શાન્તિ (મિશ્ર)

નિહાળ, આવે વંટોળ વેગે,
એ ઓજ કિંતુ, એ ઓજ છે ના,
એ જ્યોત ઝળકે ગાઢાન્ધકારે,
તેજોજ્જ્વલે શ્યામલ એ જ છાયા.

ઉલ્લાસ એ જે ન કથ્યો કદીએ,
ને શોક ઘેરો, ન અનુભવ્યો કદી,
જીવ્યું ન જીવન તેનું અમી એ,
સદાનું મૃત્યુ, વિલપ્યું ન એ કદી.

એ હર્ષ ના એ શોકેય છે ના,
છે, કિન્તુ એ બેઉ મધ્યે રહેલું,
એ રાત્રિ ના, એ દિવસેય છે ના,
એ છે સન્ધિ, બેઉ જોડી રહેતું.

વિરામ મીઠો સંગીતમાં એ,
આરામ એ છે મધ્ય કલાની;
એ છે શાન્તિ, વાણીના વ્હેણ, મધ્યે,
ને શાન્તિ છે હૃદય તણીએ,
ઉદ્રેકો બે ઊઠતા તેની મધ્યે.

એ સૌન્દર્ય ના કદીયે ભળાયું,
ને એ સ્નેહ એકલો ને અડગ,
ને એ ગીત જે હજુ ના ગવાયું,
એ છે જ્ઞાન જે હજુ ના કળાયું,

એ મૃત્યુ છે જિંદગી બેની વચ્ચે,
ને એ શાન્તિ આંધિના યુગ્મ વચ્ચે,
એ છે શૂન્ય, સર્જનો જ્યાંથી જાગે,
ને પાછાં જ્યાં દોડતાં એ જ ભાગે.

અશ્રુબિન્દુ જાય એની સમીપે,
ને જે વેરે હાસ્યનું રૂપ એનું,
એ છે અર્થ જિંદગી સર્વ કેરો,
ને શાન્તિ છે – માત્ર એ ધામ એનું!

ઉમાશંકર જોશીના પ્રથમ પ્રકાશિત કાવ્ય ‘વિશ્વશાંતિ’ની પ્રસ્તાવનામાં કાકાસાહેબ કાલેલકરે અદ્ભુત વાત કહી છે; ‘શાંતિની મૃગયા સનાતન છે.’ કેટલાય વેદમંત્રોને અંતે શાંતિ શબ્દ ત્રણ વાર આવે છે પણ, આપણાં મંદિરો ઘોંઘાટનાં ઘર અને કોલાહલનાં હાટ હોય છે. દરેક આગંતુક જોરથી ટોકરો વગાડે, એટલે જ મોટે અવાજે ‘બોમ્ બોમ્’ કે ‘જે જે’ પોકારે; મંદિરમાં પૂજા કરતા કે દર્શન કરતા બીજા સૌ ભાવિકો પોતપોતાને જુદે રાગડે સ્તોત્રો બોલતા હોય કે, ભજન કરતા હોય. આમ, મંદિરમાં નાદ હોય, સંવાદ ન હોય, શાંતિપંથનું પહેલું પગલું સંવાદિતા છે.

૧૮૯૩ના મેની આખરમાં, મુંબઈથી અમેરિકા જવા માટે સ્વામી વિવેકાનંદ સ્ટીમરમાં બેઠા ત્યારે, એ સ્ટીમરનાં પ્રવાસીઓનાં નામની યાદીમાંનું નામ માત્ર એ હતા. એ જ સ્વામી વિવેકાનંદ, ૧૮૯૯ના જૂનની ૨૦મી તારીખે ફરી, ઇંગ્લેંડ થઈને, અમેરિકા જવા રવાના થયા ત્યારે, ધક્કા પર કીડિયારું ઊભરાતું હતું. અને સ્વામીજીની સાથે બે સાથીઓ હતા; સ્વામી તુરીયાનંદ અને ભગિની નિવેદિતા. પોતે આરંભેલા અમેરિકાના કાર્યને આગળ ધપાવવાનું કાર્ય, ગુરુભાઈ તુરીયાનંદજી કરવાના હતા. ભગિની નિવેદિતા માટે એ સમગ્ર પ્રવાસ ગુરુગૃહવાસ હતો.

