સ્વામી જિતાત્માનંદજી દ્વારા લખાયેલ અંગ્રેજી પુસ્તક ‘Swami Vivekananda – The Prophet and Pathfinder’ની ત્રીજી આવૃત્તિનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘યુગપ્રવર્તક પયગંબર સ્વામી વિવેકાનંદ’ આ નામે પુસ્તક આકારે પ્રસિદ્ધ થયો છે. આ પુસ્તકનું ૧૪મું પ્રકરણ આ અંકમાં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

ગંગાતટે, બેલુડમાં પોતાના ગુરુને માટે આખરે સ્વામી વિવેકાનંદે નિવાસ બાંધ્યો. વર્ષો અગાઉ એકવાર એમના ગુરુએ એમને કહ્યું હતું : ‘તારી ઈચ્છા હશે ત્યાં હું આવીશ અને રહીશ. તારા ખભા ઉપર બેસાડી ઝાડ નીચે કે રાંક ઝૂંપડીમાં, તને ઠીક લાગે ત્યાં, મને લઇ જજે.’ આખા જગતમાં પોતાના ગુરુનો સંદેશ ફેલાવવા માટે અને અમલ માટે, ૧૮૯૭ની ૧લી મે એ, સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. ૧૮૯૮ની ૯મી ડિસેમ્બરે, પોતાના ગુરુના પુણ્યાવશેષ અક્ષરશઃ પોતાને ખભે ઊંચકી ગંગાને જમણે કાંઠે, બેલુડની પવિત્ર ભૂમિમાં, એ લઇ ગયા. યુગવર્તી આશા સમા બેલુડના શ્રીરામકૃષ્ણ મઠની પ્રતિષ્ઠામાં એમના ગુરુભાઈઓ, ભક્તો અને શિષ્યો સૌ જોડાયા હતા.

બાળકની માફક એ આનંદિત અને પ્રફુલ્લ હતા. આખરે એ પોતાનું વચન પાળી શક્યા હતા. એમની શ્રદ્ધા દૃઢ થઈ. બાર કરતાં વધારે વર્ષોનાં સંઘર્ષ, યાતના, વ્યવસ્થા અને ભીખનું અંતે પરિણામ આવ્યું હતું. આ રામકૃષ્ણ મઠ માટે પૂર્વમાં તેમજ પશ્ચિમમાં, તેમણે ઘેરઘેર, શહેરે શહેરે, ભીખ માગી હતી, અનેક વાર શંકાશીલ દૃષ્ટિથી એમને હડધૂત કરવામાં આવ્યા હતા અને ભાગ્યે જ લોકોએ એમનામાં વિશ્વાસ મૂકી ભેટ આપી હતી. આ સ્વપ્નને મૂર્તિમંત કરવા પ્રથમ આગળ આવ્યા એમના પાશ્ચાત્ય શિષ્યો, મઠની જમીન અને તેના બાંધકામ માટે તેમણે ફાળો આપ્યો. એમના ગુરુના પુણ્યાવશેષ ૫૨ત્યાં મંદિર બંધાયું. એ સંઘર્ષ માનવાતીત હતો; એણે પોતાનાં મધુપ્રમેહ અને દમ જેવાં દર્દોને દાઢમાં મૂકી દીધા. ૧૮૯૯ના એપ્રિલમાં પોતાના શિષ્યોને એમણે લખ્યું હતું: ‘બે વર્ષની શારીરિક યાતનાએ મારા જીવનનાં વીસ વર્ષ લઈ લીધાં છે.’ ‘પણ આત્મા બદલાતો નથી, ખરું? એ પાગલ આત્મા સનાતન છે, એક વિચાર પાછળ ઘેલો ને આદુ ખાઈને અડેલો….’

આખરે પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ આવ્યો. વિધિ પૂરી થયે સ્વામી વિવેકાનંદને લાગ્યું કે, અવતારની મહાશક્તિ ત્યાં હાજરાહજૂર છે. એમણે પયગામ ભાખ્યોઃ ‘અહીંથી ઉદ્ભવતી આધ્યાત્મિક શક્તિ અખિલ જગતમાં ફેલાઈ જશે, માનવીની પ્રવૃત્તિઓને અને આકાંક્ષાઓને નવી દિશાના આદર્શોના પ્રવાહ પ્રત્યે પરિવર્તિત કરવામાં આવશે. મઠના સંન્યાસીઓની ઇચ્છા માત્રથી મનુષ્યોના મૃતપાય આત્માઓ ચતનવંતા બને તેવો સમય આવશે. મારા નયન સમક્ષ આ બધાં દૃશ્યો ખડાં થાય છે.’ બેલુડની ભાવિ યુનિવર્સિટી-વિદ્યામંદિરનું-દર્શન એમને થયું; વિજ્ઞાન અને કલા ત્યાં હાથ મિલાવશે અને, આવતા દિવસોમાં, ઈશ્વરના સાધકોની આધ્યાત્મિક સાધના ફિલસુફી વડે જીવંત બનાવાશે.

‘આત્મનો મોક્ષાર્થંમ્ જગત્ હિતાય ચ.’ એ રામકૃષ્ણ સંઘના મુદ્રાલેખની તેમણે વ્યાખ્યા આપી. આ મુદ્રાલેખ એક એવા સાધુ સંઘને જન્મ આપશે જે સમાજને આધ્યાત્મિક બનાવશે, સહજ ભાવે જગતની, ખાસ કરીને, દરિદ્ર-નારાયણની, સેવા કરશે, બધા ધર્મો વચ્ચે સમન્વય સ્થાપશે અને, માનવીમાં ભગવાનની સેવાનો નવો ધર્મ આચરશે અને અમલમાં મૂકશે; આ માટે કામકાંચનનો, નામકીર્તિનો અને વ્યક્તિગત મોક્ષની ઇચ્છાનો પણ ત્યાગ એ સંઘના સભ્યો કરશે.

થોડા દહાડા પછી પોતાના શિષ્ય શરત્ ચંદ્ર ચક્રવર્તીને એમણે કહ્યું હતુંઃ

‘પ્રભુની ઇચ્છા હશે તો આ મઠને આપણે સમન્વયનું એક મહા કેન્દ્ર બનાવીશું. આપણા ઠાકુર બધા આદર્શોનો મૂર્તિમંત સમન્વય હતા. આપણે અહીં સંયમનો ભાવ જાળવી રાખીશું તો ઠાકુરને સુખ થશે. બ્રાહ્મણથી માંડીને ચાંડાલ સુધીના બધા ધર્મો અને બધા સંપ્રદાયના લોકો અહીં આવે અને પોતાના આદર્શો પ્રગટ થતા જુએ તે આપણે જોવું જોઇએ. જે દહાડે મઠની ભૂમિમાં મેં શ્રીરામકૃષ્ણની પ્રતિષ્ઠા કરી તે દહાડે મને લાગ્યું કે, એમના વિચારો અહીંથી ફરી, જડચેતન, સમગ્ર વિશ્વમાં ચોમેર પૂરની જેમ ફરી વળ્યા. મારાથી થાય તે હું કરતો રહ્યો છું અને કરીશ, અને તમે સૌ પણ, શ્રીરામકૃષ્ણના ઉદાર આદર્શો જગતને સમજાવજો. માત્ર વેદાંત વાંચવાનો વ્યવહારુ જીવનમાં અર્થ શો છે? વ્યવહારુ જીવનમાં વિશુદ્ધ વૈરાગ્યનું સત્ય આપણે પુરવાર કરવું જોઈએ, આ અદ્વૈત વેદાંતને શંકરાચાર્યે પહાડોમાં અને વનોમાં રાખ્યું હતું તેથી, ત્યાંથી બહાર કાઢી, પ્રવૃત્તિમય જગતમાં અને સમાજમાં તેને વેરવા અને તેનો ફેલાવો કરવા હું આવ્યો છું.’

