માનું હૈયું, વીર સંકલ્પ હોજો,
હોજો વાયુ દક્ષિણાત્યની ગંધ,

માધુરીને શક્તિ જે મુક્ત, ઊર્જિત્
આર્યો કેવી વેદીએ નિત્ય વસતી;

તારું હોજો સર્વ આ, આથી અદકું
કલ્પ્યું ન્હોયે પૂર્વના આત્મ કો એ –

મા ભારતનાં ભાવિ સન્તાન કેરી
રાજ્ઞી, મિત્ર, સેવિકા સૌ થજે તું.

– સ્વામી વિવેકાનંદ

ગુરુ અને શિષ્યના સંબંધને આપણે ત્યાં કેટલું મહત્ત્વ અપાય છે તે

ગુરુ ગોવિંદ દોનું ખડે, કિસકો લાગું પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય –

આ દોહા પરથી જોવા મળે છે. પ્રાચીન કાળમાં શિષ્યો ગુરુને આશ્રમે, ગુરુના પુત્રોની માફક જ, રહેતા અને ગુરુ પાસેથી જ્ઞાન તેમજ વાત્સલ્ય પામતા. ગુરુને શિષ્યની કેટલી ચિંતા રહેતી તેનું ઉદાહરણ ‘સુદામાચરિત’માં સાંપડે છે.

શ્રીકૃષ્ણ અને સુદામાને ગુરુપત્નીએ લાકડાં કાપી લાવા મોકલ્યા. ગુરુ સાંદીપનિ ત્યારે આશ્રમમાં ન હતા. પાછળથી ધોધમાર વરસાદ આવ્યો અને શિષ્યો સમયસર પાછા આવ્યા નહીં એટલે, પાછા આવી ગયેલા ગુરુજી પોતે શિષ્યોને ખોળવા નીકળ્યા હતા. આ કથા સંનિષ્ઠ શિષ્ય પ્રત્યેના ગુરુના હૃદયમાંના ભાવને પ્રગટ કરે છે.

પ્રાચીન કાળમાં જ આવું હતું એવું નથી. એક સો પંદર વર્ષ પહેલાં દક્ષિણેશ્વરના ‘આશ્રમ’માં ગુરુ રામકૃષ્ણ રાખાલ, નરેન વગેરે પોતાના પ્રિય શિષ્યો માટે કેટલી ચિંતા કરતા હતા?

શિષ્યનો અભ્યાસ પૂરો થાય ત્યારે ગુરુ તેને માનભેર વિદાય આપતા. આ વિધિ ‘સમાવર્તન’ને નામે ઓળખાતો. વિદાય લેતા શિષ્યને ગુરુ અમૂલ્ય બોધ દેતા. તૈત્તિરીય ઉપનિષદના નવમા, દસમા અને અગિયારમાં અનુવાકોમાં આ વાત સુંદર રીતે કહેવાઈ છે. આશ્રમમાં બારેક વર્ષ રહી, વિદ્યાધ્યયન કરી, ગૃહસંસારમાં પ્રવેશ માટે જતા વિદ્યાર્થીને ગુરુ જીવનોપયોગી સલાહ અને પોતાના અંતરના આશીર્વાદ આપે છે. સ્વામી વિવેકાનંદનું આ નાનકડું કાવ્ય પણ શિષ્યને એવા આશીર્વાદનું જ કાવ્ય છે. પણ, પ્રાચીન કાળનો આશ્રમ છોડતો શિષ્ય ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે ગુરુ એના પર આશીર્વાદ વરસાવે છે, ત્યારે અહીં, શિષ્ય (શિષ્યા) સંસાર છોડી સંન્યાસી-પ્રવ્રાજિકા- બને છે ત્યારે, ગુરુના વત્સલ આશીર્વાદ પામે છે.

આશ્રમની તપઃપૂત ભૂમિ પર બનવી જોઈએ તેવી આ ઘટના કોઈ આશ્રમમાં નથી બનતી – ના, વિશિષ્ટ અર્થના આશ્રમમાં જ બને છે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ક્લેંડર્સમાં લડવા ગયેલા યુવાન, દેશભક્ત, અંગ્રેજ કવિ રુપર્ટ બ્રૂકે પોતાના એક કાવ્યમાં લખ્યું છે, લડતાં, લડતાં આ દેહ પડે અને જ્યાં દટાય તે ભૂમિ સદાને માટે ઇંગ્લેંડ બની જશે. સ્વામી વિવેકાનંદ જેવી વિશ્વવંદ્ય વિભૂતિનાં ચરણ જ્યાં પડે તે ભૂમિ આશ્રમ જેટલી જ પવિત્ર બની જાય.

