સ્વામી વિવેકાનંદ જ્યારે શ્રીરામકૃષ્ણદેવને મળવા દક્ષિણેશ્વર આવતા ત્યારે ઘણી વાર તેઓ તેમની પાસે ભજન ગવડાવતા. નરેન્દ્રનાથના મધુર કંઠે ગવાતાં ભજનોથી શ્રીરામકૃષ્ણ ઘણી વાર સમાધિમાં ડૂબી જતા. એક દિવસ શ્રીરામકૃષ્ણે તેમને ભજન ગાવાનું કહ્યું. તેમણે ગાયું: ‘ભજન કરો રે મનવા દિનરાત.’

આ ભજન સાંભળીને શ્રીરામકૃષ્ણદેવે તેમને રમૂજમાં ટકોર કરતાં કહ્યું: ‘કેમ રે! જે વાત પોતે આચરતો નથી તે બીજાને કેમ સંભળાવે છે?’ તારે તો એમ કહેવું જોઈએ ‘ભજન કરો મનવા દિન મેં દો બાર.’ આમ કહીને તેમણે યુવાન નરેન્દ્રને પ્રભુનું નામ સ્મરણ સતત કરતા રહેવું જોઈએ, એ વાત જણાવી દીધી. ફક્ત બે વાર ભજન-કીર્તન કે નામજપ કરી લેવાથી કામ થતું નથી. મન ઈશ્વરમાં ડૂબતું નથી. એ માટે સતત નામ જપ કરવા જોઈએ.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી ‘મ’એ-માસ્ટર મહાશય શ્રીમહેન્દ્રનાથ ગુપ્તે શ્રીરામકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે, ‘મહાશય, ઈશ્વરમાં મન કેવી રીતે જાય?’ આના ઉત્તરમાં શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ‘ઈશ્વરના નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવા જોઈએ.’ અહીં ‘હંમેશા’ શબ્દ ખૂબ મહત્ત્વનો છે. ભગવાનના નામનો જપ કે ગુણસંકીર્તન ક્યારે કરવાં જોઈએ? કેટલાક લોકો માને છે કે નવા વરસને દિવસે સવારે એક વાર ભગવાનની પૂજા-પાઠ કરી લીધાં, એટલે આખું વરસ હવે નિરાંત. વરસમાં હવે ભગવાનનું નામ લેવાની જરૂર નથી. તો કેટલાક કહે છે કે મહિનામાં એક વાર ભગવાનની પૂજા કરવી જોઈએ. કેટલાક અઠવાડિયે એક વાર કરે છે, તો કોઈ કોઈ દિવસમાં એક વાર રોજ સવારે કરે છે. કોઈ કોઈ લોકો આખો દિવસ સંસાર-વ્યવહારમાં રચ્યાપચ્યા રહે છે. ત્યારે તેઓ ભગવાનને બિલકુલ યાદ કરતા નથી. અને પરિણામે જ્યારે જપધ્યાન કરવા બેસે છે, ત્યારે ભગવાનને યાદ કરવાનો સમય હોય છે, ત્યારે ભગવાનમાં મન લાગતું નથી પણ મન વ્યવહારના કામોમાં જ દોડાદોડ કરતું રહે છે. આથી શ્રીરામકૃષ્ણદેવ હંમેશા જપધ્યાન અને ગુણસંકીર્તન કરવા જોઈએ તેમ કહે છે.

ઘણાં લોકોનો એ અનુભવ છે કે દરરોજ જપ કરતાં હોય તેમાં એકાદ દિવસનો વિક્ષેપ પડે તો પછી બીજે દિવસે મનને એકાગ્ર કરતાં મુશ્કેલી પડે છે. અને જો બે ત્રણ દિવસ જપધ્યાન વગરના જાય તો તો પછી મન બિલકુલ એકાગ્ર થઈ શકતું નથી. માટે ચંચળ મનને સ્થિર કરવા માટે સતત અને નિયમિત જપધ્યાન જરૂરી છે.

