આ કેન્દ્રના સ્થાપક સ્વામી વિવિદિશાનંદજી ૧૯૩૮માં સિઆટલમાં ગયા અને ત્યાં વ્યાખ્યાન, પરિચર્ચા, માર્ગદર્શન વર્ગોનું સંચાલન કરતા. એક નાના પણ ભાવભક્તિવાળા વિદ્યાર્થીસમૂહે સ્વામીજીને ૧૯૪૧માં ‘રામકૃષ્ણ વેદાન્ત સૅન્ટર ઑફ સિઆટલ’ની સ્થાપના માટે સહાય કરી. ૧૯૪૨માં આશ્રમ માટે સારા વિસ્તારમાં એક વિશાળ મકાન ખરીદવામાં આવ્યું. અહીં નિયમિત અધ્યાત્મ વર્ગો અને રવિવારના કાર્યક્રમો યોજાતા. બાળકો માટે રવિવારીય શાળા અને સારું પુસ્તકાલય ચાલતું. ૧૯૬૪માં આશ્રમનો પુનરુદ્ધાર થયો અને ૧૯૬૮માં મઠ-આશ્રમ પણ શરૂ થયો. ૧૯૭૪માં સ્વામી વિવિદિશાનંદજીની માંદગીને લીધે તેમના સહાયક તરીકે સ્વામી ભાસ્કરાનંદજીને બેલૂર મઠે મોકલ્યા અને સ્વામી વિવિદિશાનંદજી બ્રહ્મલીન થતાં તેઓ આ કેન્દ્રના સંચાલક બન્યા.