પોતાના પશ્ચિમના દેશોના બીજા પ્રવાસમાં સ્વામીજીએ પોતાના કેટલાંક પાશ્ચાત્ય શિષ્ય-શિષ્યાઓને પોતાની જોડે રાખ્યાં હતાં. કુમારી માર્ગરેટ નોબલ તેમાનાં એક હતાં. મૂળ આયર્લેંડનાં એ વતની, લંડનમાંના પ્રથમ પ્રવાસ વેળા સ્વામીજીને લાધ્યાં હતાં. જીસસને બોલે પોતાની હોડી, માછલાં પકડવાની જાળ, કુટુંબ, ઘર બધું જ છોડી જીસસના શિષ્ય બનનાર સંત પીટરની માફક, સ્વામી વિવેકાનંદને બોલે માર્ગરેટ પણ દેશ, કુટુંબ, વ્યવસાય બધું ત્યજી, સ્વામીજીની સાથે ભારત આવ્યાં હતાં અને ભારતીય બનવા મથામણ કરી રહ્યાં હતાં. સ્વામીજીને બોલે સર્વસ્વ ત્યજી દઈ એ માર્ગરેટ નોબલમાંથી ભગિની નિવેદિતા બન્યાં હતાં.

૧૯૦૦ના સપ્ટેમ્બરની બાવીસમી તારીખે, ફ્રાન્સના વાયવ્ય ભાગમાં, બ્રિટિશ સામુદ્રધુનિને અડીને આવેલા, બ્રિટેની પ્રાંતનાં પેરો-ગ્વિરેક ગામે સ્વામીજીએ આ કાવ્ય નિવેદિતાને અર્પણ કર્યુ હતું.

આજે દુનિયાને કોઈ પણ ખૂણેથી બીજે કોઈ પણ ખૂણે ટેલીફોનથી વાતચીત થઈ શકે છે, ફેક્સ સંદેશો ગણતર પળોમાં મોકલી શકાય છે અને ઈ-મેલથી ગપ્પાં મારી શકાય છે. સો વર્ષ પહેલાં જગતનાં અંતરો આટલાં ઘટ્યાં ન હતાં. આજે જેટલા કલાકમાં મુંબઈથી લંડન પહોંચી શકાય છે. એટલા દિવસોમાં પણ ત્યારે તેમ થઈ શકતું ન હતું. વળી, આપણે ગુલામ દેશનાં નાગરિકો હતાં, આપણો ધર્મ ‘પછાત’ મનાતો હતો. અને આપણો ‘ઉદ્ધાર’ પૂરેપૂરો પશ્ચિમ પર જ આધારિત છે એવી પ્રબળ માન્યતા ચોમેર પ્રવર્તતી હતી ત્યારે, ૧૮૯૩માંના, શિકાગોની વિશ્વધર્મ પરિષદમાંના સ્વામી વિવેકાનંદના પ્રાગટ્યે એ ભ્રમ ભાંગી નાખ્યો. એટલું જ નહીં, યુરોપ – અમેરિકામાંથી કશી જ લાલચ આપ્યા વગર, એમને શિષ્યો, પ્રશંસકો અને ભક્તોનું મોટુ વૃંદ પણ મળ્યું. સેવિયર દંપત્તી, સ્વામી અતુલાનંદ, ગુડવીન, ભગિની નિવેદિતા, મિસ મેકલેઓડ, સિસ્ટર ક્રિસ્ટીન વગેરેએ ભારતને એના વેદાંતને, એના ખોરાક પોશાકને, એની રીતરસમને, વધતે ઓછે અંશે અપનાવ્યાં હતાં. એ સૌના ત્યાગની આજે આપણને કલ્પના પણ આવવી મુશ્કેલ છે.

ભગિની નિવેદિતા – અને એમનાં જેવાં બીજાં પાશ્ચાત્ય શિષ્ય-શિષ્યાઓ-સ્વામીજીને સાંભળીને, એમને બોલે, એમને વચને, પોતાનું સર્વસ્વ અર્પણ કરવા પ્રેરાયાં હતાં. એ સૌને માર્ગદર્શનની, પ્રેરણાની, સાંત્વનની જરૂર હતી. એટલી જ આવશ્યક્તા હતી એમને આત્મનિર્ભર કરવાની. સ્વામીજીનું આ નાનકડું કાવ્ય નિવેદિતાને એ આત્મનિર્ભરતાનો પંથ ચીંધે છે, એની પાસેથી શી અપેક્ષાઓ છે એ દર્શાવે છે અને શુભેચ્છાઓ વ્યક્ત કરે છે. આમ આ નાનકડું કાવ્ય ભાવનાઓની ત્રિવેણી છે. આપણે એનું આચમન લઈએ.