એક બીજે દહાડે મઠના પ્રાંગણમાં પોતાના શિષ્યને તેમણે કહ્યું હતું: ‘આ દેશમાં કલા અને સંસ્કૃતિની બધી શાખાઓને ચેતનવંતી કરવા શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા. એટલે મઠને એ રીતે બાંધવો રહ્યો કે, ધર્મ, કર્મ, શિક્ષા, જ્ઞાન અને ભક્તિ સર્વ આ કેન્દ્રમાંથી જગતમાં ફેલાય. આ કાર્યમાં તમે મારા સહાયક બનો.’ ત્યારે, મઠની જગ્યાએ હજી પથરાનો ઢગલો પણ પડ્યો ન હતો. આ ભવિષ્યવાણી સાંભળતા એ શિષ્યને આવા ભવ્ય સ્વપ્નમાં શ્રદ્ધા ન હતી. આંચકો આપી સ્વામી વિવેકાનંદે એને પોતાની શ્રદ્ધામાં વાળ્યો: ‘અરે ઓછી શ્રદ્ધાવાળા, મને સાંભળી લે! મારી બધી અપેક્ષાઓ કાળ ભગવાન પૂરી કરશે.’

પણ એ વિશાળ, સદી વ્યાપ્ત, વૈશ્વિક દર્શનનો સ્વીકાર એ ઓછી શ્રદ્ધા માટે મુશ્કેલ હતો. એમના કેટલાક ગુરુભાઇઓ પણ આરંભમાં, એમને સમજવામાં નિષ્ફળ ગયા હતા. એમના એક સંન્યાસી બંધુ સ્વામી પ્રેમાનંદે ઘણાં વર્ષો પછી કહ્યું હતું કે, ‘શ્રીરામકૃષ્ણ સમીપ જોયું હતું તેના કરતાં સ્વામીજીના નવા વિચારો ખૂબ જુદા લાગતા હતા. અને અમને એ જે કરવાનું કહેતા હતા તે શ્રીરામકૃષ્ણની રીતિ કરતાં એટલું ભિન્ન લાગતું હતું કે અમે શંકા કરવા લાગ્યા હતા. અમને લાગતું હતું કે સ્વામીજી આ બધું પશ્ચિમમાંથી શીખી લાવ્યા છે અને અમારી ઉપર એ લાદવા માગે છે. પણ સમય જતાં મેં સ્વામીજીનાં લખાણોનો અભ્યાસ કર્યો ત્યારે મને લાગ્યું કે સ્વામીજીને સમજીને, એમના બોધ અને એમની ઇચ્છા મુજબ અમે વર્તીશું નહીં તો શ્રીરામકૃષ્ણને કદી સમજી જ નહીં શકીએ.’ છતાં આ ગુરુભાઇઓએ જ સ્વામીજીનો બોજો વહ્યો અને એમનાં સ્વપ્નો સાકાર કર્યાં. પોતાના અવસાનની પૂર્વસંધ્યાએ, નરેનના ગુરુભાઇઓ એવા આ શિષ્યોની જવાબદારી ગુરુએ નરેનને સોંપી હતી અને પોતાના ગુરુનાં આ બાળકો કરતાં સ્વામીજીને કોઇ વધારે વિશ્વસનીય, વધારે પ્રિય કે વધારે નિકટનું ન હતું. એમનામાં સ્વામીજીને પોતાના ગુરુ સદેહે દેખાતા. પોતાના ગુરુના સંદેશાવાહક નિરક્ષર લાટુ-સ્વામી અદ્ભુતાનંદ- એમના હૃદયના મુકુટમણિ હતા; પોતાના વહાલા ‘લોરેનભાઈ’માં પોતાના ગુરુની ભવિષ્ય વાણી અક્ષરશઃ સાચી પડતી એમને દેખાતી હતી. આ દિવ્ય બહારવટિયા માટે ‘લોરેને’ મઠના નિયમો કોરે મૂક્યા હતા. એમના પ્રિય ‘લોરેન’ને આ લાટુ કે લેટો- શ્રીરામકૃષ્ણ એમને ઘણીવાર આ નામે બોલાવતા- ને ‘પ્લેટો’નું નામ આપ્યું હતું. લાટુ મજાકમાં કહેતા કે, ‘રામકૃષ્ણ સંઘનો પહેલો અધ્યક્ષ ભલે રાખાલ હોય, ‘મારા લોરેન-ભાઇ’ આખા જગતના રાજા છે.’ પોતાની આંખ સામે સ્વામી યોગાનંદ મૃત્યુ પામ્યા ત્યારે તીવ્ર દુઃખથી સ્વામી વિવેકાનંદે મંદિરમાં પગ મૂકવા ના પાડી હતી. સ્વામી અખંડાનંદને એ પોતાના ‘આત્માનું બળ’ કહેતા. પોતાના શિષ્યોને એ કહેતા કે, ‘રામકૃષ્ણાનંદ આ મઠનું હૃદય છે.’ બીજા સૌ તપ માટે બહાર ભ્રમણ કરતા હતા ત્યારે, ગુરુના અવશેષોની પૂજા એમણે જ નિષ્ઠાપૂર્વક કરી હતી. કેલિફોર્નિયામાં તુરીયાનંદ બિમાર પડ્યા ત્યારે માતાની માફક સ્વામીજી ચિંતા કરવા લાગ્યા અને એમને તરત દેશ મોકલવા પોતાનાં અમેરિકન શિષ્યોને વિનંતી કરી. પોતાના અંત સુધી, પોતાના પ્રત્યેક ગુરુભાઇની એવી જ ચિંતા કરતા. એમને સુખે સુખી અને તેમના દુઃખે પીડા અનુભવી, તેમની સહાયે એ તરત દોડી જતા, પછી ભલે હિમાલયના આશ્રમમાંથી આવવું પડે. આ સાથીઓ એમનું વિશ્રામસ્થાન અને આધાર હતા કારણ, એમની સાથે તો પોતે દક્ષિણેશ્વરમાં પ્રભુચરણે નમ્યા હતા. સાથીઓમાં એમને પૂરો વિશ્વાસ હતો. એમને તેઓ પ્રેરણા આપતા. એમણે મે, ૧૮૯૭માં સાથીઓને લખ્યું હતું, ‘પૂરી શક્તિથી અને પૂરા ખંતથી કામ કરવું.’ ‘આપણે દેશને ઊર્જાના આંચકા આપવા જોઈએ.’ ઑક્ટોબરમાં ફરી લખ્યું, ‘મને ખૂબ જ ઉતાવળ છે. મારે વાવાઝોડાની ઝડપે કામ કરવું છે અને મારે નિર્ભય હૃદય જોઈએ છે.’

એક દિવસે ચિંતામાં અને ગુસ્સામાં મૃદુ સ્વભાવના સ્વામી બ્રહ્માનંદને સ્વામી વિવેકાનંદ ખૂબ વઢ્યા ત્યારે ત્યાંથી વેદના સાથે જઇ સ્વામી બ્રહ્માનંદ રડી પડ્યા. પોતાના ખૂબ વિશ્વાસુ સાથી પાસે સ્વામીજી તરત દોડી ગયા અને આંસુ સાથે માફી માગી કહ્યું: ‘મને માફ કર, ભાઇ! મેં તને આ શું કર્યું? ઠાકુર તો તને માખણ અને મીઠાઈ ખવરાવતા!’ રાખાલ ઠાકુરના આધ્યાત્મિક પુત્ર હતા અને આ દિવ્ય સંબંધનો નરેન હંમેશ આદર કરતા. એ માટે તો પોતે રામકૃષ્ણ મઠના અધ્યક્ષ થવાની ના પાડી હતી અને બ્રહ્માનંદને તે પદે સ્થાપ્યા હતા. ‘ઠાકુરે રાખાલને રાજા બનાવ્યો હતો,’ એમ સ્વામીજી કહેતા. સામે પક્ષે, નરેન કોણ છે તેની રાખાલને ખબર હતી. એક દહાડો સ્વામીજીની લાંબો સમય સેવા કર્યા પછી રાખાલ પોતાના ઓરડામાં ગયા ત્યારે મઠનાં અધ્યક્ષને સ્વામીજીની આવી સેવા કરતા જોઇ એક શિષ્યને નવાઇ લાગી! તરત સ્વામી બહ્માનંદે કહ્યું: ‘એ સાક્ષાત શિવ છે તે હું જાણતો નથી?’