જેઓ મંત્રદીક્ષા લે છે, તેમને દિવસમાં બે વાર તો નિયમિત જપધ્યાન કરવાનું કહેવામાં આવે છે. તેમાંથી કોઈ કોઈ તો પૂછે છે કે એકવાર જપધ્યાન કરીએ તો ન ચાલે? શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજને કોઈએ પૂછ્યું હતું કે એકસો આઠ વાર નામ જપ કરવા જ જોઈએ એવું ખરું? બહુ કામ હોય ત્યારે આઠ વાર ભગવાનનું નામ લઈ લઈએ કે મંત્ર બોલી લઈએ તો ન ચાલે?’ ત્યારે પૂ. મહારાજે અને કહ્યું: ‘તમને મંત્રદીક્ષા લેવાનું કોણે કહ્યું હતું? પરાણે મંત્રદીક્ષા લીધી છે? મંત્રદીક્ષા લીધી હોય તો તેના નિયમોનું પાલન કરવું જ જોઈએ. ન કરો તો કોઈ શિક્ષા કરતું નથી. પણ તમારા લક્ષ્યસ્થાને પહોંચવામાં વિલંબ થાય છે.’ કોઈ બળદગાડીમાં મુંબઈ જાય અથવા પગપાળા જાય તો દિવસો લાગે. બસમાં કે ટ્રેઈનમાં ઓછો સમય લાગે અને પ્લેનમાં તો એક કલાકમાં પહોંચી જાય. એટલે આપણે ભગવાન પાસે કેટલા જલ્દી પહોંચવા માગી છીએ, તેના ઉપર આધારીત છે. જેવી આપણી ભક્તિની તીવ્રતા તેવી ભગવાન પાસે પહોંચવાની ઝડપ. જો આપણે ખૂબ જલ્દીથી પહોંચવું હોય તો સરળમાં સરળ ઉપાય છે, અહર્નિશ ભગવાનના નામનું સ્મરણ કરવું.

પરંતુ સંસારમાં રહીને આ કેવી રીતે કરવું? એ પ્રશ્ન બધાંને ઉદ્‌ભવે છે. લોકો કહે છે, ‘અમે સંસારી માણસો છીએ, કામકાજ, વ્યવહાર, ઘરગૃહસ્થી, ધંધો-વ્યાપાર-નોકરી-ઑફિસ આ બધું સંભાળતાં સંભાળતાં કેવી રીતે ભગવાનનું નામ લેવાય? કામકાજમાં ડૂબેલાં હોઈએ ત્યારે ભગવાન તો યાદ આવતા જ નથી. તો શું કરવું?’ પૂ. વીરેશ્વરાનંદજી મહારાજે એ માટે સૅન્ડવીચ સાધના બતાવી છે. સૅન્ડવીચમાં જેમ નીચે એક પાઉં રોટીનો ટૂકડો મૂકીને વચ્ચે ટમેટાં-બટેટાં-કાકડી-ચટણી વગેરેનું ચૂરણ ભરવામાં આવે છે, પછી ઉપર બીજો પાઉં રોટીનો ટુકડો મૂકવામાં આવે છે. તેજ રીતે સવારમાં ઊઠીને ભગવાનના નામજપની પાઉં રોટીનો સરસ આધાર તૈયાર કરી લેવાનો. તેમાં વચ્ચે, દિવસ દરમિયાન કરવામાં આવતાં કામનો મસાલો ભરતાં જવાનો અને રાત્રે સૂતી વખતે ફરી ભગવાનના નામજપનો ઉપલો આધાર મૂકી દેવાનો અને દિવસમાં કરેલા બધા કાર્યો ભગવાનને સમર્પિત કરી દેવાના. આ સૅન્ડવીચ સાધના દ્વારા ધીમે ધીમે મન તૈયાર થાય છે. કામનો મસાલો તૈયાર કરતી વખતે મનમાં યાદ રહે છે કે આ મસાલો છે. તે સૅન્ડવીચમાં ભરવાનો છે. એટલે કે વચ્ચે વચ્ચે ભગવાનને પ્રાર્થના થતી રહે છે કે ‘હે ભગવાન, આ કાર્ય તમારા માટે કરી રહ્યો છું. તમે સ્વીકારો.’ પછી કામ કરતાં કરતાં પણ ભગવાનની યાદ આવવા લાગે છે. આવી જ રીતે નાની નાની સૅન્ડવીચ પણ બનાવી શકાય જેમ કે, ઑફિસ જતા પહેલાં ઈશ્વરનું સ્મરણ કરવું અને ઑફિસથી આવીને પ્રાર્થના કરવી કે, ‘હે પ્રભુ, આ ઑફિસનું કાર્ય અને તેનું ફળ પણ તને સમર્પિત કરું છું.’ બધા કાર્યો ભગવાનને સમર્પિત બુદ્ધિથી કરવાથી દિવસભરની પ્રવૃત્તિઓ વચ્ચે પણ ભગવાનનું સ્મરણ સતત ચાલુ રહે છે. સતત અભ્યાસ દ્વારા ઈશ્વરને ભૂલવું અશક્ય બની જાય છે. ખ્રિસ્તીધર્મના મહાન સંત બ્રધર લૉરેન્સે આવી સ્થિતિ પ્રાપ્ત કરી હતી. તેમનું પુસ્તક ‘The Practice of the Presence of God’ વાંચવાથી તેમની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનો ખ્યાલ આવે છે.