પોતાની હોડીમાં ઈસુ ખ્રિસ્તને બેસાડી એક કાંઠેથી બીજે લઈ જનાર માછીમાર પીતરને ઈસુએ પૂછ્યું હતું; ‘અલ્યા, રોટલો રળવા તું શું કરે છે?’ પીતરે ઉત્તર આપ્યો હતો : ‘માછલાં પકડું છું, બાપજી.’ ‘ચાલ મારી સાથે હું તને માણસ પકડતાં શીખવીશ;’ આમ ઈસુ બોલ્યા ત્યાં ઊતરાણ આવી ગયું હતું. અને, પોતાનું ભાડું લેવાનું ભૂલી જઈ, હોડીને પણ ત્યાં જ મેલી, પીતર ઈસુને પગલે ચાલી નીકળ્યો હતો તેમ, સ્વામી વિવેકાનંદને બોલે, ઘરબાર, કુટુંબ, નોકરી, દેશ અને વેશ પણ છોડી, માર્ગરેટ નોબલ નામની યુવતી ૧૮૯૭માં ભારત ચાલી આવી હતી. સંગેમરમરની મૂર્તિ ઘડતા શિલ્પીની અદાથી મિસ માર્ગરેટ નોબલમાંથી સ્વામીજી ભગિની નિવેદિતા ઘડી રહ્યા હતા. સ્વામીજી સાથેનો આ પ્રવાસ એ આઈરિશ યુવતીના ઘડતરનો કાળ હતો.

સ્વામીજી પોતે જીવંત જ્ઞાનકોશ – એન્સાઈકલૉપીડિયા હતા. બોટનું લંગર ઉપડ્યું અને સ્વામીજીના વર્ગો શરૂ થયા. ધર્મ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, પુરાતત્ત્વ, સાહિત્ય, બધું જ સ્વામીજીની જીભેથી સરસ્વતીની જેમ વહેવા માંડ્યું. સ્વામીજી શારદાપુત્ર જ હતા ને!

પાશ્ચાત્ય આહાર વિહારની ટેવો છોડીને ભગિનીએ બેસવું, ઊઠવું, ખાવું, સૂવું બધું ઓગણીસમી સદીની ભારતીય ઢબે કરવાનું હતું. આ બાહ્યાચારનું પરિવર્તન સરળ નથી જ. પણ, એથી અનેકગણું મોટું પરિવર્તન આંતરિક હતું – મિસ નોબલ નામની સાંસારિક વ્યક્તિમાંથી પ્રવાજિકા નિવેદિતા બનવાનું, ભારતીય સંન્યાસનો આદર્શ અપનાવવાનું. “(મહાપુરુષને) માટે જીવન એટલે ઈન્દ્રિયોના આનંદને ભસ્મ કરવાની સાધના.” આવાં મૌક્તિકો સ્વામીજીની જીભેથી સહજ સરી પડતાં. નિવેદિતા મહાપુરુષ બનવા ચાહતાં ન હતાં એ ખરું પણ, એ જે સંન્યાસનો માર્ગ લેવા ચાહતાં હતાં તેમાં ‘ઈન્દ્રિયોના બધા આનંદોને ભસ્મ કરવાના’ હતા એટલું જ નહીં, બધી મનોગત કામનાઓનો પણ ત્યાગ કરવાનો હતો અને ક્યાંય આગળ વધી, પોતાના આત્માનો જ વિરજા હોમ કરવાનો હતો – જાતે ‘મરી’ જવાનું હતું. બુદ્ધની અને ઈસુની કથાઓ દ્વારા, રાજા મહારાજાઓની અને એમની પડછે ત્યાગી સંન્યાસીઓની, બૅબિલોન, મિસર, ગ્રીક વગેરે સંસ્કૃતિઓનાં ઉત્થાનપતનની અને તેની સામે, કાળાન્તરથી ટકી રહેલી ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ સંન્યાસનાં સનાતન મૂલ્યોની કથાઓ દ્વારા, સ્વામી વિવેકાનંદ નિવેદિતાને આશ્રમધર્મ અને ખાસ કરીને, સંન્યાસાશ્રમનું મહત્ત્વ, એની અપેક્ષાઓ, એના નીતિનિયમનો બધું સમજાવતા જતા હતા. એ જલ પર તરતું જહાજ, તત્કાલ પુરતું, ‘સ્વામી વિવેકાનંદ આશ્રમ’ બની ગયું હતું. સ્વામી વિવેકાનંદના શિક્ષણમાં સાગરનાં ગાંભીર્ય અને ઊંડાણ હતાં, તરંગોની રમતિયાળ વૃત્તિ હતી, વાતા વાયરાની તાજગી હતી, જે દેશ પાસેથી પસાર થતા હોય તેનાં ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિનું ઊંડું જ્ઞાન હતું અને, ભારતની સનાતન સંસ્કૃતિ સાથે તેનું અનુસંધાન થતું.

