પશ્ચિમ બંગાળ

૧. માલદા આશ્રમ દ્વારા ઇંગ્લીશ બજાર, કાલીચાક-૨/૩ એ ત્રણેય તાલુકાના ૭૫૪૦ દરદીઓની ચિકિત્સાસેવા કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦૦૦ ધોતિયાં, ૧૬૫૦ સાડી, ૮૯૦ લુંગી, ૧૬૯૦ જોડી બાળકોનાં કપડાં અને ૧૦૪૫ ધાબળાનું વિતરણ સેવાકાર્ય-માલદા જિલ્લાના સાદુલ્લપુર, મિલ્કી, ભૂતનીના પૂરપીડિતો તેમજ ઇંગ્લીશ બજાર, રાતુઆ, કાલીચાક-૨ અને મણિચાક તાલુકાના ૩૦ ગામડાંના પૂર પીડિતોમાં કરવામાં આવ્યું હતું.

૨. નરેન્દ્રપુર કેન્દ્ર દ્વારા મુર્શિદાબાદ જિલ્લાના આઠ તાલુકાના ૯૦૦૦ દરદીઓને ચિકિત્સા સારવાર આપવામાં આવી હતી. લાલગોલા, રાણીનગ૨-૨, જલાંગી અને બેલ્ડાંગા તાલુકાનાં ૨૦૪૬ બાળકોને ઘણા દિવસો સુધી દૂધ આપવામાં આવ્યું હતું. ઉપરાંત લાલગોલા, ભગવાનગોલા, જલાંગી અને બીજા પાંચ તાલુકાનાં ૩૬ ગામડાંના ૬૦૦૦ પૂરપીડિત કુટુંબોમાં ૨,૪૮,૦૦૦ કિ. ચોખા, ૨૧,૧૫૦ કિ. દાળ, ૨૦૦૦ કિ. ખાદ્યતેલનું વિતરણ સેવાકાર્ય થયું હતું.

૩. સારગારછી કેન્દ્ર દ્વારા મુર્શિદાબાદ જિલ્લાના લાગોલા તાલુકાના ૧૨૪૮ દરદીઓને ચિકિત્સાસેવા અપાઈ હતી. મુર્શિદાબાદ જિલ્લાના સુતિ-૧,૨ તાલુકાના પૂરપીડિતોમાં ૨૦૦૦ સાડી, ૧૦૦૦ ધોતિયાં, ૧૦૦૦ લુંગી, ૧૦૦૦ ચાદર, ૧૦૦૦ બાળકોનાં કપડાં, ૧૦૦૦ ધાબળા અને ૪૦૦૦ મિશ્ર કપડાંનું વિતરણ કાર્ય થયું હતું.

૪. જલપાઈગુડી કેન્દ્ર દ્વારા કુચબિહાર જિલ્લાના તુફાનગંજ વિભાગના ૧૪ ગામડાંના ૧૮૦૦ પૂરગ્રસ્ત કુટુંબોમાં ૧૮૦૦ સાડી, ૧૨૦૦ ધોતિયાં, ૭૦૦ લુંગી, ૧૦૦૦ બાળકોનાં કપડાં અને ૨૦૭૮ મિશ્ર કપડાંનું વિતરણ થયું હતું. આ ઉપરાંત પ્રેમેરદંગા, ચૌધરી હાટ ગામના તેમજ કુચ બિહાર અને જલપાઈગુડી જિલ્લાના પૂરપીડિતોમાં ૮૪૬ સાડી, ૫૮૪ ધોતિયા, ૩૦૦ લુંગી, ૮૫૦ બાળકોનાં કપડાં, ૩૨૧૦ ધાબળાનું સેવાકાર્ય હાથ ધરાયું હતું.

૫. કોન્તાઈ કેન્દ્ર દ્વારા વસંતિયા, મુંકુંદપુર, ચાંદિયા અને ત્રણ બીજા ગામડાંના ૩૬૦ પૂરપીડિત કુટુંબોમાં ૧૩૬૦ કિ. ચોખાનું વિતરણ કાર્ય કર્યા પછી ૪૦૦ ધોતિયાં, ૪૦૦ સાડી અને ૪૦૦ બાળકોનાં કપડાંનું વિતરણ થયું હતું.