બ્રધર લૉરેન્સ પહેલાં તો લશ્કરમાં સૈનિક હતા. લડાઈમાં તેમનો એક પગ કપાઈ ગયો હતો. પછી તેઓ ઈસુના સંઘમાં જોડાયા. ત્યાં સંઘમાં તેમણે ૨૬ વર્ષ સુધી રસોડામાં જ કામ કર્યું. કામ કરતાં કરતાં બસ ભગવાન સાથે વાતો કરવા લાગ્યા કે, ‘હે ભગવાન, તમારા સિવાય આ દુનિયામાં મારું બીજું કોઈ નથી. મને કંઈ જ ખબર પડતી નથી. તમે મને શીખવાડો. તમે મને માર્ગ બતાવો.’ જ્યારે કંઈ ન સમજાય, કોઈ મુશ્કેલી આવે તો બસ ભગવાનની સાથે વાત કરવા લાગતા. અને એમના આશ્ચર્ય વચ્ચે ભગવાન એમને માર્ગ બતાવતા રહ્યા. એ રીતે તેમણે ભગવાન સાથે એકાત્મતા પ્રાપ્ત કરી લીધી અને મહાન સંત બન્યા. તેમણે ન તો અસંખ્ય જપ કર્યા કે ન કલાકો સુધી ધ્યાન કર્યું કે ન ચિંતન કર્યું. પણ પ્રેમપૂર્વક પ્રભુ સાથે સતત વાતો કર્યા કરી અને એમના માટે પ્રભુ જીવંત બની રહ્યા. પછી તેમણે કહ્યું હતું કે, ‘શરૂઆતમાં જ્યારે સંઘમાં જોડાયો ત્યારે ભગવાનનું સ્મરણ મારા માટે જેટલું મુશ્કેલ હતું, તેટલું જ મુશ્કેલ મારા માટે ઈશ્વરનું વિસ્મરણ બની ગયું છે.’

