શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રીય યુવદિન નિમિત્તે યોજાએલ યુવા સંમેલન

બે હજાર જેટલાં યુવા ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ જન્મદિન-રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી પ્રસંગે રાજકોટ જિલ્લાના કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે યુવાનો માટે પડકાર એ સ્વાભાવિક વસ્તુ છે. સ્વામી વિવેકાનંદના માર્ગદર્શન હેઠળ યુવાનો પડકારો ઝીલીને આગળ ધપશે અને એક સત્કાર્ય કરવાનો સત્સંકલ્પ કરશે તો એમાં સૌનું કલ્યાણ થશે. શ્રીરામકૃષ્ણદેવના આ મહાન શિષ્ય સ્વામી વિવેકાનંદને અનુસરવું એ આપણું પરમકર્તવ્ય બની રહેશે. પ્રારંભમાં સ્વામી વામનાનંદજીએ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો’ સ્વામીજીના આ જીવન સંદેશનું સ્મરણ કરાવીને સ્વામીજીના ત્યાગ-સેવા તેમાં ય સર્વસેવાના મહાન કાર્યની યાદ અપાવી હતી. પોતાના વક્તવ્ય સાથે વૈદિક મંત્રોચ્ચાર અને ભજનસંગીત સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું, ‘સર્વજન હિતાય સર્વજન સુખાય’ જીવનાર, ગરીબો માટે, દરિદ્રો માટે, દુ:ખીઓ માટે પોતાનું જીવન ગાળનાર સેવાભાવીનાં જીવનમાં સુખ-વૈભવ એની મેળે આવી છે. ત્યાગ અને નિઃસ્વાર્થ સેવા જ જીવનનું સાચું બળ છે, તપ છે. નારી જગતનું જાગરણ અને યુવ-શક્તિનો, અભ્યુદય સમાજનું, રાષ્ટ્રનું સાચું કલ્યાણ સાધી શકે. સ્વામીજીના જીવનના પ્રેરક પ્રસંગોની યાદ અપાવીને યુવાનોને અહેસાસ કરાવ્યો હતો કે એવી જ શક્તિ યુવાનોની ભીતર રહેલી છે. આ પ્રસંગે ડૉ. જનક દવેએ તત્કાલીન સમાજનું રાષ્ટ્રીય પરિસ્થિતિનું ચિત્ર આપીને સ્વામી વિવેકાનંદે કરેલા મહાન રાષ્ટ્રજાગ્રતિના-યુવાજાગૃતિના કાર્યની યાદ અપાવી હતી. આ પ્રસંગે રાજકોટ રેન્જના પોલિસવડા (આઈ.જી.પી.) શ્રી જાની સાહેબે પણ પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ આશ્રમના વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ઉપલક્ષ્યમાં યોજાયેલ-મુખપાઠ-વક્તૃત્વ સ્પર્ધા જેમાં અંગ્રેજી, ગુજરાતી મુખપાઠમાં ધોરણ:૫-૬-૭, ધોરણ:૮-૯-૧૦, ધોરણઃ૧૧-૧૨- તેમજ હિન્દી અને સંસ્કૃત મુખપાઠ સ્પર્ધામાં ધોરણઃ૮-૯-૧૦, ધોરણઃ૧૧-૧૨ વિભાગના કુલ ૫૬૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અને ૬૧ ઈનામો આપવામાં આવ્યાં હતાં. વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણઃ૫-૬-૭, ધોરણ:૮-૯-૧૦ અને ધોરણ ૧૧-૧૨-પી.ટી.સી અને કોલેજ વિભાગના ૧૧૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ૧૦ ઈનામો આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત મુખપાઠ, વક્તૃત્વ, સ્તોત્રગાન, સમૂહ મંત્રોચ્ચાર સ્પર્ધાનાં વિદ્યાર્થીઓએ પોતપોતાનાં વક્તવ્યો અને ગાન રજૂ કર્યાં હતાં. વિદ્યાર્થીઓ દ્વારા બે ટૂંકાં નાટ્યાત્મક દૃશ્યો પણ રજૂ થયાં હતાં. વિવિધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને મુખ્ય મહેમાનોના વરદ્ હસ્તે પારિતોષિકો અપાયાં હતાં. યુવ-શિબિરાર્થીઓને ફૂડપેકેટ અને સ્વામી વિવેકાનંદનો ફોટો અને પુસ્તકો પણ અપાયાં હતાં.

રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર

મેડિકલ કૅમ્પ

૩ જાન્યુઆરી ‘૯૯ના રોજ સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પોરબંદરના નિષ્ણાત ડૉક્ટરોએ ૨૦૪ દરદીઓની વિના મુલ્યે ચકાસણી અને સારવાર કર્યાં હતાં, દરદીઓને વિના મૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી

૧૨મી જાન્યુઆરી, ‘૯૯ના રોજ સવારના ૮.૩૦થી ૧૨.૩૦ સુધી યુવાદિનની ઉજવણી કરવામાં આવી હતી. ૪૦૦ યુવા ભાઈ-બહેનોએ આ યુવાશિબિરમાં ભાગ લીધો હતો. શિબિરનું ઉદ્‌ઘાટન કરતાં કલેક્ટર શ્રી મહેશકુમાર જોષીએ સ્વામી વિવેકાનંદના જીવન સંદેશને પગલે ચાલતાં ચાલતાં રાષ્ટ્રનું ઘડતર કરવાના કાર્યમાં લાગી જવા યુવાનોને હાકલ કરી હતી. આ પ્રસંગે સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘આધુનિક યુવાનોને સ્વામી વિવેકાનંદનો સંદેશ’ એ વિશે વિગતવાર ચર્ચા કરતાં કહ્યું હતું કે, આજના યુવાનોએ ૧. આત્મશ્રદ્ધા ૨. આત્મજ્ઞાન ૩. આત્મનિર્ભરતા ૪. આત્મસંયમ ૫. આત્મત્યાગ આ પંચશીલને અનુસરવા જોઈએ એ દ્વારા જ યુવાનોની હતાશા નિરાશા દૂર થશે અને પોતાના ચારિત્ર્ય ઘડતર અને રાષ્ટ્ર ઘડતર કરવામાં એમને સરળતા રહેશે. અંતે પ્રશ્નોત્તરીના રસપ્રદ કાર્યક્રમમાં યુવા ભાઈ-બહેનોના અનેક પ્રશ્નોના ઉત્તર સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આપ્યા હતા. પ્રતિભાવો આપતાં યુવા ભાઈ બહેનોએ જણાવ્યું હતું કે આવી શિબિરો વારંવાર યોજાય એ આવશ્યક છે. શિબિરના અંતે યુવા ભાઈ-બહેનોને સ્વામીજીના પુસ્તકો અને સ્વામીજીનો ફોટો ભેટરૂપે આપવામાં આવ્યાં હતાં.

આધ્યાત્મિક શિબિર

શ્રીરામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ સ્વામી વાગીશાનંદજી મહારાજની નિશ્રામાં ૨૦૦ શિબિરાર્થીઓ માટે ૧૩ ડિસે. ૯૮ના રોજ એક અધ્યાત્મ શિબિરનું આયોજન થયું હતું.

શ્રીરામકૃષ્ણ મિશન લીંબડી દ્વારા રાષ્ટ્રીય યુવદિનની ઉજવણી

શ્રીરામકૃષ્ણ મિશન લીંબડીમાં રાષ્ટ્રીય યુવદિને ટાવર બંગલા (સ્વામી વિવેકાનંદ સ્મૃતિમંદિર)થી શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ૧૬ સ્કૂલના ૧૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જેમાં ધાર્મિક ફલોટ્સ મુખ્ય આકર્ષણ રહ્યું હતું.

તા. ૨૬ થી ૩૧ ડિસેમ્બર ૧૯૯૮ સુધી વક્તૃત્વ, મુખપાઠ, ચિત્ર, વેશભૂષા, ભજન, નિબંધ સ્પર્ધા અને ઝાંખી દર્શન સ્પર્ધાઓ યોજાએલી. જેમાં લગભગ ૨૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધાઓના વિજેતા સ્પર્ધકોને સન્માનવા લીંબડી કેળવણી મંડળના મંત્રી શ્રી અનિરુદ્ધસિંહ રાણાના પ્રમુખ સ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષરૂપે મૈત્રી વિદ્યાપીઠ, સુરેન્દ્રનગરના શ્રી નાગજીભાઈ દેસાઈ હતા.

કાર્યક્રમના અંતે બાળકોને ફૂડ પેકેટ્સ આપવામાં આવ્યાં હતાં.

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.