સ્વામી વિવેકાનંદજીને એક વાર તેમનાં વિદેશી મહિલા મિત્ર મિસ મૅકલાઉડે પૂછ્યું હતું, “સ્વામીજી, હું કેવી રીતે આપને સૌથી વધુ મદદ કરી શકું?” સ્વામીજીએ જવાબ આપ્યો, “ભારતવર્ષને પ્રેમ કરો.”

આજે જો સ્વામીજી ભૌતિકદેહે હયાત હોત અને તેમને ભારતવાસીઓએ પૂછ્યું હોત, “અમે કેવી રીતે આપની શ્રેષ્ઠ સેવા કરી શકીએ?” તો સ્વામીજી આ જ ઉત્તર આપત “ભારતવર્ષને પ્રેમ કરો.”

આપણા દેશની બધી વર્તમાન સમસ્યાઓનું મૂળ કારણ છે આપણા સૌમાં – મંત્રીઓમાં, રાજકારણીઓમાં, વેપારીઓમાં, સરકારી અફસરોમાં, નોકરિયાતોમાં, શિક્ષકોમાં, વિદ્યાર્થીઓમાં, સૌ નાગરિકોમાં દેશભક્તિનો અભાવ. આપણા દેશની બધી જ વર્તમાન સમસ્યાઓનો ઉકેલ આ એક જ મંત્રમાં સમાયેલ છે – “ભારતવર્ષને પ્રેમ કરો.”

દેશપ્રેમની વ્યાખ્યા

દેશપ્રેમની સુંદર વ્યાખ્યા આપતાં સ્વામી વિવેકાનંદજીએ મદ્રાસના વિક્ટોરિયા હૉલમાં ઈ.સ.૧૮૯૭માં ‘મારી સમર યોજના’ (My Plan of Campaign) નામના સુવિખ્યાત ભાષણમાં કહ્યું હતું, “બધા લોકો દેશપ્રેમની વાતો કરે છે. હું પણ દેશપ્રેમમાં માનું છું, મારી પાસે પણ મારો પોતાનો દેશપ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓને માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા હોય છે. પ્રથમ હૃદયપૂર્વકની લાગણી, બુદ્ધિ કે તર્કશક્તિમાં છે શું? ચાર ડગલાં ચાલીને એ અટકે છે. પરંતુ હૃદય દ્વારા આવે છે અંત:પ્રેરણા. પ્રેમથી અશક્યમાં અશક્ય દરવાજા ખૂલી જાય છે; વિશ્વનાં સર્વ રહસ્યોનું પ્રવેશદ્વાર છે પ્રેમ. માટે મારા ભાવિ સુધારકો! મારા ભાવિ દેશપ્રેમીઓ! લાગણી કેળવતાં શીખો. તમને લોકો માટે લાગણી છે? આ કરોડોની સંખ્યામાં રહેલ આપણા દેવોના અને ઋષિમુનિઓના વંશજો પશુત્વની નજીક પહોંચી ગયા છે. તમને એ માટે જરાય દિલમાં લાગી આવે છે? આજે લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને લાખો લોકો યુગો થયાં ભૂખમરો સહન કરતા આવ્યા છે. તે માટે તમારા દિલમાં કંઈ થાય છે? તમને એમ કદી થાય છે કે આ અજ્ઞાનનો અંધકાર આપણા દેશ પર ઘનઘોર વાદળોની પેઠે છવાઈ ગયો છે? તમને એ હલાવી નાખે છે? તમારી ઊંઘ એનાથી ઊડી જાય છે ખરી? એ તમારા રક્તમાં પ્રવેશીને તમારી નાડીઓ દ્વારા હૃદયના ધબકારાની સાથે તાલ પુરાવે છે ખરો? એણે તમને પાગલ કરી મૂક્યા છે ખરા? આ સર્વનાશી દુ:ખના એકમાત્ર ખ્યાલે તમને ભરખી લીધા છે ખરા? આને માટે તમે તમારું નામ, તમારો યશ, તમારી કીર્તિ, તમારી સ્ત્રી, તમારાં બાળકો, તમારી સંપત્તિ, તમારી માલમિલકત, અરે તમારો દેહ સુધ્ધાં વીસરી બેઠા છો ખરા? તમે એવું કંઈ અનુભવ્યું છે? દેશપ્રેમી થવાનું પહેલું જ પગથિયું આ છે.” આ પછી સ્વામીજીએ દેશપ્રેમી થવા માટે અન્ય બે પગથિયાંની વાત કરી – આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટેનો વ્યવહારુ ઉકેલ શોધવાની યોગ્યતા અને પર્વતપ્રાય મુશ્કેલીઓને પાર પાડવાની દૃઢ સંકલ્પશક્તિ.