ઇંગ્લેંડ અને સ્કૉટલેંડ થઈ, ૧૮૯૯ના ઑગસ્ટના અંત પહેલાં સ્વામીજીની મંડળી ન્યુયૉર્ક પહોંચી. ત્યાં મિસ્ટર અને મિસિઝ લૅગૅટને મળી, એ દંપતીની સાથે, સ્વામીજી અને ભગિની નિવેદિતા, ન્યૂયૉર્ક પાસે સમુદ્રને મળતી હડસન નદીને કાંઠે, ન્યૂયૉર્કની ઉત્તરે લગભગ અઢીસો કિલોમિટરને અંતર આવેલા રિજલી મૅનર નામના શાંત અને રમણીય સ્થળે ગયા. એ જગ્યા આ લૅગૅટ કુટુંબની જ હતી.

સપ્ટેમ્બર મહિનો એટલે ઉત્તર અમેરિકામાં પાનખર – ફૉલ – નો આરંભ. નીલગિરિ સરોવર – લ્બુ માઉન્ટન લૅયક – પાસેથી નીકળી ન્યૂયૉર્ક પાસે ઍટલૅંટિક મહાસાગરને મળતી પાંચસો એક કિલોમિટર લાંબી હડસનનો આખો તટપ્રદેશ રળિયામણો છે. ખેતરો, વાડીઓ, વૃક્ષોથી ઉભરાતો. આવો રળિયામણો પ્રદેશ, નદીતટ, ઉનાળો ઊતરી પાનખરનો આરંભ. સ્વામીજીના થાકેલા દેહને માટે આવશ્યક એવું શાંતિભર્યું સ્થાન. અને લૅગૅટ દંપતી જેવાં પ્રેમાળ અને આદરભર્યાં યજમાન. સ્વામી અભેદાનંદ પણ ત્યાં આવી ચડતાં સોનામાં સુગંધ ભળી.

આ બધા સમય દરમિયાન મિસ માર્ગારેટ નોબલના મનમાં શું ચાલી રહ્યું હશે તે ખબર નથી. મીરાંબાઈની માફક એમણે જગત તો છોડી દીધું જ હતું. પૂરાં ત્રણ વર્ષથી ગુરુચરણે એ સેવી રહ્યાં હતાં. ભારતીય જીવનશૈલી અપનાવવામાં એ ઘણાં સફળ થયાં હતાં. સૌથી વિશેષ વાત એ હતી કે, એમને માત્ર ભારતવાસી બનવું ન હતું, ભારતનો આદર્શ એવો સંન્યાસી ધર્મ અપનાવવો હતો. અને ૨૧મી સપ્ટેમ્બર, ૧૮૯૯ને શુભ દિવસે વિધિવત્ દીક્ષા લઈ મિસ નોબલમાંથી ભગિની નિવેદિતા બન્યાં. એમના જીવન પરિવર્તનની ઘટનાએ પ્રેરેલું કાવ્ય તે આ ‘શાન્તિ’. સંન્યાસ લીધા પછી, સાંજે ફરી આવ્યા પછી, એમના હાથમાં સ્વામીજીએ આ કાવ્ય મૂક્યું.

