એક સમયોચિત મીમાંસા

વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન લેખક : સ્વામી રંગનાથાનંદ, પ્રકાશક : અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૮ : મૂલ્ય રૂપિયા પચ્ચીસ.

રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ અને સુવિખ્યાત વક્તા સ્વામી શ્રી રંગનાથાનંદજી મહારાજે હૈદરાબાદના રામકૃષ્ણ મઠ, વિવેકાનંદ સભાગૃહમાં ચાર રવિવારોએ આપેલાં માનવીય મૂલ્યો વિશેનાં ચાર પ્રવચનોના સંગ્રહરૂપે પ્રગટ થયેલા અંગ્રેજી પુસ્તક The practical Vedanta and Science of human valuesનો, શ્રી ડૉ. દુષ્યન્તરાય પંડ્યાએ કરેલો આ ગુજરાતી અનુવાદ છે.

આ મૂલ્યમીમાંસા, મૂલ્યોના દુષ્કાળના આ જમાનામાં અનિવાર્ય રીતે પ્રસ્તુત છે, એ કહેવાની તો ભાગ્યે જ જરૂર હોય! આ પુસ્તક સ્વસ્થ સમાજની ઝંખના સેવતા સૌ કોઈને માટે ઉપાદેય છે અને બૌદ્ધિકો માટે સંતર્પક નીવડે એ રીતે લખાયેલું – કહેવાયેલું છે. એમાંયે ઔદ્યોગિક અને ભૌતિક ઉન્નતિના ક્ષેત્રમાં પ્રમાણમાં આગળ વધેલા ગુજરાતમાં તો ગુજરાતી પ્રજા માટે અપેક્ષિત આંતરિક વિકાસની પૂર્તિ કરી સંતુલન કરવામાં નિઃશંક રીતે સહાયભૂત થશે.

આ ચાર વ્યાખ્યાનો પૈકીનાં પહેલાં બે વ્યાખ્યાનોમાં મૂલ્ય નિરૂપણનું ધ્રુવપદ જાળવવા પ્રયાસ કરીને તે માટે આવશ્યક આનુષંગિક વિષયોનું વચ્ચે વચ્ચે વિવરણ કરવામાં આવ્યું છે જ્ઞાન-ભક્તિ-કર્મ-યોગ વગેરે આત્મપ્રકાશના પંથોનું વિશેષ નિરૂપણ તેમજ તે બધાનો સુમેળ પણ નિરૂપ્યો છે. તદુપરાંત, અભ્યુદય, નિઃશ્રેયસ, ચતુર્વિધ પુરુષાર્થો, એની વ્યાપકતા અને શાસ્ત્રીયતા, અવતારવિચાર વગેરે વિષયો પણ સુચારુરૂપે ચર્ચ્યા છે.

પૂ. સ્વામી શ્રી રંગનાથાનંદજીએ મૂલ્યોના બે ભાગ પાડ્યા છે : એક ચિંરજીવી મૂલ્યો અને બીજો અસ્થાયી મૂલ્ય (એટલે કે યુગધર્મ). આમાં ચિરંજીવી મૂલ્યો તાત્ત્વિક, અનુભૂતિક્ષમ, સનાતન (જગતના અસ્તિત્વ સુધી ટકનારાં), વસ્તુતંત્રી, સંશ્લેષક અને સહજ અને વ્યાપક હોય છે, જ્યારે કોઈક ખાસ કાલખંડ ઉપર આધારિત યુગધર્મસમા અસ્થાયી મૂલ્યો માન્યતાસ્વરૂપ, અનુભૂતિને બદલે પરંપરાને અનુસરનારાં, માનવોએ જ રચેલાં, મઠારેલાં, ફેરવેલાં કે ઠરાવેલાં હોય છે. એવાં મૂલ્યો વિશ્લેષક, કૃત્રિમ અને કેવલ તત્કાલીન જ હોય છે.

અહીં એક પ્રશ્ન થાય છે કે મૂલ્યોની ચિરંજીવિતા અને અલ્પજીવિતાનો માપદંડ શો? સ્થાયી અને અસ્થાયી મૂલ્યોની પિછાણ કેવી રીતે કરવી? અહીં એક સરખામણી મને યાદ આવે છે : જેમ કોઈ વૃક્ષનાં થડ ઉપર ઊગેલાં પાંદડાં વહેલાં ફૂટેલાં હોય છે અને સૌથી છેલ્લાં ખરે છે, એનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે. તેવી જ રીતે આ જગતરૂપી વૃક્ષના થડ સમાન બ્રહ્મચેતનાની નજીકમાં જે મૂલ્યો હોય, એના પ્રકાશમાં જે મૂલ્યો ફૂટ્યાં હોય, એના આવિષ્કરણથી મનોવ્યાપારરૂપે પ્રગટ થયાં હોય, તેવાં પ્રેમ, કરુણા, સત્ય, સ્વાતંત્ર્ય વગેરે જીવનમૂલ્યો અપેક્ષાકૃત સ્થાયી છે કે સનાતન છે. પરન્તુ જગતવૃક્ષની ટોચ પર ફૂટતાં પાંદડાંઓ ખૂબ મોડાં ઊગે છે અને પાનખરમાં સૌથી પહેલાં એ ખરી પડે છે. એ અલ્પજીવી હોય છે. આમ મૂલ્યોની અલ્પાયુષ્યતા કે દીર્ઘાયુષ્યતાનો આધાર, તે મૂલ્યો પોતાના સ્રોતથી- થડમૂળથી, – કેટલાં દૂર કે નજીક છે, તેના ઉપર છે પૂ.મહારાજ કહે છે કે મૂલ્યોનો મૂળસ્રોત આ પરબ્રહ્મ છે, કે સર્વવ્યાપી, સર્વપોષક, સર્વમાં ઓતપ્રોત, અંતર્યામી, પરમચૈતન્ય જ છે. આ અંતર્યામી જ વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યવિજ્ઞાનનો આત્મા છે, એ જ હૃદયગુહાસ્થિત તેમજ સર્વવ્યાપક દિવ્યતા છે. જેમ જેમ એ દિવ્યતાનો આવિષ્કાર ખીલતો જશે તેમ તેમ માનવના મનોવ્યાપારમાં મૂલ્યો ઉઘડતાં જશે. આવા જરા જેટલા આવિષ્કારથી પણ જગત સાથેની એકાત્મતાનો અનુભવ થવા લાગશે. મૂલ્યોના ઉદ્ભવસ્થાનનો- મૂલ્યોની ગંગોત્રીનો – આ મહિમા છે.