સ્વામી વિવેકાનંદ એટલે ‘ઘનીભૂત’ ભારત

સ્વામી વિવેકાનંદજીના પોતાના જીવનમાં દેશપ્રેમીની આ ત્રણેય શરતો પૂરી થયેલ જોવા મળે છે. સાત વર્ષો સુધી સમસ્ત ભારતનું ભ્રમણ કરતી વખતે પોતાના દેશવાસીઓનાં દુઃખદર્દ તેમણે સગી આંખે નિહાળ્યાં હતાં, લોકો પ્રત્યેનું કરુણાનું ભૂત તેમના અંતરમાં ભરાઈ બેઠું હતું. તેથી જ તેઓનાં દુઃખદર્દ દૂર કરવા માટેનો રસ્તો ખોળવા તેઓ અમેરિકા ગયા હતા, માત્ર શિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં જ ભાગ લેવા નહિ. આ વાતનો સ્વીકાર તેમણે પોતે જ પોતાના પ્રવચનમાં કર્યો છે.

ભારતનું ભ્રમણ કરી ૧૮૯૨ના ડિસેમ્બર માસમાં તેઓ ભારતના દક્ષિણ છેડે આવી પહોંચ્યા – જ્યાં ત્રણેય સમુદ્રોનો સંગમ થાય છે – અને તરીને એક ખડક પર જઈ ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયા. આ કોઈ સામાન્ય દેવી-દેવતાઓનું ધ્યાન નહોતું. આ ધ્યાન તો હતું – ભારતમાતા પરનું, – ભારતની તત્કાલીન દુઃખદ પરિસ્થિતિ, ભારતના ગૌરવમય અતીત, અને ભારતનું સ્વર્ણમય ભવિષ્ય – આ બધું તેમનાં મનશ્ચક્ષુ સમક્ષ પ્રકટ થઈ ગયું. તેઓ ભારતના વિચારોથી એટલા ગાઢ રીતે ઓતપ્રોત થઈ ગયા કે તેમણે પાછળથી પોતાના પત્રમાં લખ્યું કે કન્યાકુમારીના એ શિલાખંડ પર તેઓ “Condensed India” – ‘ઘનીભૂત ભારત’ બની ગયા હતા.

ભગિની નિવેદિતાએ પણ કહ્યું છે – “ભારત સ્વામીજીના ગહતનમ આવેગનું કેન્દ્ર હતું. ભારત તેમના હૃદયમાં ધબકતું હતું. તેમની નસોમાં તે પ્રતિધ્વનિત થતું હતું. ભારત તેમનું દિવાસ્વપ્ન હતું. રાતનું દુઃસ્વપ્ન હતું. આટલું જ નહીં, તેઓ પોતે જ ભારતવર્ષ બની ગયા હતા.”

સ્વામી વિવેકાનંદજીનું જીવનચરિત્ર વાંચતાં એવું લાગે છે કે ભારતના ગૌરવથી ભાગ્યે જ બીજા કોઈને આટલો ગર્વ થયો હશે. ભારતના દુઃખથી ભાગ્યે જ કોઈએ આટલી વેદના અનુભવી હશે. મા જેવી રીતે બાળકનાં સુખદુઃખ, મંગળ- અમંગળ, નબળાઈ, આવશ્યકતા, ભય વગેરેની સંભવિતતાઓ બાળક કરતાં પણ વધારે જાણતી હોય છે, બરાબર તેવી જ રીતે સ્વામીજીએ ભારતદેશને ઓળખ્યો હતો. એટલે ભારતનાં ભૂત-વર્તમાન-ભવિષ્યનું સંપૂર્ણ ચિત્ર તેમની ચિંતાનો વિષય હતો. આથી જ તો રવીન્દ્રનાથ ટાગોરે રોમાં રોલાંને કહ્યું હતું, “જો ભારતને ઓળખવા માગતા હો તો સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચો.”