ઘણા સમય પહેલાં સ્વામીજીએ નિવેદિતાને કહ્યું હતું: ‘અર્ધો ડઝન માણસો પરસ્પરને મૃત્યુ સુધી ચાહે ત્યારે નવો ધર્મ અસ્તિત્વમાં આવે છે.’ વલણ અને સ્વભાવના તીવ્ર મતભેદો છતાં એકમેક સાથે બંધાયેલા સોળ જુવાનોની આ ટુકડી હતી. શ્રીરામકૃષ્ણ વેદાંતનો નવો ધર્મ ગંગાતટે બેલુડમાં ઉદ્ભવ્યો હતો અને સંસ્કૃતિનો મુખવટો બદલવા એ નિર્માયો હતો.

સંઘની સ્થાપના માટે પૉલે અને પીટરે પોતાના જીવન સમર્પિત ન કર્યાં હોત તો, તેત્રીસમે વર્ષે ક્રૂસ પર લટકાવાયેલા ઇસુનો સંદેશ એ ક્રૂસ પર જ મૃત્યુ પામ્યો હોત. પોતાની મુક્તિને ભોગે ઉગોલિનોએ અને ઇલિયસે જાતને ખર્ચી નાખી ન હોત તો, સંત ફ્રાન્સિસનો આધ્યાત્મિક ખજાનો એ ‘રાંક બંધુ’ના મૃત્યુની સાથે જ લોપ પામ્યો હોત. સ્વામી વિવેકાનંદને ખાતરી હતી કે પોતાના ગુરુના જીવને વહેતો મૂકેલો મહાન આધ્યાત્મિક ધોધ પથરાઓમાં અને કોતરોમાં વેડફાઈ નહીં જાય. જબરદસ્ત બંધ બંધાઇ ચૂક્યો હતો અને આત્માનો દુકાળ પડ્યો હોય અને મૃત્યુ આવી પહોંચ્યું હોય ત્યાં અમરત્વનાં નીર હવે વાળી શકાશે. મઠને એમણે ‘પાવિત્ર્યવેધક યંત્ર’ તરીકે, મનુષ્યને દેવમાં પરિવર્તતો જોયો તથા જગતની કોઈ સત્તા જેને ચલાયમાન કરી શકે નહીં તેવા, ‘માનવજાતિના હિતના ઉચ્ચાલન’ તરીકે નિહાળ્યો.

આ નવા મઠે એમને લગભગ ખલાસ કરી નાખ્યા. મઠના નિયમો એમણે લખાવ્યા : આર્ષ દૃષ્ટિથી પૂત અને ખૂબ ચિંતન પછી એ નિયમોનો દરેક શબ્દ ઉદ્ભવ્યો હતો.

પોતાના પશ્ચિમના બીજા પ્રવાસની પૂર્વસંધ્યાએ ૧૮૯૯ના મેની ૯મીએ, મઠના અંતેવાસીઓ સમક્ષ સ્વામીજીએ પ્રેરક પ્રવચન આપ્યું હતું :

‘ધ્યેય કદી દૃષ્ટિ બહાર જવું જોઈએ નહીં. પૂર્વેના ઋષિઓ પ્રત્યે મને પૂરું માન હોવાં છતાં, લોકોને બોધ આપવા માટે એમણે અખત્યાર કરેલી રીત માટે આકરામાં આકરા શબ્દોમાં એમના પર તહોમત મૂક્યા સિવાય મારાથી રહી શકાતું નથી.’

‘એ ઋષિઓ કહેતા કે લોકો સાચો અર્થ સમજી શકે નહીં, આવો ગહન બોધ ગ્રહણ કરવાના તેઓ અધિકારી ન હોય માટે, લોકોથી તેઓ રહસ્ય ગોપિત રાખતા. એમનો આ અધિકારીવાદ નર્યો સ્વાર્થ છે…અધિકારીવાદને ટેકો આપવા આતુર હતા તે સૌ એ માનવઆત્માની અનન્ત શક્યતાઓ અવગણી હતી. દરેક મનુષ્યને એની પોતાની ભાષામાં જ્ઞાન અપાય તો એને ગ્રહણ કરવાની શક્તિ એ ધરાવે છે.’

‘માણસો સ્વાર્થી છે અને બીજાંઓ પોતાના જ્ઞાનની સમકક્ષ થાય તેવું તે ઈચ્છતા નથી. પણ તેઓ એવો ખુલાસો કરે છે કે ઉચ્ચતમ આધ્યાત્મિક સત્યો નબળા મનવાળા લોકોમાં ગરબડ ઊભી કરશે. પ્રકાશ વધારે અંધકાર આણે છે એમ હું માની શકતો નથી, સચ્ચિદાનંદ સાગરમાં ડૂબી મરી જવા જેવું એ છે.’

‘લોકોનો આદર ગુમાવવાના ભયે પણ માણસો વિશાળતર સત્યો બોલતાં ડરે છે. સાચાં સનાતન સત્યો અને, લોકોના નિવાર્ય પૂર્વગ્રહો વચ્ચે તડજોડ કરવાનાં તેઓ સદા યત્ન કરે છે. પરિણામે મહાન સત્યો કચરાના ઢગ નીચે દબાઈ જાય છે અને કચરો સત્યનું સ્થાન લઈ લે છે. બરાબર જાણી લો કે તડજોડની આ કોશિશ નિર્લજ્જ, નિર્ભેળ કાયરતામાંથી જન્મે છે અને અધિકારીવાદ એકદમ ઘૃણાજનક સ્વાર્થનું જ પરિણામ છે.’

‘જગતનો ઈતિહાસ થોડા સંકલ્પશીલ માનવીઓનો ઈતિહાસ છે અને એક માનવી આવો સંકલ્પશીલ બને ત્યારે મનુષ્યોનો જગતે એને ચરણે પડવું જ જોઈએ. મારા આદર્શોને હું પાણીપંથા કરવા નથી માગતો હું શરતો લાદવા માગું છું.

‘આપણે હજી માનવજાતને જોઈ નથી અને એ યુગ પ્રવર્તશે ત્યારે ઓછામાં ઓછા પ્રતિકારનો માર્ગ જ નહીં રહે કારણ, કલ્યાણ કરવા માટે દરેક વ્યક્તિ સ્વતંત્ર હશે.’

૧૮૯૯ના જૂનની ૧૯મીએ, એમના પશ્ચિમના પ્રવાસ પહેલાંના વિદાય સમારંભમાં આ મઠમાંથી ઉદ્ભવનાર નવી પેઢીના પોતાના દર્શન વિશે સ્વામીજીએ કહ્યુંઃ યાદ રાખવાની બીજી બાબત એ છે કે, આ સંસ્થાનો હેતુ મનુષ્યો ઘડવાનો છે. કોઈ ઋષિએ કંઈ કહ્યું હોય તે જાણીને બેસી રહેવાનું નથી. એ ઋષિઓ બધા પોઢી ગયા છે. એમની સાથે એમના મત પણ પોઢી ગયા છે. તમારે જાતે ઋષેિ થવાનું છે. મહાનમાં મહાન મનુષ્યો જેવા – અરે, કોઈ અવતારના જેવા – તમે પણ મનુષ્ય છો; તમારા પગ પર જ તમારે ઊભા રહેવું જોઈએ. માત્ર પોથીજ્ઞાનથી શું વળે? ધ્યાનથી પણ શું વળે? મંત્રો અને તંત્રોથી પણ શું વળે? તમારી પાસે આ નવી રીતિ જોઈએ – માનવ ઘડતરની રીતિ.’