ઓરિસ્સા

પુરી આશ્રમ દ્વારા ૪૫૦૦ પૂરપીડિતોને રાંધેલા અનાજનું વિતરણ કાર્ય કર્યા પછી, ધોતિયા, સાડી અને તૈયાર કપડાંનું વિતરણ કાર્ય હાથ ધરાયું હતું. આ ઉપરાંત મઠ સાહી, પુરી સદર વિસ્તારના ૧૩૯ કુટુંબોમાં ૨૦૦ સાડી, ૨૦૦ ધોતિયાં, ૨૦૦ ચાદર અને ૧૧૭ તૈયા૨ કપડાંનું વિતરણ કાર્ય પણ કરવામાં આવ્યું હતું.

બિહાર

૧. કટિહાર આશ્રમ દ્વારા કટિહારની આસપાસના ૯ ગામડાંના પૂરપીડિતોને દસ દિવસ સુધી ભાત, રોટલી, બ્રેડ અને ગોળનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૨૪૮૫ કિ. ચોખા, ૧૪૯૧ સાડી-ધોતિયાં-લૂંગીનું વિતરણ-બુદ્ધનગર, પ્રાણપુર અને બીજા બે ગામડાંના ૪૯૭ પૂરપીડિત કુટુંબોમાં-હાથ ધરાયું હતું.

૨. જમશેદપુર કેન્દ્ર દ્વારા બાલીગીરી અને માનુષમુરિયા ગામના લોકોમાં ૩૯૮ કિ. ચોખા, ૩૩૭ કિ. ઘઉં અને ૨૧૦ તૈયાર કપડાંનું વિતરણ કાર્ય થયું હતું.

બાંગ્લાદેશ

૨૦.૫ મેટ્રિક ટન ચોખા-દાળ-ખાંડ-બટેટા જેવી ખાઘ સામગ્રી અને સાડી-લુંગી-ધોતિયાંનું વિતરણ કાર્ય હાથ ધરાયું હતું. વસ્ત્રો અને ઘરના છાપરા માટેનાં પતરાંનો મોટો જથ્થો વિતરણ સેવા કાર્ય માટે રવાના કરવામાં આવ્યો છે. દિનાજપુર કેન્દ્ર દ્વારા ૨૧૨ કિ. ભાત, ૯૨ કિ. ગોળ, ૨૦૬૬ કિ. ચોખા, ૨૦૦ કિ. દાળ અને ૧૧૩ તૈયા૨ કપડાંનું વિતરણ કાર્ય આજુ બાજુનાં ૨૬ ગામડાંનાં ૧૦૦૦ કુટુંબો માટે કરવામાં આવ્યું હતું. ૫૧૩ દરદીઓને ચિકિત્સાસેવા પણ અપાઈ હતી.

મહારાષ્ટ્ર ધરતીકંપ પુનર્વસવાટ સેવા

લોકશિક્ષા પરિષદ, નરેન્દ્રપુર અને એક્સેલ ઇન્ડ. મુંબઈના સંયુક્ત ઉપક્રમે કવાલી, જવલગવાડી અને હરેગાંવમાં ગ્રામોદ્ધાર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કવાલીમાં ‘મહિલા ઉદ્યોગકેન્દ્ર’નું ઉદ્‌ઘાટન શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ૭ નવેમ્બરના રોજ કર્યું હતું. આ ઉદ્યોગકેન્દ્રમાં ૧૬ બહેનો તાલીમ માટે જોડાયેલ છે. આ ઉપરાંત ૨૧ નિર્ધૂમ ચૂલા, ૪૦ ઓછી કિંમતનાં જાજરૂનાં બાંધકામ થયાં હતાં. કોબી, ફલાવર, રીંગણાં, ટમેટાં, ડુંગળી અને બિટના વાવેતર માટે ૧૪૪ ખેતવાડીઓ તૈયાર કરી છે. ૩૧૪ ખેડૂતોને ઉત્તમ પકનિદર્શન માટે આર્થિક સહાય આપવામાં આવી હતી. ફળઝાડ-બગીચા-વિકાસ અને ગળતિયા ખાતરની તાલીમ આપવામાં આવી હતી. ૧૩ હાઈસ્કૂલ અને ૧૬ નર્સરીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિદ્યાકીય માર્ગદર્શન-સેવાઓ અપાઈ હતી.