સ્વામીજીને કોઈએ એક વખત કહ્યું, “સંન્યાસીએ પોતાના દેશની માયા છોડીને બધા દેશો પ્રત્યે સમદૃષ્ટિ અપનાવવી જોઈએ.” સ્વામીજીએ જવાબ આપ્યો, “જે પોતાની માતાને પ્રેમ આપી શકતો નથી તે બીજાની માતાનું પાલન કેવી રીતે કરી શકે?” કહેવાનો અર્થ કે જે પોતાના દેશને પ્રેમ નથી કરી શકતો તે સમગ્ર વિશ્વને ક્યાંથી અપનાવી શકે? સ્વામીજી જેટલા મહાન સંન્યાસી હતા તેટલા જ મહાન દેશભક્ત હતા. આવા અદ્ભુત સમન્વય સ્વરૂપને અનુલક્ષીને જ તેમને લોકો “Patriot Saint” દેશભક્ત સંત-સંન્યાસી’ કહે છે.

સ્વાધીનતા સંગ્રામીઓના પ્રેરણાસ્રોત

આપણા દેશના સ્વાધીનતા-સંગ્રામના મોટા ભાગના નેતાઓ, ક્રાન્તિકારીઓના મૂળ પ્રેરણાસ્રોત હતા – સ્વામી વિવેકાનંદ. મહાત્મા ગાંધી ૩૦મી જાન્યુઆરી ૧૯૩૦ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલુરમઠમાં આવ્યા ત્યારે પોતાના ભાષણમાં તેમણે સ્વીકાર્યું હતું કે સ્વામી વિવેકાનંદજીનાં પુસ્તકો વાંચ્યા પછી તેમનામાં રહેલ દેશભક્તિ હજાર ગણી વધી ગઈ. નેતાજી સુભાષચંદ્ર બોઝ ૧૫ વર્ષની ઉંમરમાં સ્વામી વિવેકાનંદજીનાં પુસ્તકોના પરિચયમાં આવ્યા અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. તેમણે આપણી માતૃભૂમિ માટે આત્મ-બલિદાન દેવાનો નિશ્ચય કરી લીધો. પંડિત જવાહરલાલ નહેરુએ સ્વીકાર્યું હતું કે તેમના સમયના મોટા ભાગના યુવકોના પ્રેરણાસ્રોત હતા – સ્વામી વિવેકાનંદ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચાર્યે તો ત્યાં સુધી કહ્યું કે સ્વામી વિવેકાનંદજી વિના આપણને સ્વાધીનતા પ્રાપ્ત ન થાત. કાકાસાહેબ કાલેલકરે પણ સ્વીકાર્યું છે કે સ્વામી વિવેકાનંદજી વિદેશથી ભારત પાછા ફર્યા ત્યારે ચેતનાની એક નવી લહેર સમસ્ત દેશમાં ફેલાઈ ગઈ, સેંકડો વર્ષોથી ગુલામીમાં સબડતું રાષ્ટ્ર અચાનક પુનર્જીવિત થયું, તેમના જેવા કેટલાય યુવકોમાં દેશ પ્રત્યે ગૌરવની ભાવના જન્મી.

આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓની અદ્ભુત દેશભક્તિથી ખેલાયેલ ઐતિહાસિક અને વિરલ સંગ્રામથી બ્રિટિશ રાજ્યના પાયા હચમચી ગયા અને યુદ્ધ વગર જ આપણને સ્વાધીનતા સાંપડી. પણ સ્વાધીનતા પછી આપણે સ્વામી વિવેકાનંદજીના સંદેશને ભૂલી ગયા, દેશસેવાના પૈડામાં ધનલોલુપતા, પદલોલુપતા, સ્વાર્થવૃત્તિની ખીલી લાગી અને દેશભક્તિની બધી હવા નીકળી ગઈ. પરિણામે સ્વાધીનતાનાં પચાસ વર્ષો પછી પણ આપણે સ્વામી વિવેકાનંદજીએ સેવેલ સ્વપ્ન- ભારત દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય-થી ઘણા દૂર છીએ.