સ્વામીજીના એક બનારસવાસી શિષ્યને પત્રમાં આ પ્રસંગે ઉપસ્થિત મિ. શચીન્દ્રનાથ બસુએ લખ્યું હતું:

‘એમના શબ્દો સાંભળતાં સૌની નસોમાં લાલ લોહી વહેવા લાગ્યું. સ્વામીજીને સાંભળી દરેકને લાગ્યું, ‘હું માણસ છું’. ખૂબ ઉત્સાહપૂર્વક સ્વામીજીએ કહ્યું: ‘મારા પુત્રો, તમે સૌ મનુષ્યો બનો. મારે આ જ જોઈએ છે! તમને થોડીક પણ વિજય મળશે તો મને લાગશે કે મારું જીવન સાર્થક થયું છે.’

શ્રીરામકૃષ્ણના અનુયાયીઓ પાસેથી પયગંબરને કેવા માનવીઓની અપેક્ષા હતી? ભક્તિ, જ્ઞાન, ધ્યાન અને કર્મ, આધ્યાત્મિક ઉત્કૃષ્ટતાના એ ચારેય પથોમાં પોતાના ગુરુના અનુયાયીઓ સરખા પ્રવીણ બને એ સ્વામીજીનું ધ્રુવપદ હતું. ‘આમાંથી એકમાંયે જરા સરખી ઊણપ દેખાડે તેનું ચારિત્ર્ય શ્રીરામકૃષ્ણના ઢાળામાં ઢળાયેલું નથી.’ મઠવાસીઓને એમણે શીખવ્યું હતુંઃ ‘ચારિત્ર્યના બળ વિના મનુષ્ય કશું પ્રાપ્ત કરી શકતો નથી.…… સ્વાશ્રય અને આત્મશ્રદ્ધા ચારિત્ર્ય-ઘડતરનાં એકમાત્ર સાધનો છે. એટલે, આ મઠની પ્રત્યેક પ્રવૃત્તિમાં અને બોધમાં આ મુદ્દે ધ્યાન દેવાવું જોઈએ.’ જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને તેમણે અગાઉ લખ્યું હતું:

‘હું એ તારણ પર આવ્યો છું કે, પોતાના બધા દોષો છતાં, બીજી બધી પ્રજાઓ કરતાં હિંદુઓ નીતિ અને અધ્યાત્મમાં ક્યાંય ચડિયાતા છે અને હિંદુઓના શાંત ગુણોની સાથે પશ્ચિમના પ્રવૃત્તિમયતાના અને વીરતાના ગુણો પૂરતી કાળજીપૂર્વક તેમનામાં ભેળવવામાં આવે તો આ જગતમાં કદી અસ્તિત્વમાં હતા એના કરતાં અનેકગણા ચડિયાતા માનવીઓનું નિર્માણ થશે.’

બીજા પ્રસંગોએ સ્વામી વિવેકાનંદે નીચે પ્રમાણે કહ્યું હતું :

‘પ્રથમ નિર્મળ બનો અને તમને સત્તા પ્રાપ્ત થશે. વિશુદ્ધ મગજમાં અનર્ગળ શક્તિ અને વિરાટ સંકલ્પબળ હોય છે. સંયમ માનવજાત ઉપર અદ્ભુત અંકુશ બક્ષે છે. માનવજાતના આધ્યાત્મિક ધુરીણો ખૂબ સંયમી હતા અને તેથી જ એમણે શક્તિ પ્રાપ્ત કરી હતી.’

‘નેતામાં ચારિત્ર્ય ન હોય તો ત્યાં નિષ્ઠા શક્ય નથી અને પૂર્ણ પવિત્રતા શાશ્વત નિષ્ણ અને વિશ્વાસ જન્માવે છે.’

‘તમે ઋષિ થશો ત્યારે બીજાઓ સહજ રીતે તમારી આજ્ઞા ઉઠાવશે, તમારામાં એવું કંઈ પ્રગટ થશે જે એ બોધને તેમને અનુસરતા ક૨શે, તમારી વાત કાને ધરતા કરશે, તેમની ઈચ્છા વિરુદ્ધ જઈને પણ તમારી યોજનાને તેમને અમલમાં મૂકતા કરશે. ઋષિત્વ આ છે.’

‘પ્રાચીન ભારતમાં સેંકડો ઋષિઓ હતા. આપણી પાસે લાખ્ખો હશે. એમણે ભૂતકાળમાં મોટાં કાર્ય કર્યાં હતાં પણ આપણે એથી મોટેરાં કાર્ય કરીશું.’

પછીથી, પોતાની આંતરપ્રેરણા વડે તેમણે રામકૃષ્ણ મંદિરના ઘાટનો નકશો તૈયાર કર્યો; ‘એ બધી સંસ્કૃતિઓનું પ્રત્યક્ષ પ્રતીક છે અને બધા ધર્મોનાં સ્થાપત્યોના સિદ્ધાન્તોનો સમન્વય છે. આ ભાવિ મંદિર અને મઠની રચનામાં, પૂર્વની અને પશ્ચિમની કલામાં જે કંઇ ઉત્તમ છે તેનો સમન્વય કરવાનો મારો વિચાર છે. વિશ્વના મારા પ્રવાસ દરમિયાન સ્થાપત્યના જે વિચારો મને પ્રાપ્ત થયા છે તેનો ઉપયોગ બાંધકામમાં કરવા હું કોશિશ કરીશ.’

એમના ગુરુબંધુઓએ અને ભક્તોએ એમના સ્વપ્નમંદિરની કલ્પનાને સાકાર કરી; ગંગાતટે બેલુડમાં ઊભેલું રામકૃષ્ણ મંદિર સારાસોનિક ઘુમ્મટ, ગોથિક સભાગૃહ, અજંટાદ્વાર ઇસ્લામી કોતરણી અને જયપુર મિનારાઓ ધારણ કરતું, જગતની બધી મુખ્ય સ્થાપત્ય શૈલીઓના સમન્વયનું પ્રતીક એ પ્રથમ મહાન ભારતીય મંદિર છે.

રામકૃષ્ણ સંઘની મુદ્રા(સીલ)ની આકૃતિનો નકશો એમણે તૈયાર કર્યો હતો. ન્યુયોર્કની વેદાંત સોસાયટીનું મુદ્રાપ્રતીક તૈયાર કરતી વેળા, સ્વામીજીએ જાતે જ ‘શાશ્વતીથી આવૃત ચાર યોગ રૂપી સર્પથી વીંટળાયેલ તરંગો, હંસ, કમલ અને સૂર્ય’ની આકૃતિ દોરી હતી. એક કુશળ શિષ્ય અને ચિત્રકાર એવા એમના એક શિષ્ય હેન્રી વેન હેય્‌ગને સ્વામીજીની એ કાચી આકૃતિને પાકું સ્વરૂપ આપ્યું અને રામકૃષ્ણ આંદોલનના મુદ્રાચિહ્ન રૂપે આજે ખડું છે. પોતાના શિષ્યોને બેલુડમાં સ્વામીજીએ આમ સમજાવ્યુંઃ

‘ચિત્રમાંના જલતરંગો કર્મના પ્રતીક છે, કમલ ભક્તિનું અને ઊગતો સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે. ચક્રાકાર સર્પ યોગ અને જાગ્રત કુંડલિની શક્તિ સૂચવે છે અને ચિત્રમાંનો હંસ પરમાત્માનો સૂચક છે, એટલે, આ ચિત્રનો ખ્યાલ એ છે કે, કર્મ, ભક્તિ, જ્ઞાન અને યોગના સમન્વયથી પરમહંસનું દર્શન થાય છે.’

