મે’૯૮ના અંકમાં સંપાદકીય લેખ ‘એક હસ્તી, એક અસ્તિત્વ’માં શ્રી સ્વામી વિવેકાનંદજી અને ભગવાન બુદ્ધની સામ્યતા વિશેનો ખ્યાલ આવ્યો. આ લેખ પરથી સ્પષ્ટ થયું કે, સ્વામીજીને ભગવાન બુદ્ધ પ્રત્યે કેવી અદ્ભુત લાગણી હતી.
અભય પંડિત, રાજકોટ

‘સર્વ ધર્મ સમભાવ’ની ઊંચી વિચારધારાને વરેલી – આધ્યાત્મિક વાંચન સામગ્રી પીરસતી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ખરેખર એક અદ્ભુત અને મહાન વૈચારિક જ્યોત છે. જગતનાં સંતોનાં જીવન ચરિત્રનો એક લેખ દરેક અંકમાં પીરસવામાં આવશે તો યુવાનોને પથદર્શક બની રહેશે.
ભરતભાઇ પંચોલી, અમદાવાદ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ જૂન ૧૯૯૮નો અંક હરની પૌડી (હરિદ્વાર)ના આવરણ ચિત્રથી સુશોભિત બન્યો છે. સંપાદકીય લેખ અમૃતની શોધમાં ‘કુંભ મેળા’ વિશે સરસ આલેખ મૂક્યો છે. ઘર બેઠાં જાણે કુંભ મેળો માણ્યો. હિંદુ ધર્મની શાશ્વત ભાવનાને આપે સુંદર રીતે વ્યક્ત કર્યો છે. મૅનૅજમેન્ટ અને ઉપનિષદો એ લેખ પણ હૃદયને સ્પર્શી ગયો છે. શુભેચ્છા.
ભૂપેન્દ્ર શેઠ, જામનગર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વાંચતો રહું છું. દર વખતે કંઇ ને કંઇ વિશિષ્ટતા વાંચવા જાણવા મળે છે. આ વખતે ‘અમૃતની શોધમાં’ ખૂબ જ રોચક અને જ્ઞાનપૂર્ણ લેખ રહ્યો. સદીઓથી આપણે આપણાં પર્વોને ઉજવીએ છીએ – માણીએ છીએ પણ ખરાં, પરંતુ તેની ધાર્મિક – શાસ્ત્રીય – વૈજ્ઞાનિક અસરોથી ઘણાં બધાં અપરિચિત છીએ. આઝાદીની સુવર્ણ વર્ષ જયંતી નિમિત્તે પણ આમાં આપેલ લેખ ‘કુંભ મેળો – રાષ્ટ્રીય ચેતના અને એકતાનું પ્રતીક’ હૃદયને સ્પર્શી ગયો તેમજ સ્વતંત્રતામાં આધ્યાત્મિકતાનાં ફળનું ગૌરવ જગાડી જનાર આ લેખ સહુએ ઘરમાં બધાંને વંચાવવો રહ્યો.
ઉમાકાંત જોષી, ભાવનગર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માસિકમાં સંપાદકીય ખાસ ધ્યાન ખેંચે છે. સમયોચિત લેખ ચિંતન પ્રધાન, સચોટ માર્ગદર્શક અને સ્પષ્ટ હોય છે. આ સંસ્થાના જ અનુભવી સંન્યાસીઓના આધ્યાત્મિક લેખો પ્રકાશ ફેંકે છે. બાળ વિભાગ રમૂજ સાથે નીતિમત્તાના પાઠ ભણાવે છે. જ્યોતિબહેન થાનકીની ચરિત્ર કથા રસપ્રદ શૈલીમાં પરિચિતને જિજ્ઞાસાપ્રેરક હોય છે. દરેક અંક રામકૃષ્ણ મિશનનો સુંદર અરીસો છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા રામકૃષ્ણ મિશન ભારતમાં તેમજ અન્ય દેશોમાં જન કલ્યાણનાં કાર્યો કરે છે.

ભારત માતાએ અનેક તેજસ્વી ઋષિ મુનિઓ, આચાર્યો, વૈજ્ઞાનિકો આધ્યાત્મિક ક્ષેત્રમાં, વિજ્ઞાનમાં, પ્રદાન કરેલ છે. વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત વગેરેના પ્રાચીન વારસામાંથી જીવન પ્રસંગ કે ચિંતન આપવામાં આવે તો અંક સમૃદ્ધ બને, વૈવિધ્ય વધે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય માર્ગના કવિઓ, સંતો, સાહિત્યકારો – પ્રાચીન – અર્વાચીનની એકાદ કૃતિનું રસાસ્વાદન પીરસાય તો મજા પડે. આ નમ્ર સૂચન છે. મિશનની વિચારધારા જળવાય છે.
વૃજલાલ પંડ્યા, નયા અંજાર (કચ્છ)

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ જૂન ૧૯૯૮ના મુખપૃષ્ઠ ઉપર મહાકુંભમેળો હરિદ્વારનું આવરણ ચિત્ર મોખરે રહ્યું અને મહાકુંભ મેળાનાં દર્શન કરાવ્યાં. સંપાદકીયમાં અમૃતની શોધમાં સંક્ષિપ્ત ચર્ચા ખૂબ જ સારી રહી અને ઘણું બધું જાણવા મળ્યું. પુણ્યફળ પ્રાપ્તિ ‘વિષ્ણુયાગ’, ‘વાયુ-પુરાણ’ વગેરે દ્વારા કુંભમેળાનું માહાત્મ્ય સમજાવ્યું. હરિદ્વારમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણી અને કુંભમેળાનો અહેવાલ ખૂબ જ ઉત્તમ રહ્યો અને મન ઉપર અસરકારક છાપ મૂકી ગયો.
દામજીભાઇ નાથાભાઇ ખારવા, મીઠાપુર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો માહે એપ્રિલ’૯૮નો ગુજરાતી અંક હરિદ્વારના શ્રી જયરામ આશ્રમની લાઇબ્રેરીમાં વાંચવા મળ્યો. ખૂબ જ આનંદ થયો. હિન્દી ભાષી સાહિત્ય વાંચતાં વાંચતાં ગુજરાતી સાહિત્ય અને તે પણ માનવ ધર્મ શીખવતું ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વાંચી ખૂબ જ આનંદ અનુભવું છું. આવી સુંદર પત્રિકા પ્રસિદ્ધ કરી સમાજની સેવા કરવા બદલ અભિનંદન.
મુક્તાબહેન વી. રાવલ, હરિદ્વાર (યુ.પી.)

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.