એક રશિયન યાત્રિકના સ્વાનુભવો ‘એકલપંથી’ નામના ગુજરાતી પુસ્તકમાં પ્રકાશિત થયા છે. મૂળ રશિયન ભાષામાં લખાયેલ પુસ્તક અંગ્રેજીમાં ‘ધ વે ઑફ એ પીલગ્રીમ’ નામે પ્રખ્યાતિ પામ્યું છે. ‘અવિરત પ્રાર્થના’ વિશેનું આ સુંદર પુસ્તક છે. આ પુસ્તકના લેખકનું નામ કોઈ જાણતું નથી. ૧૯મી સદીનો એક ગરીબ રશિયન જાત્રાએ નીકળી પડે છે. ઘરબાર કંઈ નથી. બધી પુંજી પણ ગુમાવી છે. અપંગ હોવાથી કામધંધો કરી શકતો નથી. તેની પાસે કંઈ સામાન પણ નથી. ખભે નાનકડી બેગ લઈને તે ભગવાનની શોધમાં નીકળી પડે છે. ચાલતો ચાલતો થાકી જાય છે. એક જગ્યાએ આરામ કરવા બેસે છે. બેગમાંથી બાઈબલનું પુસ્તક કાઢીને ખોલીને વાંચે છે. તેમાં વાક્ય આવ્યું: ‘અવિરત પ્રાર્થના કરતા રહેજો.’ આ વાક્ય ઉપર એણે બહુ જ વિચાર કર્યો. પણ એને સમજાયું નહીં. ખાતાં, પીતાં, સૂતાં, એમ દરેક વખતે અટક્યા વગર પ્રાર્થના કેવી રીતે ચાલુ રાખી શકાય? એ કેમ બને? દિવસમાં ચાર-પાંચ વખત બેસીને પ્રાર્થના થઈ શકે, પણ બધો જ વખત શું એ શક્ય છે? એના મનમાં પ્રશ્નો ઊઠવા લાગ્યાં. તેણે ચર્ચમાં જઈને ‘ફાધર’ને પૂછ્યું. ફાધરે તેને સમજાવ્યું ખરું પણ તેના હૃદયમાં ઊતર્યું નહીં. તેને સંતોષ ન થયો. તેણે અનેક ચર્ચોમાં અનેક ફાધરોને પૂછ્યું, પણ ક્યાંયથી સંતોષકારક જવાબ ન મળ્યો. આખરે એક વૃદ્ધ પાદરીએ તેને રસ્તો બતાવ્યો. એ પાદરી પોતે સાધક હતા. પરમાત્માની હાજરીની તેમણે અનુભૂતિ કરી હતી અને તે પ્રમાણેનું તેમનું જીવન હતું. એમણે કહ્યું, ‘એ વસ્તુ એક દિવસમાં નહીં થઈ શકે. તું અહીં રહી જા. અહીંના બગીચામાં માળી તરીકે રહી જા. પછી આ પ્રાર્થનાનું સતત રટણ કરતો રહે.’ એમ કહીને તે પાદરીએ તેને પ્રાર્થના શીખવાડી.

પ્રાર્થના હતી ‘Lord Jesus, have mercy on me.’

‘પ્રભુ ઈસુ, મારા ઉપર કૃપા કરો.’ આ પ્રાર્થના સતત કેવી રીતે કરવી તેનો વિધિ બતાવી પાદરીએ કહ્યું: ‘મનમાં ને મનમાં આનું સતત રટણ કરવું. મોટેથી બોલવાનું નહીં. હોઠ પણ ફફડવા ન જોઈએ. મનની અંદર રટણ ચાલતું રહેવું જોઈએ. અને તે સમય હૃદયમાં પ્રભુ ઈસુનું ધ્યાન પણ રહેવું જોઈએ. કામ કરતાં કરતાં પણ આ વિધિ ચાલુ જ રાખવાનો’ પાદરીએ તો રસ્તો બતાવ્યો, પણ તેણે જેવી શરૂઆત કરી કે તેને થયું કે આ તો બહુ મુશ્કેલ કામ છે. મંત્રજપમાં મન લાગતું ન હતું. તો પણ તેણે મંત્રજપ ચાલુ જ રાખ્યા. આખો દિવસ જપ કરતો તો પણ માંડ બે હજાર જેટલા જ જપ કરી શકતો હતો. પણ ધીમે ધીમે મન સ્થિર થતાં તેને જપમાં આનંદ આવવા લાગ્યો. પછી તેણે ખાવાનું ઓછું કરી નાખ્યું. સૂવાનું પણ ઓછું કરી નાખ્યું. અને જપનું પ્રમાણ વધારતો જ ગયો. પછી તો તેની એવી સ્થિતિ થઈ ગઈ કે આપમેળે જપ થવા લાગ્યા. બહારથી તે ગમે તે કામ કરતો હોય પણ આંતરમનમાં જપ સતત ચાલુ જ રહેતા. જાણે અંદર એક મશીન ફીટ થઈ ગયું. જપ અવિરત ચાલુ રહેતા ને તેણે તો માત્ર એ સાંભળવાના જ હતા, તેને એવી અનુભૂતિ થવા લાગી કે અંતરમાં જાણે કોઈ બીજું જપ કરી રહ્યું છે. દરેક શ્વાસે તેની અંદર આ મંત્ર રટાવા લાગ્યો. પછી એવી સ્થિતિ આવી કે હૃદયના દરેક ધબકારે જપ થવા લાગ્યા. અને પછી જપ બંધ કરવા એ એના માટે અશક્ય બની ગયું ત્યારે તેણે એ વૃદ્ધ પાદરીને કહ્યું કે હવે મને બાઈબલનું એ વાક્ય બરાબર સમજાઈ ગયું છે કે, ‘કોઈ પણ કામ કરતાં કરતાં પણ પ્રાર્થના અટકવી ન જોઈએ.’ માત્ર મંત્રજાપથી તેના ઉપર જિસસની એવી કૃપા થઈ કે તે પ્રભુને પ્રાપ્ત કરી શક્યો. વરસોની કઠિન તપશ્ચર્યા અને પ્રખર સાધનાથી તપસ્વીઓ ને સાધકો જે સ્થિતિ પ્રાપ્ત નથી કરી શકતા તે સ્થિતિ, ભગવદ્‌ભાવની પ્રાપ્તિ, અવિરત નામજપ દ્વારા સામાન્ય મનુષ્ય પણ પ્રાપ્ત કરી શકે છે.