એક હજાર વર્ષ પહેલાં અદ્વૈતની દાંડી પીટી હિંદુ ધર્મને પુનર્જીવિત કરનાર આદિ શંકરાચાર્યની માફક, સ્વામીજીએ પણ દિલ હલાવે તેવા શબ્દોમાં અદ્વૈતના સંદેશની વાત કરીઃ ‘હું જે અનંતનો મહાસાગર છું તેમાં બુદ્ધો અને ઇસુઓ કેવળ તરંગો છે.’ પોતાની પશ્ચિમની બીજી મુલાકાત દરમિયાન તેમણે અદ્વૈતનો અંતિમ સંદેશ આપ્યો હતો. ‘તત્ ત્વં અસિ’ એ મહાન સત્યને મોટી ‘ગર્જના’ સાથે પ્રબોધવાનું એમને ગમતું. મનુષ્યની અનંત શક્તિ, એની અનંત શુચિતા, અનંત જ્ઞાન અને અનંત આનંદ સઘળું માનવીની પોતાની અંદર જ છે અને, એ જ એક માત્ર સત્ય છે. કેલિફોર્નિયામાં છેલ્લી વાર સ્વામીજીએ પોતાનો અંતિમ સંદેશ આપ્યો હતોઃ ‘બધી નિર્બળતા, બધાં બંધન કલ્પના છે. એને એક શબ્દ કહો અને એ ઊડી જશે. નબળા નહીં બનો! બીજો માર્ગ જ નથી. ઊભા થાઓ અને બળવાન બનો! બીક નહીં…ડરથી નહીં મરો. લડતાં લડતાં મરો. ચીત કરવામાં ન આવે ત્યાં સુધી નમો નહીં.’ એ પળોમાં જે શિષ્યોએ પયગંબરને નિહાળ્યા હતા તેમણે લખ્યું છેઃ ‘પછી પોતાનો જમણો હાથ લંબાવી એમણે ગર્જના કરી, ‘મૃત્યુની લીલા! મૃત્યુની લીલા! મૃત્યુની લીલા!..’ પોતાના શિષ્યોને એ એમના વિદાય વેળાના શબ્દો હતા..’

બધાં વિધિ-વિધાનો, બધા પૂજોપચારો, દેવદેવીઓમાં પયગંબરમાં, ગુરુઓમાં, અને પોથીઓમાં, બધી માન્યતા અને શ્રદ્ધા – સઘળાનું ગંતવ્ય સ્થાન એક જ છે. – ‘સોડહમ્’, ‘સોડહમ્’, ‘સોડહમ્’ એ પરમ શ્રદ્ધા. એમણે ભારપૂર્વક કહ્યું કે સર્વ દ્વૈતવાદી ધર્મો અને દર્શનોનો અંત અદ્વૈત છે. વ્યવહારુ ગતિશીલતાનો, ઉત્કટ, સતત કર્મનો અને મહાન ત્યાગનો સંદેશ સ્વામી વિવેકાનંદે આપ્યો. પોતાના શિષ્યોને તેમણે કહ્યું હતું: ‘ધ્યાનની ઉપયોગિતા જાણ્યા વિના પહાડની ટોચે જઈ ધ્યાનમાં બેસવાથી આજે કંઈ વળશે નહીં. ગીતામાં ભગવાને કહ્યા પ્રમાણે, અમર્યાદ હિમ્મત અને હૃદયના અડગ બળ સાથેના ઉત્કટ કર્મયોગની આવશ્યકતા છે. પછી જ દેશના લોકો જાગશે, નહીં તો તમે છો તેટલા જ એ અંધારામાં અથડાતા રહેશે.’

જેમની સાથે પોતાની જિંદગીનાં સૌથી મૂલ્યવાન વર્ષો સ્વામીજીએ ગાળ્યાં હતાં અને પોતાની આધ્યાત્મિક શક્તિનો મોટો ભાગ જેમને આપ્યો હતો તે એમના પાશ્ચાત્ય શિષ્યોને તેમની ઉત્કટ સ્ફૂર્તિ અને સામાજિક – વૈજ્ઞાનિક પ્રગતિ રૂપી રજોગુણને, ભીતર રહેલ અનંત દિવ્યતાના સાક્ષાત્કાર રૂપી સત્ત્વ ભણી લઈ જવાનો બોધ સ્વાીજીએ આપ્યો હતો.

આ વેદાંતને પોતાને ખભે ઊંચકી લેવા તેમને સ્વામીજીએ અનુરોધ કર્યો હતો. આ મહાન આદર્શનું જીવન જીવીને પશ્ચિમમાં તેઓ જાતે જ તેનો પ્રચાર કરે તેવી પાશ્ચાત્યો પાસેથી સ્વામીજીની અપેક્ષા હતી. એ એક નવી સંસ્કૃતિનો આરંભ થશે. ભાવિનો ધર્મ શું વેદાંત છે? એમણે જોયું કે, આ ભગવાન, પેલો પયગંબર કે પેલા ગ્રંથમાંના દ્વૈતવાદી વિચારોથી જગત પ્રભાવિત હતું. પણ એમણે એ પણ જોયું કે, મહાત્માઓ અવતરશે અને વેદાંતને વ્યવહાર બનાવશે. સ્વામીજી કહેતાઃ ‘જે વેદાંતનો બોધ મેં તમને આપ્યો છે તેને વ્યવહારમાં મૂકવાના પ્રયત્નો કદી થયા ન હતા. વેદાંતનું તત્ત્વદર્શન જગતમાં સૌથી પુરાણું હોવા છતાં, હંમેશા વહેમો અને બીજી બાબતો સામે એની ભેળસેળ થઈ ગઈ છે.’ ને પછી એક પયગંબરની માફક, ભાવિની અનેક શક્યતાઓ એમને દેખાઈ, ‘પરંતુ, દૃઢ મનોબળ વાળા કેટલાક મહાત્માઓ આ ભ્રમની પાર જઈ શકે છે. એવી ઘડી આવે છે જ્યારે, મહાત્માઓ જાગીને, ધર્મનાં બાલમંદિરોને ફગાવી દેશે અને, આત્મા વડે આત્માની ઉપાસના સાચા ધર્મને ચેતનામય અને શક્તિશાળી બનાવશે.’

સંદેશ અપાઇ ચૂક્યો. પોતાના ગુરુ માટેનું મંદિર બંધાઇ ચૂક્યું. હવે પોતે મુક્ત થવા લાગ્યા. કડક શિક્ષાગુર હવે એમને આ લોકની પાર, પોતાના ઘરમાં પ્રવેશવાની ચાવી આપશે. પોતાનાં બાળકો પશ્ચિમમાં કેમ ચાલી રહ્યાં છે તે જોવા અને (વેદાંતનો) ફણિધર પોતાની અચૂક અસર કેમ વર્તાવશે તે કહેવા તેઓ છેલ્લીવાર પશ્ચિમમાં ગયા હતા. પોતે જાણતા હતા કે, આવી રહેલા દિવસોમાં એમના સાદનો ભારત વધારે ને વધારે સમર્થ પ્રત્યુત્તર વાળશે. એ જાણતા હતા કે સ્ફૂર્તિવાન પશ્ચિમ વેદાંતને સ્વીકારી નવો જન્મ પામશે.

પશ્ચિમના પોતાના બીજા પ્રવાસ દરમિયાન મઠના નિભાવની અને તેને માટે જોઈતા પૈસાની ચિંતા તેમને સતત સતાવતી. સંઘર્ષ અને વેદનાના, ભૂખ અને જાહેર ઉપેક્ષાના આરંભના એ દિવસોના મઠમાંથી જતા પત્રોની વૃષ્ટિ કોઇકવાર એમને ગભરાવતી.

પશ્ચિમના પોતાના બીજા પ્રવાસના આરંભથી જ એમને પાછા ઘેર આવવા મન થતું. ૧૮૯૯ના ઉનાળામાં એક રાતે, રિજલી મેનરમાં, હિમાલયમાં પાછા ફરવાની તીવ્ર ઇચ્છા તેમને થઈ આવી. એમની આ અદ્ભુત મનોદશાને નિવેદિતાએ અમર કરી છે. સ્વપ્નમાં હોય તેવા વિવેકાનંદ તે રાતે આત્મસંભાષણ કરવા લાગ્યાઃ

‘ક્યાં છું હું અત્યારે?’ મારી તરફ ફરી અચાનક એ બોલી ઊઠ્યા. એમના ચહેરા પર એ ખોવાઈ ગયા હોય તેવો ભાવ વંચાતો હતો. પછી એ કંઇક બોલવા લાગ્યાઃ ‘હવે આપની પાસે, રામકૃષ્ણ. (અટકી જઇને) ઠાકુર, હું આવું છું. આપના ચરણ જ માનવ માત્રનું શરણ છે.’

