‘સંપાદકીય’માં આ વખતે આપે નવો ચીલો ચાતર્યો છે. વાંચી ખૂબ આનંદ થયો. તો ભૂતેશાનંદજી મહારાજના લેખનો શાસ્ત્રીજીનો અનુવાદ પણ સુંદર છે.
-દુષ્યંત પંડ્યા, જામનગર

માર્ચ – ૧૯૯૮નો અંક ખરેખર સુપર અને સરસ મજાનો રહ્યો. સૌ પ્રથમ સંપાદકીય વિભાગમાં ‘જય છે જ નિશ્ચિત’, સમન્વયમાં બધા ધર્મોની એકતાના સરસ મજાના ૧૧ મુદ્દાઓ, આત્મવિકાસમાં આગળ ચાલો, એ ખરેખર આગળ વધારી અને પુરુષાર્થપૂર્વક આગળ ચાલતા રહેવાનું સફળતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય આપે છે.
-દામજીભાઇ નાથાભાઇ ખારવા, મીઠાપુર

માર્ચ – ૯૮ના અંકમાં પાના નં. ૫૨૯ એટલે કે પ્રતિભાવોના કોલમમાં હકીમચંદ તારાચંદ ડોસાણીએ આયુર્વેદની કોલમ વધારવા કહ્યું છે એ તો ઠીક. પરંતુ તેમણે નાટક-સિનેમાના શોખીન માટે એકાદ પાનું વધારવાનું કહ્યું છે. એ ખરેખર મને પોતાને તો ઉચિત નથી લાગ્યું. કારણ કે તો અંકનું આધ્યાત્મિક મૂલ્ય ઘટી જાય. અને વળી આ કંઇ સામાન્ય અંક નથી. સંસ્કૃતિનું નવનિર્માણ કરવા માટે યુવાનોનું પ્રેરણા સ્રોત સમું સામયિક છે. એટલે એની ગરિમા તો જાળવવી જ જોઇએ ને? અને અંકમાં રાજકોટ આશ્રમમાં થતી મહિનાની તમામ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ છાપો તો સારું લાગે અને મારા જેવા યુવાનો તેમાં ભાગ લઇ શકે.
-દેવૈયા વી. એન., ઢોકળવા તા. ચોટીલા

રામકૃષ્ણ જ્યોતનો દરેક અંક સમયસર મળી જાય છે. તેથી સૌ પ્રથમ તેમનું વ્યવસ્થાતંત્ર અભિનંદનને પાત્ર છે. અને બીજું કે માર્ચ મહિનાના અંકમાં જે ‘બહાદુર બનો’ કે જે કિરણ બેદીના સ્વરોમાં યુવાનોને જાગૃત કરે છે તે મુદ્દો વાંચવાની ખરેખર મજા આવી અને તેમાંથી યુવાનોને ઘણી બધી સાચી શીખ મળે છે. જો યુવાનોને આવાં પ્રવચનો દ્વારા જાગૃત કરવામાં આવે તો આ દેશનું ઘણું બધું કલ્યાણ થઈ શકે તેમ છે.
-જાડેજા અશોકસિંહ, જામનગર

ખૂબ જ માહિતીપ્રદ અને રસપ્રદ સાહિત્ય આ સામયિક પૂરું પાડે છે, જેને આધ્યાત્મિક જીવનની થોડી ભૂખ ઉઘડી છે તેમને તો ખાસ. શ્રીરામકૃષ્ણદેવની આરતી વિષે સંપાદકીય લેખો વાંચવાની પણ ખૂબ જ મજા પડે છે. ‘આનંદ-બ્રહ્મ’નું નવું કોલમ પણ ખૂબ ગમ્યું. ફેબ્રુ. – ૧૯૯૮ના અંકમાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો વિષે સ્વામી ભૂતેશાનંદજીનો લેખ ખાસ રસપ્રદ રહ્યો.
-વિમલ દવે, અમદાવાદ

ફેબ્રુઆરી મહિનાના ‘જ્યોત’ પુસ્તકના અંકમાં ડૉ. કરણસિંહ લિખિત ‘વૈશ્વિક સમાજ તરફનું સંક્રમણ નવા યુગના ધર્મ તરફ’ લેખ ખૂબ જ સારો હતો.
-ભાવનાબેન ઠાકોર, સુરત

આપના ‘રામકૃષ્ણ જ્યોત’ના લેખો ઘણા સારા આવે છે. આ લેખોમાંથી જીવનની વાસ્તવિકતા પ્રગટ થાય છે. ઘણી વાર થાય છે કે પુત્રીને કરિયાવરમાં ભૌતિક સાધનો આપવાને બદલે આવાં પુસ્તકો જ આપવાં જોઇએ. પુસ્તકો જ જીવનમાં ઘણી વાર ઘણા ઉપયોગી થાય છે. બાકી દુઃખમાં સુખ-સગવડનાં સાધનો શા કામના!
-નિધિ જોશી, પોરબંદર

શ્રીરામકૃષ્ણ પરમહંસ અને તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદના અધ્યાત્મ વિચારોની જ્યોત જલતી રાખવાનો પ્રયાસ રામકૃષ્ણ આશ્રમ દ્વારા પ્રકાશિત ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ પત્રિકામાં સુપેરે દેખાઇ આવે છે. રાષ્ટ્રના પુનઃનિર્માણની ઉમદા યોજના સાથે કાર્યરત રામકૃષ્ણ આશ્રમ સંસ્થા અને તેમની માસિક મુખપત્રિકા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ભારતીય નાગરિકોમાં ચારિત્ર્ય નિર્માણ, આધ્યાત્મિક જીવન, સમાજ સેવા તેમજ રાષ્ટ્રીય ભાવનાત્મક એકતા વગેરે જેવા ગુણાત્મક વિચારોની જ્યોત જલતી રાખવાનું કાર્ય ધન્યવાદને પાત્ર છે. સાથે સાથે આપની પત્રિકા વધુ ઉત્કૃષ્ટ તેમજ વાંચન પ્રેરક બને તે માટે થોડાંક સૂચનોની નોંધ કરી રહી છું, જેના વિશે આપની પત્રિકા વિચાર કરે.
આપની સંસ્થાની સાથે અન્ય સંસ્થાઓ જે અધ્યાત્મ ક્ષેત્રે કાર્યરત છે તેમના વિશે પણ માહિતી, સમાચાર આપવામાં આવે. દા.ત. સ્વાધ્યાય, ગાયત્રી પરિવાર વગેરે જેવી સંસ્થા.
આજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રના ભાવિ નાગરિકો હોય, ચારિત્ર્ય નિર્માણના ઉમદા ગુણોનો વિકાસ થાય એ માટે બાળ- વિભાગને વધુ ને વધુ વિસ્તૃત બનાવવામાં આવે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ લેખન પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવે, જેમાં સંતો અને મહાપુરુષોના જીવનના પ્રેરક પ્રસંગો, બોધ કથાઓ, ગીત-કાવ્યો અને નિબંધ લેખન સ્પર્ધા વગેરેનો સમાવેશ થાય.
-રશ્મિબેન પી. નિમાવત, જામનગર

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.