શ્રીમા શારદાદેવી જ્યારે દક્ષિણેશ્વરમાં નોબતખાનામાં રહેતાં હતાં, ત્યારે લાખો જપ કરતાં હતાં. તે સમયે તેમને રસોઈ બનાવવાની હતી, શ્રીરામકૃષ્ણના ભક્ત-શિષ્યોને જમાડવાના, શ્રીરામકૃષ્ણદેવની દિનચર્યા જાળવવાની-આમ કેટલુંય કામ રહેતું. તેમણે કહ્યું હતું કે ‘આટલા બધા કામની વચ્ચે પણ હું રોજના લાખથી પણ વધારે મંત્રજપ કરતી.’

આ અંગે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના અગિયારમા પરમાધ્યક્ષ સ્વામી ગંભીરાનંદજી મહારાજને એક બ્રહ્મચારીએ પ્રશ્ન પૂછ્યો, ‘મહારાજ, આ કેવી રીતે શક્ય બને?’ આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામી ગંભીરાનંદજી મહારાજે જણાવ્યું કે, ‘પૂ. શ્રીમા શારદાદેવીની ઉક્તિનો શબ્દશ: અર્થ નહીં લેવાનો, શ્રીમા ઘણાં વધારે જપ કરતાં હતાં. એમ કહેવાનો અર્થ છે.’ એમણે આ રીતે ઉત્તર આપી દીધો પણ એમને પોતાને અંતરમાં સંતોષ થયો નહીં. એમને મનમાં સતત એમ થવા લાગ્યું કે મારો આ જવાબ બરાબર નથી. એમને આ પ્રશ્નનો જવાબ ઘણા દિવસો બાદ મળ્યો. એ વિશે તેમણે રાંચી આશ્રમના વાર્ષિકોત્સવમાં અધ્યક્ષીય પ્રવચનમાં કહ્યું હતું: ‘હું જયરામવાટીમાં બે મહિના પહેલાં ગયો હતો. ત્યાં શ્રીમા જે મકાનમાં રહેતા હતા, ત્યાં ધ્યાનમાં બેઠો. આ ધ્યાનમાં મને આ પ્રશ્નનો જવાબ મળ્યો. શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ૬ઠ્ઠા પરમાધ્યક્ષ સ્વામી વિરજાનંદજી મહારાજના શબ્દો મને યાદ આવ્યા. તેઓ કહેતા હતા કે માનસિક જપની ગતિ ઘણી વધારે હોય છે. મનની ગતિ જ ઘણી તેજ છે. પ્રકાશની ગતિ કરતાં પણ તેની ગતિ વધારે તેજ છે. એક ક્ષણમાં તે અહીંથી પૃથ્વીના બીજે છેડે પહોંચી જાય છે. અનંતગણી ગતિ હોવાથી થોડા કલાકોમાં મન લાખો જપ કરી શકે છે, એનું મને એ ધ્યાનમાં સ્પષ્ટ દર્શન થયું. આજે હું માનું છું કે આટલું કામ કરીને પણ મા લાખો જપ કરી શકતાં હતાં. આજે આ લાખોજપને હું શબ્દશ: સ્વીકારી શકું છું.’ જેમનું મન સતત ભગવદ્‌ભાવમાં ડૂબેલું હોય તે અટક્યા વગર ભગવદ્‌નામનો જપ કરતું રહે છે. શ્રીમા કહે છે કે કદાચ શરૂઆતમાં મન ન લાગે તો પણ તમે ભગવાનના નામનો જપ કરતા રહો. તેનું ફળ અવશ્ય મળશે જ.