સાચો સંન્યાસી નિ:સ્પૃહી અને અપરિગ્રહી હોય. સ્પૃહા અને પરિગ્રહ અશાન્તિનાં, અસુખનાં, ઉદ્વેગનાં મૂળ કારણ છે. સ્વામીજીએ આ અપ્રતિમ કાવ્યમાં સુખનો ઉલ્લેખ નથી કર્યો પણ, શાન્તિ અને સુખ એ બંને, ઝેન દર્શનના વર્તુળના બે ભાગની માફક એવાં તો એકમેકની સાથે સંકળાયેલાં છે કે, ક્યારે, ક્યું કારણ હોય છે ને ક્યારે એ કાર્ય હોય છે તે સમજી શકાતું નથી. સાચો સંન્યાસી ભૌતિક સુખસાયબી ઝંખતો જ નથી. કઠોપનિષદની પાંચમી વલ્લીના બારમા અને તેરમા શ્લોકમાં સુખ અને શાન્તિ કોને પ્રાપ્ત થાય તે દર્શાવ્યું છે. ‘ગીતા’ના બીજા અધ્યાયના છાસઠમાં શ્લોકમાં પણ શાન્તિ અને સુખને સાથે વણી લેવામાં આવ્યાં છે.

સ્વામી વિવેકાનંદ આ કાવ્યમાં સુખની વાત જ કરતા નથી – આખું કાવ્ય સુખની છોળોથી ઉભરાતું લાગે છે. માનસપુત્રી માર્ગરેટે સંન્યાસ લીધો છે એટલે એ પરમ સુખ પામી ચૂકી છે, એ સુખ કદી ડગે નહીં એ માટે, મનમાં કે હૃદયમાં જ નહીં, આત્મામાં ચિર શાન્તિનું સામ્રાજ્ય સ્થપાવું જોઈએ. વર્ગમાં શિક્ષક પ્રવેશે ત્યારે જે શાન્તિ સ્થપાય કે, વાહનમાં બે અજાણ્યા યાત્રીઓ અબોલ બેઠા હોય અને જે શાન્તિ હોય તેવી, માટીના હાંડલા જેવી શાન્તિની વાત અહીં નથી. આ તો ‘કઠ’ની શાશ્વત શાન્તિ છે.

‘ગીતા’ના બીજા અધ્યાયના ચોસઠમા શ્લોકમાં શ્રીકૃષ્ણ રાગદ્વેષથી – બધાં દ્વંદ્વોથી – વિમુક્ત થવાની વાત કરે છે. આ કાવ્યમાં સ્વામીજી પણ દ્વંદ્વોની એવી હારમાળા ખડી કરે છે. ખોજ – વીર્ય, બળ અને ઓજહીનતા; તેજોજ્જ્વલ જ્યોત અને ગાઢ અંધકાર; હર્ષ અને શોક; ન જીવાયા જીવનનું અમૃત અને કદી ન વિલાયેલું સનાતન મૃત્યુ; રાત્રિ અને દિવસ. આ બધાં દ્વંદ્વોનો ગણિતમાં આલેખ દોરવામાં આવે તો, હર્ષનો અતિરેક અક્ષરેખાથી જેટલો ઉપર જાય તેટલો જ શોકનો અતિરેક એ રેખાથી નીચે આવે. બધાં જ દ્વંદ્વોનું આમ જ સમજવું. દરિયાનું મોજું જેટલું ઊંચું તેટલી બે મોજાં વચ્ચેની ખાઈ નીચી.

આખા કાવ્યમાં સ્વામીજીનો ઝોક, કાવ્યનું ધ્રુવપદ, સમત્વ છે.

એ છે સન્ધિ બેઉ જોડી રહેલું

ને શાન્તિ છે હૃદય તણી એ
ઉદ્રેકો બે ઊઠતા તેની વચ્ચે.

એ મૃત્યુ છે જિંદગી બને વચ્ચે,
ને એ શાન્તિ આંધિના યુગ્મ વચ્ચે;

એ છે શૂન્ય સર્જનો જ્યાંથી જાગે,
ને પાછાં જ્યાં દોડતાં એ જ ભાગે.

