૨૮ ડિસેમ્બર ‘૯૭ રવિવારના સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી યોજાયેલ ‘૨૧મી સદીમાં ભારત’ એ વિશેના પરિસંવાદમાં ઉપર્યુક્ત શબ્દો ડો. રવીન્દ્ર દવે (ભૂતપૂર્વ શિક્ષણ સલાહકાર, યુનેસ્કો)એ પોતાના પ્રવચનમાં ઉચ્ચાર્યા હતા. વૈશ્વિકીકરણ, આધુનિકીકરણ, દૂરદર્શન; અને તેમાં દર્શાવાતાં બિભત્સ અને હિંસાનાં દ્રશ્યો અને આધ્યાત્મિક વિનાનું કોરું આજનું આધુનિક શિક્ષણ માનવની શૈતાનિયતને જ જગાડશે – જગાડે છે. આપણે આપણા પ્રાચીન આધ્યાત્મિકતા વારસાને અને શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદે આપેલા સર્વધર્મ સમભાવને ભૂલીશું તો આપણે પણ દક્ષિણ કોરિયા, ચિલી, બ્રાઝિલ, આર્જેન્ટિના જેવું મહાન પતન નોતરીશું.

સ્વામી જિતાત્માનંદજીએ જણાવ્યું હતું કે, શ્રીરામકૃષ્ણદેવે પ્રબોધેલા સર્વધર્મ – સમભાવ અને શિવજ્ઞાને જીવ સેવાના આદર્શ જ આજના જગતના માનવને દિવ્ય માનવ બનાવશે.

જાણીતા જૈન ચિંતક અને રાજકોટના ઉદ્યોગપતિ શ્રી શશીકાન્તભાઇ મહેતાએ અહિંસા, અપરિગ્રહ અને આધ્યાત્મ – બિરાદરીની આવશ્યકતા પર ભાર મૂકીને કહ્યું હતું કે, મહાવીર, મહાત્મા ગાંધી અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આદર્શો સાથે જીવન જીવવાની આજે તાતી જરૂર છે.

ઇસરોના ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી ઓ. પી. એન. કલ્લાએ સ્વામી વિવેકાનંદના આદર્શો પ્રમાણે ગામડાના લોકોની સર્વ સેવા અને શિક્ષણ માટે અવકાશયાનના વિવિધ તબક્કાઓનો ખ્યાલ આપીને ૨૧મી સદીમાં ભારતના અવકાશી ક્ષેત્રમાં પદાર્પણની વાત કરી હતી.

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીમાં માર્ગદર્શન – હૂંફ-ઉષ્માના અભાવે છિન્નભિન્ન થતા યુવાધનને સન્માર્ગે વાળવા આધ્યાત્મિકતા અને આધ્યાત્મિક જગાડનારા, મનની એકાગ્રતા આપતા સાચા શિક્ષણની આજે અત્યંત આવશ્યકતા છે.

કમ્પ્યુટર વિજ્ઞાન વિશે બોલતાં શ્રી વિક્રમ સંઘાણીએ સુપર કમ્પ્યુટર, ઇન્ટરનેટ કમ્પ્યુટર અને કમ્પ્યુટર જગતે સંદેશા વ્યવહાર – માહિતી – આપલેમાં સર્જેલી ક્રાંતિની વિગતે વાત કરી હતી.

ઍક્સેલ ઇન્ડસ્ટ્રિઝના નિયામક શ્રી જી. એન. નારાયણે હળવી શૈલીમાં મનનો થાક ઉતારી દે તે રીતે – શિક્ષક – આચાર્ય – વ્યવસ્થાપક – સંચાલક માટે સર્વ સાથે ચર્ચા-સંવાદ, નિર્ણય, નિર્ણયને કાર્યાન્વિત કરવા અને ઉત્તમ પરિણામ મેળવવાની સંકુલ પ્રક્રિયાનો સરળ – સહજ રીતે ખ્યાલ આપ્યો હતો.