એક દંતકથા પ્રમાણે કાલુ માછલી સ્વાતિ નક્ષત્રમાં પડતા વરસાદના બિંદુઓ ઝીલી લે છે અને પછી તે સમુદ્રના તળિયે જતી રહે છે. ત્યાં સ્થિર થઈને મોતી તૈયાર કરે છે. એમ મંત્રદીક્ષા પછી સાધકે પોતાના હૃદયમાં સ્થિર થઈને મોતી તૈયાર કરવાની એટલે કે આત્મતત્ત્વને પ્રગટ કરવાની સાધના કરવાની છે. એ પ્રગટ થતાં મનુષ્યને અનંતજ્ઞાન, પરમશાંતિ, સહજ આનંદ અને અમૃતત્ત્વની પ્રાપ્તિ થાય છે. ગુરુએ આપેલા મંત્રનો જેટલો જપ વધારે કરવામાં આવે એટલું ડિવીડન્ડ વધારે મળે. રામકૃષ્ણ મિશનના એક વરિષ્ઠ સંન્યાસીએ એક યુવકને તેની મંત્રદીક્ષા પછી શુભેચ્છા પાઠવતા પત્રમાં લખ્યું હતું-

“Initiation! Opening a Bank account! So now the cheque book is with you. You can draw any amount of spirituality from shri Ramakrishna’s bank. But before you begin to withdraw, deposit love, faith, devotion.”

‘મંત્રદીક્ષા! બેંકમાં ખાતુ ખોલાવ્યું! હવે તો તમારી પાસે ચેકબુક આવી ગઈ. શ્રીરામકૃષ્ણદેવની બેંકમાંથી આધ્યાત્મિક ખજાનામાંથી તમે ગમે તેટલી આધ્યાત્મિકતા મેળવી શકો છો. પણ ઉપાડતાં પહેલાં જમા કરો-શ્રદ્ધા-ભક્તિ-પ્રેમ વગેરે જમા કરો.’ જેઓ સતત નામ જપ કરે છે, તેમની તો એટલી મોટી ડીપોઝીટ જમા થઈ જાય છે કે તેઓ ગમે તે ક્ષણે તે ઉપાડી શકે છે. પણ નામજપથી જ તેઓ એ કક્ષામાં આવી જાય છે કે એમને ક્યારે ય ડીપોઝીટ ઉપાડવાની જરૂર જ પડતી નથી! એ કક્ષા પ્રાપ્ત કરવા માટે સ્વામી બ્રહ્માનંદજી-શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ પરમાધ્યક્ષ કહે છે: ‘Let the wheel of the name of God go round and round amidst all the activities of life.’ જ્યારે બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે પણ પ્રભુના નામનું ચક્ર અવિરત ચાલતું રહે ત્યારે પછી તમામ બંધનો ઢીલાં થઈ જાય છે, જૂના સંસ્કારો નિર્મૂળ થઈ જાય છે, કર્મોનો પણ લોપ થઈ જાય છે, જીવનમુક્તની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેમાં પછી બધું જ ભગવાનના ધ્યાનરૂપ બની જાય છે.

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.