આ કાવ્ય ‘ગીતા’ના ‘સમત્વં યોગ ઉચ્યતે’ ‘સમતા યોગ કહેવાય છે’ તે શબ્દો પરનું અદ્ભુત ભાષ્ય લાગે તેવું છે. આ સમત્વની આધારશિલા ચિત્તની શાન્તિ છે. આલેખમાંની અક્ષ રેખાની બને તેટલું નજીક રહેવાથી, ચિત્ત સદા પ્રસન્ન રહે છે અને, પ્રસન્નતા શાન્તિની પૂર્વ શરત છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસે આવી આદર્શ પ્રસન્નતા હતી. એટલે તો, દક્ષિણેશ્વરના કાલીમંદિરનો એમનો ઓરડો ‘આનંદબજાર’ હતો. એમના હાથનું હાડકું ભાંગી ગયું તો પણ એ આનંદ બજારમાં ઓટ ન આવી. ગળાનું કૅન્સર થયું તો પણ એમાં ઓટ ન આવી. આજે પણ સમર્પણભાવે એમની પાસે જાય છે તે એ આનંદની ભરતીમાં એ પ્રસન્નતામાં જ નહાય છે.

મિસ માર્ગરેટ નોબલનું ભગિની નિવેદિતા બનવું એ કેવળ, છાપામાં જાહેરાત આપી કરાતું નામપરિવર્તન નથી. આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિનું શિશુ એવાં માર્ગરેટ, હજારો વર્ષથી ચાલી આવતી ભારતીય પરંપરા અનુસારના ચતુર્થ આશ્રમની, સંન્યાસની, દીક્ષા લે છે એ અનન્ય પ્રસંગે એના ગુરુ સમા, પિતા સમા સ્વામી વિવેકાનંદ આ નાનકડા કાવ્ય દ્વારા પોતાની શિષ્યાને પ્રોત્સાહિત કરે છે અને, સંન્યાસી ધર્મનો માર્ગ ખાંડાની ધારનો માર્ગ છે એ પણ સૂચવે છે. ચિત્તની શાન્તિનો પ્રાચીન ભારતીય આદર્શ પશ્ચિમની સંસ્કૃતિનું બાળક ગ્રહણ કરી શકે એ રીતે સ્વામીજી મૂકી બતાવે છે.

‘ગીતા’ના બીજા અધ્યાયના જે શ્લોક-(પાંસઠમા)નો ઉલ્લેખ કર્યો છે તેને સમજાવતાં સંત જ્ઞાનેશ્વર કહે છે :

જૈસા અમૃતાચા નિર્ઝરુ,
પ્રસવે જયાચા જઠરુ,
તયા ક્ષુધે તૃષેચા અડદરુ,
કદીંચિ નાહીં.

તૈસેં હૃદય પ્રસન્ન હોયે,
તરી દુઃખ કૈચેં કેં આહે,
તેય આયૈસી બુદ્ધિ રાહે, પરમાત્મરૂપી.
(‘જ્ઞાનેશ્વરી’, ૩૩૯-૩૪૦)

‘જેના પેટમાં અમૃતનો ઝરો પ્રગટ્યો હોય તેને, ભૂખતરસનો ભય કદી પીડે નહીં. એ પ્રમાણે, અંતઃકરણમાં પ્રસન્નતા વસી પછી, ભયદુ:ખ કોનાં અને ક્યાંથી? એ વેળા એની બુદ્ધિ પરમાત્મરૂપમાં સ્થિર થઈ ગઈ છે.

ભગવા કપડાં સંન્યાસનું બાહ્ય ચિહ્ન હશે, વ્યાવર્તક લક્ષણ નથી. ગાંધીજીએ, વિનોબાએ ક્યાં સંન્યાસ લીધો હતો? અને સ્વામી આનંદે તો, લોક ભોળવાઈ ન જાય એ માટે, અંગીકાર કરેલાં ભગવાં વસ્ત્રોનોય ત્યાગ કર્યો હતો. સંન્યાસનું સાચું લક્ષણ ચિત્તની આ પ્રસન્નતા છે, આત્માની આ શાન્તિ છે. ઠાકુરે આ શાન્તિનો સાક્ષાત્કાર કર્યો હતો. એમની શાન્તિના પારાવારને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની કે કેશવચંદ્ર સેનની વ્યુત્પન્ન બુદ્ધિશક્તિ, ગિરીશનું ગાલિપ્રદાન, નરેન્દ્રની કસોટીઓ અને શંકાઓ, રાણી રાસમણિનું ધન કે સ્થાન કશું જ હરી શક્યું ન હતું. કાવ્યની અંતિમ બે કડીઓના સર્જન સમયે સ્વામી વિવેકાનંદનાં આત્મચક્ષુ સામે ગુરુ ઠાકુરની એ પ્રસન્ન, પ્રશાન્ત મૂર્તિ ખડી હશે?

