મૂળ બંગાળીમાં લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’નો બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી મહારાજે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પુનઃ ધારાવાહિક રૂપે પ્રસ્તુત કરીએ છીએ. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું, ‘હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું, તેને મારા તરફથી પ્રેમપૂર્વકનાં લાખો આલિંગનો આપજો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાને વ્યક્ત કરે છે.’ આ ગ્રંથનો તાજેતરમાં અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત થયો છે. – સં.

ગુરુ વંદના

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ;
જય જય ભગવાન જગતના ગુરુ.

જય હે અનાથનાથ પતિતપાવન;
જય જય દીનબંધુ અધમતારણ.

કૃપાસિંધુ દીનબંધુ હરિ તમોહારી;
જય રામકૃષ્ણ પરમહંસ નામધારી.

પતિત પાવન જય અગતિની ગતિ;
દીનના શરણ, આપો તવ પદે મતિ.

ભુવનપાવન જય ભક્ત કંઠ હાર;
જગ જન તારક હારક ભવભાર.

જય ચિત્તરંજક, ભંજક ભવભય;
કરણ, કારણ, કર્તા સૃષ્ટિ સ્થિતિ લય.

તમે શિવ, તમે શક્તિ, નારાયણ તમે;
તમે રામ, કૃષ્ણ, સ્વામી અખિલના તમે.

પરબ્રહ્મ તમે અવિદ્યાના નાશકારી;
જય જય રામકૃષ્ણ નરરૂપ ધારી.

નિરાકાર સાકાર છો, ઘટે ઘટે સ્થિતિ;
જય જય રામકૃષ્ણ બ્રહ્માંડના પતિ.

વેદથી અગમ્ય વેદો પામે નહિ પાર;
જય જય રામકૃષ્ણ સરવના સાર.

અનંત તમારી શક્તિ, બુદ્ધિથી અતીત;
પોતે ઓળખાવો ન તો થાઓ ન પ્રતીત.

કરુણાસાગર તમે જીવહિતકારી;
જય જય રામકૃષ્ણ દ્વિજવેશધારી.

જય પ્રેમ ભક્તિ દાતા અજ્ઞાનનિવારી;
જય જય રામકૃષ્ણ તાપમત્રહારી.

સેવાના આનંદ દાતા, શુદ્ધ બુદ્ધિ દાતા;
જ્ઞાનના જનક તમે, ભક્તિ તણી માતા.

દુઃખી જીવો પર સદા કરુણા નિધાન;
આપી આ અધમને અભયપદે સ્થાન.

તમ પાસ દીધો વાસ વિના પ્રયોજને;
તમ સમ દયાળુ દેખાય નવ મને.

હું અજ્ઞાની અંધ પરે કર્યું કૃપાદાન;
કહો બીજો કોણ તમ સમ દયાવાન.

સુણ રે અબુધ મન, કહું કર જોડી;
દિનરાત બોલ ‘રામકૃષ્ણ’ લાજ છોડી.

રહે મન અભય ચરણ કરી સાર;
પ્રભુ પદે પડ્યાં રે’તાં થશે જ ઉદ્ધાર.

જય રામકૃષ્ણ, રામકૃષ્ણ નામ ગાઓ;
રામકૃષ્ણ નામ લેતાં ભવ તરી જાઓ.

ભજો, પૂજો, રામકૃષ્ણ, એનું ધરો ધ્યાન;
એ જ સર્વના છે સાર, એવું રાખો જ્ઞાન.

સ્મરો રામકૃષ્ણ, છોડી કપટ લુચ્ચાઈ;
જીવસેવા કરી કરો ભવ પાર ભાઈ.

છોડો મન ગંદાં તમે કામ ને કાંચન;
ધૂળ રાખ ગંધારામાં રાખો નહિ મન.

સંસારતરુમાં વિષફૂલ ઊઠે ફૂલી;
છોડી પ્રભુપદ મધ, શાને મરો ભૂલી.

ગાઓ એક વાર મન રામકૃષ્ણ-ગાન;
નથી કાંઈ રામકૃષ્ણ નામની સમાન.

પતિતપાવન નામ ગયા અહીં રાખી;
મુખે એક વાર બોલી, ફળ જુઓ ચાખી.

સુધાથી યે વધું મીઠું પ્રભુનામ લાગે;
લેતાં મૂર્તિમંત થઈ અંતરમાં જાગે.

નથી કશું રામકૃષ્ણ નામની સમાને;
લેનારો અંતર થકી વાત આ પ્રમાણે.

કોટિ જન્મો કેરાં પાપ નાસે એક સાથે;
ફળ રામકૃષ્ણ નામ કેરું મળે હાથે.