વિદ્યાકીય ક્ષેત્રની સિદ્ધઓ

ચેન્નાઈ વિદ્યાપીઠની વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓએ મદ્રાસ યુનિ.માં એમ.એ. તત્ત્વજ્ઞાન વિષયમાં અને સંસ્કૃત વિષયમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

* ૬, ઑક્ટૉબરના રોજ નેશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ, ન્યુ દિલ્હીમાં યોજાયેલ નેશનલ સાયન્સ સેમિનારમાં દેવઘર વિદ્યાપીઠના વિદ્યાર્થીએ પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કર્યું છે. એક બીજો વિદ્યાર્થી ઑલ ઇન્ડિયા સેકન્ડરી સ્કૂલ પરીક્ષામાં પ્રથમ સ્થાને ઉતીર્ણ થયો છે.

વૈદ્યકીય સેવાઓ

* ૧૨મી સપ્ટેમ્બરે સુખ્યાત શંકર નેત્રાલય, ચેન્નાઈના આંખના નિષ્ણાત ડૉક્ટરોની સહાયથી કાંચીપુરમ્ મઠ દ્વારા ૨૨૫ દરદીઓની આંખની ચકાસણી કરવામાં આવી હતી. એમાંથી ૨૧ દરદીઓના મોતિયાનાં ઑપરેશન કરવામાં આવ્યાં હતાં.

* લીંબડી કેન્દ્ર દ્વારા ૧૫મી ઑક્ટોબરે ૧૫૭ આંખના દરદીઓને તપાસવામાં આવ્યા હતા તે પૈકી ૬ દરદીઓના મોતિયાનાં ઑપરેશન થયાં હતાં.

* ૧૯ નવેમ્બરના રોજ પોરબંદર કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો હતો. આ કૅમ્પમાં ૨૨૫ દરદીઓને તપાસવામાં આવ્યા હતા અને પચાસ દરદીઓના મોતિયાનાં ઑપરેશન થયાં હતાં.

* ૫ અને ૯ નવેમ્બરે બાંકુરા કેન્દ્ર દ્વારા નેત્રયજ્ઞ યોજાયો હતો.

બેલુર મઠ અને અન્ય કેન્દ્રોમાં રાષ્ટ્રીય યુવદિનની ઉજવણી

શ્રીરામકૃષ્ણસંઘના વડા મથક બેલુર મઠમાં ૧૨ જાન્યુઆરી, ૧૯૯૯ના રોજ રાષ્ટ્રીય યુવદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી બેલુર મઠ ઉપરાંત સ્વામીજીના જન્મસ્થળ, એમના પૈતૃક નિવાસ સ્થાને પણ થઈ હતી. બેલુર મઠમાં પ૦૦૦ યુવા ભાઈ- બહેનોએ ભાગ લીધો હતો. શહેરની વિવિધ શાળાઓમાંથી બેન્ડ, પ્લેકાર્ડ, બેનર્સ અને સ્વામીજીની શણગારેલી છબીઓ સાથે યુવા ભાઈ-બહેનો સરઘસાકારે આવ્યાં હતાં અને સંભાષણો, મુખપાઠ અને ગીત-સંગીતના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સ્વામીજીના પૈતૃક નિવાસ સ્થાને પણ શહેરના જુદા જુદા ભાગોમાંથી યુવા ભાઈ-બહેનો શોભાયાત્રાના રૂપે આવ્યાં હતાં. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રીરામકૃષ્ણસંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ હતા. શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે સ્વાગત પ્રવચન આપ્યું હતું. પશ્ચિમ બંગાળ સરકારના નાણામંત્રી શ્રીઅસીમ દાસગુપ્તા આ સમારંભના અતિથિવિશેષ સ્થાને હતા..

* હૈદરાબાદ મઠમાં ૯-૧૦- અને ૧૨ જાન્યુઆરી એમ ત્રણ દિવસનું યુવ-સંમેલન યોજાયું હતું. ૧૦૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોના આ યુવસંમેલનને કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી શ્રી પ્રમોદ મહાજન, કેન્દ્રના રાજ્યકક્ષાના શહેરી વિકાસ ખાતાના મંત્રી બાંદારુ દત્તાત્રેય અને બીજા મહાનુભાવોએ સંબોધન કર્યું હતું.