સ્વાધીન ભારતની પરાધીનતા

સ્વાધીનતાની સ્વર્ણ જયંતીનું વર્ષ જેમતેમ ઉજવાઈ ગયું. વિદેશમાં કદાચ વધારે ઉત્સાહથી ઉજવાયું, કારણ કે સાધારણ જનતાને આ સ્વાધીનતાનાં મીઠાં ફળ હજુ સાંપડ્યા નથી. આજે સ્વાધીનતાનાં પચાસ વર્ષો પછી દેશના ૩૬ ટકા લોકો (૩૨.૯ કરોડ લોકો) ગરીબી રેખાની નીચે જીવે છે. ચાર વર્ષથી નીચેના ૫૩ ટકા બાળકો (લગભગ છ કરોડ) પૂરતું પોષણ પામતા નથી. ૩૬ ટકા બાળકો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પહેલાં જ નિશાળ છોડી દે છે, ૪૦ ટકા લોકો નિરક્ષર છે, વિશ્વના સૌથી વધુ નિરક્ષર બાળકો, અને પુખ્તવયના લોકો ભારતમાં છે. ગામડાંમાં વસતા ૫ ટકા લોકોને જ ગંદવાડથી રક્ષણ આપતી સ્વાસ્થ્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે, સૌથી મોટા દુઃખની વાત તો એ છે કે વિશ્વના દસ ટોચના ભ્રષ્ટાચારી દેશોમાં ભારતનું સ્થાન આઠમું છે! અબજો રૂપિયાના દેણા હેઠળ દેશ દબાયેલ છે. આપણે આર્થિક રીતે હજુ પરતંત્ર છીએ, સામાજિક દૃષ્ટિએ જોતાં આમજનતા પરના અને નારીજાતિ પરના જૂલમો ચાલુ છે. સૌથી મોટી પરતંત્રતા આવી છે – સાંસ્કૃતિક ક્ષેત્રે. વિદેશી ચેનલો, વિદેશી સંગીત, વિદેશી વસ્ત્રો, વિદેશી ભાષા, વિદેશી સભ્યતા જનમાનસ પર હાવી થઈ ગઈ છે. કોને ખબર આજે લૉર્ડ મૅકાલે ક્યાં હશે – સ્વર્ગમાં કે નરકમાં, પણ જ્યાં પણ હશે ત્યાં અત્યંત ગૌરવ અનુભવતો હશે કે ભારતીઓને સદાય ગુલામ બનાવી રાખવાવાળી, ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે ઘૃણાની ભાવનાનું પોષણ કરનારી શિક્ષણ પદ્ધતિ ૧૮૩૬માં તેણે પ્રારંભ કરી હતી તે આજે ભારતમાં સ્વાધીનતાનાં ૫૦ વર્ષો પછી પણ ચાલુ છે! એટલું જ નહિ ‘સેકલુરઝિમ’નું નવું તૂત ઊભું કરીને તેનો અર્થ ‘સર્વધર્મસમભાવ’ ન કરીને તેનો ખોટો અર્થ ‘ધર્મનિરપેક્ષતા’ કરીને ભારતીય સંસ્કૃતિ અને ધર્મના શિક્ષણને સાવ બાકાત રાખી દીધું છે, એટલી હદ સુધી કે જેઓ આ માટે પ્રયત્નો કરી રહ્યા છે તેઓ જાણે મોટો અપરાધ કરી રહ્યા હોય તેમ તેઓની સાથે વર્તવામાં આવે છે. અલબત્ત, હિન્દુ ધર્મ સિવાયના અન્ય ધર્મો ભારતમાં પોતપોતાના ધર્મનું શિક્ષણ ભારતમાં છૂટથી કાયદેસર આપી શકે છે, કારણ કે તેઓને ‘માયનૉરિટી’ (અલ્પ સંખ્યક વર્ગ)નું કવચ મળેલ છે! મતો પ્રાપ્ત કરવા માટેની કેવી ક્રૂર કરામત! કેવી બલિહારી છે આ ડૅમૉક્રસિની! શું આવી સ્વાધીનતા મેળવવા જ સ્વામી વિવેકાનંદજીએ આંસુ વહાવ્યાં હતાં? શું આવી જ સ્વાધીનતા મેળવવા માટે આપણા દેશભક્તો ફાંસીને માંચડે લટકી ગયા હતા?