‘આ શરીર જવા બેઠું છે. આકરી તપસ્યા પછી એ જશે. રોજ દસ હજાર વાર હું ૐ બોલીશ અને ઉપવાસી રહીશ. હિમાલયમાં ગંગાતટે એકલો એકલો જ ભટકીશ, અને ‘હર, હર, મુક્તાત્મા, મુક્તાત્મા,’ બોલતો રહીશ. મારું નામ ફરી એક વાર બદલીશ અને આ વખતે કોઈને તેની ખબર નહી પડે. સંન્યાસની દીક્ષા હું ફરી વાર લઈશ – અરે એ માત્ર આ માટે જ. અને કોઈની પાસે હું ફરી વાર નહીં આવું.’

દિવસો વીતવાની સાથે, પારના તટનું સંગીત – પરલોકસુંદરીનું ગીત – વધારે મોટેથી સંભળાવા લાગ્યું. ‘આપનો સંદેશ શો છે?’ તેના ઉત્તરમાં રિજલીમાં સ્વપ્નશીલ અવસ્થામાં તેમણે ઉત્તર આપ્યોઃ ‘મારી પાસે કશો સંદેશ નથી. મને લાગતું હતું કે મારી પાસે સંદેશ છે પણ, હવે હું જાણું છું કે, જગત માટે મારી પાસે કશું નથી. છે તે મારે માટે છે. મારે આ સ્વપ્ન તોડવું જોઈએ.’ આ ગાળા વિશે નિવેદિતા લખે છેઃ ‘એમના દહાડા પૂરા થવા આવ્યા હતા. બહાર નીકળી જગતને આઘાતજનક સત્યો એ પ્રબોધશે.’

પોતાના ગુરુબંધુ સ્વામી અભેદાનંદને એમણે કહ્યું: ‘હવે વધારેમાં વધારે ત્રણ કે ચાર વરસ હું જીવીશ. હવે હું ખૂબ મોટો થતો જાઉં છું. મારો આત્મા એટલો વિશાળ થતો જાય છે કે, મને લાગે છે કે, આ દેહ મને લાંબો સમય રાખી શકશે નહીં. હું ફાટી પડવાની અણી પર છું.’

અષ્ટાવક્રની કે ઔપનિષદિક ઋષિઓની યાદ આપે તેવી એકદમ અનુભવાતીત પંક્તિઓ સાન્ફ્રાન્સિસ્કોથી તેમણે મેરી હેય્‌લને લખી હતીઃ

‘બુદ્ધિ ગ્રહણ કરી ન શકે તેવી શાંતિ હું પ્રાપ્ત કરી રહ્યો છું; એ નથી સુખ કે નથી દુઃખ પણ, એ બંનેથી પર એવું કશુંક એ છે. અનંતમાં એકલો છું કારણ, હું મુક્ત હતો, મુક્ત છું અને સદા મુક્ત રહીશ. આ વેદાંત છે. એ સિદ્ધાંત લાંબા કાળ સુધી વાંચ્યો હતો પણ, ઓહ આનંદ! મારી બહેન મેરી, હવે હું રોજ અનુભવ કરું છું, હા, રોજ. હું મુક્ત છું! એકાકી છું! એકાકી! મારી બરોબર કોઈ નથી.’

‘તેં કદી અનિષ્ટને માણ્યું છે? હા! હા! મૂર્ખ છોકરી! એ સારું છે! છટ્. થોડું ઇષ્ટ, થોડું અનિષ્ટ. હું ઇષ્ટને માણું છું અને હું અનિષ્ટ પણ માણું છું. હું ઇસુ હતો અને હું જ્યુડાઝ ઇસ્કેરિયટ પણ હતો; બંને મારી લીલા, મારી આનંદ.’

‘કળી ન શકાય તેવી શાંતિ હું છું, સમજણ આપણને કેવળ ઈષ્ટ કે અનિષ્ટ આપે છે, હું એથી પર છું. હું શાંતિ છું.’

થોડા દિવસ પછી, આલમૉડામાં વિશ્રાંત બાળકે પોતાના ગુરુનો સાદ સાંભળ્યો. ઘેર પાછા વળવાનો એ સાદ હતો. સ્વામીજીને યાદ સતાવવા મંડી. એક પ્રિય શિષ્ય પાસે એમણે હૃદય ખોલ્યું:

‘દક્ષિણેશ્વ૨માં વડ નીચે શ્રીરામકૃષ્ણના શબ્દો સાંભળતો છોકરો જ હું છું. આજે ફરીથી એ સાદ મને સંભળાય છે, મારા આત્માને આનંદથી ભરતો સાદ એ છે. બંધનો તૂટી રહ્યાં છે, પ્રેમ અવસાન પામી રહ્યો છે, કામમાંથી સ્વાદ ઊઠી ગયો છે. જીવનનો ચળકાટ ઊડી ગયો છે, બોલાવતા ગુરુનો સાદ જ હવે સંભળાય છેઃ ‘આવું છું, ઠાકુર, ખાવું છું.’ ‘મરેલાને મરેલા દફનાવશે, તું મને અનુસર’, આવું છું, મારા પ્રિય ઠાકુર, હું આવું છું….હા, હું આવું છું. મારી સામે નિર્વાણ છે. કોઈ કોઈ વાર હું તેનો અનુભવ કરું છું. શાંતિનો એ જ અનંત સાગર, બુદ્‌બુદ વગરનો, શ્વાસ વગરનો.’

પોતાનું કાર્ય આટોપાઇ જતાં ભારત પાછા વળવાની ઝંખના તેમનામાં જાગી. આ વેળા અનુભવાતીત શાંતિ સાથે યુરોપના છેલ્લા લાંબા પ્રવાસ દરમિયાન કોંસ્ટંટિનોપલમાં ઘરની યાદ એમને સતાવવા લાગી. એમનાં શિષ્યો અને આખી મંડળીની દેખરેખ રાખનાર માદામ કાલ્વેએ એમને પૂછ્યું: ‘આટલા ગમગીન કેમ છો?’ એમણે કહ્યું, ‘સાથી સાધુઓ સાથે રહેવા તરત ભારત જવું છે.’ એ સાંભળી માદામ કાલ્વે બોલ્યાં: ‘શું સ્વામીજી? એટલી જ વાત હોય તો તમારી ટિકિટના પૈસા હું આપું. સાવ મામૂલી વાત છે એ! પણ તમે અમને શા માટે છોડી જવા માગો છો?’

એટલે એમની આંખો આંસુથી ઉભરાઈ. કાલ્વેની સહજ ઉદારતાથી એ એટલા દ્રવિત થઇ ગયા હતા… પછી એમણે એને કહ્યું, ‘મરવા માટે ભારત પાછો જવા ચાહું છું, ત્યાં મારા ભાઈઓ સાથે રહેવું છે.’ કાલ્વે મૂઢ થઈ ગયાં અને એથી મતલબનું બોલ્યાં કે, ‘સ્વામીજી! પણ તમે મરી જઈ શકો નહીં. અમારે તમારી જરૂર છે.’

પછી સ્વામીજી બોલ્યા: ‘હું ૪થી જુલાઇએ અવસાન પામીશ.’