* અગરતલા આશ્રમ દ્વારા શોભાયાત્રા અને વક્તૃત્વ, મુખપાઠ અને ગીત-ગાનની સ્પર્ધાઓનું આયોજન થયું હતું. વિવેક ઉદ્યાનમાં યોજાયેલ આ કાર્યક્રમનું ઉદ્‌ઘાટન ત્રિપુરા રાજ્યના યુવા અને રમત-ગમત વિભાગના મંત્રી શ્રી જિતેન્દ્ર ચૌધરીએ કર્યું હતું.

* આલોંગમાં શોભાયાત્રા નીકળી હતી. દિલ્હી કેન્દ્રમાં આ દિવસે વક્તવ્યો, મુખપાઠ, ગીત-ભજન અને યોગાસન નિદર્શનના કાર્યક્રમો યોજાયા હતા. ગદાધર આશ્રમમાં શોભાયાત્રા, જાહેર સભા અને નાટ્યાભિનયના કાર્યક્રમ રહ્યા હતા. ઇચ્છાપુરમાં શોભાયાત્રા-મુખપાઠ-ચર્ચાસભા-જાહેરસભા અને યાત્રાના (ભવાઈ-નાટ્ય) કાયક્રમો યોજાયા હતા. જામાત્રા કેન્દ્રમાં રમત-ગમત, ક્વિઝ, નાટકના કાર્યક્રમો અને લીંબડી કેન્દ્રમાં શોભાયાત્રા ઉપરાંત વક્તૃત્વ, સંગીત, નિબંધસ્પર્ધાનું આયોજન થયું હતું. માલદા અને નારાયણપુર કેન્દ્રમાં શોભાયાત્રા-શૈક્ષણિક-સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. પોરબંદરમાં યુવ-શિબિર, પુરી કેન્દ્રમાં શોભાયાત્રા-વક્તૃત્વ સ્પર્ધા-જાહેરસભાનું આયોજન થયું હતું. રાંચી સેનેટરિયમમાં શોભાયાત્રા અને જાહેરસભાનું આયોજન થયું હતું.

શ્રીરામકૃષ્ણ મિશન, પોર્ટબ્લેય્‌ર શૈક્ષણિક-સાંસ્કૃતિક સંકુલનું ઉદ્‌ઘાટન

પોર્ટબ્લેય્‌રમાં જ્ઞાન મંદિર અને કર્મ મંદિરનો ઉદ્‌ઘાટન સમારંભ ૧ જાન્યુઆરી, ૯૯ ને શુક્રવારે સવારે ૯-૩૦ વાગ્યે યોજાયો હતો. શૈક્ષણિક કેન્દ્ર-જ્ઞાનમંદિર અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર કર્મમંદિરના આ સંકુલનું મંગલ ઉદ્‌ઘાટન આપણા સન્માનનીય વડાપ્રધાન શ્રીઅટલબિહારી બાજપેયીના વરદ્હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે આંદામાન-નિકોબાર ટાપુના લેફ્ટ. ગર્વર્નર શ્રી આઈ. પી. ગુપ્તા અને લોકસભાના સભ્ય શ્રી એમ. આર. ભક્ત અતિથિવિશેષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. શ્રીરામકૃષ્ણ-મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમારંભમાં સન્માનનીય વડાપ્રધાનશ્રી, લેફ્ટ ગર્વર્નરશ્રી, સંસદ સભ્ય શ્રી અને શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજીએ પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદ ભાવપ્રસાર-પ્રચાર કાર્ય શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભૂજ

શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભૂજની વીસ વર્ષની સાધનાનું ફળ સાંપડ્યું ૧૮ જાન્યુઆરી, ૧૯૯૯ના રોજ શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરના ઉદ્‌ઘાટન દ્વારા, વહેલી સવારે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામીજીની છબિઓ આ પ્રાર્થના મંદિરમાં પધરાવવા-સંતો-પયગંબરોની વેશભૂષા સાથે બાળકો, શણગારેલાં વાહનો અને અસંખ્ય ભાવિકજનો અને રામકૃષ્ણસંઘના સંન્યાસીઓની શોભાયાત્રા નીકળી હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ પૃષ્પશૃંખલા અનાવરિત કરીને શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરનાં દ્વાર ખોલ્યાં હતાં અને આ મંદિરમાં પ્રવેશતો માનવ માનવદેવ બનીને બહાર આવે આવી અભિલાષા આ પ્રસંગે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રામકૃષ્ણ મિશન, પોરબંદરના સૅક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજી, રામકૃષ્ણ મિશન, લીંબડીના સૅક્રેટરી સ્વામી આદિભવાનંદજી અને સ્વામી ત્યાગાત્માનંદજીએ પોતાની શુભાશિષના વચનો ઉચ્ચાર્યાં હતાં. વિશેષ પૂજા-હવન-ભજન-મંત્રોચ્ચારથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું.

તે જ દિવસે સાંજે સ્વામી જિતાત્માનંદજીના અધ્યક્ષ સ્થાને એક સમારોહ યોજાયો હતો. ગુજરાત વિધાન સભાના માનનીય અધ્યક્ષ શ્રી ધીરૂભાઈ શાહે દીપ પ્રગટાવીને આ સમારોહનું ઉદ્‌ઘાટન કર્યું હતું. અતિથિવિશેષ સ્થાને રાજ્યસભાના સભ્યશ્રી અનંતભાઈ દવે હતા. આ પ્રસંગે વક્તાઓએ આજના સાંપ્રત- સમાજ માટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના મહત્ત્વની વાત કરી હતી. રાજસભાના સભ્ય શ્રી અનંતભાઈ દવે પોતાની ગ્રાન્ટમાંથી હૉસ્પિટલકાર્ય માટે રૂ. ૧૦ લાખ, કચ્છના લોકસભાના સભ્ય શ્રી પુષ્પદાન ગઢવીએ પુસ્તકાલય અને ચિકિત્સાલય માટે રૂ. પ લાખ અને શ્રી મુકેશભાઈ ઝવેરી તરફથી પુસ્તકાલય માટે રૂ. ૩ લાખના દાનની જાહેરાત કરવામાં આવી હતી. શ્રી ધીરૂભાઈ શાહે શ્રીરામકૃષ્ણ યુવક મંડળ રાપર વિસ્તારમાં કોઈ કાર્ય હાથ ધરે તો તે માટે રૂ. ૧ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમના અંતે જમીનનું દાન કરનાર શ્રીકાકુભાઈનું અને દવાખાના માટે રૂ. ૩ લાખનું દાન કરનાર શ્રી કનકભાઈ રેવાશંકર ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું હતું. અન્ય આર્થિક સહયોગ આપનાર દાતાઓ તેમજ આર્કિટેક જે.સી. સંઘવીનું શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું.

પ્રાર્થના મંદિરના ઉદ્‌ઘાટન નિમિત્તે ૧૬મી જાન્યુઆરીના રોજ શ્રી રાસબિહારી દેસાઈ અને શ્રીમતી વિભા દેસાઈના ભક્તિ સંગીતનો કાર્યક્રમ શ્રોતાઓને માણ્યો હતો. ૧૭, જાન્યુઆરી, રવિવારે સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી આદિભવાનંદજીની ઉપસ્થિતિમાં આધ્યાત્મિક શિબિર તેમજ ગુજરાતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં કેન્દ્રોના પ્રતિનિધિઓનું સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ શ્રીકાન્તિસેન શ્રોફ પણ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના મહત્ત્વ વિશે અને આજના વિશ્વમાં તેની પ્રાસંગિક્તા વિશે મનનીય પ્રવચનો આપ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો જન્મ જયંતી મહોત્સવ

