જુલાઈ-૧૯૯૮ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો અંક અમૂલ્ય અને રસપ્રદ રહ્યો. કૈલાશ માનસરોવરની યાત્રા દરમ્યાન શ્રી મહેશ જોશી દ્વારા લીધેલ ચિત્રો સુંદર, રમણીય રહ્યા અને આ વખતનો દરેક વિભાગ પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત રહ્યો. સંપાદકીયમાં સેંકડો વર્ષોથી ગુલામીને લીધે આત્મશ્રદ્ધા, આત્મસન્માન, ગુમાવી બેઠેલ લોકોમાં નવચેતનાનો પ્રાણ સંચાર સ્વામી વિવેકાનંદજીએ કઠોપનિષદના શ્લોક દ્વારા કર્યો. મૃત્યુના મુખમાંથી બચવાનો એક માત્ર ઉપાય છે ‘આત્મ-સાક્ષાત્કાર’. જન્મ-મરણનાં દુઃખ કષ્ટમાંથી પસાર થવાનો, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાનો કઠિન હોય તો પણ અધ્યાત્મનો, આત્મસાક્ષાત્કારનો માર્ગ મૃત્યુના મુખમાંથી બચવાનું રહસ્ય ખૂબ જ ઉત્તમ બળ રહ્યું છે.
– દામજીભાઈ ખારવા, મીઠાપુર

જુલાઈ ૧૯૯૮નો અંક મળ્યો. તેમાં ‘વેદયુગીન ભારત : નવો પ્રકાશ’ એક અનેરો લેખ છે. વર્ષોથી આપણા વિદ્યાર્થીઓને શિખવાય છે કે પરદેશી આર્યોએ ભારત પર ‘આક્રમણ’ કર્યું. હવે આ ‘થિયરી’ પ્રમાણહીન અને પાયા વગરની સિદ્ધ થતી જાય છે. ‘આક્રમણકારી આર્યો’ એવી રજૂઆત માત્ર વિદેશી ઈતિહાસકારોની કલ્પના હતી. નવેસ૨થી ભારતનો ઈતિહાસ રચવાની અને વિદ્યાર્થીઓને શિખવવાની તાતી જરૂર છે. આવાં લખાણથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની ઉપયોગિતા અને છાપ ઘણી વધશે.
– રજનીકાન્ત પંડ્યા, મુંબઈ

શંકરાચાર્યના ‘આત્મબોધ’, ‘ઉપદેશ શતક’, ‘સાધન પંચક’ જેવામાંથી દ૨ મહિને એક શ્લોક મૂળ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં ભાષાંતર અને ત્યાર પછી નીચે ભાવાનુવાદ આપવામાં આવે તો વધુ પસંદ પડશે. આખરે વેદ, ઉપનિષદ આપણી સંસ્કૃતિનો પાયો છે જેમાં રામકૃષ્ણદેવનો ઉપદેશ પણ સમાવિષ્ટ છે. શ્રાવણમાસમાં શિવમહિમ્ન સ્તોત્ર પણ અનુવાદ સાથે આપવામાં આવશે તો ખૂબ જ ગમશે. ‘રામકૃષ્ણ જ્યોત’નું વાર્ષિક લવાજમ રૂા. ૫૦ કરો તો પણ અયોગ્ય નહિ થાય.
– વિપુલ દવે, રાજકોટ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ અમને નિયમિત દર માસે મળે છે. વાંચવાથી આનંદ મળે છે. થાકી ગયેલા મગજને તાજગી મળે છે. વિવેકવાણી હારી ગયેલાને હિંમત, કાંઈક કરી છૂટવાની પ્રેરણા અને આધ્યાત્મિક જ્ઞાનની જાણે કે ઔષધિની ગોળી સમાન છે. સંપાદકીય લેખો ઘણાજ અસરકારક હોય છે. ‘જીવન એક યાત્રા’ના લેખક ‘A Package to live the good life’ ગણી શકાય. જુલાઈના અંકમાં “સદ્‌ગુરુનાં લક્ષણો” જેવું વાંચન અવારનવાર આપવા બદલ પૂ. સ્વામીઓ અને વિદ્વાન ભાષાંતરકારોનો ઘણો જ આભાર. સમાચાર દર્શનમાં ગુજરાતમાં તાજેતરમાં થયેલ વાવાઝોડાની હોનારતના રાહત કાર્યમાં જણાવ્યા મુજબ રાજકોટ આશ્રમ તરફથી જે સેવા કાર્ય થઈ રહ્યું છે તે બદલ સંન્યાસીઓ, સ્વયંસેવકો અને અન્ય સૌ ભાગ લેનારને ખૂબ ખૂબ ધન્યવાદ. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દ્વારા માનવસેવાનો સંદેશ ખૂબજ પ્રસરે તેવી અભ્યર્થના.
– વિવેકાનંદ ક્લાસ, લંડન

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ મારું પ્રિય માસિક છે. જુલાઈ’૯૮નો અંક ખૂબ જ સરસ રહ્યો. ‘સદ્‌ગુરુનાં લક્ષણો’ અને ‘પ્રજ્ઞાચક્ષુ હૅલન કૅલર’ લેખ પણ ગમ્યા. ઉપરાંત સમાચાર દર્શનમાં શ્રીરામકૃષ્ણ આશ્રમે કંડલા, પોરબંદર, જામનગરના વાવાઝોડા માટે ખરેખર સુંદર કાર્ય કર્યું તે બદલ હાર્દિક અભિનંદન.
– કિશોર પરમાર, લખતર (સુરેન્દ્રનગર)

जुलाई अंक मिला है। संपादकीय लेख प्रत्येक अंक में उत्तम ज्ञानवर्धक होता ही है। इस जुलाई अंकमें सभी लेख उत्तम हैं । “मारा पाडोशीओ” शीर्षक लेख गृहस्थ जीवनके लिए रमूज- मनोरंजन और कैसे रहना चाहिए उसका सबक सीखाता है । “भावनुं निर्माण आम थाय” शीर्षकवाला लेखक भाई संजीव शाहका लेख भी ज्ञानवर्धक है ।
– गोपाल कणसागरा, मँगलोर

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.