પોતાની દેશ છોડી વિદેશઓની જેમ તેમની વચ્ચે રહી તેમની સેવા કરવાનો સંકલ્પ પણ સરળ નથી. ત્યારે, નિવેદિતા ભારતીય બની ગયાં હતાં. પોતાને લોકો કેટલે અંશે સ્વીકારશે એ મૂંઝવણ પણ ભગિનીને થતી હશે. એ મૂંઝવણ દૂર કરવાની ગુરુ ચાવી બતાવતાં સ્વામીજી કહે છે : નિવેદિતા, માનું હૈયું, વી૨ સંકલ્પ હોજો – દીકરી, તું સેવા કરવા જાય છે તો, એની પહેલી આવશ્યક્તા, પહેલી શરત એ છે કે, તારી પાસે માનું હૈયું હોય. માતાને પોતાના બાળકનો દોષ કદી વસતો નથી, એ ગમે તેવું મેલુંઘેલુંગોબરું હોય તો પણ, માનો ખોળો એને માટે સદાય ખુલ્લો હોય છે, બાળક ઉપર કોઈ પણ આફત આવે તો, મા આડ ધરી ઊભી હોય છે. સેવક બનનારે, વત્સા, આ હૈયું પ્રથમ ખિલવવું જોઈએ. આ વાત્સલ્યની તોલે જ્ઞાનનો હિમાલય આવી શકે નહીં.

તારી પાસે માતૃહૃદય હશે પણ દૃઢ સંકલ્પ નહીં હોય તે નહીં ચાલે. શ્રીરામકૃષ્ણે વૈદો ત્રણ પ્રકારના કહ્યા હતા : એક પ્રકારનો વૈદ નાડ તપાસી, રોગ પારખી, પડીકીઓ આપે અને કહે: ‘આ દવા લે જો.’ બીજા પ્રકારનો વૈદ આ બધું તો કહે જ પણ દર્દીને જરા આગ્રહ કરે ને સમજાવે, ત્રીજા પ્રકારનો વૈદ, દર્દી ઢીલો પોચો હોય તો, પરાણે એના ગળામાં દવા રેડી દે. કારણ, દરદીને તરત સાજો ક૨વા એ સંકલ્પબદ્ધ છે. સ્વામી વિવેકાનંદ પણ શિષ્યા નિવેદિતાને આમ દૃઢ સંકલ્પ થવા અનુરોધ કરે છે. સંકલ્પમાં ઢીલાશ જરીય ન ચાલે.

કાવ્યની બીજી, ત્રીજી અને ચોથી પંક્તિઓ આશીર્વાદાત્મક છે.

આ પંક્તિઓ મહાકવિ કાલિદાસના સુપ્રસિદ્ધ નાટક અભિજ્ઞાન શાંકુતલના ચોથા અંકમાંની કણ્વઋષિની પ્રસિદ્ધ ઉક્તિનું સ્મરણ કરાવે છે. શકુન્તલા પાલકપુત્રી જ હતી છતાં એની ઉપર ઋષિ વાત્સલ્યની વર્ષા જ વરસાવતા હતા. નિવેદિતા પણ સ્વામી વિવેકાનંદનાં એવાં જ પુત્રી હતાં અને, શકુન્તલાની માફક એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં પ્રવેશી રહ્યાં હતાં. કણ્વઋષિની લાગણીને એ મહાકવિ કણ્વમુખેથી નથી વ્યક્ત કરતાં. આકાશવાણી થાય છે :

વચ્ચે રૂડાં સર ભર્યાં નલિનીથી લીલાં,
છાયાદ્રુમો રવિતણો તડકો નિવારે;
પદ્મો તણી રજ સમા મૃદુ-રેણુ એનો,
શાન્તાનુકૂલ પવને શિવ પંથ હોજો –

બંગાળમાં દક્ષિણથી વાતા વાયરા શીતળતા અને સુગંધ અને વૃષ્ટિ આણે છે એટલે, સ્વામીજી કહે છે :

હોજો વાયુ દક્ષિણાત્યની ગંધ. કવિ કાલિદાસની શકુન્તલા ગૃહસ્થાશ્રમ માંડવા જઈ રહી છે. સ્વામીજીની આ પ્રિય શિષ્યા ગૃહસ્થાશ્રમ છોડી રહી છે. એ જે દિશામાં જઈ રહી છે તેનો નિર્દેશ પછીની બે પંક્તિઓમાં સચોટ રીતે કરવામાં આવ્યો છેઃ