આ મૂલ્યો ઉત્ક્રાન્તિની માનવકક્ષાએ અને એ પણ અમુક વિશિષ્ટ તબક્કે જ મનુષ્યોના અંતરવ્યાપારોમાંથી પ્રગટે છે. જો કે ઉત્ક્રાન્તિમાં અતિસૂક્ષ્મ જીવમાં ચેતનાના થયેલા પ્રાગટ્ય પહેલેથી જ મહાન મૂલ્યોની ઉપસ્થિતિ તો સૂચવી જ દીધી હતી! પણ માનવે પછી ભક્તિપૂર્વક – નિષ્ઠાપૂર્વક કર્મ – સાધના કરીને ધ્યાનચિન્તનથી એ હસ્તી ધરાવતાં મૂલ્યોને દૃઢ – સ્થિર બનાવ્યાં અને જ્ઞાને એને દિશા આપી છે. માનવની આવી અનન્યતાને કારણે જ કેવળ માનવમાં જ આ મૂલ્યો પ્રગટ્યાં છે. માનવેતર પ્રાણીમાં મૂલ્યોનો કોઈ જ પ્રશ્ન નથી. કેવળ માનવચેતના જ પ્રકૃતિના અંધપાશથી મુક્ત થઈને હવે પ્રકૃતિનાં બળોનું – ઉત્ક્રાન્તિનું ટ્રસ્ટીપદ સંભાળી રહી છે. એટલે એક ટ્રસ્ટીમાં અપેક્ષિત એવા વિવેક અને સંયમની આજના માનવને જરૂર ઊભી થઈ છે.

આ રીતે આ ચાર વ્યાખ્યાનોમાં વચ્ચે વચ્ચે આનુષંગિક વિષયોને ચર્ચતાં ચર્ચતાં સ્વામી શ્રી રંગનાથાનંદજી મહારાજે માનવીય મૂલ્યોનું વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિસર, ક્રમિક, સંતર્પક અને પ્રયોગક્ષમ નિરૂપણ કર્યું છે. આ પુસ્તકનો વાચક પ્રેમ, કરુણા, ઇશ્વરની સર્વવ્યાપકતા, ત્યાગ, આત્મસમર્પણ, સર્વ પ્રત્યે આદર, સંવાદિતા વગેરે જેવાં સનાતન-ચિરંજીવ મૂલ્યોનું પોતાના વ્યક્તિત્વમાં સ્થાપન કરવા પ્રેરાશે અને પૂર્ણ માનવ બનવાના પંથ પર પગલાં પાડશે એવી આપણે શ્રદ્ધા રાખીએ.

પુસ્તકમાં કેટલાક મુદ્રણદોષો રહી ગયા છે : ‘આધારશિલા’ને બદલે ‘આધારશીલા; (આમુખ પૃ. ૧) અભિસંવિશવન્તિ’ને બદલે ‘અભિશંવિશન્તિ’ (પૃ.૨) ‘સંગૃહીત’ને બદલે ‘સંગૃહિત’ (પૃ.૬) ‘સામાન્યાધિકરણ્યાત્’ ને બદલે ‘સમાનાધિકરણ્યાત્’ (પૃ.૯) ‘પ્રસંગોપાત્ત’ને બદલે ‘પ્રસંગોપાત’ (પૃ.૨૧) ‘ગુર્વષ્ટકમ્’ને બદલે ‘ગુર્વાષ્ટકમ્’ને (પૃ. ૩૮), ‘ક્રિયાશીલતા’ ને બદલે ‘ક્રિયાહીનતા’ (પૃ.૪૨) ‘અર્ચ્યત,’ને બદલે ‘અર્ચીયતે’ (પૃ. ૪૬) ‘અન્વીક્ષા’ને બદલે ‘અન્વિક્ષા’ (પૃ.૭૬) છપાયેલ છે એવી બીજી પણ નાની મોટી મુદ્રણ ક્ષતિઓ આવતી આવૃત્તિમાં સુધારી લેવાશે એવી આશા છે.

અંગ્રેજી ભાષામાં લખાયેલાં બીજાં પણ ઉત્તમ પુસ્તકોનો આ રીતે ગુજરાતી ભાષામાં ઉતારીને શ્રી દુષ્યંતભાઈ ગુજરાતી સાહિત્યનું સંવર્ધન કરતા રહે એવી તેમની પાસે અપેક્ષા રાખીએ.

કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.