પશ્ચિમમાંથી પહેલીવાર પાછા આવ્યા ત્યારે જે ઉમંગ ઉત્સાહ હતો તેને કાળજીપૂર્વક ટાળી એ ગુપચુપ ભારત આવ્યા. મુંબઇના રેલવે સ્ટેશને એમને અગાઉથી ઓળખતા મદ્રાસના એક વૃદ્ધ પ્રોફેસરે એમને જોતાં સ્વામીજીએ એ પ્રોફેસરને કહ્યું: ‘ભારત રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત નહીં કરે ત્યાં લગી, અંગ્રજો આપણો ધર્મ સમજી શકે તેમ નથી.’ સ્વામીજીના ગુરુભાઇઓને પણ એમના બેલુડ આવવાનો કોઈ અંદેશો ન હતો એટલે, એક રાતે ત્યાંનો માળી દોડતો આવ્યો અને એણે મઠવાસીઓને કહ્યું: ‘કોઇ અજાણ્યા સાહેબ વંડી ટપી ઝડપથી ભોજનખંડ તરફ ગયા છે.’ ભોજનનો ઘંટ વાગ્યો જ હતો! એ એક અતિ આનંદદાયક પુનર્મિલન હતું.- લાડીલા નેતા, અનુભવાતીત, અહંકારહીન, સર્વ પ્રેમી, પોતાની જવાબદારી અદા કરી, શ્રીરામકૃષ્ણના પુત્રો, પોતાના પ્રિયતમ સાથીઓ વચ્ચે પાછા આવ્યા હતા. શ્રીરામકૃષ્ણની પ્રતિમૂર્તિ, અતિ આદરપાત્ર વીરના પુનરાગમને આશ્ચર્ય આનંદમાં ફેરવાઈ ગયો.

પોતાના પાર્થિવ ઘર એવા માયાવતીના અદ્વૈત આશ્રમની એમણે મુલાકાત લીધી. પોતાનું શેષ જીવન ત્યાં જ ગાળવાની એમની ઇચ્છા હતી; માયાવતી જંગલોની પશ્ચિમે ધરમગઢ ટેકરીઓની ટોચ ઉપર, ગાઢ વનોમાં ધ્યાન ધરવું, પંખીઓનો કલરવ સાંભળવો. પણ ભૂખ્યાં બગલાંઓનો, પીડિત માનવજાતનો સાદ એમને ગંગાતટે બેલુડમાં પાછા બોલાવી લાવ્યો. ગુરુ સાથેની ગાંઠ અતૂટ છે તેનું તેમને ભાન થયું. ગુરુચરણે જ એમની અંતિમ શય્યા નિર્માઈ હતી.

એ હવે અનુભૂતિપાર હતા. સામા તટના સાદ એમને સંભળાતા હતા. ઊગીને ઊભા થતા સંઘનું સંપૂર્ણ ઉત્તરદાયિત્વ હવે એમના બંધુશિષ્યો સંભાળી લે એમ હવે એ ચાહતા હતા. એમણે સ્વામી તુરીયાનંદ તો લખી નાખ્યું હતું. ‘મારે માટે કશો માલિકી હક્ક કે કશું અનામત મેં રાખ્યું નથી…. બધાંના ધણી હવે તમે છો. ગુરુકૃપાથી બધું કામ તમે સંભાળી લેશો…. મારા જીવનને નીચોવી દઈને મારું ગુરુઋણ મેં ચૂકવી દીધું છે… તમે કરો છો તે સઘળું ગુરુમહારાજનું જ કાર્ય છે. એ કર્યે રાખો.’ આ ગાળા દરમિયાન પોતાની શિષ્યા ક્રિસ્ટાઈનને એમણે ફ્રેંચમાં લખ્યું હતું.

‘મઠના અધ્યક્ષપદેથી પણ મેં રાજીનામું આપી દીધું છે. હું મુક્ત છું તે પ્રભુનો પાડ!..ઝાડની ડાળોમાં સૂતેલાં પક્ષીઓ પ્રભાત થતાં જાગીને ગીત ગાય અને ભૂરા આકાશમાં ઊડે તેવો મારા જીવનનો અંત છે… મારું ધ્યેય મેં હાંસલ કર્યું છે. જે મોતી માટે જીવનસાગરમાં મેં ડૂબકી મારી હતી તે મેં પ્રાપ્ત કર્યું છે. મને ફળ મળી ગયું છે. હું સુખી છું.’

અવર્ણનીય શાંતિ અને નિઃસ્તબ્ધતા એમને વ્યાપી વળી હતી. એમના જીવનની છેલ્લી પાનખરમાં, સ્વામી વિવેકાનંદે જોયું કે, મઠમાં મા દુર્ગાની પૂજા થઇ રહી હતી. સ્વામી બ્રહ્માનંદને પણ એવું જ દર્શન થયું હતું. એ પણ એક આશ્ચર્ય છે. સદ્ભાગ્યે, માની એક પ્રતિમા ઉપલબ્ધ હતી. અને ૧૯૦૧ના ઑક્ટોબરમાં, બેલુડ મઠમાં પહેલીવાર દુર્ગાપૂજાનો ઉત્સવ થયો, એ પ્રસંગે પૂજ્ય શ્રી શારદા મા અને એમનાં સ્ત્રી ભક્તો હાજર હતાં. અષ્ટમીને દહાડે, સ્વામીજીએ પૂજ્ય માને ચરણે પુષ્પો અર્પિત કર્યાં. અને નવમીને દિવસે આવા પ્રસંગના શ્રીરામકૃષ્ણનાં પ્રિય ભજનો ગાયાં. પૂજ્ય શારદા માએ સૌને આશીર્વાદ આપ્યા અને ચાર દિવસ પછી પ્રતિમાનું ગંગામાં વિસર્જન થયા બાદ, એ પાછાં ગયાં.

પોતાના નિધનની પૂર્વસંધ્યાએ, ૧૯૦૨માં, દરિદ્રનારાયણની પૂજાનો, વેદાંતપૂજાનો નવો વિધિ વિવેકાનંદે કર્યો. મઠમાં કામ કરતા આદિવાસી સાંતાલ મજૂરો સાથે તેમણે પ્રેમથી વાતો કરી અને એ સૌને મઠનો પ્રસાદ લેવા વિનંતી કરી. રોટલી, દાળ, ભાત, મીઠાઈ, દહીં વગેરે જે સૌને પીરસાતું હતું તેનું સ્વામીજીએ જાતે નિરીક્ષણ કર્યું. એમને પેટભર જમાડ્યા પછી સ્વામીજીએ તેમને કહ્યું: ‘તમે સૌ નારાયણ છો, પ્રગટ ઈશ્વર છો, મેં નારાયણને જમાડ્યા છે. એ ભોજનકાર્ય પૂરું થયા પછી, પોતાના શિષ્યને સ્વામીજીએ કહ્યું: ‘તેમનાંમાં મને મૂર્તિમંત ઈશ્વર દેખાતો હતો. આટલી સરળતા, આટલો નિર્વ્યાજ પ્રેમ મેં બીજે કશે જોયેલ નથી.’ મઠના સાધુઓ તરફ મોઢું ફેરવી સ્વામીજી બોલ્યાઃ ‘એ લોકો કેટલા સરળ છે તે જુઓ. એમનું થોડુંક પણ દુઃખ તમે દૂર કરી શકશો? નહીં તો ભગવાં પહેરવાનો શો અર્થ છે?’ શિષ્ય જોયા પ્રમાણે, થોડીવાર ઊંડી વિચારમાં ગરક થઈ ગયા પછી એ બોલ્યાઃ ‘ખૂબ તપ પછી હું આ સત્ય સમજ્યો છું.- દરેક જીવમાં શિવ વસે છે. એ સિવાય બીજો કોઇ ઈશ્વર નથી. જીવસેવા ખરે જ શિવસેવા છે.’

ગંભીર માંદગીના હુમલાઓ વારંવાર આવવા છતાં, છેલ્લાં થોડાક માસ એ પૂર્ણ આનંદમાં બેલુડ મઠમાં જ રહ્યા. એ દિવસો તેમણે પોતાના પ્રિય બાંધવો સાથે અને શિષ્યો સાથે કે, કૂતરો, બકરી, હરણ, ગાય, અને બતકો જેવાં પાળેલાં પ્રાણીઓ સાથે ગાળ્યા. એમને સર્વત્ર ઈશ્વર દેખાતો. એમની વાણી પયગંબરી શક્તિવાળી હતી. એ દિવ્યતા વિકિરિત કરતા અને કેટલીક વાર બીજાઓમાં તત્ક્ષણ પરિવર્તન આણી શક્તા; સ્પર્શથી, શબ્દથી કે દૃષ્ટિપાતથી તે આમ કરતા. બરાબર પોતાના ગુરુની જેમ જ.

