‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે – आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ – એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, “ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઇએ, કારણ કે તે સર્વોત્તમ છે.” એટલા માટે અમે આ સ્તંભ પ્રારંભ કર્યો છે. આશા છે વાચકોને આ સ્તંભ ગમશે. – સં.

સ્વામી વિવેકાનંદજીનું હાજરજવાબીપણું

સ્વામી વિવેકાનંદજી હાજરજવાબી હતા. ઇ.સ. ૧૮૯૬માં જ્યારે તેઓ ઇંગ્લૅન્ડ ગયા ત્યારની વાત છે. એક પ્રવચન પછી પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન એક સ્કૉટિશ સદ્‌ગૃહસ્થે સ્વામી વિવેકાનંદજીને ઉતારી પાડવાના ઉદ્દેશથી તેમને પૂછ્યું, “બાબૂ (Baboo) અને બબૂન (Baboon) વચ્ચેનું અંતર શું છે?” બંગાળમાં સદ્‌ગૃહસ્થને બાબૂ કહેવામાં આવે છે અને ‘બબૂન’ એટલે આફ્રિકાનું કૂતરાના જેવા મોંવાળું એક વાંદરું. સ્વામીજીએ તરત જ જવાબ આપ્યો “ઓહ, કાંઇ ખાસ નહિ, માત્ર એક અક્ષરનું જ અંતર છે – જેટલું અંતર સ્કૉટ (Scot) અને સૉટ (Sot – પાકા દારૂડિયા) વચ્ચે છે.”

***

એક ખેડૂતના ખેતરમાં ઘણાં તરબૂચ થયાં. પણ એક સમસ્યા ઊભી થઇ. પાડોશના છોકરાઓ તરબૂચની ચોરી કરવા માંડ્યા. આ સમસ્યાનું સમાધાન કરવા માટે ખેડૂતે એક સાઇન બૉર્ડ લગાવ્યું – “સાવધાન! આ તરબૂચોમાંથી એકમાં પોટેશિયમ સાયનાઇડ નાખવામાં આવ્યું છે.” બીજે દિવસે છોકરાઓએ બીજું સાઇન બોર્ડ લગાવી દીધું, જેમાં લખ્યું હતું : “હવે એવાં બે છે!”

***

એક ભિખારી ફૂટપાથ પાસે બેઠો હતો. પાસે જ સાઇન બૉર્ડમાં લખ્યું હતું, “મહેરબાની કરી આ આંધળા પર રહેમ કરો, આ ભૂખ્યા આંધળા ૫૨ ૨હેમ કરવાથી પુણ્યનો સંચય થશે અને તમે સ્વર્ગમાં જશો.” ભિખારી આ જ વાત દયાર્દ્ર સ્વરમાં કહી રહ્યો હતો. ફૂટપાથ પરથી પસાર થતા એક માણસને દયા આવી. તેણે ગજવામાંથી સિક્કો કાઢ્યો અને તેના ભિક્ષાપાત્રમાં ફેંક્યો. પણ સિક્કો તેમાં ન પડવાને બદલે થોડે દૂર પડ્યો. પેલા ભિખારીએ શોધીને ભિક્ષાપાત્રમાં નાખી દીધો. રાહદારીએ કહ્યું, “અલ્યા, તું તો કહેતો હતો તું આંધળો છે તો પછી તને સિક્કો કેવી રીતે દેખાયો?” ભિખારીએ હાથ જોડી કહ્યું, “સાહેબ, ગુસ્સે થશો નહિ. આમ તો હું અહીં બેસતો નથી. આ તો મારો અંધ મિત્ર આવ્યો નથી એટલે હું અહીં બેઠો, જેથી જગ્યા નકામી ન પડી રહે.” રાહદારીએ પૂછ્યું, ‘તારા અંધ મિત્રને શું થઇ ગયું? તે કેમ આજે ન આવ્યો?” ભિખારીએ ઉત્તર આપ્યો, “સાહેબ, વાત એમ છે કે આજે તેનો રજાનો દિવસ છે માટે તે પિક્ચર જોવા ગયો છે.”

(‘ગ્લોબલ વેદાંત’ પત્રિકામાંથી સાભાર)

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.