આ સંસ્થાના આરાધના ધામ, તપોવનની ખરીદી ૧૯૭૫માં થઈ. ૨૧ એકરમાં ફેલાયેલું આ તૌવન ‘ચરિયાણ’ ઘાસવાળી અને નીચાણવાળી, જંગલી ટેકરાવાળી અને નદી-ઝરણાંવાળી ભૂમિ પર આવેલ છે. કોઈ ધંધાદારીની સહાય વિના એક લાકડાની કેબિન અને સભાખંડ સંન્યાસીઓએ અને ભાવિકજનોએ સ્વશ્રમથી બાંધ્યા. ૧૯૭૮માં એક ડૅમ અને સરોવરનું બાંધકામ થયું. દૈનંદિન કાર્ય, અભ્યાસ, ભક્તિગીતગાન અને પ્રસાદ સાથેની આખા દિવસની માસિક અધ્યાત્મ શિબિરનું આયોજન થતું. સિઆટલ આશ્રમમાં સંધ્યા-આરતી અને ‘રામકૃષ્ણ કથામૃત’માંથી વાચનનો પ્રારંભ થયો – ૧૯૭૬થી. અઠવાડિયે એક દિવસ રામનામ સંકીર્તન યોજાતું. માસિક સમાચાર-પત્ર પણ શરૂ થયું. ૧૯૭૯માં આ સંસ્થાના નામમાં પરિવર્તન થયું : ‘ધ વૅદાન્ત સૉસાયટી ઑફ વેસ્ટર્ન વૉશિંગ્ટન’. વધુ ને વધુ લોકો આવતા થયા પરિણામે વધારે સુવિધાઓ ઊભી કરવા ૧૯૮૨માં વિસ્તાર સાથેના આશ્રમનો ફરીથી પુનરુદ્ધાર કાર્ય થયો. સુંદર વિશાળ મંદિર, કાર્યાલય, બાલખંડ, ભોજન ખંડ વગેરેનું બાંધકામ થયું ૧૯૮૨માં. સંદર્ભ ગ્રંથાલય, વાંચનાલય, પરિચર્ચાલય, પુસ્તક-વેચાણ ખંડ પૂરતું દાન મળતાં આશ્રમની બાજુમાં એક મકાન ખરીદવામાં આવ્યું. આને ‘વિવેકાનંદ ભવન’ નામ અપાયું છે. અહીં મઠ છે તેમજ પુરુષ ભક્તો માટે નિવાસની સુવિધા પણ છે. ૧૯૮૨માં પશ્ચિમી ગાયનવૃંદની શરૂઆત થઈ છે. ૧૯૮૩માં બાળસંભાળ કેન્દ્રનું કાર્ય શરૂ થયું. ૧૯૮૪માં રવિવારીય શાળાનો પ્રારંભ થયો. ૧૯૯૦માં યુવાનો માટે ચર્ચા-પરિસંવાદ-વર્ગો તેમજ હિન્દુ ધર્મ વિશે વર્ગો ચાલુ થયા. ત્યાર બાદ મોટેરાં માટે પરિસંવાદ – ચર્ચાસભા શરૂ થયાં. મંગલ આરતી પણ ૧૯૯૨થી યોજાય છે. તપોવનમાં ૧૯૮૬માં વિશાળ વર્કશૉપ બંધાયો. બહેનો માટે એક મકાન ખરીદવામાં આવ્યું. ૧૯૯૩માં નાનાં બાળકોને પ્લેરૂમ મળી રહે તેમજ ભાવિકો માટે આધ્યાત્મિક શિબિર પણ યોજી શકાય તેવો વિશાળ હૉલ બંધાયો. આ તપોવન લૉનવાળા સુંદર પાર્ક જેવું છે. તેમાં સુંદર વનરાજી, સરોવર, ફૂલ તેમજ શાકભાજીના બગીચા અને ફળઝાડો પણ છે. મંદિર પર ‘વિવેકાનંદ શતાબ્દી ભવન’નું બાંધકામ ૧૯૮૮માં શરૂ થયું અને ૧૯૯૩માં સમર્પણવિધિ થયો, સંન્યાસીઓ અને ભક્તજનોએ જ આ હૉલની રૂપરેખા તૈયાર કરીને બાંધ્યો છે. ૧૯૯૩માં ‘વિવેકપ્રેસ’ શરૂ થયું અને આ પ્રકાશન વિભાગે ‘ONE EYED VISION’ અને ‘THE ESSENTIALS OF HINDUISM’ – સ્વામી ભાસ્કરાનંજી રચિત આ બે પુસ્તકો પણ પ્રકાશિત કર્યાં. આ ઉપરાંત સંગીત અને વાર્તાલાપની ઑડિયો કૅસૅટ પણ તૈયાર કરી છે. ૧૯૯૬થી વિશ્વવ્યાપી ત્રૈમાસિક પત્ર ‘GLOBALVEDANTA’નું પ્રકાશન શરૂ કર્યું છે. મહિનામાં એક વખત આખા દિવસની અધ્યાત્મ શિબિર, શ્રીશ્રીઠાકુર, શ્રીશ્રીમા અને સ્વામીજીની તિથિ પૂજાઓ ઉપરાંત શિવરાત્રિ, દુર્ગાપૂજા, ઈશુ – જન્મજયંતી વગેરે ઉત્સવો અહીં ઉજવાય છે. ત્રણ દિવસના વાર્ષિક મહોત્સવમાં ભોજન સાથે સંભાષણો, સંગીતભરી સાંજ અને મહેમાન સંન્યાસીઓનાં વ્યાખ્યાનો યોજાય છે. ભક્તિસંગીત, બાળનાટકો, મોટેરાંઓ દ્વારા નાટકો રજૂ થાય છે. સર્વધર્મ સમભાવ માટે “Interfaith” પરિચર્ચા-સંવાદો પણ યોજાય છે. મંગલ આરતી, સંધ્યા આરતી, સંન્યાસીઓના વર્ગો, રવિવારીય સેવા કાર્યો, નાનાં બાળકો માટે રવિવારીય શાળા, રામનામ-સંકીર્તન અને આપણા પ્રાચીન શાસ્ત્રગ્રંથોના વર્ગોનું પણ સંચાલન થાય છે.

