ભક્ત વંદના

મૂળ બંગાળીમાં લખાયેલ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’નો બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજી મહારાજે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પુનઃ ધારાવાહિક રૂપે પ્રસ્તુત કરીએ છીએ. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું, ‘હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું, તેને મારા તરફથી પ્રેમપૂર્વકનાં લાખો આલિંગનો આપજો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાને વ્યક્ત કરે છે.’ આ ગ્રંથનો તાજેતરમાં અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત થયો છે. – સં.

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરું,
જય જય ભગવાન જગતના ગુરુ;

જય જય રામકૃષ્ણતણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.

વંદું હાથ જોડી, નમું ભક્તગણ પાસ;
સહુની ચરણરજ યાચે છે આ દાસ.

રામકૃષ્ણભક્ત સમ નહિ બીજું કાંઈ;
જેમના હૃદયમાં બિરાજે પ્રભુરાઈ.

જેહ કાંઈ મળે નહિ શાસ્ત્રઅધ્યયને;
અનાયાસે થાય પ્રાપ્ત ભક્ત-દરશને.

ભક્તને અસાધ્ય નહિ કંઈ જ સંસારે;
તેમની દયાથી પંગુ ગિરિ લંઘ કરે.

કૃપા થયે અંધનેય દિવ્ય દૃષ્ટિ મળે;
ગુપ્ત પ્રભુલીલા તેને અંતરમાં કળે.

અરે સૂકાં ઠૂંઠ પરે કૃપા યદિ થાય;
ઉગે નવાં પાન, ફૂલ, ફળ એ દેખાય.

ભક્ત જો પાષાણ પરે કૃપાદૃષ્ટિ કરે;
દ્રવિત થઈને વારિ તેહ થકી ઝરે.

મૂર્ખ પરે દયા યદિ ભક્તો કેરી થાય;
આગમ નિગમ વેદો તેને સમજાય.

વળી મળે ભક્તિ, જેને ભક્તિ-ગ્રંથો ગાય;
કિંતુ માત્ર શાસ્ત્રો વાંચ્યે કદિ ન પમાય.

પંચાંગમાં લખ્યું વીસ ઇંચ પાણી થશે;
નીચોવ્યે પંચાંગ, ટીપું એકે ન પડશે.

એમ ભક્તિશાસ્ત્રો માંહે ભક્તિ-વિવરણ;
લખેલું કેવળ, મળે નહિ ભક્તિધન.

એહ ભક્તિલાભ થાય ભક્તસેવા થકી;
સત્યથીયે અતિસત્ય જાણો તમે નક્કી.

પ્રભુપદ પામવાનું હોયે જેને મન;
પ્રથમ તો ભજો પ્રભુભક્તોના ચરણ.

ભક્તોનો મહિમા નવ ગાવાની શક્તિ;
મુરખ પામર હું તો બુદ્ધિહીન અતિ.

પ્રભુભક્તો સમ પૂજ્ય બીજું કોણ થાશે;
જેમની ચરણરજ પાપોને વિનાશે.

ભક્તવૃંદ કરો મને કૃપાબિંદુ દાન;
આપો મને ચ૨ણકમળ તળે સ્થાન.

ભક્તજનો વિણ કરે કોણ મારી વ્હાર;
આપી પદરજ મારો કરો રે ઉદ્ધાર.

બીજી એક માગું ભીખ, ભક્તો! વારી જાઉં;
આપી શક્તિ જરા, લીલા ઠાકુરની ગાઉં.

રામકૃષ્ણલીલા ગાવા મોટો અભિલાષ;
કારણ હું તેનું નીચે કરું છું પ્રકાશ.

નોકરી શહેરમાં તે ગામડામાં ઘર;
પેટના ગુજારા સારુ વસુ દેશાંતર.

વરસને અંતે જ્યારે થોડી રજા મળે;
ઘે૨ માને મળવાની ઇચ્છા ત્યારે ફળે.

રજા મળે નહિ ત્યારે ઘેર ન જવાય;
સ્નેહમયી માતા મારી એથી દુઃખી થાય.

દુઃખી માતા પીર તણી માનતાઓ કરે;
પુત્ર-આગમન સારુ લાડવાઓ ધરે.

એકદા હું ઘેર ગયે માતા રાજી થાય;
થાળ ભરી માનતાના લાડુ દેવા જાય.

પી૨-પૂજા કરી પીર-પોથી સુણે મા;
પીર-પોથી સુણે સુણી લાગ્યો હૈયે ઘા.

શાને પીર-પૂજા તથા પીરની માનતા;
શાને વળી પી૨-પોથી માતાજી સુણતાં.

દયાળુ ઠાકુર મમ પતિત-પાવન;
ક્ષણે ક્ષણે અંતરમાં પામે ઉદ્દીપન.

ઇચ્છા હૃદયમાં એવી ઊઠે વારંવાર;
રામકૃષ્ણ-પોથી મળ્યે આનંદ અપાર.

સુણાવું હું તેડાવીને સર્વ ગામવાસી;
ધરાવી પ્રભુને પ્રિય જલેબીનો રાશી.

સિંહાસને બેસે પ્રભુ ભરી દરબાર;
ચંદનચર્ચિત નાખું ગળે ફૂલહાર.

કમળનાં પુષ્પો તોડી લાવી અગણિત;
રચું ચારે બાજુ વન અતિસુશોભિત.

વિવિધ મિષ્ટાન્ન ધરાવીને કરું ઠાઠ;
પછી કરું રામકૃષ્ણ-પુરાણનો પાઠ.

આમ જાગી ઇચ્છા, મળે પુરાણ ક્યાં ભાઈ;
શક્તિ પુરાણ રચવાની હું માં નાંઈ.

પ્રભુસમ પ્રભુભક્તો શક્તિ અપાર;
રચી આપો રામકૃષ્ણ-પુરાણ આ વાર.

મારાથી સંભવ નહિ, નથી બુદ્ધિબળ;
તમારી ચરણરજ ભરોસો કેવળ.

કૃપા કરી શક્તિ દઈ કરો બળવાન;
જેથી કરી કરી શકું પ્રભુલીલા ગાન.

લખીને પુરાણ નથી ઇચ્છા થવા કવિ;
પાઠ સારુ માગું માત્ર ઇચ્છા છે એ નવી.

આપો રામકૃષ્ણ-ભક્તિ અને આ પુરાણ;
ભક્તો પદે વિનતિ એ, જેથી થાયે ત્રાણ.

નવ માગું જપ, તપ, ધારણા કે ધ્યાન;
સાલોક્ય, સામિપ્ય મુક્તિ, સાયુજ્ય, નિર્વાણ.

નવ માગું ઐશ્વર્ય, યોગ જ અષ્ટ સિદ્ધિ;
પાંપળાં એ, લાગે નવ મને એમાં રિદ્ધિ.

મારી ઇચ્છા શ્રીપ્રભુને શણગારવાની;
પ્રત્યક્ષ ઈશ્વરસેવા એ જ મેં તો માની.

અહો રાજા અંતરમાં ઊઠે એ જ આશ;
રામકૃષ્ણ-પુરાણ હું યાચું તમ પાસ.

(ક્રમશઃ)

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.