♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંક અમને વ્યવસ્થિત રીતે અને સમયસર મળી જાય છે. એપ્રિલના અંકમાં ‘આવશ્યકતા છે ક્રાન્તિની’ – યુવ-વિભાગનો લેખ ખરેખર ગમ્યો અને વાંચવામાં ખૂબ રસ પડ્યો.
અશોકસિંહ આર. જાડેજા, જામનગર

♦ ઘરના સર્વે સભ્યોની વાચનભૂખ સંતોષતું શ્રીરામકૃષ્ણ આશ્રમનું આ અમૂલ્ય કાર્ય ઇશ્વરના આશીર્વાદ વગર અસંભવિત છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ આધ્યાત્મિક સંસ્થા જ નથી બલકે માનવ સમુદાયની આંગળી પકડી ઉન્નતિ તરફ પ્રયાણ પણ કરાવે છે.
પ્રમુખશ્રી, વિવેકાનંદ સાહિત્ય મંડળ, કેરા-કચ્છ

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું છેલ્લા છ માસથી વાંચન કરી રહી છું. ભારતીય નાગરિકોમાં ચારિત્ર્ય નિર્માણ, આધ્યાત્મિક જીવન, સમાજ સેવા તેમજ રાષ્ટ્રીય ભાવાત્મક એકતા વગેરે જેવા ગુણાત્મક વિચારોની જ્યોત જલતી રાખવાનું કાર્ય ધન્યવાદને પાત્ર છે.
રશ્મિબહેન પી. નિમાવત, જામનગર

♦ મે – ૧૯૯૮ના અંકનું રસપૂર્વક વાંચન કર્યું. સંપાદકીયમાં ‘એક હસ્તી, એક અસ્તિત્વ’માં ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદજીની સામ્યતા સંવેદનશીલ હૃદયમાં પ્રવેશી ગઇ.
દામજીભાઇ એન. ખારવા, મીઠાપુર

♦ ‘શ્રી નમસ્કાર મંત્રનો મહિમા’ – જૈનધર્મ પર આધારિત ડૉ. કુમારપાળ દેસાઇનો લેખ તથા ‘ભગવાન બુદ્ધના ઉપદેશો’ બન્ને લેખો વાંચવા ગમ્યા. રામકૃષ્ણ મિશન સર્વધર્મ સમભાવને વરેલું મિશન છે એની પ્રતીતિ આ લેખો દ્વારા જરૂર થાય છે.
આર. વી. પાંધી, પોરબંદર

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સામયિક જે વર્ષથી શરૂ થયું છે ત્યારથી જ હું તેનું નિયમિત રીતે વાંચન કરું છું, તેમજ તેમના બધાં જ અંકોને સાચવીને રાખ્યા છે અને જિજ્ઞાસુ તેમજ જીવનમાં શાંતિ શોધતાં આવતાં લોકોને તે વાંચવા આપું છું. તેઓને પણ તેમાંથી મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોના જવાબ મળી રહ્યા છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ખરેખર જ્યોત બની રહ્યું છે.
મીન્ટુબહેન ઉર્ફે શ્રીતીબહેન દાસાણી, પોરબંદર

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દ્વારા આપ ગુજરાતી ભાષામાં ગુરુ રામકૃષ્ણ અને મહામાનવ સ્વામી વિવેકાનંદની વાણીનો પ્રસાર કરી રહ્યા છો એ ગુજરાત માટે આનંદ અને ગૌરવની બાબત છે. સ્વામી વિવેકાનંદની વાણી એ Multivitaplex Tablet જેવી છે જે વાચકના શરીરમાં અજબ શક્તિ પ્રગટાવે છે. મે ૧૯૯૮ના અંકમાં (૧) એક હસ્તી, એક અસ્તિત્વ, (૨) અભિનવ યુગનું સર્જન (૩) ઐતિહાસિક ભક્ત-સંમેલન ઇત્યાદિ લેખો પ્રેરણાદાયી છે.
ડૉ. ચીનુભાઇ નાયક, માનાર્હમંત્રી, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ છેલ્લા છ માસથી મને નિયમિત મળે છે. વિશાળ વિચારધારા – અનુભવ – જ્ઞાન સભર લેખો તન – મન – લાગણીને બમણા વેગથી ઉત્સાહી બનાવે છે.
લાચન યામિની સોની,
ડિસ્ટ્રિક્ટ ચેરમેન સર્વિસ વીક લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ-૩૨૩ J. રાણાવાવ

♦ લગભગ છેલ્લા ચારેક માસ થયા હું ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વાંચું છું. માનવની ચેતનાને ઊર્ધ્વગામી કરાવનાર આ સામયિક ઉત્તમ છે એ માટે કોઇ શંકા જ નથી. ‘તું છે કલગી શાકની વેલ’ (જ્યોતિબહેન થાનકી) ચરિત્ર લેખ ખૂબ ગમ્યો. કૃતિનું શીર્ષક સચોટ તથા હૃદયગમ્ય છે.
હીરાબહેન ચતવાણી, પોરબંદર

♦ હું છેલ્લા ત્રણ વર્ષથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો વાચક છું. મને દર મહિનાની ૫મી તારીખ પહેલાં આપનો અંક અચૂક મળી જ જાય છે. પ્રથમ ૧ વર્ષનું લવાજમ ભરેલ. પરંતુ ફક્ત એક અંકના વાંચનથી અન્ય આવતાં મૅગૅઝિનો વાંચવા બંધ કરી ફક્ત ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું વાંચન કરું છું. આપના અંકમાં આવતો સંપાદકીય લેખ વાંચવો ખૂબ જ ગમે છે જેનું હું વારંવાર વાંચન કરું છું. એપ્રિલ ૧૯૯૮ના અંકમાં પણ રામનવમીના પ્રસંગને અનુરૂપ ‘રામરાજ્ય’ સંપાદકીય લેખ ખૂબ જ ગમ્યો.
નિરલ શશીકાંતભાઇ સવજીયાણી, રાજકોટ

♦ ૧૫ ઑગસ્ટ ૧૯૯૬થી શ્રીરામકૃષ્ણ સેવા સમિતિ સંચાલિત વિવેકાનંદ વિદ્યાલયની સ્થાપના થઈ, ત્યારથી પોસ્ટ મારફતે, ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માસિક આ વિદ્યાલયને નિયમિત પ્રાપ્ત થતું રહે છે. તેમાં આવતા રામકૃષ્ણ ભાવધારા સંબંધિત લેખો, બોધકથાઓ, ચિત્રો, પ્રેરક વાક્યો તેમજ મિશન સંબંધી પ્રાસંગિક માહિતી, પ્રશ્નોત્તરી વગેરે વર્તમાન નવી પેઢીમાં સંસ્કાર સિંચન કરે છે તથા અન્યની જ્ઞાનવૃદ્ધિ કરે છે. આમાં પીરસાતું સાહિત્ય, વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોને, અધ્યયન અને અધ્યાપનમાં સંદર્ભ પૂરક જ્ઞાનરાશિ બની રહે છે.
બકુલેશ ધોળકીયા, આચાર્ય, વિવેકાનંદ વિદ્યાલય, ધાણેટી – કચ્છ

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.