દયાળુ ઠાકુર પોતે બોલિયા છે ગીતિ;
‘જામીન હું તેનો જેની મમ નામે પ્રીતિ.’

ઇશ્વરી આવેશભર્યા બોલ્યા ઉચ્ચ ૨વે;
પતિતપાવન વિષે સરવ સંભવે.

પાપનાશ ઓછી વાત, સેવાભક્તિ મળે;
લીઓ યદિ રામકૃષ્ણ-નામ હર પળે.

યાગે યજ્ઞે જપે તપે બને ના જે કામ;
અનાયાસે બને, લીધે રામકૃષ્ણ નામ.

ઉચ્ચ સ્વરે તાલી દઈ ગાઓ પ્રભુ નામ;
મૂકી લાજ, છોડી કાજ, નહિ બેસે દામ.

નિષ્ઠા રાખી, ઈષ્ટ ગણી માનો તેને સાર;
રામકૃષ્ણ નામ કરે નાશ પાપભાર.

પ્રભુને શૃંગારવાની ઈચ્છા મનમાંહી;
નથી કિન્તુ રત્નધન પૈસા ટકા કાંહી.

પોતે જ સુંદર પ્રભુ જન મન હારી;
ભુવન મોહન છબી મન લોભકારી.

જેમ શણગારી દેતાં ફૂલે અને પાને;
ગુંજા મોતી વડે ગોપગોપી વૃંદાવને.

સુંદર ગુંજાનો હાર, ગુંજાનો મુકુટ;
ગુંજા મોતી ભર્યા વાઘા, તેવી કાનબૂટ.

ગુંજા મોતી કેરાં લાંબાં કાનનાં કુંડલ;
એથી જ સોહાવી દેતાં શિરનું મંડલ.

મોતીનાં બનાવી કડાં પે’રાવતા હાથે;
શિરપેચ મોતીભર્યો મૂકી દેતા માથે.

મોતીએ મઢેલી વળી મોહન બંસરી;
એમ શણગારવાની ઇચ્છા મને ખરી.

ભુવન શૃંગારને હું કેમ શણગારું;
ભૂતલે પડ્યો હું ચાંદો લેવા હામ ધારું.

જનમ જો દેત પ્રભુ જાતિનો સુથાર;
સિંહાસન રચી દેત શોભાનો આગાર.

પણ કર્યો મે’તો મને હાથે દીધું બરુ;
શાહી ઘૂંટી નિત્ય ચોપડાઓ લખી મરું.

પેટ સારુ શઠ શેઠિયાને દ્વારે ફરું;
રહ્યું જીંદગીનું દુઃખ મારે મન ખરું.

શૃંગારવા આપ્યું કિંતુ કેવળ ચંદન;
ઘસીને લગાવું નિત્ય નવાં આભરણ.

ધારું ખીર જેવું દૂધ કરીને ગરમ;
મન થાય ધરવાનું પૂરીઓ નરમ.

કરો મન સમર્પણ વૈભવ સંપદ;
ધન જન પ્રાણ, વાંછો માત્ર પ્રભુપદ.

પ્રભુને જ સાર ગણો, એ જ બુદ્ધિ બળ;
સંપદ વિપદમાં એ સહાય કેવળ.

શાને મન, લઈને આ અનિત્ય સંસાર;
ડૂબો તેમાં છોડી પ્રભુ સુખનો ભંડાર.

ભાઈ કહો, બંધુ કહો, કહો સૂત દાર;
સ્વાર્થ સારું વ્હાલ કરે, જાણી નિરધાર.

હજીયે સમય છે તો શાને થાઓ દુઃખી;
બોલો સદા રામકૃષ્ણ જેથી થાઓ સુખી.

અતુલ પ્રભુના ભક્તો તેમાં ભક્તિમાન;
આપણામાં કોઈ નહિ તેમની સમાન.

જતનથી રાખો પ્રીતિ ભક્તો પર મન;
ખરા બંધુ એ જ સાચાં સગાં જ્ઞાતિ જન.

ભક્તો માંહે નાના મોટા ગણવા એ ખોટું;
સરવેને પૂજ્ય માનો મન રાખી મોટું.

નાના મોટા માનવાનો નહિ અધિકાર;
જાણો સર્વેભક્તો રામકૃષ્ણ-પરિવાર.

રામકૃષ્ણભક્તો કેરું કરો રે ચિંતન;
પદ પૂજો તેમના રે રાતદિન મન.

ગૃહી ને સંન્યાસી એ બે ભક્તોના પ્રકાર;
પગે પડી પદરેણુ લીઓ વારંવાર.

(ક્રમશઃ)

Total Views: 134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.