‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે – आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ – એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે તે સર્વોત્તમ છે.’ એટલા માટે અમે આ સ્તંભ પ્રારંભ કર્યો છે. આશા છે વાચકોને આ સ્તંભ ગમશે. – સં.

શ્રીરામકૃષ્ણદેવની વિનોદપ્રિયતા

શ્રીરામકૃષ્ણદેવે જગન્માતાને પ્રાર્થના કરી હતી. ‘મા, મને શુષ્ક સાધુ બનાવીશ નહિ.’ શ્રીરામકૃષ્ણદેવ વાતચીત કરતી વખતે કેટલાય રમૂજી દૃષ્ટાંતો આપતા. તેઓ રમૂજી પ્રસંગો સંભળાવતા ત્યારે ભક્તો હાસ્ય ખાળી શકતા નહિ. યુવાનો તો હસતી વખતે લોટપોટ થઈ જતા.

એક વાર શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરમાં પોતાના ઓરડામાં નાની પાટ પર હસમુખે ચહેરે બેઠા હતા અને , નવયુવકો સાથે આનંદથી વાતચીત કરી રહ્યા હતા. હાસ્યની લહરો ઊડી રહી હતી. જાણે આનંદનું બજાર ભરાયું હતું! એટલામાં માસ્ટર મહાશય (‘કથામૃત’ના લેખક શ્રી‘મ’ શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત) ઓરડામાં આવ્યા. એમને પ્રવેશ કરતા જોતાં જ શ્રીરામકૃષ્ણદેવ જોરથી હસીને બોલી ઊઠ્યા, ‘અરે, ફરી વાર આવ્યો છે!’ આ સાંભળી ઉપસ્થિત બધા ભક્તો હસવા લાગ્યા. માસ્ટર મહાશય પ્રણામ કરીને બેઠા તે પછી શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં કહ્યું, ‘જો, એક મોરને એક દિવસ ચાર વાગ્યે જરાક અફીણ પાઈ દીધું હતું. બીજે દિવસે બરાબર ચાર વાગે મોર આવીને ઊભો રહ્યો. અફીણનો સ્વાદ લાગી ગયો હતો! આ પણ બરાબર એ જ સમયે અફીણ લેવા આવેલ છે.’ સૌ હસવા લાગ્યા. માસ્ટર મહાશય વિચારવા લાગ્યા કે ‘વાત તો બરાબર છે. ઘેર જાઉં, પણ મન રાતદિન તેઓશ્રીની પાસે પડ્યું રહે છે. એમ થયા કરે છે, ક્યારે મળું, જાણે કે કોઈક અહીંયાં ખેંચી લાવે છે!’ માસ્ટર મહાશયને આમ આશ્ચર્યમાં ગરકાવ થઈને બેઠેલા જોઈને શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં કહ્યું. ‘જો, એની ઉંમર વધુ ખરી ને. એટલે જરા ભારેખમ. આ બધા આટલા હસે છે, મજા કરે છે, પણ એ મૂંગા બેઠેલ છે’. ત્યારે માસ્ટર મહાશયની ઉંમર હતી માત્ર સત્તાવીશ વર્ષ!

૧૪મી જુલાઈ ૧૮૮૫ના રોજ શ્રીરામકૃષ્ણદેવ રથોત્સવ પ્રસંગે બલરામ બાબુને ઘેર પધાર્યા. શ્રીરામકૃષ્ણદેવ દિવાનખાનામાં ભક્તો સાથે મહા આનંદથી વાતચીત કરી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવે, નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ)ને કહ્યું, ‘જરાક ગા ને.’ નરેન્દ્રે કહ્યું ‘ઘેર જાઉં, કેટલુંયે કામ છે.’ શ્રીરામકૃષ્ણદેવે રમૂજમાં કહ્યું, ‘ત્યારે બાપુ અમારી વાત તો સાંભળે શેનો?’ પછી તેમણે નીચેની પંક્તિઓ સંભળાવી.

‘જેને હોય કાને સોના, તેની વાતો સોળ આના

જેને હોય કૂલે ભમરો તેની વાતો કોઈ સૂણે ના’

આ સાંભળી ઉપસ્થિત ભક્તો જોરથી હસવા લાગ્યા. નરેન્દ્રે કહ્યું ‘વાજિંત્રો નથી એકલું ગીત…’ શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં કહ્યું, ‘ભાઈ અમારી તો જે વ્યવસ્થા છે તે આ છે. એટલાથી બને તો ગાઓ, તેમાંય વળી બલરામની વ્યવસ્થા!’ બલરામબાબુની કૃપણતા વિશે રમૂજમાં તેમણે આગળ કહ્યું, ‘બલરામ કહેશે કે આપે હોડીમાં આવવું. એ જો ન બને તો ગાડી ભાડે કરીને આવવું. આજે ખાવા દીધું છે, એટલે આજે બપોર પછી નચાવી લેશે. દિવસ અહીંયાંની ભાડાની ઘોડાગાડી કરી આપેલી. તેનું ભાડું ઠરાવેલું બાર આના. મેં કહ્યું કે બારઆનામાં ઠેઠ દક્ષિણેશ્વર આવશે? એટલે એ કહે કે ‘એ એમ જ થાય.’ રસ્તામાં જતાં જતાં ગાડી એક બાજુએથી કિનારે ભાંગીને પડી ગઇ.’ આ સાંભળી ઉપસ્થિત ભક્તો ખડખડાટ હસવા લાગ્યા. શ્રીરામકૃષ્ણદેવે આગળ કહ્યું, ‘વળી રસ્તામાં ઘોડો તદન ઊભો રહી જાય. કોઈ રીતે ચાલે નહિ. એટલે ગાડીવાળો ચાબુકથી તેને ખૂબ મારે. એટલે એ ઘોડો કોઈ કોઈ વાર વળી ખૂબ દોડે!’ વળી સૌ ખડખડાટ હસવા લાગ્યા. બલરામબાબુના સ્વભાવ વિશે વિનોદમાં શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘પછી અહીંયાં રામ ખોલ બજાવશે, અને આપણે નાચવાનું; રામને તાલનું ભાન નહીં. બલરામનો અંતરનો ભાવ એવો કે તમે જ ગાઓ, તમે જ નાચો ને આનંદ કરો.’ આ સાંભળી ઓરડામાં હાસ્યનું મોજું ફરી વળ્યું.

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.