શ્રી રામકૃષ્ણદેવે પ્રબોધેલ સર્વધર્મસમભાવ સર્વકલ્યાણ

ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૬૪મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૧૮-૨-૯૯ને ગુરુવારે સવારે ૮ વાગ્યે એક વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં વિશ્વના વિવિધ ધર્મોના તેમજ ભારતના વિવિધ ધર્મોના પયગંબરો, સંતો, ભક્તોની વેશભૂષા સાથે આવેલાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ એક સર્વધર્મસમભાવનું દિવ્ય વાતાવરણ ઊભું કરી દીધું હતું. પ૦૦ જેટલાં ભક્તો અને શહેરીજનો, ૧૦૦ શિક્ષકો અને ૩૫૦૦ જેટલાં વિદ્યાર્થી ભાઈ-બહેનોની શોભાયાત્રા શ્રીરામકૃષ્ણ આશ્રમમાંથી શ્રી શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજીની પાલખી તેમજ દસ ફ્લોટ અને અન્ધ મહિલા વિકાસ ગૃહનાં બહેનોનાં ભજનો, શ્રીરામકૃષ્ણ વિદ્યાર્થીમંદિરના વિદ્યાર્થીઓના ભજનો સાથે આ શોભાયાત્રા સવારના ૮.૦૦ વાગ્યે રવાના થઈ અને ૯.૧૫ વાગ્યે શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પાછી ફરી. શોભાયાત્રાનાં ભાઈ-બહેનો જાહેરસભામાં ગોઠવાઈ ગયાં હતાં. કાર્યક્રમનો પ્રારંભ શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થીમંદિરના વિદ્યાર્થીઓ દ્વારા થયેલા ગાયત્રી મંત્રના પાઠથી થયો હતો. આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ પોતાના ભાવવાહી ભજન સાથે બાળકોને સંબોધતાં કહ્યું હતું : “એક મુસ્લિમ કહે છે ‘હું મુસ્લિમ છું, સારો મુસ્લિમ છું’. એક ખ્રિસ્તી કહે છે : ‘હું ખ્રિસ્તી છું, હું સારો ખ્રિસ્તી છું’. પણ શ્રીરામકૃષ્ણદેવ કહેતા : ‘હું સારો હિંદુ છું, સારો ખ્રિસ્તી છું, અને સારો મુસ્લિમ પણ છું.’ ધર્મ – ધર્મ વચ્ચેની વાડાબંધી દૂર કરવા અને સર્વધર્મ વચ્ચે સમભાવ ઊભો ક૨વા શ્રીરામકૃષ્ણદેવ આ ભારતભૂમિ પર અવતર્યા હતા.” કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓનાં નાટક અને ભજન ગીત રજૂ કરવામાં આવ્યાં હતા. વેશભૂષાના વિજેતા સ્પર્ધકોને પારિતોષિકો આપવામાં આવ્યાં હતાં. દરેક વિદ્યાર્થીને શ્રીરામકૃષ્ણદેવનો ફોટો અને પ્રસાદ અપાયા હતા. આ પ્રસંગે શ્રી પુષ્પાબહેન મહેતાએ પોતાનું પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરમાં શ્રીરામકૃષ્ણદેવ જન્મતિથિ મહોત્સવ.

૧૮ ફેબ્રુ. સવારે ૫૦૦ વિદ્યાર્થીની શોભાયાત્રા જાહેરસભામાં ગોઠવાઈ ગઈ. પ્રો. જ્યોતિબહેન થાનકી અને વિદ્યાર્થીઓએ ‘શ્રીરામકૃષ્ણ જીવન અને સંદેશ’ વિશે પોતાનાં વિચારો વ્યક્ત કર્યા. ૩૦૦ ભાઈ-બહેનોને દરિદ્રનારાયણ સેવામાં ભોજન અને વસ્ત્રો આપવામાં આવ્યાં હતાં. સાંજે ૨૫૦ ભક્તોએ સ્વામી નિખિલેશ્વરાનંદજીના ‘શ્રીરામકૃષ્ણ જીવન અને સંદેશ’ વિશેના પ્રવચનનો લાભ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં શ્રીરામકૃષ્ણદેવ જન્મતિથિ મહોત્સવ.

વિશેષ પૂજા, હવન, ભજન, કીર્તનના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ૨૫૦ જેટલા ભક્તજનોએ સાંજના ‘શ્રીરામકૃષ્ણ જીવન અને સંદેશ’ વિશેના કેન્દ્રના સંન્યાસીઓ અને સ્થાનિક વિદ્વાનોનાં વક્તવ્યોનો લાભ લીધો હતો.

સવારે યોજાયેલા નેત્રયજ્ઞમાં ૧૭૫ દરદીઓને તપાસવામાં આવ્યા હતા અને ૧૦ દરદીઓના મોતિયાનાં ઑપરેશન કરવામાં આવ્યાં હતાં.

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.