વડોદરાના ઍમ. ઍસ. યુનિ.ના મૅનૅજમૅન્ટ શાખાના વડા શ્રી મયંક ધોળકિયાએ સમસ્યાઓના ઉકેલ માટે આધ્યાત્મિક સાથેની દૂરંદર્શિતા, શક્તિમંતોને ઊભા કરવાની શક્તિ અને પ્રબળ ઇચ્છા, યોજનાને કાર્યાન્વિત કરવાની તીવ્ર ઝંખનાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

ફોરમ ફોર ઍક્સેલૅન્સ, રાજકોટ અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઉપક્રમે યોજાયેલા આ પરિસંવાદમાં ડૉ. જ્યોતિબહેન થાનકીએ, ‘નારી ઉન્નતિ, જાગૃતિ’ અને કલ્યાણ બેનરજીએ ‘૨૧મી સદીમાં વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું ભવિષ્ય’, રોટેરિયન શ્રી અશોક સુરેલિયાએ ‘૨૧મી સદીમાં બિનસરકારી સેવાભાવી સંસ્થાઓની મહત્તા’ તેમજ સ્વામી સર્વસ્થાનંદજીએ ‘ભાવિ વિશ્વ અને ભાવિ ભારત વિશે સ્વામી વિવેકાનંદની ભવિષ્યવાણી’, ‘૨૧મી સદીમાં શિક્ષણનાં નવા સ્વરૂપ’ વિશે કિરણ પટેલ તેમ જ ડૉક્ટર પાઠકે (ઍમ, ઍસ. યુનિ.ના મૅડિકલ શાખાના વડા) ‘મેડિકલ વિજ્ઞાનના ક્ષેત્રે ભારતનું ભાવિ’ વિશે મનનીય પ્રવચનો આપ્યાં હતાં.

આ સેમિનારમાં ૩૫૦ જેટલા ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રથમ તબક્કાની ચર્ચાના અધ્યક્ષસ્થાને સ્વામી જિતાત્માનંદજી હતા. બીજા તબક્કાના ચેરમેન હતા ડૉ. રવીન્દ્ર દવે અને અંતિમ તબક્કાના અધ્યક્ષ હતા શ્રી જી. નારાયણ.

કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને સ્વામી જિતાત્માનંદજી તેમ જ ડૉ. સુનિલ મોદીના સ્વાગત પ્રવચનથી થયો હતો. ડૉ. જતિન મોદીએ આભારદર્શન કર્યું હતું. અને કાર્યક્રમનું સમાપન સ્વામી જિતાત્માનંદજીએ ‘ચિદાનંદ રૂપ શિવોડહમ્’એ સ્તોત્રગાનથી કર્યું હતું.

આખો દિવસ, ૨૧મી સદીમાં જવા માટેના જ્ઞાનનું ભાથું પૂરું પાડતો બની શક્યો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આગામી કાર્યક્રમો

  • બુધવા૨, ૨૫ ફેબ્રુઆરી ‘૯૮

મહાશિવરાત્રી પ્રસંગે રાતના ૯ વાગે શ્રી શિવજીની વિશેષ પૂજા, ભજન, હવન વગેરે.

  • શનિવાર, ૨૮ ફેબ્રુઆરી ‘૯૮

શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે સવારના ૫-૧૫ વાગે મંગલ આરતી, સવારના ૮ વાગે વિશેષ પૂજા, ભજન, હવન વગેરે. સાંજના આરતી પછી શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશ વિશે પ્રવચન

*દર શનિવારે અને રવિવારે અનુક્રમે ‘એકાગ્રતા અને ધ્યાન’ અને ‘ઉપનિષદ’ વિષયો પર પ્રવચનો યોજાય છે.

*‘એકાદશીના દિવસે સંધ્યા આરતી પહેલાં શ્રીરામનામ સંકીર્તન યોજાય છે.

Total Views: 205

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.