આ કેન્દ્રની કેટલીક મહત્ત્વની સિદ્ધિઓ :

સ્વામી શિવાનંદજી મહારાજના વાર્તાલાપો ‘FOR SEEKERS OF GOD’ અને તેમના જીવન વિશે ‘A MAN OF GOD’ નામનાં બે પુસ્તકો ૧૯૫૦માં સ્વામી વિવિદિશાનંદજીએ રચ્યાં. ૧૯૭૨માં સ્વામી શિવાનંદજી મહારાજના વાર્તાલાપોની વિસ્તૃત અને પરિષ્કૃત આવૃત્તિ (સ્વામી ગંભીરાનંદજી મહારાજ દ્વારા અનૂદિત) બહાર પડી. ૧૯૮૦માં સ્વામી વિવિદિશાનંદજી મહારાજનું ત્રીજું પુસ્તક ‘SPIRITUAL IDEALS FOR MODERN MAN’ બહાર પડ્યું. તેઓ હવાઈ ટાપુમાં ત્યાંના ભાવિકોના આમંત્રણથી દર વર્ષે જતા. આ ઉપરાંત વાનકુંવર, બી.સી., કૅનૅડા પણ જતા. સિઆટલની આ વેદાન્ત સોસાયટીની કીર્તિ કૅનેડા, હવાઈ ટાપુ, બ્રાઝિલ, જપાન અને બીજાં અનેક સ્થળે પ્રસરી હતી. સ્વામી ભાસ્કરાનંદજી દર વર્ષે જપાન જાય છે – તેમની વિનંતીથી શ્રી ઍચ. આર. ગુજરીયાએ આપેલા દાનમાંથી જપાનના કેન્દ્રનું બાંધકામ થયું અને રામકૃષ્ણ સંઘનું કેન્દ્ર બન્યું. એવી રીતે એમના સક્રિય પ્રયાસોથી ‘વેદાન્ત સોસાયટી ઑફ ટૉરન્ટૉ’ માટે મકાનો ખરીદાયાં અને રામકૃષ્ણ સંઘનું એક નવું કેન્દ્ર પણ બન્યું. આ કેન્દ્રના વડા સ્વામી ભાસ્કરાનંદજી વેદાન્ત સોસાયટી ઑફ વાનકુંવર, હવાઈ, વેદાન્ત ઑફ કાલગેરીમાં આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે. અમેરિકા, કૅનૅડા, ઇંગ્લૅન્ડ, બ્રાઝિલ અને આઈસલૅન્ડમાં પણ તેઓ જાય છે અને ત્યાંની વેદાન્ત સોસાયટી તેમજ બીજી ધર્મસંસ્થાઓમાં આધ્યાત્મિક માર્ગદર્શન, વ્યાખ્યાનો આપે છે. શાળા-કૉલેજોમાં પણ વ્યાખ્યાન માટે જાય છે. એમના પ્રયાસોથી ૧૫ મુખ્યધર્મના ધર્મગુરુઓ અને અનુયાયીઓવાળી સીઆટલ શહેરની પ્રથમ INTER-FAITH સંસ્થાનું આયોજન થયું. ૧૯૮૯માં એમના પ્રયાસોથી ‘ઈન્ટરફેઈથ કાઉન્સિલ ઑફ વૉશિંગ્ટન’ની સ્થાપના થઈ અને ૧૯૯૩ સુધી તેઓ તેના અધ્યક્ષપદે રહ્યા.

અમેરિકા અને તેની આજુબાજુના દેશોમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવ-ધારાનો અને ભારતની પાંચહાર વર્ષ પુરાણી પ્રાચીન ધર્મ સંસ્કૃતિના અમૂલ્ય વારસાનો પ્રચાર – પ્રસાર કરીને ભારત વર્ષની ગૌરવ ગરિમાને જાળવવાનું, તેનું સંવર્ધન કરવાનું અને તેને પરિષ્કારવાનું, ઉત્તમ કાર્ય કરી રહેલ આ સંસ્થા અને એમના સંન્યાસીઓનાં કાર્યો ભારતવાસીઓને પોતાના મસ્તક ગૌરવપૂર્વક ઊંચે રાખવા શક્તિમાન બનાવે છે.

સંકલન : શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 76

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.