ભારતમાં ભારતની તાતી આવશ્યકતા છે – ‘ભારતીયતા’ની

આજની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ અને તાતી આવશ્યકતા છે – ભારતીય સંસ્કૃતિ અને ધર્મને ઉચ્ચતમ પ્રાધાન્ય આપવાની; ભારતના શિક્ષણનું ભારતીયકરણ કરવું પડશે, મૅનૅજમૅન્ટના ક્ષેત્રે ભારતીય અભિગમ અપનાવવો પડશે, પ્રચાર-પ્રસારના સાધનોમાં – ટીવી સમાચારપત્રોમાં ભારતીય મૂલ્યોને, ભારતીય સંસ્કૃતિને ઉચ્ચતમ સ્થાન આપવું પડશે. ભારતવાસીઓ જ્યાં સુધી ભારતને પ્રેમ કરતા નહિ થાય ત્યાં સુધી સ્વામી વિવેકાનંદજીએ ભારત વિશે સેવેલ ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ દ્વારા સંપૂર્ણ વિશ્વ પર વિજયનું સ્વપ્ન સિદ્ધ નહિ થાય.

ભારતનો ગૌરવપૂર્ણ ભૂતકાળ

જે લોકો હંમેશાં ભૂતકાળ વાગોળ્યા કરે છે તેમને આજકાલ સૌ વખોડે છે. એમ કહેવાય છે કે ભારતનાં બધાં દુઃખનું મૂળ કારણ ભૂતકાળના ગુણગાન કરવાં છે તે છે. સ્વામી વિવેકાનંદજી આ કથન સાથે સહમત થતા નથી. તેમણે કહ્યું હતું, “ભૂતકાળ ભવિષ્યનું નિર્માણ કરે છે. એટલે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ભૂતકાળમાં નજર દોડાવો. ત્યાં જે ચિરંતન ઝરણું વહી રહ્યું છે તેનું ધરાઈને આકંઠ પાન કરો અને ત્યાર પછી જ સામી તરફ દૃષ્ટિ કરીને આગળ વધો અને પ્રાચીન કાળમાં ભારતે જે ઊંચાં ગૌરવ શિખરો સર કર્યાં હતાં તેનાથી પણ વધારે ઊંચાં, ઉજ્જ્વળ, મહાન અને મહિમામય બનાવવાના પ્રયત્નો કરો.” સ્વામી વિવેકાનંદજીના ગ્રંથોનું અધ્યયન કરવાથી આપણને જાણવા મળશે કે આપણી માતૃભૂમિ પ્રત્યે વિશ્વનું ઋણ અપરિમિત છે. જ્યારે ખ્રિસ્તી ધર્મની કલ્પનાનો જન્મ પણ નહોતો થયો તેનાં ૩૦૦ વર્ષ પહેલાંથી આપણો ધર્મ પ્રસ્થાપિત થઈ ચૂક્યો હતો. વિજ્ઞાનને ક્ષેત્રે પણ આપણે મહાન સિદ્ધિઓ હાંસલ કરી હતી. પ્રાચીન ભારતે વૈજ્ઞાનિક દૃષ્ટિથી સંપન્ન ચિકિત્સકોની ભેટ આપી છે. સર વિલિયમ હંટરના મતાનુસાર જુદા જુદા રાસાયણિક પદાર્થોની શોધ અને વિરૂપ કાન તથા નાકને પુનર્ગઠિત કરવાના ઉપાયો બતાવીને ભારતે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનને સમૃદ્ધ કર્યું છે. ગણિતક્ષેત્રે તો તેનું યોગદાન ઉલ્લેખનીય છે. બીજગણિત, ભૂમિતિ, જ્યોતિષ વિદ્યા અને આધુનિક વિજ્ઞાનના વિજય સ્વરૂપ મિશ્ર ગણિત આ બધાંનું જન્મસ્થાન ભારત જ છે, ત્યાં સુધી કે વર્તમાન સભ્યતાનો પાયો, સંખ્યા દશક ભારતના મનીષિઓની જ સૃષ્ટિ છે. દસ સંખ્યાવાચક દશાંક શબ્દ વાસ્તવમાં સંસ્કૃત શબ્દ છે. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ ન્યૂટને કરી તેનાં સેંકડો વર્ષો પૂર્વે ભાસ્કરાચાર્યે કરી હતી.

તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં તો ભારત અન્ય દેશો કરતાં ક્યાંય આગળ રહ્યું છે. પ્રસિદ્ધ જર્મન તત્ત્વજ્ઞાની શૉપનહૉર વગેરે અનેક વિદ્વાનોએ આ વાતનો સ્વીકાર કર્યો છે. આ જગતને સંગીતની ભેટ આપનાર ભારત છે. ભારતે જ સાત મુખ્ય સ્વર-સૂરના ત્રણ તાનની સાથે સાથે સ્વરલિપિની પ્રણાલી આપી. ભાષાવિજ્ઞાનના ક્ષેત્રે હવે આ વાત સર્વસ્વીકૃત છે કે બધી યુરોપીય ભાષાઓનો આધાર આપણી સંસ્કૃત ભાષા છે. સાહિત્યના ક્ષેત્રે આપણાં કાવ્યો, મહાકાવ્યો અને નાટકો કોઈ પણ ભાષાની રચનાઓ કરતાં ચડિયાતાં છે. જર્મનીના શ્રેષ્ઠ કવિએ આપણા શાકુંતલ નાટક માટે સંક્ષેપમાં કહ્યું હતું કે આ નાટકમાં સ્વર્ગ અને પૃથ્વી એકરૂપ બની ગયાં છે. ‘ઈસપની નીતિકથાઓ’ ભારતના એક જૂના સંસ્કૃત પુસ્તકમાંથી લીધેલ છે. ‘અરેબિયન નાઈટ્સ’ અને ‘સિન્ડ્રેલા’ તથા ‘જેક એન્ડ ધ બીન સ્ટોક્સ’ નામક પ્રખ્યાત કથા-સાહિત્યનો જન્મ પણ ભારતમાં થયો હતો. શિલ્પકલા, ચિત્રકળા, આર્કિટૅકચર વગેરે ક્ષેત્રોમાં ભારત કેટલું આગળ હતું તેનો આછો ખ્યાલ અજંતા-ઈલોરાની ગુફાઓ જોવાથી અને એક જ ખડકમાંથી કોતરાયેલ કૈલાશ મંદિરને જોવાથી મળે છે. શતરંજ, ગંજીપો અને પાસા ફેંકવા જેવી રમતનો જન્મ ભારતમાં થયો હતો. આર્થિક ક્ષેત્રે તો ભારતની ઉન્નતિ એટલી બધી હતી કે ‘સોનેકી ચિડિયાં’ કહેવાતા આ દેશમાં ભુખ્યા યુરોપના નિવાસી ઠીક ઠીક સંખ્યામાં ધન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આવવા લાગ્યા અને આ જ બાબત પરોક્ષ રીતે અમેરિકાની શોધનું કારણ બની.

સ્વામી વિવેકાનંદજી કહે છે, “જ્યારે હું દેશના પ્રાચીન ઇતિહાસની પર્યાલોચના કરું છું ત્યારે સમગ્ર વિશ્વમાં મને એવો કોઈ દેશ નથી દેખાતો કે જેણે ભારતની જેમ માનવ હૃદયને ઉન્નત કરવા માટે આટલું કાર્ય કર્યું હોય.”

ભારતનું સોનેરી ભવિષ્ય

બેલુર મઠમાં બેસીને એક વખત સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “મેં બધું જોઈ લીધું છે, ભારતવર્ષમાં આગામી પાંચસો-છસો વર્ષના ઇતિહાસનું પાનું ફરી ગયું છે.” સ્વામીજીએ કહ્યું હતું કે ભારતમાં ભૌતિક સમૃદ્ધિ એટલી વધશે કે તેનો પ્રાચીન વૈભવ ઝાંખો પડી જશે. તેમનો વિશ્વાસ હતો કે ભારતનું ભવિષ્ય તેના ભૂતકાળ કરતાં પણ વધુ ગૌરવમય અને મહાન હશે. તેમનું સ્વપ્ન હતું – ભારત દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય.

સ્વામીજીના આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે આપણે બધાંએ સજ્જ થવું પડશે. આપણી માતૃભૂમિ પાસે વિશ્વવિજયી બનવાની બધી સામગ્રી છે, આપણી મહાન સંસ્કૃતિ, અને વેદાંતના અમૃતને પામવા માટે આજે વિદેશના લોકો આતુર થઈ ગયા છે. આપણા વૈજ્ઞાનિકો અણુવિજ્ઞાનના ક્ષેત્રે, અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે, સોફ્ટવૅર ટૅકનૉલૉજીના ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે, આપણી પાસે આર્થિક વિકાસ માટે આવશ્યક ખનિજ પદાર્થો, તેલ વગેરે સાધનો પણ ઉપલબ્ધ છે, પણ આ માટે સ્વામીજીએ આપેલ મંત્ર આપણે સૌએ યાદ રાખવો પડશે: “ભારતવર્ષને પ્રેમ કરો”

જય ભારતમાતાકી જય.

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.