‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે – आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ – એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે તે સર્વોત્તમ છે.’ એટલા માટે અમે આ સ્તંભ પ્રારંભ કર્યો છે. આશા છે વાચકોને આ સ્તંભ ગમશે. – સં.

૫મી ઑગસ્ટ, ૧૮૮૨ના રોજ શ્રીરામકૃષ્ણદેવ શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને મળવા આવ્યા હતા તે પ્રસંગનું સુંદર વર્ણન માસ્ટર મહાશયે શ્રીરામકૃષ્ણ કથામૃતમાં કર્યું છે. તેમાંની કેટલીક વાતો તો અત્યંત રસપ્રદ છે. શ્રીરામકૃષ્ણદેવની તીક્ષ્ણ બુદ્ધિ તેમ જ તેમના રમૂજી સ્વભાવને પ્રગટ કરે છે. ઉદાહરણ રૂપે ‘કથામૃત’ના થોડા અંશો અહીં પ્રસ્તુત છે.

શ્રીરામકૃષ્ણ – આજ તો સાગરમાં આવીને મળ્યો. આટલા દિવસો સુધી તો નહેર, તળાવ, વધુમાં વધુ નદી જોઈ છે; આ વખતે તો સાગર જોઉં છું. (સૌનું હાસ્ય)

વિદ્યાસાગર (સહાસ્ય) – ત્યારે ખારું પાણી થોડુંક લઈ જાઓ! (હાસ્ય)

શ્રીરામકૃષ્ણ – ના રે! ખારું પાણી શાનું! તમે અવિદ્યાના સાગર નથી, તમે તો વિદ્યાના સાગર! (સૌનું હાસ્ય) તમે ક્ષીરસમુદ્ર (સૌનું હાસ્ય)

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસેથી વિદાય લેતી વખતે શ્રીરામકૃષ્ણદેવ જે રમૂજી વાતો કરે છે તેનું આલેખન ‘કથામૃત’માં સુંદર રીતે થયું છે.

શ્રીરામકૃષ્ણ – (વિદ્યાસાગરને હસતાં હસતાં) – કહેવાની જરૂર નથી કે આ જે કાંઈ બોલ્યા એ બધું તમે તો જાણો છો. પણ તમને તેનો ખ્યાલ નથી (સૌનું હાસ્ય). વરુણ રાજાના ભંડારમાં કેટલીય જાતનાં રત્નો પડ્યાં છે. વરુણ રાજાને એની ખબર નથી!

વિદ્યાસાગર (હસીને) – એ આપ કહી શકો.

શ્રીરામકૃષ્ણ (હસીને) – હા ભાઈ હા! કેટલાય શેઠિયાઓ એના નોકરચાકરનાં નામ જાણતાં ન હોય. (સૌનું હાસ્ય) અથવા ઘરમાં કઈ કિંમતી ચીજ ક્યાં પડી છે એ ખબર ન હોય.

આ બધી વાતચીત સાંભળીને સહુ કોઈ આનંદિત છે. સહુ જરા વારે ચૂપ બેઠા છે. વળી વિદ્યાસાગરને સંબોધીને ઠાકુર બોલે છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – એક વાર ત્યાં બગીચો જોવા આવોને! રાસણિનો બગીચો બહુ રમણીય સ્થળ છે!

વિદ્યાસાગર – આવીશ, જરૂર આવીશ! આપ આવ્યા છો અને હું ન આવું?

શ્રીરામકૃષ્ણ – મારી પાસે? છિટ્! છિટ્!

વિદ્યાસાગર – એ શું? એમ શા માટે કહો છો?

શ્રીરામકૃષ્ણ – (હસતાં હસતાં) – અમે તો નાનાં હોડકાં. (સૌનું હાસ્ય) ખાડી, નાળાં તેમ જ નદીઓમાં પણ જઈ શકીએ. પણ આપ તો મોટું જહાજ. કોણ જાણે જતાં જતાં વખતે ભાઠામાં લાંગરી જાઓ તો! (સૌનું હાસ્ય) વિદ્યાસાગરના ચહેરા પર પણ હાસ્ય; ચૂપ બેસી રહ્યા છે. ઠાકુર હસે છે.

શ્રીરામકૃષ્ણ – પણ આ ઋતુમાં તો જહાજ પણ જઈ શકે.

વિદ્યાસાગર (હસીને) – હા, આ વર્ષા કાળ ખરો ને! (સૌનું હાસ્ય)

આવા તો કેટલાય રમૂજી પ્રસંગો ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં વર્ણવેલ છે. ખરેખર શ્રીરામકૃષ્ણદેવ રસિક શિરોમણિ હતા. શ્રી ગિરિશચંદ્ર ઘોષે પણ સ્વીકાર્યું હતું, કે તેઓ પોતે મશ્કરી કરવામાં ઉસ્તાદ હોવા છતાં ઠઠ્ઠા મશ્કરી કરવામાં પણ શ્રીરામકૃષ્ણદેવ પાસે હારી ગયા.

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.