સંન્યાસીઓને પોતે શાસ્ત્રોનું અધ્યયન કરાવતા અને કડક નિયમનની તથા આકરા તપની આશા એમની પાસેથી રાખતા. પોતાના અવસાન પહેલાંના વરસમાં, ૧૯૦૧માં, એમના શબ્દો શક્તિથી પ્રકાશિત થઇ ઊઠ્યા અને, એમના દરેક ગુરુભાઈઓ મઠના પ્રાંગણમાં જ ઊંડા ધ્યાનમાં લાગી ગયા. ‘અહીં અનાવૃત બ્રહ્મની ઉપસ્થિતિ છે…. અરે, હાથમાનાં આમળાની માફક અહીં બ્રહ્મ પ્રત્યક્ષ છે. તમને દેખાય છે ને? જુઓ આ રહ્યું!’ એ સૌને સ્વાભાવિક સ્થિતિમાં આવતાં સારો સમય લાગ્યો હતો.

પોતાના મૃત્યુના બે માસ પહેલાં, બેલુડ મઠમાં, પોતાની પ્રિય મિત્ર-શિષ્યા જોઝેફાઇન મેકલેઓડને કહ્યું હતું: ‘બેલુડ મઠમાં પ્રગટેલી આધ્યાત્મિક ચેતના પંદરસો વર્ષ ચાલશે. આને મારી કલ્પના ન માનીશ, મને એ સ્પષ્ટ દેખાય છે. આ એક મહાન વિદ્યાપીઠ થશે.’ વળી એને એમણે કહ્યું હતું: ‘મારો સંદેશ મેં આપી દીધો છે, મારે જવું જોઇએ.’ શિષ્યાએ પૂછ્યું: ‘શા માટે જવું જોઇએ?’ ત્યારે સ્વામીજી બોલ્યાઃ ‘મોટું વૃક્ષ નાના વૃક્ષને ઊગવા ન દે. મારા જવાથી જગ્યા થશે.’ બુદ્ધના હૃદયથી એ ઇચ્છતા હતા કે શિષ્યો અને અનુચરો સવાયા બને!

એમના છેલ્લા દિવસો વિશે ભગિની નિવેદિતાએ એક મિત્રને લખ્યું હતું કે, ‘લંડનમાં દેખાતા હતા તેવા દેદિપ્યમાન એ દેખાવા લાગ્યા…. અને, મનની કે જ્ઞાનતંતુઓની સ્થિતિ ગમે તે હોય, એ અદ્ભુત, દિવ્ય જ્યોતિ વધારે ને વધારે પ્રકાશિત થતા ન જ અટકી.’

પોતાના અવસાનના થોડા દિવસ પૂર્વે, પોતાનાં આઇરિશ શિષ્યા નિવેદિતાને તેમણે ભોજન કરાવ્યું હતું અને એના હાથ પોતે ધોયા હતા. નિવેદિતાએ વિરોધ કરતાં સ્વામીજીએ કહ્યું હતું: ‘ઇસુએ પોતાના શિષ્યોના પગ ધોયા હતા.’ પોતાના શિષ્યો સાથેનું ઇસુનું એ અંતિમ મિલન હતું તેનું સ્મરણ નિવેદિતાને થયું, પણ ઉત્તરના શબ્દો વણબોલ્યા જ રહ્યા. અંતિમ વિદાયનો સંદેશ સૌને અચૂક લાગતો હતો. ‘એમના ગુરુનું કથન- ‘જરુર થોડું અજ્ઞાન છે. માએ એટલા માટે રાખ્યું છે કે એથી એનું કાર્ય થાય…. એ ગમે ત્યારે ચીરાઈ જાય. – જાણે કે અમે સાચું પડતું જોઈ રહ્યાં હતાં ને તે, ગમે તે પળે.’

છેલ્લે દહાડે પણ જુવાન શિખાઉઓને એમણે ત્રણ કલાક પાણિનિ વ્યાકરણ ખૂબ ગમ્મત સાથે શીખવ્યું હતું. એ દિવસે બપોરે ગુરુભાઈ સ્વામી પ્રેમાનંદ સાથે મઠમાં વેદ વિદ્યાલય સ્થાપવા બાબત ચર્ચા કરી હતી અને, પુણે તથા મુંબઇ પત્ર વ્યવહાર કરવા તેમને અનુરોધ કર્યો હતો. ‘વહેમોના નાશ માટે’, મઠ વિદ્યાનું કેન્દ્ર બને એમ સ્વામીજી ઇચ્છતા હતા.

અંતિમ દિવસે એમણે કહ્યું હતું: ‘આ વિવેકાનંદે શું કર્યું છે તે, બીજો વિવેકાનંદ’ હોત તો જ સમજી શકત ને છતાંય, સમય જતાં કેટલા વિવેકાનંદો આવશે! અને એ જ સાંજે, સમાધિ દ્વારા, પોતાના ગુરુ સાથેની પ્રથમ મુલાકાતમાં એમણે ગાયેલા ગીત મુજબ, એમણે નિજ નિકેતનમાં પ્રવેશ કર્યો.

૧૯૦૨ના જુલાઇની ૪થીએ, જયઘોષના નાદ સાથે શાશ્વત શાંતિ માટે એમને ચિતા પર પોઢાડવામાં આવ્યા. એ જ્વાલાઓની શક્તિ આજ પણ પ્રજ્વલિત છે. એમના મંદિર સામે દૃષ્ટિપાત કરનારને, એમના બાળમિત્રની માફક, લાગે છે કેઃ

‘જુઓ, ગંગાને જમણે તટે આવેલા બેલુડને જુઓ. નગારાની યુદ્ધદાંડીના જે ઘોર રવે તમારી નિદ્રા ઉડાડી નાખી હતી તે ત્યાં ગોપિત છેઃ પાયાના અંધકારને દૂર કરનાર દિવ્ય જ્યોતિનું તેજ ત્યાં હજી વિલસી રહ્યું છે; એમના સહવાસની ત્રિવિધ કૃપા પામનાર લોકો આજેય જીવંત અને કાર્યરત છે.’

‘એમની પર છેલ્લો દૃષ્ટિપાત કરી લો. હિમાલયને ચરણે બેસીને, એની ભવ્યતાનો સાચો ખ્યાલ કોઈને આવી શકે નહીં… હિમાલય સમા આ મહામાનવના ગહન પરિમાણને પામવા માટે તું બેલુડ જા અને, એમના વિચાર શિખરે ઊભો રહીને તું એમની પ્રત્યે દૃષ્ટિપાત કર.’

એમને નિકટથી જાણનાર એકે લખ્યું હતું : ‘વિવેકાનંદ યુવાનીમાં જીવ્યા અને ગયા. વર્ષોની લંબાઈ એના જ્ઞાનમાં કે શાણપણમાં કશો વધારો ન કરી શક્યા હોત. એમના બોધમાં એ એક શબ્દનો પણ વધારો ન કરી શક્યા હોત.’

પોતાના નિધનનાં બે વર્ષ પહેલાં પોતાનાં પાશ્ચાત્ય શિષ્યોને એમણે કહ્યું હતું : ‘મારે કદાચ ફરી જન્મ લેવો પડે કારણ, હું માનવીના પ્રેમમાં પડ્યો છું.’ એ પુનઃ આવે અને, વર્ષો અગાઉ એમણે આપેલા વચન પ્રમાણે પૂર્વ અને પશ્ચિમનાં લાખ્ખો લોકો એમના દર્શનથી અને એમની ભાવનાથી પ્રેરણા પામે તેવું કાર્ય કરવા માટે એ પુનઃ આવે એ માટે લોકો સ્વપ્ન સેવે છે અને વાટ જુએ છે.

‘મારા દેહમાંથી હું બહાર નીકળી જાઉં, જુના ઘરની માફક એને તજી દઉં તેમ બને. પણ હું કાર્ય કરતો થંભીશ નહીં. પોતે ઈશ્વર સાથે એકરૂપ છે એમ જગત જાણે ત્યાં સુધી, લોકોને સર્વત્ર હું પ્રેરતો રહીશ.’

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.