માધુરી ને શક્તિ જે મુક્ત, ઊર્જિત્
આર્યો કેરી વેદીએ નિત્ય વસતી –

સંન્યાસનો આદર્શ આર્યોનો પ્રાચીન આદર્શ છે. એ આર્યોની યજ્ઞવેદીઓ વિભૂતિમત ઊર્જાનાં ઉદ્ભવસ્થાન હતી. યજ્ઞોમાંથી ઊડતા પાવક ધૂમાડાની માફક એ શક્તિ પણ મુક્ત હતી. આવી માધુર્યસભર, મુક્ત અને ઊર્જિત, આર્યોની વેદીએ સદા વસતી પાવનકારી શક્તિ તને પ્રાપ્ત થાઓ, એમ સ્વામીજી પોતાની પ્રિય શિષ્યાને આશીર્વાદ આપે છે.

પણ, આટલેથી સ્વામીજીને સંતોષ નથી થતો. એટલે કાવ્યની બીજી કડીમાં સ્વામીજી કહે છેઃ

તારું હોજો સર્વ આ, આથી અદકું
કલ્પ્યું ન્હોયે પૂર્વના આત્મ કોએ –

વૃષ્ટિ કરતા મેઘને આપતાં ધરવ થતો નથી. સ્વામીજી કહે છે, પૂર્વેના કોઈ આત્માએ કદી કહ્યું ન હોય એ બધું તને પ્રાપ્ત થાઓ.

કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં સ્વામીજીની અપેક્ષા, એમના આશીર્વાદ અને એમની શુભેચ્છાનો સુભગ ત્રિવેણી સંગમ થયો છે. સ્વામીજી કહે છે :

મા ભારતનાં ભાવિ સન્તાન કેરી
રાજ્ઞી, મિત્ર, સેવિકા સૌ થજે તું.

ભારતમાતાનાં સંતાનો માટે નિવેદિતાનું સેવાકાર્ય એટલું મહાન હોય કે, માનાં એ સન્તાનો તને રાણીના જેવો આદર આપે. ફલોરેન્સ નાઇટિંગેય્‌લ પરિચારિકા – નર્સ – હતી પણ, ક્રિમિયાના યુદ્ધમાં એણે સૈનિકોની જે અદ્ભુત પરિચર્યા કરી તેણે એને એ સૈનિકોના હૃદયમાં સામ્રાજ્ઞી પદે સ્થાપી દીધી. એની પરિચર્યાને કારણે યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોનું મરણપ્રમાણ એટલું બધું ઘટી ગયું કે, લશ્કરના ખેરખાંઓની આંખ ઉઘડી ગઈ અને પરિચારિકાઓ લશ્કરમાં સૈનિકોના જેટલું જ અગત્યનું અંગ બની ગઈ.

ભારતની ભાવિ પેઢીની સેવા કરીને ભગિની નિવેદિતાએ ભારતનાં ભાવિ નાગરિકોનું ઘડતર કરવાના ઉદ્દેશથી શાળા શરૂ કરી હતી એ એ શાળાનું ઉદ્‌ઘાટન પૂજ્ય મા શારદામણિદેવીએ કર્યું હતું – એમનાં હૃદયમાં એ સૌ તને રાજ્ઞીપદે સ્થાપે એટલું તારું ગૌ૨વ છે.

પણ જેને લોકો દૂરથી કુરનિશ બજાવે એવી રાણી થવાનું નથી. તારે એમના ‘મિત્ર’ બનવાનું છે. હૃદય મિત્ર પાસે જ ખોલી શકાય. હૃદયની સામ્રાજ્ઞી બનવાનું છે. ઇસુનું રાજ્ય હતું લોકહૃદયમાં એમ, તારે પણ, લોકોના મિત્ર બનીને. અને મિત્ર બનવાનું છે સેવિકા થઈને. રાજ્ઞીપદની આ સીડી છે : સેવિકા – મિત્ર – રાજ્ઞી. તાજ પહેરી સિંહાસને બેઠેલાં રાજરાણીઓનાં રાજનું આવરદા એમના અમલપૂરતું મર્યાદિત હોય છે.

તથાગત બુદ્ધ, ફાધર ડેમિયન, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી… એ સૌનાં રાજ અમર તપે છે. ‘તારું રાજ્ય આવું અમર તપે’ એવા આશીર્વાદ સ્વામી વિવેકાનંદ પોતાનાં શિષ્યા ભગિની નિવેદિતાને આપે છે.

આશીર્વાદના કેટલાક વૈદિક મંત્રોનું લાઘવ અને બળ સ્વામીજીના આ ટૂંકા કાવ્યમાં છે. કારણ, સ્વામીજીની વાણીની સરવાણી એમના હૃદયમાંથી ફૂટી છે.

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.