એ મૃત્યુ છે જિંદગી બેની વચ્ચે,
ને એ શાન્તિ આંધિના યુગ્મ વચ્ચે,
એ છે શૂન્ય, સર્જનો જ્યાંથી જાગે,
ને પાછાં જ્યાં દોડતા એ જ ઉપાયે.

સંસાર મૃત્યુ પામે, સંસાર સાથેના બધા સંબંધોનો તંતુ છેદાય, ગૃહસ્થ તરીકેનું, પતિ, પુત્ર, બંધુ, સખા તરીકેનું જીવન અંત પામે પછી જ, સંન્યાસના જીવનનો આરંભ થાય. એટલે તો સ્વામીજી કહે છે :

એ મૃત્યુ છે જિંદગી બેની વચ્ચે.

અને બીજી પંક્તિમાં સ્વામીજી આથી તદ્દન વિરોધી સ્વરૂપે શાન્તિને રજૂ કરે છે :

ને એ શાન્તિ આંધિના યુગ્મ વચ્ચે – એક વંટોળ આવ્યો અને ગયો અને બીજો વંટોળ આવે તેની પહેલાંની, બે આંધિઓને સાંકળતી એ શાન્તિ છે.

પછીની ભવ્ય પંક્તિઓમાં સ્વામીજી કહે છે :

એ છે શૂન્ય સર્જનો જ્યાંથી જાગે,
ને પાછાં જ્યાં દોડતાં એ જ ભાગે.

‘ઋગ્વેદ’ના ૧૦મા મંડલમાંના ‘નારદીય સૂક્ત’નું સ્વામીજીએ જ ભાષાંતર કર્યું છે (‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળા’, ૬.૯ પૃ. ૨૩૧). સ્વામીજીની આ બે પંક્તિઓ એ વેદોક્ત સૂક્તનું સ્મરણ કરાવે છે.

ભવ્યતાના આ શિખરે લઈ ગયા પછી સ્વામીજી કેવી મધુર રીતે સમાપન કરે છે!

અશ્રુબિન્દુ જાય એની સમીપે,
ને જૈ વેરે હાસ્યનું રૂપ એનું.

શાન્તિનું સ્વરૂપ કેટલું મંગલમય છે કે એની પાસે જતું અશ્રુબિન્દુ મીઠું હાસ્ય વેરતું થઈ જાય છે! સંન્યાસી ભલે સંસારને માટે મૃત મનાતો હોય, સાચા સંન્યાસી સમક્ષ મૃત્યુનું જીવનમાં, શોકનું હર્ષમાં અને અશ્રુનું હાસ્યમાં પરિવર્તન થાય છે.

આંસુનું આ આનંદમાં પરિવર્તન એ જ જીવનનો અર્થ છે એમ કહ્યા પછી, કાવ્યની અંતિમ પંક્તિમાં સ્વામીજી નિવેદિતાને નિવેદિત કરે છે :

ને શાન્તિ છે – માત્ર એ ધામ એનું : સંન્યાસીનું ધામ, એનો આશ્રમ, એની ઝૂંપડી શાન્તિનું ધામ છે અને સંન્યાસી પોતે પણ શાન્તિનું ધામ છે. શુભાશુભ, લાભાલાભ, જયાજય આ દ્વન્દ્વોમાંથી એક પણ એની શાન્તિના સાગરને ખળભળાવી શકે નહીં. મૃત્યુને ઉંબરે ઊભેલા કવિવર રવીન્દ્રનાથે ગાયું હતું :

સમ્મુખે શાન્તિ પારાવાર!

સ્વામી વિવેકાનંદનું આ કાવ્ય એવા શાન્તિના પારાવારની ઝાંખી કરાવે છે.

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.